રેખ્તા ગુજરાતી ઉત્સવ - 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો
રજિસ્ટ્રેશન કરોએક વાર નાનકડા તનીને લઈને તેનાં મમ્મી-પપ્પા મેળામાં ગયાં હતાં. મેળામાં તની તો ચકડોળમાં બેઠો, વળી બંદૂક વડે તાકીને ફુગ્ગાઓ ફોડ્યા ને સરસ-મીઠો શેરડીનો રસ પણ પીધો. તનીભાઈને ન કોઈ ભાઈ કે ન કોઈ બહેન! મમ્મી-પપ્પાને એ બહુ લાડકો! તની જે માંગે તે બધું અપાવે. તની પછી તો મેળામાંથી રમકડાં લેવાનું ચૂકે? તેણે તો ખાસ્સાં મજાનાં આઠ-દસ રમકડાં ખરીદ્યાં. એક ઢીંગલી હતી. તેનું બટન દબાવો એટલે તે આંખ ઉઘાડ-બંધ કરે ને પાછી ચક્કર ચક્કર ફરે! એમાં એક એવો ઉંદર હતો કે ચાવી આપો એટલે દોડે. વળી ચાંપ દબાવો કે સલામ કરે તેવો સૈનિક પણ હતો. ને પૂંછડી ને સૂંઢ ઊંચી-નીચી કરતો એક હાથીયે હતો. એ રમકડાંમાં કૂદકા મારતા વાનરભાઈ પણ ખરા ને ટહુકા કરતાં કોયલરાણીયે ખરાં! તની તો આવાં સરસ રમકડાં લઈ ખુશ-ખુશાલ! પછી તો તની વારેવારે આ રમકડાંનો દરબાર ભરીને બેસે. હવે તો તનીને મજા જ મજા થઈ ગઈ! તની આમ તો ઘણો ડાહ્યો પણ ક્યારે એનું છટકે તે કહેવાય નહીં. મિજાજ તો બાર ખાંડીનો! મનગમતું ના થાય કે વીફરે! મમ્મી સાથેય ઝઘડે ને રમકડાંય પછાડે! ધડ ધડ દઈને રમકડાં ફેંકી દેતાંય તેને વાર ન લાગે!
તનીની પોળમાં બીજાંયે છોકરા-છોકરીઓ રહે દીપક, નીપા, રંજન, હંસા, વિપુલ વગેરે; તની પોતાનાં રમકડાંની બધાં પાસે બહુ ડંફાસ મારે! બધાંને થાય કે આપણે એ રમકડાં જોવાં જ પડશે. સૌ તનીને એનાં રમકડાં બતાવવા કહે પણ તની માને જ નહીં. ‘ના, હોં! તમે કેવાં છો? આ નીપાનો હાથ તો જુઓ! મારાં રમકડાં એમ ગમે તેને ના બતાવું.’
