રેખ્તા ગુજરાતી ઉત્સવ - 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો
રજિસ્ટ્રેશન કરોસુંદરવનને છેડે એક મોટા વૃક્ષ પર એક પોપટે માળો બાંધ્યો હતો. આ પોપટનું નામ નીલ પોપટ હતું. એ પોપટ ખૂબ અભિમાની હતો. તેને તેના શરીરના સુંદર લીલા રંગનું અભિમાન હતું. પોતાની મીઠી વાણીનું અભિમાન હતું. સુંદર મજાની ચાંચનું અભિમાન હતું અને શક્તિશાળી પાંખનું અભિમાન હતું. એ અભિમાની હતો. સાથ ઈર્ષ્યાળુ પણ હતો. કોઈનું સુખ એનાથી ખમાતું નહીં. કોઈની સાચી સલાહ એને ગમતી નહીં. આ પોપટને માળો જે વૃક્ષ પર હતો તેની સામેના વૃક્ષ પર એક ચકલીએ માળો બાંધ્યો હતો. ચકલીનું નામ ચલુ ચકલી હતું. ચલુ ઘણી ડાહી અને સમજુ હતી. તે પોપટને ક્યારેક અદેખાઈ ન કરવા, બીજાને દુઃખી ન કરવા સમજાવતી. પોતાની શક્તિનો ગર્વ ન કરવા કહેતી પણ અભિમાની અને ઈર્ષ્યાળું પોપટ તેની વાતને હસી કાઢતો.
એક વાર તે ચલુ ચકલીએ બાજુના જામફળના ઝાડ પર ટીંગાતું રસદાર પાકું જામફળ જોયું. જામફળ હવાની લહેરખી સાથે ધીમેથી ડોલતું-ડોલતું ગીત ગણગણતું હતું.
હું છું સરસ મજાનું ફળ
મારું નામ જામફળ
હું છું સરસ મજાનું ફળ
રસભરેલું પાકું ફળ
હું છું સરસ મજાનું ફળ
મધમીઠું અમૃતફળ
જો કોઈ આરોગે મુજને
થાશે અંગેઅંગ સબળ.
ચલુ ચકલીએ જામફળને હરખાતું જોઈ પૂછ્યું : “કેમ ભાઈ! આજે તમે બહુ ખુશ છો?”
“તે ખુશ જ હોઉંને! જુઓ મારો રંગ, મારું રૂપ, કોઈને પણ ગમી જાય તેવાં છે ને!”
“હા, પણ તેથી તો જ કોઈ મનુષ્ય તમને જોશે તે તમને તોડીને લઈ જશે અને ખાઈ જશે.”
“હું કોઈ બીજાને આનંદ આપી શકીશ એટલે મારું જીવન સફળ થશે, ખરું ને ચલુબહેન!”
“હા. તમારી વાત ગંભીર છે પણ સમજવા જેવી તો છે.” ચલુએ કહ્યું.
ચલુ ચકલી અને જામફળની વાતચીત માળામાં બેઠલો નીલ પોપટ સાંભળતો હતો. તેને જામફળના આ આનંદની ઈર્ષ્યા આવી. તેને થયું એવું કંઈ કરવું જોઈએ કે જેથી જામફળનો આનંદ ઊડી જાય. એટલે એણે તરત એક યુક્તિ વિચારી કાઢી. એ તો માળામાંથી ઊડીને જામફળ લટકતું હતું તે ડાળી પર જઈને બેઠો. નીલ પોપટને જોતાં જ જામફળ ગાતું બંધ થઈ ગયું. પોપટ એથી રાજી થયો. એણે જામફળને કહ્યું :
“ભલે હરખાયે તું જમરૂખ
જો હું તને પમાડું દુઃખ
મારીશ મારી તીણી ચાંચ
લાવીશ તારા તનને આંચ.”
