રેખ્તા ગુજરાતી ઉત્સવ - 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો
રજિસ્ટ્રેશન કરોએક હતું ખેતર. આકાર એનો લંબચોરસ. તેને ચાર ખૂણા. દરેક ખૂણામાં એકે-એક ઝાડ અને એક-એક ઘર.
ઇશાન ખૂણામાં લીમડાનું ઝાડ. તેના થડ નીચે કૂતરો રહે. મોતિયો એનું નામ. અગ્નિ ખૂણામાં સરગવાનું ઝાડ. તેની નીચે મરઘીબાઈ રહે. નામ એનું મોંઘી નૈર્ઋત્ય ખૂણામાં ગુંદાનું ઝાડ. તેની બખોલમાં શિયાળ રહે. જગલો એનું નામ. વાયવ્ય ખૂણામાં આમલીનું ઝાડ. તેની પર એક બગલો રહે. એનું નામ દીપુ.
એક જ ખેતરમાં રહે, એટલે ચારે એકબીજાનાં પડોશી ગણાય. મોતિયો મોંઘીને ઘેર જાય, તો જગલો દીપુને ઘેર અવારનવાર બેસવા આવે. ઘણી વાર ચારે જણ એકને ત્યાં ભેગાં થઈ મંડળી જમાવે. સુખદુઃખની વાતો કરે.
આ ચારેમાં જગલા શિયાળને એક બૂરી આદત. કામનો તે ભારે આળસુ. ખાવા પૂરતી પણ મહેનત ન કરે. ભૂખ લાગે એટલે ગમે તે પડોશીને ત્યાં પહોંચી જાય. કંઈ ને કંઈ ઉછીનું લઈ આવે. પડોશીના હિસાબે ત્રણે જણ જગલાને ઉછીનું આપે પણ ખરાં. પરંતુ સાથેસાથે ટકોર પણ કરે, ‘જગલાભાઈ, તમારી ટેવ સારી ન કહેવાય.’
‘કઈ ટેવ?’ જગલો જાણીજોઈને પૂછે.
આમ ઉછીનું માગવાની.’
‘ઉછીનું માગું છું, કંઈ ભીખ તો નથી માગતો ને? સગવડ થયે તમને તમારી દરેક ચીજ પાછી મળી જશે.’
પણ જગલાભાઈ કદી ઉછીની ચીજ પાછી આપે નહિ. ઘણી વાર તો જગલાભાઈ પડોશીના ઘેર જ જમી લેતા. ત્રણે પડોશીઓ જગલાના આવા સ્વભાવથી કંટાળી ગયેલા.
એક સમયની વાત છે. જગલો એકલો દૂરદૂર ફરવા ગયો હતો. ત્રણે મિત્રો મોતિયાના ઘેર ભેગા થયા. ત્રણે જણા જગલાની જ ચર્ચા કરવા બેઠા.
મોતિયો બોલ્યો : ‘જગલાને ઉછીનું માગવાની આદત પડી ગઈ છે. હું તો ત્રાસી ગયો છું એનાથી.’
એટલે મોંઘી કહે : ‘થાય છે કે એક વાર મોઢે ચડીને ના પાડી દઉં. પણ શું થાય? પડોશી હારે કોણ ઝઘડા કરે?’
દીપુ બગલો બોલ્યો : ‘પડોશમાં રહેવું ને ઝઘડવું તે ઠીક ન કહેવાય.’
‘પણ આમાં ઝઘડવાની વાત જ ક્યાં છે?’ મોતિયાએ કહ્યું.
આ સાંભળી દીપુ કહે : ‘કેમ વળી? જગલાને ચીજ ન આપીએ એટલે ઝઘડો તો થાય જ ને?’
મોતિયાએ મુદ્દાની વાત કરતાં કહ્યું : ‘મારું માનો તો જગલાને આજથી એકે ચીજ ન આપીએ.’
‘તો તે વધુ ખિજાશે.’ દીપુ બોલ્યો.
મોંઘીએ વળી નવી વાત કરી : ‘મારું માનો તો એક કામ કરીએ.’
મોતિયો અને દીપુ સાથે બોલ્યા : ‘શું?’
મોંઘીએ બંનેને પોતાની યોજના સમજાવી. યોજના સરસ હતી. બધાંને તે ગમી ગઈ. ત્રણે રાજી થતાં ઘેર ગયાં.