એક વાર તની એનાં રમકડાં જોડે રમતો હતો. શું થયું તે ચાવી ભરતાં જ વાનરભાઈ તો એકદમ કૂદ્યા. તનીને તો ચઢી ખીજ. વાનરભાઈને પકડ્યા ને જોરથી ફંગોળ્યા. બીજાં રમકડાં તો એ જોઈ સડક જ થઈ ગયાં! ઢીંગલી તો મનમાં ફફડી જ ગઈ બાપડી! બધાંને થાય : ‘આજે આ વાનરને ફંગોળ્યો તો કાલે આપણનેયે ફંગોળે. આ તનીનો તે શો ભરોસો?’ બિચારા વાનરભાઈ! એમનો તો એક પગ લગભગ તૂટી ગયો હતો! તની તો વાનરને ફંગોળીને ગુસ્સામાં ને ગુસ્સામાં ગયો. તની ગયો કે ઢીંગલી, કોયલ, ઉંદર, સૈનિક સૌ વાનરની આસપાસ ટોળે વળ્યાં. વાનરભાઈના વાગેલા પગે એવું દુઃખે કે ઊંહકારા ભરે! કોયલરાણીએ કોમળ અવાજે પૂછ્યું : ‘વાનરભાઈ બહુ દુઃખે છે?’ વાનરભાઈએ તો માંડ માંડ માથું હલાવી હા પાડી. ઢીંગલીબહેન સૈનિકને કહે : ‘આમ બંદૂક લઈને આંટાફેરા કરો છો ને રોફ મારો છો, તો આપણા આ વાનરભાઈને બચાવ્યા કેમ નહીં? તની આગળ તો સાવ ઢીલાઢફ થઈ જાઓ છો. શું કરવાની આ બંદૂકને?’ સૈનિકભાઈ તો નીચી મૂડીએ સાંભળી જ રહ્યા! પણ થોડી જ વારમાં જોશમાં આવી ગયા. કહે : ‘જુઓ! તમે બધાં મારી એક વાત સાંભળો. આ તનીને આપણે બરોબરનો પાઠ ભણાવવો જોઈએ. તે આપણને આમતેમ ફંગોળે તે કેમ ચાલે?’
ઉંદરમામા કહે : ‘કઈ રીતે પાઠ ભણાવીએ? મને ઘણીયે વાર થાય છે કે આ તનીની આંગળીએ કરડી લઉં. મારી પૂંછડી પકડીને એ કેવો ગોળગોળ ફેરવે છે! મારા શરીરની નસેનસ ખેંચાઈ જાય છે; પણ શું કરું? મને કંઈ સૂઝતું નથી. હું તો રહ્યો સાવ ટચૂકડો. આ આપણા મસમોટા હાથીભાઈ કંઈક રસ્તો કાઢે તો છે. તેમની આંખ ભલે ઝીણી હોય, પણ માથું કેટલું મોટું છે? તે બુદ્ધિએ એટલી હશે જ ને! કોઈ રસ્તો કાઢો ને, હાથીભાઈ.’ હાથીબાઈ કહે : ‘હજાર રસ્તા છે. પણ હાલ તો આ એક જ રસ્તો છે. તે તમે અજમાવો, તની સીધોદોર થઈ જશે. એ બહુ મિજાજ કરે છે ને, એના ફુગ્ગાની બધી હવા ફૂસ થઈ જશે. આપણી સાથે સરખી રીતે વર્તતો નથી, તો પાડી દો હડતાળ! એ શેર તો આપણે સવા શેર!’
બધાં રમકડાં એક સાથે બોલ્યાં : ‘હડતાળ! એ વળી શું?’ હાથીભાઈ કહે, ‘સમજાવું. હડતાળ એટવે એવું કે તમે જે કરો છો તે નહીં કરવાનું. એ ગમે તેટલી વાર બટન દબાવે નહીં હાલવા-ચાલવાનું, નહીં બોલવા-કરવાનું. કોઈએ કશુંય નહીં કરવાનું; સાવ મૂંગામંતર થઈ જવાનું.’
‘એવું તો કરીશું. એ તો સરસ!’ બધાં બોલી ઊઠ્યાં. ‘પણ જો, સાથે એ પણ ધ્યાનમાં રાખવું. જે આપણી સાથે સારી રીતે વર્તે તેની સાથે આપણેય જરૂર સારી રીતે વર્તવાનું. પણ આપણી સાથે ખરાબ રીતે વર્તનાર આ તની સાથે તો નહીં જ સારા થવાનું.’ બધાંને હાથીભાઈની વાત ગળે ઊતરી ગઈ.