જામફળે કહ્યું : “ના ભાઈ ના, તું એવું ના કરીશ. મેં તારું કંઈ બગાડ્યું નથી, પછી તારે મને શા માટે ચાંચ મારવી જોઈએ?” પછી વિનંતી કરતાં કહ્યું :
“ભલા ભાઈ રે ઓ પોપટ
હું કહું તે સાંભળ ઝટપટ
પ્રભુએ આપી સુંદર ચાંચ
સદુપયોગ કર સાચેસાચ.”
પણ ઈર્ષ્યાળુ નીલ પોપટે એનું કંઈ સાંભળ્યું જ નહીં. ચલુ ચકલીએ કહ્યું : “નીલભાઈ! તમે જમરૂખ ખાતાં તો નથી, તો પછી ચાંચ મારીને તેને બગાડો છો શું કામ? તમે ચાંચ મારશો તો પછી એ કોઈને ખાવાલાયક પણ નહીં રહે, એનું જીવન નકામું થઈ જશે.”
“બેસ બેસ ચિબાવલી! તને ડહાપણ કરવા કોણે કહ્યું? એનું જીવન સુધરે કે બગડે મારે શું?”
“આપણે કોઈને સુખી ન કરી શકીએ તો કંઈ નહીં, પણ દુઃખી નહીં કરવા જોઈએ. કોઈને દુઃખી કરીએ તો તેનું પરિણામ સારું નહીં આવે નીલભાઈ!” ચલુએ પોપટને સમજાવતાં કહ્યું. પણ નીલ પોપટને ચલુની એ ડાહીડાહી વાત ગમી નહીં. એણે તો પોતાની ચાંચનો જોરદાર પ્રહાર જામફળ પર કરી જ દીધો. જામફળ દુઃખી-દુઃખી થઈ ગયું. અરેરે! હું કોઈના પણ ઉગયોગમાં ન આવ્યું. મારો જન્મ નકામો ગયો. હવે મારે જીવીને શું કામ? એમ કહીને તે રડવા લાગ્યું. જમરૂખીએ તેને સમજાવ્યું :
ઓ બેટા તું રડ નહીં
હમણાં નીચે પડ નહીં
અદેખા સાથે લડ નહીં,
નીચે જઈને સડ નહીં.
પણ દુઃખી થયેલ, ઘવાયેલા જામફળે તો નીચે પડતું જ મૂક્યું.
ઝાડ નીચે સુંદર સસલો આનંદથી રમતો હતો આ જમરૂખ તો ઝાડની ડાળી પરથી છૂટું પડી, એના પર જઈ પડ્યું.
સુંદર સસલો રમતો હતો
ખુશખુશાલ થઈ ગાતો હતો
પડ્યું જમરૂખ ટપ દઈ
સસલો ચોંક્યો ઝપ દઈ.
સસલો તો ગભરાયો. પછી એને ખ્યાલ આવ્યો કે આ તો જમરૂખ પડ્યું છે ઉપરથી. એટલે નાનકડા સસ્સાને આવ્યો ગુસ્સો. ગુસ્સામાં એ તો ઉતાવળે દોડ્યો. એને થયું હું જો કોઈના પર મારી ખીજ ઉતારું તો મારો ગુસ્સો શાંત થઈ જાય.
સસ્સારાણા સુંદર
મળ્યો માર્ગમાં ઉંદર
મારા માર્ગમાં બેઠો કેમ
ગુસ્સે થઈને બોલ્યો એમ.
સુંદર સસલાનો ગુસ્સો જોઈને ચું-ચું-ચું કરતો ઉંદર તો ભાગ્યો. પણ એટલામાં સસલાએ ભાગતા ઉંદરને બે-ચાર ગાળો દીધી અને એક થાપટ મારી દીધી. ઉંદર ઝડપથી દરમાં ભરાઈ ગયો. હવે સસલાનો ગુસ્સો તો ઉંદરને થાપટ મારવાથી શમી ગયો. તે શાંત પડી પાછો રમવા લાગ્યો.