મોડી સાંજે રખડીને જગલો ઘેર આવ્યો. તેને રાંધવાની ચિંતા જ ક્યાં હતી? તેને તો એમ હતું કે ગમે તે પડોશીના ઘેર પહોંચી જઈશું ને તૈયાર માલ લઈ આવીશું. મોજમજાથી ખાઈશું. ને પછી લહેરથી સૂઈ જઈશું.
જગલો ઘેર આવ્યો છે, તેથી ખબર ત્રણે મિત્રોને પડી ગઈ. ત્રણે જણ એ આવે તેની જ રાહ જોતાં બેઠાં હતાં.
જગલાએ ઘર ઉઘાડ્યું. થોડી વારમાં મોંઘી આવી.
‘જગલાભાઈ, શું કરો છો? આવું કે ?’
‘કોણ? મોંઘી તું? આવ બેન આવ.’ જગલાએ આવકાર આપ્યો.
‘જગલાભાઈ, આજ મારે તમારું કામ પડ્યું છે.’
‘શું? બોલ ને બેન? તારું કામ કરવા હરહંમેશ તૈયાર જ છું.’
‘ભાઈ, આજે હું બહાર ગઈ હતી. એટલે મેં કશું રાંધ્યું નથી. તમે કંઈ બનાવ્યું હોય તો આપો ને?’
‘મોંઘીબેન, મારી પણ એ જ હાલત છે. મેંય કશું રાંધ્યું નથી.’ જગલો હળવેથી બોલ્યો.
‘ભલે, તો હું દીપુને ત્યાં જઈશ.’ મોંઘી જવા જાય છે ત્યાં તો દીપુ આવી પહોંચ્યો.
‘કોને ત્યાં જવાની વાત ચાલે છે?’ દીપુ બોલ્યો.
‘કોણ? દીપુ? આવ ભાઈ, તારે ત્યાં અમે આવતાં હતાં.’ જગલાએ કહ્યું.
‘શા માટે?’ દીપુએ પૂછ્યું.
'જુઓને ભાઈ, હું જરૂરી કામે બહાર ગયો હતો. મોંઘી પણ હમણાં જ આવી. અમે કશું રાંધ્યું નથી એટલે વિચાર કર્યો કે દીપુને ત્યાં જઈએ.’ જગલાએ સમજ પાડી.
આ સાંભળી દીપુ બોલ્યો : ‘જગલાભાઈ, હું પણ બહાર ફરવા ગયેલો. તમારે ત્યાં હું ઉછીનું ખાવાનું લેવા જ આવ્યો છું... પણ હવે શું?’
જગલા પાસે આનો જવાબ તૈયાર જ હતો. તે બોલ્યો : ‘દીપુ, ચિંતા ન કરીશ. આપણે સૌ મોતિયાને ઘેર જઈએ. એ ઘરે જ હશે. રસોઈ પણ તૈયાર જ હશે.’
મોંઘી કહે : ‘હા, હા. તો તો ઝટ ચાલો.’
બધાં ઘરની બહાર નીકળવાની તૈયારી કરતાં હતાં, ત્યાં તો આંગણામાં જ મોતિયો સામે મળ્યો. ને કેમ ન મળે? તે ક્યારનો છુપાઈને વાત સાંભળતો હતો.
મોતિયાને જોતાં જ જગલાના પેટમાં ફાળ પડી. મોતિયો મારે ત્યાં કેમ આવ્યો હશે? શું એ મને ખાવાનું નિમંત્રણ પાઠવવા આવ્યો હશે?
ત્રણેને સાથે જોતાં જ મોતિયો બોલ્યો : ‘ત્રણેની ટોળકી ક્યાં ઊપડી?’
‘મોતિયાભાઈ, તમારે ત્યાં...’ મોંઘી બોલી.
‘મારે ત્યાં? શીદ કામે?’
‘જમવા માટે.’ મોંઘી ફોડ પાડ્યો.
‘જમવા માટે?’ મોતિયો નવાઈ પામ્યો, ‘મેં તો કોઈને નિમંત્રણ પાઠવ્યું નથી. મારે કંઈ પ્રસંગ થોડો છે?’