ત્યાં તો એકદમ કોલાહલ થયો. પાંચ-સાત છોકરાંઓની ટોળી આવતી હતી. તની કહે : ‘ના, તમને રમકડાં નહીં બતાવું.’ પણ કોઈ માને જ નહીં. ‘કેમ ના પાડે છે? અમારે ઘેર અમારાં રમકડાં તો રમે છે. જે તો તારાં રમકડાં જોવાં જ છે. બતાડ, બસ બતાડ.’ ને એમ ટોળી આવી તનીના ઘરમાં. હાથીભાઈએ પાછી સૂંઢ હલાવતાં કહ્યું : ‘જુઓ, જુઓ, પેલાં છોકરાંઓની ટોળી આપણી બાજુ જ આવતી લાગે છે. પણ બધાંને યાદ છે ને! કોઈએ કશું કરવાનું નહીં! સૌએ પાડવાની છે...’ ‘હડતાળ! અમે સમજી ગયાં.’ બધાં બોલ્યાં. એટલામાં ટોળી આવી ગઈ રમકડાં પાસે. તની કહે : ‘જુઓ! તમારાં કરતાં મારાં રમકડાં તો બહુ સરસ છે. આવી ઢીંગલી ને સૈનિક તો કોઈ પાસે નહીં હોય! તમે બધાં આમ થોડી જગ્યા રાખી બેસો.’ એવું કહી તેણે બધાં રમકડાં હારબંધ ગોઠવ્યાં. બધાં છોકરાં એમને વીંટળાઈને બેઠાં. નાનકડી નીપા ઉંદરની પૂંછડીને જરાક અડકવા ગઈ તો તની એકદમ ગિન્નાયો ને તોછડાઈથી કહે : ‘એય નીપાડી! ખબરદાર, એમ મારાં રમકડાંને અડકી તો!’ નીપા તો બાપડી એકદમ ભોંઠી પડી ગઈ ને સાવ ઉદાસ થઈ ગઈ. તનીએ વાનરને લઈને જરા જોરથી મૂક્યો. સાલા લંગડિયા! કૂદજે બરાબર! બધાં જરા દૂર ખસો હમણાં આ લંગડિયો કૂદકા મારશે.’ બધાં જરા દૂર ખસ્યાં ને વાનર તરફ જોઈ જ રહ્યાં. તનીએ ચાંપ દબાવી. પણ... વાનર તો ના હાલે કે ચાલે! તની કહેતો હતો : ‘બધાં દૂર રહેજો. કોઈ રમકડાંને અડકશો નહીં.’ બધાં એકીટશે વાનર સામે જોઈને બેસી રહ્યાં.
પણ આ શું? વાનરભાઈ તો ચૂપ! તનીએ એને જરા ઠમઠોર્યો. પણ વાનરભાઈ તો રસ્તાના રોડા જેવા સ્થિર જ! તની કહે : ‘સાલો! નખરાં કરે છે! સાવ નક્કામો થઈ ગયો છે. લાવો ઢીંગલી!’ કહી તેણે ઢીંગલી હાથમાં લીધી ને વાનરને દૂર હડસેલી દીધો. ઢીંગલીની સામું જઈ તની કહે : ‘હવે તું સરખી રીતે ફરવાની છે કે નખરાં કરવાની છે? જો સરકી રીતે આંખ બંધ-ઉઘાડ ન કરે તો ફેંકી જ દઈશ, બારીબહાર; સમજી!’ ને તેણે ઢીંગલીનું બટન દબાવ્યું. પણ આ શું? ઢીંગલી પણ ના હાલે કે ચાલે! ના મટમટાવે આંખ કે ના ફરે ચકરડી! તની તો એનો ખિજાયો કે એને લગાવી લાત ને હડસેલી ખૂણામાં. ‘હરામી, આય હવે નક્કામી થઈ ગઈ છે! કશું જ કહ્યું નથી કરતી.’ કહી તેણે હાથી હાથમાં લીધો. ચાંપ દબાવી. તો એય ન સૂંઢ હલાવે કે ન પૂંછડી! આમ બધાં રમકડાં કંઈ કહેતાં કંઈ ન કરે! તની તો એવો અકળાય એવો અકળાય કે વાત ન પૂછો! એ જોઈ પેલા વાનરભાઈ પગ દુઃખતો હતો તોય દાંત કાઢવા લાગ્યા!