ઉંદરને કારણ વિના સસલાનો મારા ખાવો પડ્યો. તેથી હવે તેને ગુસ્સો આવ્યો. હવે તેના મગજનો પારો આસમાને ગયો. ત્યાં એક મચ્છર ઊડતો ઊડતો આવ્યો. મચ્છર તો તેની ધૂનમાં ગણગણતો હતો અને ઘૂમતો હતો. ઉંદરે તેને ઉદ્દેશીને ગુસ્સામાં કહ્યું :
“નાનકડા મચ્છર તું સુન
કાનમાં કેમ કરે, ગુનગુન?
ઉતારીશ હું તારો તોર
પળમાં કરીશ હું સીધો દોર.”
પણ મચ્છર તો એની મસ્તીમાં ઘૂમતો હતો. એણે તો કશું સાંભળ્યું જ ન હતું. એટલે ગુસ્સે થયેલા ઉંદરે હવે પોતાની ખીજ તેના પર કાઢી.
ઉંદરે ઝટ મારી તરાપ
મચ્છરને તો થયો સંતાપ
ગુનગુન કરતો પડ્યો ઢળી
થયો મૂર્છિત તે પળમાં વળી.
મચ્છરને તરાપ મારવાથી ઉંદરની ખીજ નીકળી ગઈ. તેનો ગુસ્સો શાંત પડ્યો એટલે તે ફરીથી દરમાંથી બહાર ખોરાકની શોધમાં નીકળી પડ્યો.
થોડી વારે મચ્છરને કળ વળી એટલે તે જમીન પરથી ઊઠ્યો અને પાછો જેમતેમ કરીને ઊડવા લાગ્યો. ઉંદરે તેને કારણ વગર ઈજા પહોંચાડી હતી એટલે તેને ઉંદર પર ખૂબ ગુસ્સો આવ્યો. તે ઉંદરને શોધતો ફરવા લાગ્યો. પણ ઉંદર તો ઘણે દૂર ચાલ્યો ગયો હતો તે મચ્છરને હાથ લાગ્યો જ નહી.
મચ્છરે એટલામાં જોયું કે ઝાડ પર એક વાનરબાળ પૂંછડી લટકાવીને બેઠો છે એટલે એણે તો પોતાનો ગુસ્સો ઉતારવા ચટ દઈને વાનરની પૂંછડી નીચે ચટકો ભરી દીધો. ચટકો ભરતાંની સાથે એની ખીજ તો નીકળી ગઈ. એટલે એ તો ફરી પાછો ખુશખુશાલ થઈ ઊડતો-ઊડતો ત્યાંથી ચાલ્યો ગયો.
વાનરભાઈ તો અવળચંડા જ હોય. એને થયું.
પૂછ પર કોણે દીધો ચટકો
લાવ જોઉં હું વળીને વાંકો.
એટલે એણે તો ડાળી પર વાંકા વળીને જોવાની કોશિશ કરી. એની એ મૂર્ખતાને કારણે એણે સમતુલા ગુમાવી અને એ સીધો ગયો ડાળીએથી નીચે.
ઝાડ નીચે ઊભા હતા હાવલભાઈ હાથી. વાનરબાળ તો પડ્યો હાથીભાઈની પીઠ પર ધડામ દઈને. હાથીને પીઠ પર ખાસ્સું વાગ્યું. એટલે હવે એને આવ્યો ગુસ્સો. વાનરને ભૂલ સમજાતાં એ તો ઝટપટ ડાળ પકડીને કૂદકો મારી ઝાડ પર પાછો ચઢી ગયો. હાથીએ જોયું કે વાંદરો પોતાની પીઠ પર કૂદકો મારીને પાછો ઝાડ પર ચઢી ગયો છે એટલે વાનરને પકડવા એણે તો સૂંઢ ઊંચી કરી અને ઝાડની ડાળી પકડી લીધી. પણ વાંદરો કંઈ એમ હાથમાં આવે હાથીએ ગુસ્સે થઈ ઝાડની એ ડાળીને ખેંચીને તોડી નાખી. વાનરબાળ ઉપલી ડાળીએ બેસી ખિખિયાટા કરવા લાગ્યો. મચ્છરના ચટકાને હવે તે ભૂલી ગયો હતો. હાથી પોતાને પકડવામાં નિષ્ફળ ગયો તેનો તેને આનંદ હતો પણ હાથી હજુ ગુસ્સામાં હતો. એનો ગુસ્સો હજુ ઊતર્યો ન હતો. એણે તો જોર કરીને બીજી-ત્રીજી એમ ચાર-પાંચ ડાળીઓ તોડીને પોતાના ગુસ્સાને ઉતાર્યો. વાનર તો ઠેકડા મારતો એક ઝાડ પરથી બીજા ઝાડ પર એમ ઘણે દૂર ચાલ્યો ગયો. તે હાથીના હાથમાં ન આવ્યો. ઝાડની ડાળીઓ તોડીને પગેથી કચડીને હાથીએ પોતાનો ગુસ્સો શમાવ્યો તે પછી તે ત્યાંથી ચાલ્યો ગયો. ચલુ ચકલી આ બધું જોતી ઝાડ પર બેઠી હતી.
