Tekri Parnu Zaad - Children Stories | RekhtaGujarati

ટેકરી પરનું ઝાડ

Tekri Parnu Zaad

રમેશ ત્રિવેદી રમેશ ત્રિવેદી
ટેકરી પરનું ઝાડ
રમેશ ત્રિવેદી

                એક ટેકરી હતી. ટેકરી પર ઝાડ. ચારે બાજુ પથ્થરો, ના કોઈ આવે કે ના કોઈ જાય. ઝાડને સાવ એકલું-એકલું લાગે. આકાશમાં પંખી ઊડે, ને ઝાડને ય ઊડવાનું મન થાય. પણ ઊડવા માટે પાંખો લાવવી ક્યાંથી?

 

                એક વાર દૂરથી હંસ ઊડીને આવ્યો.

 

                હંસને જોઈ ઝાડ તો રાજીરાજી થઈ ગયું.

 

                હંસ કહે : ‘ઝાડભાઈ, મારે આજનો દિવસ રહેવું છે, રહું?’

 

                ઝાડ બોલ્યું : ‘અરે! જેટલું રહેવું હોય તેટલું રહો, મને તો કોઈ મળવા આવે એટલે બહુ જ ગમે!’

 

                હંસે આંખો મીંચી, ઝાડે ડાળીઓ હલાવી, ઠંડો પવન આવ્યો. હંસ સૂઈ ગયો. મોડેથી હંસ જાગ્યો. એ કહે : ‘થૅન્ક યુ!’

 

                ઝાડને કંઈ સમજાયું નહિ. એ હસવા લાગ્યું હંસ કહે :

 

                ‘ઝાડભાઈ, હું થોડો સમય પ્રાણી-સંગ્રહાલયમાં રહી આવ્યો છું. મને જોઈ લોકો ખુશ થતાં. હું ડોક હલાવી એમને ગમ્મત કરાવું, ને એ કહેતા : ‘થૅન્ક યુ!’ પછી હું લાગ જોઈ ભાગ્યો ને મારા બીજા મિત્રોને મળ્યો. અમે ઊડીને એક જંગલમાં ગયા, સરોવરમાં રહેવા લાગ્યા... ઓહ!...’

 

               ‘કેમ ચીસ પાડી હંસબાઈ?’: ઝાડ તરત બોલ્યું.

 

                હંસ કહે : મને થોડું વાગ્યું છે!’

 

                ‘શું વાગ્યું છે?’ – ઝાડે પૂછી નાંખ્યું.

 

                હંસ કહે : ‘અમે તો હિમાલયમાં રહીએ છીએ.’

 

                ઝાડ બોલ્યું : ‘હિમાલય કેવો છે?’

 

                હંસ કહે : ‘ઊંચો...આકાશે અડે એવડો મોટો પહાડ છે. ત્યાં બરફ છે. શિયાળામાં અમે નીચે આવીએ. સરોવર કિનારે રહીએ. કોઈ વાર ત્યાં શિકારી આવે. શિકારી બંદૂકની ગોળી છોડે... કે તીર મારે!...’

 

                ઝાડ કહે : ‘બાપ રે! તો તો મરીય જવાય!’

 

                હંસ કહે : ‘હા, એક શિકારીએ મારા બે મિત્રોને ઘાયલ કર્યા છે. હુંય જીવ લઈને ભાગી છૂટ્યો છું.’

 

                ‘બહુ વાગ્યું છે તમને?’ ઝાડ બોલ્યું.

 

                ‘ના રે ના, રસ્તામાં એક બે વાર પાણીથી પાંખો ધોઈ નાંખી. હવે તો ઘણું સારું છે.’ – હંસ આટલું બોલીને ઊડ્યો. ઝાડ તો જોતું જ રહ્યું. હંસ ખાસ્સી વારે પાછો ફર્યો. કહે : ‘તરસ લાગી હતી, પાણી પી આવ્યો તળાવે જઈને.’

 

                ઝાડ ચૂપચાપ જોઈ રહ્યું.

 

                હંસ કહે : ‘તમે તળાવ જોયું છે? ઝાડભાઈ?’

 

                ઝાડ કહે : ‘ના!’

 

                હંસ કહે : ‘તો તો તમે સરોવર,નદી, ઝરણાં કે દરિયો કશું જ નહિ જોયું હોય, ખરું ને?’

 

                ઝાડ કહે : ‘ક્યાંથી જોયું હોય? ટેકરી પરથી ખસાય તો ને?...’

 

                હંસ કહે : ‘પણ ઝાડભાઈ, તમારે તો ભૈ, અહીં ઘણી નિરાંત છે હો!’

 

                ઝાડ કહે : ‘શાની નિરાંત?’

 

                હંસ કહે : ‘અહીં તો કોઈ કઠિયારો જ ક્યાં આવે છે? ...હેં,... જંગલમાં જેમ અમને શિકારીની બીક તેમ ઝાડને કઠિયારાની બીક...’

 

                ઝાડ કહે : ‘કઠિયાર ઝાડને કાપી નાંખે?’

 

                હંસ કહે : ‘હા, એ લોકો ચોરી-છૂપીથી આવે, ને ઝાડનાં ઝાડ કાપીને લાકડાં લઈ જાય! બોલો!’