દીપક કહે : ‘તની, તું તો કહેતો હતો ને કે તારાં રમકડાં અમારાં બધાંનાં કરતાં બહુ સરસ છે. પણ આ તો...’
તની હવે ખરેખરનો છંછેડાયો. ખીજમાં ને ખીજમાં તેણે ઉંદરની પૂંછડી આમળી તેને ખેંચવા લાગ્યો. તે જોઈ નીપા બોલી : ‘તનીભાઈ! એમ ન કરો. બિચારા ઉંદરને દુઃખશે.’ પણ અત્યારે તની ખૂબ ખિજાયો હતો. ત્યાં હંસાએ ડરની મારી બાજુમાં બેઠેલી કોયલને શરીરે હળવેથી હથ ફેરવ્યો ને બોલી : ‘કેવી મીઠડી લાગે છે આ કોયલ! કેવો કાળો ચમકતો રંગ છે એનો!’ ને તેણે ધીમેથી બટન દબાવ્યું. તો કોયલ તો ‘કૂહુ’ ‘કૂહું’ ટહુકવા લાગી. બધાં છોકરાં ખુશ ખુશ થઈ ગયાં. તનીની આંખો તો ચાર થઈ ગઈ!
થોડી વારે કોયલનું કૂજન બંધ થયું. તનીએ એનું બટન દબાવ્યું; તો કોયલરાણી તો ચડીચૂપ! દીપકે હાથીના શરીરે પંપાળ્યું; સૂંઢ પર પ્રેમથી હાથ ફેરવ્યો. ને બટન દબાવ્યું. તો હાથીભાઈ સૂંઢ ઝુલાવવા લાગ્યા ને પૂંછડી હલાવવા લાગ્યા. બધાં છોકરાંઓ કિલકિલારીઓ કરવા લાગ્યાં, તાળીઓ પાડવા લાગ્યાં. તનીનેય આ ગમ્યું. થોડી વારે હાથીએ સૂંઢ હલાવવી બંધ કરી. એટલે તનીએ બટન દબાવ્યું. તો હાથીભાઈ તો ઠીકરા જેવા ઠંડા! ના હાલે કે ચાલે! તની તો મનમાં બહુ મૂંઝાયો : ‘આ લોકો બટન દબાવે છે તો રમકડાં કામ કરે રમે. ને હું બટન દબાવું તો નહીં. આમ કેમ?’
થોડી વારે બધાં છોકરાંઓ જવા માંડ્યાં. દીપક કહે : ‘તની! તારો આ સૈનિક તો બહુ ફાંકડો છે હોં! સૈનિકદાદા! તમને મારી સલામ!’ હંસા કોયલને કહે : ‘અલી મીઠડી! ફરી આવું ત્યારે આવં જ મીઠું મીઠું બોલજે, હોં!’ રંજન ઢીંગલીને કહે : ‘ઓ બચુડી! તારી ફેરફુદરડી તો કહેવી પડે ભાઈ! ને વાહ તારી આંખ!’ તેણે બટન દબાવ્યું તો ઢીંગલી તો આંખો ઉઘાડબંધ કરવા લાગી ને પાછી ગોળ ગોળ ફરવાયે લાગી! પછી ‘આવજો’ ‘આવજો’ કહી સૌ ગયાં.
તની એકલો જ ત્યાં રહ્યો. તે રમકડાં સામું જોઈ જ રહ્યું. તેને થાય : ‘આ રમકડાં મારાં ને તોય મારું જ રહ્યું ના માને ને પેલાં બધાંનું માને! આમ કેમ?’
ત્યાં તો તનીનાં મમ્મી બહારથી આવ્યાં. તેમના પગે કંઈક અથડાયું. જોયું તો વાનર! ‘અરે તની! આ વાંદરો અહીં કેમ? ને આ શું? નો પગ તો જો! કેવો વળી ગયો છે? તેં એને ફેંક્યો હતો કે શું?’