થોડી વારે નીલ પોપટ આવ્યો. જોયું તો જે ઝાડ પર તેનો માળો બાંધેલો હતો તે ઝાડની ઘણીબધી ડાળીઓ તૂટેલી નીચે પડી હતી. અને તેમાં તેનો આખો માળો પણ તૂટી પડ્યો હતો. તે તો પોતાના માળાની અવદશા જોઈ રડવા લાગ્યો. અરેરે! મેં તો કેવો ઊંચે સરસ મજાનો માળો બાંધ્યો હતો અને કોઈએ તોડી પાડ્યો, એટલામાં એણે ચલુ ચકલીને જોઈ પૂછ્યું : “ચલુબહેન! તમને ખબર છે મારો માળો કોણે તોડ્યો?”
“હા, નીલભાઈ! હું અહીં જ હતી. તમારો માળો હાવલ હાથીએ તોડ્યો તે મને ખબર છે.”
“પણ કંઈ કારણ?”
“તે તો તમે તેને જ પૂછો તો ખબર પડે” ચલુએ કહ્યું એટલે નીલ પોપટ તો હાવલ હાથી પાસે ગયો. આજે નીલ પોપટને પાઠ ભણાવવાનો સરસ મોકો છે જાણી ચલુ ચકલી તેની સાથે ગઈ. થોડે દૂર હાવલ હાથી મસ્તીમાં સૂંઢક હલાવતો ઊભો હતો તેને જોઈ નીલ પોપટે પૂછ્યું :
“તમને ખબર છે –
તમે તોડી વૃક્ષની ડાળો
તેમાં મારો તૂટ્યો માળો”
હાવલે કહ્યું : “અરેરે બહુ ખોટું થયું પણ મેં કંઈ જાણીજોઈને માળો તોડ્યો નથી. પણ
પીઠ પર પડ્યો વાનરબાળ
ગુસ્સે થઈ મેં તોડી ડાળ.”
હાથીએ ડાળી તોડી તેનું કારણ વાનરબાળ છે જાણીને નીલ પોપટ તે વાનરબાળને શોધવા લાગ્યો. થોડી વારે તેને વીસરા વાનરનો તે બાળ મળી આવ્યો એટલે એણે તેને પૂછ્યું : “અલ્યા વાનર! તેં હાથીની પીઠ પર કૂદકો કેમ માર્યો?
તેં કૂદકો માર્યો સફાળો
હાથીએ તોડી વૃક્ષની ડાળો
તેમાં મારો તૂટ્યો માળો.”
વીસરા વાનરના બાળે જવાબમાં કહ્યું :
મચ્છરે મને દીધો ચટકો
તેથી મેં માર્યો તો ઝટકો
સમતુલા મેં ખોઈ સટાક
પીઠ પર પડ્યો જઈ ફટાક”
વાનરબાળના કૂદકાનું રહસ્ય મળ્યું મચ્છરે ચટકો માર્યો તેથી વાનરબાળ હાથી પર ગબડ્યો. હાથીએ વાનરને પકડવા ડાળ તોડી અને તેથી માળો તૂટ્યો. નીલ પોપટ અને ચલુ ચકલી હવે મચ્છરને શોધવા નીકળ્યા. થોડી વારે મચ્છર મળ્યો. નીલ પોપટે પૂછ્યું :
“મચ્છર અલ્યા વટનો કટકો
વાનરને ભર્યો કાં ચટકો?