 

                ઝાડ તો હંસની વાત સાંભળી વિચારમાં પડી ગયું.

 

                હંસ ઊડ્યો. એ ઊડતાં-ઊડતાં કહે :

 

                ‘ઝાડભાઈ, હું આવું છું હોં...’

 

                ઝાડ રોવા જેવું થઈ ગયું. એ કહે : ‘ક્યાં ચાલ્યા હંસભાઈ?’

 

                હંસ કહે : ‘હું મારા દોસ્તોની ખબર-અંતર પૂછી આવું, બને તો તેમને ય સાથે લેતો આવું છું હોં...’

 

                ‘પણ આવશો તો ખરા ને...?’ ઝાડ રડી પડ્યું.

 

                ‘હા, જરૂર આવીશ, અમે તો બોલ્યા એટલે પાળી બતાવવાના, સમજ્યાને!’

 

                અને હંસ તો જોતજોતામાં દૂર દૂર પહોંચી ગયો.

 

                ઝાડ તો પાછું એકલું પડી ગયું.

 

                ટેકરી પર ના કોઈ ઢોર આવે, કે ના આવે કોઈ માણસ. જ્યાં જુઓ ત્યાં પથ્થર જ પથ્થર. કોઈ વાર સમડી, કે કાગડા આવે, ને ઊડી જાય. હવે ઝાડ તો બિચારું રાત-દહાડો જાગે, ને હંસની કાગડોળે રાહ જુએ.

 

                એક વહેલી સવારે ભારે અચરજ થયું!

 

                એકને બદલે ત્રણ ત્રણ હંસ!!!

 

                ઝાડ તો હંસોને જોઈ હરખાઈ ઊઠ્યું, મનમાં કહેવા લાગ્યું : ‘હંસે બોલેલું વચન પાળી બતાવ્યું તો ખરું હોં!

 

                હંસ કહે : ‘ઝાડભાઈ, મને આવતાં ઘણા દિવસ થયા, ખરું ને?’

 

                ઝાડ કહે : ‘હા, આટલા બધા દહાડા કેમ લાગ્યા?’

 

                હંસ કહે : ‘આ મારા મિત્રો બંદૂકની ગોળીએથી ઘવાયા હતા એ ઊડી શકે તેમ નહોતા...’

 

                ઝાડ કહે : ‘પછી શુ કર્યું?’

 

                હંસ કહે : ‘હું જંગલમાંથી જડી-બુટ્ટી શોધીને લઈ આવ્યો. બંનેના ઘા પર જડી-બુટ્ટી લગાવી દીધી, થોડા દહાડામાં તો ઘા રુઝાઈ ગયા. ઘા રુઝાયા કે તરત અમે ઊડ્યા, ને ઊડ્યા કે તમારી સામે હાજર!

 

                ઝાડ હરખાઈ ઊઠ્યું.

 

                હંસ તો રોજરોજ ઝાડને ગીતો સંભળાવે.

 

                પહાડનાં ગીતો, ઝાડનાં ગીતો, નદી ને ખીણનાં ગીતો, હરણાં ને ઝરણાનાં ગીતો, સાગર ને સરોવરોનાં ગીતો...

 

                ઝાડ તો આંખો મીંચીને ગીતો સાંભળ્યા કરે, ને મનમાં મલકાયા કરે. પછી હંસોએ એક છેલ્લું – ગીત ગાયું :

 

ઊંચું ઊંચું તાડ છે, મસ્ત-મજાનું ઝાડ છે!
આભે અડતો પહાડ છે, મસ્ત-મજાનું ઝાડ છે!
ના કોઈ એને વાડ છે, મસ્ત-મજાનું ઝાડ છે!
ચાંદ-સૂરજના લાડ છે,. મસ્તમજાનું ઝાડ છે!

 

                ઝાડ તો ઊંઘતું રહ્યું ને એક દિવસ હંસ તો ઊડી ગયા. ઝાડ જાગ્યું. જાગીને જુએ તો હંસો ના મળે! હવે? આ વખતે ઝાડ રોયું નહિ. એ કહે : ‘ભલે ને હંસ જતા રહ્યા, એમનાં ગીતો તો મને યાદ છે ને! હું એમનાં ગીતો ગાઈશ, મને હવે કલું એકલું નહિ લાગે હા...!’

 

                ઝાડ તો પછી રાત-દહાડો ગીતો ગાય છે :

 

નદી-સરોવર પાળે ઊડીએ,
પહાડ-ખીણને ઢાળે ઊડીએ.
સાગરકાંઠે જઈને ઊડીએ,
ગીત મજાનાં ગાઈને ઊડીએ!

સ્રોત

  • પુસ્તક : રમેશ ત્રિવેદીની શ્રેષ્ઠ બાળવાર્તાઓ (પૃષ્ઠ ક્રમાંક 64)
  • સંપાદક : યશવન્ત મહેતા, શ્રદ્ધા ત્રિવેદી
  • પ્રકાશક : ગૂર્જર ગ્રંથરત્ન કાર્યાલય
  • વર્ષ : 2014