‘હા મમ્મી! આ વાનર ને આ ઢીંગલી... આ બધાં બહુ ખરાબ છે. મારા દોસ્તો પાસે મને ખોટો પાડે છે! મેં બટન દબાવ્યું તો કોઈએ કશુંયે ના કર્યું ને પેલી હંસા ને રંજને બટન દબાવ્યાં તો આ કોયલ ‘કૂહુ’ ‘કૂહું’ કરવા લાગી ને પેલી ઢીંગલી ફરવા લાગી!’
મમ્મી કહે ‘તો એમ વાત છે. હવે પહેલાં તો આ વાંદરાનો પગ સરખો કરવા દે.’ મમ્મીએ પછી વાંદરાનો પગ વ્યવસ્થિત કર્યો. તેને માથે હાથ ફેરવ્યો. પછી ચાંપ દબાવી. તો વાનર કૂદવા લાગ્યો.
મમ્મી : ‘તની! કંઈ સમજ પડી?’
તની : ‘ના.’
મમ્મી : ‘સાંભળ! તું તોફાન કરે ને હું માર્યા જ કરું તો તને ગમે?’
તની : ‘ના. મને તું માર માર કરે તો જરાયે ના ગમે.’
મમ્મી : ‘તો તની! આ તારાં રમકડાં તો ઘણી વાર કશુંય તોફાન કરતાં હોતાં નથી તોય તું એમને પછાડે છે. તે તેમને કેવી રીતે ગમે? એ તને ના પજવતાં હોય તોય તું ફંગોળે. તો બિચારાં તેય અકળાય ને! તું તેમની સાથે સારી રીતે વર્તશે તો તેય તારી સાથે રમશે. અખતરો કરી જો.’
તની : ‘હા, હવે સમજાયું. પેલી હંસાએ કોયલને વહાલ કરેલું, તેનાં વખાણ કરતી હતી; તેથી કોયલ ગાતી હતી... ને...’
તેણે તરત વાનરને કહ્યું : ‘સૉરી, વાંદરાભાઈ, સૉરી!’ ને પછી તેણે બધાં રમકડાંની માફી માંગી : ‘હવે હું તમને નહીં પજવું. તમને સરસ રીતે રાખીશ. આજે તમે આરામ કરો આજે તમારે રજા! હવે આપણે કાલે રમીશું, હોં!’ કહી તેણે બધાં રમકડાંને સરસ રીતે ગોઠવી દીધાં.
બીજા દિવસે સવારે ઊઠીને તેણે રમકડાંને કહ્યું : ‘ગુડ મૉર્નિંગ!’
આ પછીથી જ્યારે જ્યારે તની બટન દબાવે કે તરત જ વાનર કૂદે, ઢીંગલી આંખો બંધ-ઉઘાડ કરે ને ગોળ ગોળ ઘૂમે, ચાંપ દબાવે કે સૈનિક સલામ ભરે, હાથી સૂંઢ અને પૂંછડી હલાવે ને ચાવી અપાય કે ઉંદર દોટમદોટ કરે! તનીનાં રમકડાંએ એ પછી ક્યારેય હડતાળ પાડી નથી. જેવો તની તેવાં એનાં રમકડાં! તની હવે રમકડાંને સરસ રીતે રાખે છે તો રકમડાં સરસ રીતે રમે છે! તની સાથે મોજથી મસ્તી કરે છે!
તમારાં રમકડાં શું કરે છે? રાજી થઈને રમે છે ને?
સ્રોત
- પુસ્તક : શ્રદ્ધા ત્રિવેદીની શ્રેષ્ઠ બાળવાર્તાઓ (પૃષ્ઠ ક્રમાંક 139)
- સંપાદક : યશવન્ત મહેતા, શ્રદ્ધા ત્રિવેદી
- પ્રકાશક : ગૂર્જર ગ્રંથરત્ન કાર્યાલય
- વર્ષ : 2022