Lobhiyo - Children Stories | RekhtaGujarati

રેખ્તા ગુજરાતી ઉત્સવ - 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો

રજિસ્ટ્રેશન કરો

    એક ગામમાં એક માણસ રહે. ભારે લોભી. ચમડી તૂટે પણ દમડી ન છૂટે. એક વાર તે બજારમાં નાળિયેર લેવા નીકળ્યો. દુકાને જઈને તેણે પૂછ્યું, “ભાઈ, નાળિયેરનું શું લો છો?”

    “ચાર આના.” દુકાનદારે કહ્યું.

    લોભિયો પૂછે, “બે આને ન મળે?”

    “મળશે, આગળ જાઓ.”

    લોભિયાભાઈ તો ચાલ્યા આગળ. જતાં જતાં બીજું ગામ આવ્યું. ત્યાં તેણે તપાસ કરી. “ભાઈ, નાળિયેરનં શું લો છો?”

    “બે આના.” દુકાનદારે કહ્યું.

    લોભિયાને થયું, ‘વાત તો સાચી, પણ એથી સસ્તું નહી મળે? લાવને પૂછી જાઉં.’

    “એક આને ન મળે?”

    “મળશે. આગળ જાઓ.”

    લોભિયાભાઈ તો આગળ ચાલ્યા. જતાં જતાં બીજું ગામ આવ્યું. ત્યાં તેણે તપાસ કરી. “ભાઈ, નાળિયેરનું શું લો છો?”

    “એક આનો.” દુકાનદારે કહ્યું.

    લોભિયાને થયું, ‘વાત તો સાચી. પણ એથી સસ્તું નહીં મળે? લાવને પૂછી જોઉં!’

    “બે પૈસે ન મળે?”

    “બે પૈસે શું? મફત પણ મળે.”

    “ક્યાં?”

    “ગામ બહાર વગડામાં ઝાડ છે. તે ઉપરથી પાડી લો તો મફત મળે.”

    લોભિયાભાઈ તો ઊપડ્યા. ગામ બહાર વગડામાં જઈને જુએ તો નાળિયેરીનાં ઝાડ જ ઝાડ.

    લોભિયો તો એક ઝાડ પર ચડવા મંડ્યો. મહામહેનતે છેક ઉપર પહોંચ્યો. પછી મોટું જોઈને એક નાળિયેર પકડી તોડવા ગયો. ત્યાં તો થડ ઉપરથી પગ વછૂટી ગયા. લોભિયાભાઈ નાળિયેરે લટકી રહ્યા. જીવ તાળવે ચોંટ્યો.

    એવામાં એક ઊંટવાળો ત્યાં થઈને જતો હતો. તેને જોઈને લોભિયાએ બૂમ પાડી, “ઓ ઊંટવાળા ભાઈ, ઓ ઊંટવાળા ભાઈ, જરા મને ઉતારી જજો.”

    ઊંટવાળાને દયા આવી. તેણે ઊંટ લાવીને નાળિયેરી તળે ઊભું રાખ્યું. પછી ઊંટ પર ઊભો થઈ તે લોભિયાના પગ નાળિયેરીએ ભરાવવા જતો હતો, ત્યાં ઊંટ ખસી ગયું. તે લોભિયાના પગે ટિંગાઈ ગયો. બન્ને જણા ખૂબ ગભરાવા લાગ્યા. જો લોભિયાએ નાળિયેર છોડી દીધું તો બન્ને નીચે પછડાઈને મરી જ જાય.

    ઊંટવાળો બોલ્યો, “એ ભાઈ, નાળિયર બરાબર પકડજો. હું તમને સો રૂપિયા આપીશ.”

    લોભિયો તો આ સાંભળીને ખુશ ખુશ થઈ ગયો.

    થોડી વારમાં ત્યાં થઈને એક ઘોડેસવાર નીકળ્યો. તેને જોઈને બન્ને જણે બૂમ પાડી,  “ઘોડાવાળા ભાઈ! ઘોડાવાળા ભાઈ! જરા અમને ઉતારતા જજો.”

    ઘોડાવાળાને દયા આવી. તેણે ઘોડાને નાળિયેરી નીચે ઊભો રાખ્યો. પછી ઘોડા ઉપર ઊભો રહીને તે ઊંટવાળાના પગ નાળિયેરીએ ભરાવવા જતો હતો ત્યાં ઘોડો ખસી ગયો. ઊંટવાળાને પગે ઘોડાવાળો લટકી ગયો. ત્રણે જણા લટક્યા! ઘોડાવાળાને પણ ચિંતા થવા લાગી. તેણે બૂમ પાડીને કહ્યું, “એ ભાઈ, નાળિયેર બરાબર પકડજો. હું તમને સો રૂપિયા આપીશ.”

    આ સાંભળીને લોભિયાનો હરખ તો માય નહીં. તે વિચાર કરવા લાગ્યો, “ઊંટવાળો સો રૂપિયા આપશે અને ઘોડાવાળો સો રૂપિયા આપશે. એટલે મારી પાસે તો બસો રૂપિયા થશે.” એમ કરીને તેણે આનંદમાં ને આનંદમાં હાથ પહોળા કર્યા. ત્રણે જણા ધુડૂમ દઈને નીચે પછડાયા. ઘોડાવાળાનો હાથ ભાંગ્યો. ઊંટવાળાનો પગ ભાંગ્યો અને લોભિયો તો એવો પછડાયો કે મરી જ ગયો.

સ્રોત

  • પુસ્તક : અમર બાલકથાઓ (પૃષ્ઠ ક્રમાંક 141)
  • સંપાદક : શ્રદ્ધા ત્રિવેદી
  • પ્રકાશક : આર.આર. શેઠ ઍન્ડ કંપની પ્રા. લિ.
  • વર્ષ : 2020