‘પ્રસંગ તો નથી પણ શું થાય?’ જગલાએ સમજ પાડી. ‘મોતિયાભાઈ, અમે ત્રણે હમણાં જ બહારથી આવ્યાં. અમને થાક પણ ખૂબ લાગ્યો છે. એટલે ક્યારે રસોઈ કરીએ ને ક્યારે જમીએ? તેથી વિચાર કર્યો કે મોતિયાભાઈને ત્યાં જઈએ.’
જગલાની વાત સાંભળી મોતિયો બોલ્યો : ‘જગલાભાઈ, મારું પણ તમારા જેવું જ છે. હુંય બહાર ગયો હતો. તેથી તો તમારે ઘેર આવ્યો છું.’
જગલાભાઈ તો પૂરેપૂરા ફસાયા. હવે શું થાય?
ત્રણે પડોશીઓ જગલાને ઘેર જ રોકાઈ ગયા.
થોડી વાર બાદ મોતિયો કહે : ‘જગલાભાઈ, હવે તો એમ જ કરીએ. તમારે ત્યાં જ ઉજાણી ગોઠવી દઈએ.’
આ સાંભળી જગલો તાડુક્યો, ‘ઉજાણી?’
દીપુ કહે, ‘કેમ? ઉજાણી નહિ થાય?’
‘મારા ઘરમાં કશું જ નથી. પછી ખાઈશું શું? હા, એક કામ કરો તો ઉજાણી ગોઠવીએ.’
ત્રણે મિત્રોને થયું કે જગલો ઉજાણી કરવા તૈયાર થયો છે તો થોડો સાથ-સહકાર આપવો જોઈ.
‘ક્યું કામ, જગલાભાઈ?’ મોંઘી બોલી.
‘તમે સૌ તમારા ઘરેથી અનાજ-પાણી લઈ આવો. તો હું રાંધું ને તમને જમાડું...’
જગલાની આવી લુચ્ચાઈભરી વાત સાંભળીને ત્રણે ચમક્યાં. જગલાને ઉછીનું માગવાની ટેવ હતી. આ કુટેવ ભુલાવવા ત્રણેએ સાથે મળીને દાવ રચ્યો હતો, પણ હજીતો જગલો ઉછીનું માગી રહ્યો હતો.
પણ મોતિયો તેનાથીય વધારે ચાલાક હતો. તે બોલ્યો, ‘જગલાભાઈ, શું ઘરમાં કશું જ નથી?’
‘ના મોતિયાભાઈ, ઘરમાં કોઠાર ખાલીખમ છે.’
‘ચાલ, અમને જોવા દે.’ કહી મોતિયો આગળ થયો. તેની પાછળ-પાછળ મોંઘી ને દીપુ પણ જોડાયાં. આ જોઈ જગલો અકળાયો. તે આગળ વધીને બધાંને વારતો રહ્યો, પણ ત્રણે જણ ન રોકાયાં.
ત્રણે અંદર ગયા. કોઠાર ખોલીને જોયા. બધા કોઠાર છલોછોલ ભર્યા હતા. જે-જે ચીજ જગલો ઉછીની લઈ ગયો હતો, તે બધી ચીજો જગલાના ઘરમાં હતી.
જગલો ભોંઠો પડ્યો. તેની પોલ ઉઘાડી પડી ગઈ. હવે તેનું એક પણ બહાનું ચાલે તેમ ન હતું. તેનું માથું શરમથી ઝૂકી ગયું. તેણે ત્રણે મિત્રોની માફી માગી ને હવે પછી તે આવું નહિ કરે તેની ખાતરી આપી.
આ સાંભળી ત્રણે પાડોશીઓ ખુશ થયા. તેમણે જગલાને માફ કરી દીધો. એટલું જ નહિ પણ પોતપોતાના ઘરેથી ખાવાની ચીજો લઈ આવ્યા. જગલાને ભરપેટ જમાડ્યો.
આ પ્રસંગ પછી જગલો સુધરી ગયો. ચારેય મિત્રો સારા પડોશી બનીને રહેવા લાગ્યા.
- (‘પિંકીની દાબડી’માંથી)
સ્રોત
- પુસ્તક : નટવર પટેલની શ્રેષ્ઠ બાળવાર્તાઓ (પૃષ્ઠ ક્રમાંક 87)
- સંપાદક : યશવન્ત મહેતા, શ્રદ્ધા ત્રિવેદી
- પ્રકાશક : ગૂર્જર ગ્રંથરત્ન કાર્યાલય
- વર્ષ : 2023