તેં ચટકો ભર્યો ખીજાળો
વાનરે કૂદકો માર્યો સફાળો
હાથીએ તોડી વૃક્ષની ડાળો
તેમાં મારો તૂટ્યો માળો.”
મચ્છરે જવાબમાં કહ્યું :
પોપટભાઈ! એમાં મારો ન વાંક
ઉંદરે વાળ્યો આડો આંક
મારી પંજો મને કર્યો ચિત
તેથી તરત હું થયો મૂર્છિત.”
“અચ્છા એમ વાત છે. તો ચાલ ઉંદરને પૂછીએ. નીલ પોપટ અને ચલુ ચકલી ચાલ્યાં ઉંદર પાસે. ઉંદર તેના દરમાં જ હતો. નીલ પોપટે કહ્યું :
“ઉંદરભાઈ વાહ વાહ બહાદુર
મચ્છરને માર્યાનું શૂર
મચ્છરનો ના વાંક ખચિત
કર્યો તમે તેને કાં મૂર્છિત?”
પોપટની વાત સાંભળી ઉંદરે દરની બહાર ડોકું કાઢ્યું. જોયું તો નીલ પોપટ અને ચલુ ચકલી. તેણે કહ્યું : “ઓહો! તમે બંને છો. આવો. આવો.”
“અમે અત્યારે ઉતાવળમાં છીએ. અમારે એ જાણવું છે કે તમે મચ્છરને કેમ માર્યો?”
“અરે ભાઈ! હું ગમે તે કરું તેમાં તમારે શી પંચાત?” ઉંદરે પૂછ્યું.
“અમારે નિસ્બત છે એટલે જ તો પૂછું છું, કારણ કે
તમે માર્યો મચ્છર કાળો
મચ્છરે ચટકો ભર્યો ખીજાળો
વાનરે કૂદકો માર્યો સફાળો
હાથીએ તોડી વૃક્ષની ડાળો
તેમાં મારો તૂટ્યો માળો.”
“ઓહો એમ વાત છે” ઉંદરે કહ્યું પછી ઉમેર્યું :
“મચ્છરનો ના વાંક જરી
ખીજ મેં ઉતારી ખરી
સસલો પેલો સુંદર રૂપાળો
તેણે મને દીધી બહુ ગાળો
પગ પર મારી ઠેંસ મને
કીધો નરમઘેંસ મને.”
“ત્યારે આ બધી દુર્ઘટનાનું મૂળ છે સસ્સારાણા શાણા. એમ જ ને? ચાલો તેની પાસે જઈએ અને કારણ જાણી લઈએ.” બંને ઊડતાં-ઊંડતાં સસલા પાસે આવ્યાં. પોપટે કહ્યું : “ઓ શાણા સસલા સુંદરભાઈ! બહાર આવો, અમારે તમને પૂછવું છે.” સસ્સારાણા ઠસ્સાથી બહાર આવ્યા, બોલ્યા, “કહો, શું પૂછવું છે?” નીલ પોપટે પૂછ્યું :
“સસ્સારાણા સુંદર
તમે માર્યો કેમ ઉંદર?”
સસલાએ રાજાશાહી ઠાઠથી પૂછ્યું : “ભાઈ! હું ગમે તે કરું તેમાં તમારે શું?”
“અમારે નિસ્બત છે એટલે પૂછીએ છીએ” ચલુ ચકલીએ કહ્યું.
નીલ પોપટ બોલ્યો :
“સસ્સારાણો સુંદર રૂપાળો
તમે દીધી ઉંદરને ગાળો
ઉંદરે માર્યો મચ્છર કાળો
મચ્છરે ચટકો ભર્યો ખીજાળો
વાનરે કૂદકો માર્યો સફાળો
હાથીએ તોડી વૃક્ષની ડાળો
તેમાં મારો તૂટ્યો માળો.”
