Undar-Billini Ramat! - Children Stories | RekhtaGujarati

રેખ્તા ગુજરાતી ઉત્સવ - 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો

રજિસ્ટ્રેશન કરો

ઊંદર-બિલ્લીની રમત!

Undar-Billini Ramat!

પ્રભુલાલ દોશી પ્રભુલાલ દોશી
ઊંદર-બિલ્લીની રમત!
પ્રભુલાલ દોશી

    ચુંચું અને મુંચું નામના બે ઊંદર હતા. તે કાનજી પટેલના મકાનમાં રહેતા હતા. કાનજી પટેલ ખેતીનું કામ કરતા હતા, એટલે તેમના ઘરમાં ઘઉં, બાજરી, જુવાર, ચણા, મગ એવાં જાતજાતનાં અનાજ આ બંને ઊંદરડાને સારી રીતે ખાવા મળતાં હતાં.

    ચુંચું  અને મુંચું આમ તો ડાહ્યા હતા. બંને ખાઈપીને શાંતિથી રહેતા હતા અને ઘરમાં કશો બગાડ કરતા ન હતા. બંને ખાઈને રમ્યા કરતા હતા.

    એક વખત દિવાળીનો તહેવાર આવ્યો. તે દિવસે કાનજી પટેલના ઘરના બધા જ માણસો સવારમાં વહેલા ઊઠીને દેવદર્શન કરવા ગયા, એટલે ચુંચું અને મુંચું ઘરમાં સાવ એકલા પડ્યા. આથી ચુંચુંને એક વિચાર આવ્યો. તેણે મુંચુંને કહ્યું,

આજે આપણે છીએ એકલા,
ઘરમાં બીજું કોઈ નથી;
સાથે મળીને ચાલો રમીએ,
આજે આપણે ઊંદર-બિલ્લી.

    આ સાંભળીને મુંચુંએ કહ્યું, ‘આપણે ઊંદર તો છીએ જ, પછી ઉંદર-બિલાડીની રમત કેમ રમવાની?’

    ‘આપણા બેમાંથી એક, એટલે કે તું, ઊંદર બનશે અને બીજો હું, બિલાડી બનીશ. તારે દરમાં સંતાઈને, મને જોઈને ‘ચું ચું’ બોલવાનું, પછી હું ઊંદરને બિલાડી શોધતી હોય તેમ તને શોધતા-શોધતા ‘મ્યાઉં-મ્યાંઉં’ બોલીશ અને તને શોધવા ચારે બાજુએ ફરીશ. જો તું મારા હાથે પકડાઈ જશે, તો તું હારી ગયો ગણાઈશ અને જો હું તને પકડી ન શકું તો હું હારી ગયો ગણાઈશ.’ ચુંચુંએ કહ્યું.

    ચુંચું અને મુંચું આ વાતો કરતા હતા, ત્યારે તેમની વાતો ઘરના છાપરા ઉપર બેઠી-બેઠી બાંકું બિલાડી સાંભળી ગઈ.

    તેમની વાતોમાં શરૂઆતમાં બિલાડી કશું સમજી નહીં, પરંતુ તેને આટલી તો ખબર પડી કે નીચે ઘરમાં બે ઊંદરડાં કંઈક વાતો કરે છે. કેટલીક વાર પછી તેને તેમની વાત સમજાણી.

    તે ગુપચુપ છાપરા ઉપરથી નીચે ઊતરીને ઘરમાં આવવા લાગી, ત્યાં તો પેલો મુંચું ઊંદર દરમાં સંતાઈ રહીને ‘ચું ચું’ બોલ્યો.

    હવે ‘મ્યાંઉં-મ્યાંઉં’ બોલવાનો વારો ચુંચું ઊંદરનો હતો. પરંતુ તે કશું બોલે તે પહેલા તો, ઊંદરનો અવાજ સાંભળીને ‘મ્યાંઉં-મ્યાંઉં’ બોલવાની ટેવવાળી બાંકું બિલાડી ‘મ્યાંઉં-મ્યાંઉં’ બોલી ઊઠી.

    બિલાડીનો અવાજ ઊંદરના અવાજ કરતાં મોટો હોય છે. આ અવાજ કાને પડતાં જ ચુંચું અને મુંચું બંને ચમક્યા. ઊંદર-બિલાડીની રમત રમતાં ખોટી બિલાડીના બદલે સાચી બિલાડીનો ‘મ્યાંઉં-મ્યાંઉં’ અવાજ સાંભળતાં જ ચુંચું ડરી ગયો ને દરમાં દૂર-દૂર જઈને સંતાયો. દરમાં બેસીને તે ‘મ્યાંઉં-મ્યાંઉં’ બોલવા તો ગયો, પરંતુ બીકના કારણે તેના મોઢામાંથી ‘ચું ચું’ અવાજ જ નીકળ્યો.

    હવે ચુંચું તરફથી ‘મ્યાંઉં-મ્યાંઉં’નો અવાજ આવ્યો નહિ. એટલે મુંચું ચેતી ગયો અને જ્યાં સંતાયો હતો, ત્યાંથી બહાર નીકળ્યો જ નહિ.

     બાંકું બિલાડીએ ઊંદરો બહાર આવે તેની ઘણી વાર સુધી મૂંગા-મૂંગા બેસીને રાહ જોઈ, પરંતુ બેમાંથી એક પણ ઊંદર બહાર નીકળ્યો નહીં. છેવટે થાકીને, કંટાળીને તે બીજો શિકાર શોધવા ચાલી ગઈ.

    ચુંચુંને મુંચું ઊંદર-બિલાડીની ખોટી ખોટી રમત રમવા ગયા, પણ રમત તો સાચી જ રમાઈ ગઈ!

    ચુંચું ઊંદર ‘મ્યાંઉં-મ્યાંઉં’ બોલી શક્યો નહિ તેના કારણે બંને ઊંદરો બચી ગયા.

સ્રોત

  • પુસ્તક : પ્રભુલાલ દોશીની શ્રેષ્ઠ બાળવાર્તાઓ (પૃષ્ઠ ક્રમાંક 70)
  • સંપાદક : યશવન્ત મહેતા, શ્રદ્ધા ત્રિવેદી
  • પ્રકાશક : ગૂર્જર ગ્રંથરત્ન કાર્યાલય
  • વર્ષ : 2013