
રામજીની વાડીએ બેઠો બેઠો ઠીંગુ ઠળિયો વિચારતો હતો, “ ‘લ્યા, શું બનું? શું બનું?” તેવામાં “શું રમું? શુ રમું?” કરતું પીંગુ પતંગિયું ત્યાં આવી લાગ્યું. “ચાલને ઠીંગુ, કંઈ રમીએ. હું શોધું, તું સંતા.”
“એ ભલે, ભલે, ભલે...!”
ઠીંગુ ઠળિયો ઊછળી પડ્યો. પીંગુ પતંગિયાએ આંખો મીંચી દીધી, “એક... બે... ત્રણ... ચાર... પાંચ...”
ઓહોહો, કરતોકને ઠીંગુ ઠળિયો ભાગ્યો. ભાગતાં ભાગતાં મળ્યો કાંચડો.
“કાચંડાભાઈ, કાચંડાભાઈ, મારે બહુ ઘાઈ, મારે બહુ ઘાઈ, મને સંતાડો!”
કાંચડો કહે : “રૂપ બદલ, રંગ બદલ, તારું અંગેઅંગ બદલ.”
પણ રંગ તે કંઈ બદલાય? ઠીંગું આગળ આગળ ભાગ્યો. ભાગતાં ભાગતાં મળી ઇયળ.
“ઇયળબાઈ ઇયળબાઈ, મારે બહુ ઘાઈ, મારે બહુ ઘાઈ, મને સંતાડો!”
ઇયળ કહે, “રેશમ ઓઢો, ઠીંગુભાઈ! પ્રેમથી પોઢો, ઠીંગુભાઈ!”
પણ કાળકોટડીમાં કોઈ પુરાય? ઠીંગુ આગળ આગળ ભાગ્યો. ભાગતાં ભાગતાં મળ્યો કાનખજૂરિયો.
“કાનખજૂરિયાભાઈ, કાનખજૂરિયાભાઈ, મારે બહુ ઘાઈ, મારે બહુ ઘાઈ, મને સંતાડો!”
કાનખજૂરિયો અટક્યો નહીં : આટલા બધા પગને રોકવા કેમ? કહેવા લાગ્યો : “સાંભળવા ક્યાં બેસું, ભાઈ? કહે તો કાનમાં પેસું, ભાઈ!”
ઠીંગુ કાનનો કાચો નહોતો. આગળ આગળ ભાગ્યો. ભાગતાં ભાગતાં મળી ગઈ માટી, લાલચટાક અને પોચીપટાક. ઠેકડો મારીને ઠીંગુ ઠળિયો અંદર પેઠો.
“...છ ...સાત ...આઠ ...નવ ...દસ!” પીંગુ પતંગિયાએ આંખો ખોલી. પાંખો ખોલી.
ઠળિયા ઠીંગુ, ઊભો રહેજે! કાચા લીંબુ, ઊભો રહેજે! આવ્યો પીંગુ, ઊભો રહેજે!
પવન-પાવડીએ બેસીને પંગુ પતંગિયું તો ઊપડ્યું.
કાચંડાભાઈ, ઠીંગુ ક્યાં? ખબર નથી, ભાઈ, ખબર નથી!
ઇયળબાઈ, ઠીંગુ ક્યાં? ખબર નથી, ભાઈ, ખબર નથી!
કાનખજૂરિયા, ઠીંગુ ક્યાં? ખબર નથી, ભાઈ, ખબર નથી!
તેવામાં કડડડ... ભૂસ! કરતોકને વરસાદ તૂટી પડ્યો. પીંગુ પતંગિયું સાવ નિરાશ. આવામાં ક્યાં શોધું ઠીંગુ ઠળિયાને? ત્યાં તો માટીમાંથી કૂંપળે લીલુંછમ ડોકિયું કર્યું. પીંગુ પતંગિયું પહેલાં તો એને ઓળખી જ ન શક્યું. પણ પછી તેણે બૂમ પાડી દીધી, “ઠીંગુ ઠળિયાનો થપ્પો!”



સ્રોત
- પુસ્તક : ઉદયન ઠક્કરની મનપસંદ બાળવાર્તાઓ (પૃષ્ઠ ક્રમાંક 13)
- સંપાદક : સાંકળચંદ પટેલ
- પ્રકાશક : રન્નાદે પ્રકાશન
- વર્ષ : 2012