“ઓહો! આમ વાત છે! પણ એમાં હું શું કરું? હું તો વૃક્ષ નીચે મસ્તીથી રમતો હતો. નાચતો અને ગાતો હતો :
ત્યાં પડ્યું જમરૂખ ટપ દઈ
ચોંક્યો હું તો ઝપ દઈ
થઈ ગયો ત્યાં ગોટાળો
પડ્યું જામફળ અહીં ભાળો.
જુઓ આ રહ્યું એ જામફળ. એમ કહીને સુંદર સસલાએ તે જામફળ બતાવ્યું. જામફળ ત્યાં વીલે મોઢે પડ્યું હતું. તે જોઈને ચલુ ચકલી બોલી ઊઠી : “જુઓ, જુઓ નીલભાઈ! આ એ જ જામફળ છે ને, જેને તમે ચાંચ મારી દુઃખી કર્યું હતું? જુઓ હજુ તે અહીં પડ્યું છે.” નીલ પોપટ શું બોલે? એનો બધો ગર્વ, એની ઉદ્ધતાઈ, એની ઈર્ષ્યા – એ બધાનું તો આ પરિણામ હતું. એની આંખમાંથી પસ્તાવાનાં આંસુ સરવા લાગ્યાં. થોડી વારે સ્વસ્થ થઈ તેણે કહ્યું : “ચલુબહેને! તમે સાચું જ કહેતાં હતાં આપણે કોઈને દુઃખી કરીએ તો આપણે દુઃખી થવું પડે. મેં જામફળની ખુશી છીનવી લીધી ન હોત તો એ નીચે સસલા પર ન પડત, સસલો ઉંદરને ન મારત. ઉંદર મચ્છરને ન મારત, મચ્છર વાનરને ચટકો ન ભરત, વાનર હાથી પર ન પડત અને હાથી વૃક્ષની ડાળો ન તોડત તો મારો માળો ના તૂટત. મારે તો હાથનાં કર્યાં હૈયે વાગ્યાં.”
“નીલભાઈ! હવે આમાંથી બોધપાઠ લઈ બીજાનું બૂરું કરતાં ભૂલી જજો. ભલું કરશો તો ભલું થશે તમારું.”
“હા ચલુબહેન! તારી વાત મને મારા અનુભવે બરાબર સમજાય છે.”
ચલુ ચકલીએ તે પછી તેનાં બચ્ચાંને આ આખી વાત વિગતવાર સમજાવી અને સાચી શીખ આપી. ચલુ પોતાનાં બચ્ચાંઓને વાત બરાબર યાદ રહે તે માટે રોજ તેમની પાસે ગવરાવતી :
“નીલ પોપટ આ અટકચાળો
તેણે કીધો બહુ ગોટાળો
ચાંચ મારી ચૂંથ્યા જામફળો
વર્તાવ્યો ત્યહં કેર કાળો.
જામફળ તૂટ્યું છોડી ડાળો
સસલા પર પડ્યું તે ભાળો
સસ્સારાણો સુંદર રૂપાળો
તેણે દીધી ઉંદરને ગાળો
ઉંદરે માર્યો મચ્છર કાળો
મચ્છરે ચટકો ભર્યો ખીજાળો
વાનરે કૂદકો માર્યો સફાળો
હાથીએ તોડી વૃક્ષની ડાળો
તેથી તૂટ્યો નીલનો માળો
બૂરું કામ કરવાનું ટાળો
ભલું કરો, સહુનું ભલું ભાળો.”
સ્રોત
- પુસ્તક : અરુણિકા દરૂની શ્રેષ્ઠ બાળવાર્તાઓ (પૃષ્ઠ ક્રમાંક 25)
- સંપાદક : યશવન્ત મહેતા, શ્રદ્ધા ત્રિવેદી
- પ્રકાશક : ગૂર્જર ગ્રંથરત્ન કાર્યાલય
- વર્ષ : 2013