રેખ્તા ગુજરાતી ઉત્સવ - 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો
રજિસ્ટ્રેશન કરોએક હતી કીડી.
એને ચાલવાની બહુ ટેવ. એક વાર નાગજીભાઈની ગાડી ઘૂ....મ કરતી પસાર થઈ. એ રસ્તા પર તો ઠેર-ઠેર કાદવ જામ્યો હતો. એ કાદવના છાંટા કીડીને ચારેતરફ ફર...ર...ર કરતા ઊડ્યા. કીડી પગથી માથા સુધી કાદવથી ભરાઈ ગઈ. કીડીને થયું કે હવે નાહવું પડશે. આખા શરીરને ઘસી-ઘસીને સાફ કરવું પડશે. એ તો નદી તરફ વળી ગઈ.
કીડીને આમેય નદીમાં નાહવાનું બહુ ગમે. નદીમાં ધુબાકા મારવાનો એને બહુ આનંદ આવે. એ તો ટગુમગુ ચાલતાં-ચાલતાં ગાવા લાગી :
‘નદીયે નાહવા જઈશ
ચોખ્ખી-ચોખ્ખી થઈશ.’
રસ્તામાં એક ખાબોચિયું આવ્યું. એમાં એક કીડીબાઈ છબછબિયાં કરતાં હતાં. ધબાધબ કપડાં ધોતાં હતાં. કીડી અને તરત ઓળખી ગઈ. ખાબોચિયામાંથી કીડીબાઈએ કહ્યું : ‘કેમ, ક્યાં ચાલ્યાં?’
‘હું તો જાઉં છું નદીએ નાહવા. જુઓને, હું કેટલી ગંદી થઈ ગઈ છું.’ કીડીએ જવાબ આપ્યો.
કીડીબાઈ તરત બોલ્યાં : ‘તે અહીં નાહી લો ને! હું તો રોજ અહીં જ નાહવા આવું છું. નદીમાં તો કેટલું બધું પાણી હોય! ઊંડાં પાણીમાં ક્યાંક ડૂબી જવાય તો?’
કીડી કહે : ‘ના....રે, ના બાઈ, આ ખાબોચિયામાં કોણ નહાય? પાણી પણ કેવું ડહોળાયેલું છે. નદીનું પાણી તો ચોખ્ખું કાચ જેવું, વહેતું ને વળી ધસમસતું. મને તો એવા પાણીમાં નાહવાનું ખૂબ ગમે.’ આમ કહીને કીડીએ ફરી લલકાર્યું :
‘નદીયે નહાવા જઈશ
ચોખ્ખી ચોખ્ખી થઈશ.’
કીડી તો નદી તરફ ચાલતી થઈ. નદીકિનારે ઠંડો પવન વાતો હતો. એનાં ધસમસતાં પાણીનો અવાજ કીડીને તો બહુ ગમ્યો. નદીના વહેતાં પાણીમાં એણે તો ઝબ્બ... દઈને પગને ઝબોળ્યા : ‘અહા! કેટલું ઠંડું-ઠંડું પાણી! થોડી વાર તો કીડીને ટાઢ ચડી ગઈ, પણ મજા યે બહુ આવતી હતી. બેય હાથથી પાણી લઈ એ તો ચારેતરફ ઉડાડવા માંડી. નાચતી જાય, પાણીને ઉડાડતી જાય ને એક-એક ટીપે નાહતી જાય, પણ કીડીને આટલાથી સંતોષ ન થયો. એને લાગ્યું કે હજુ સહેજ આગળ પાણીમાં જઈને નાહવું જોઈએ. ધરાઈને ડૂબકીઓ મારવી જોઈએ. તે ગઈ એ તો આગળ. આગળ તો ખૂબ ઊંડું પાણી હતું. તે કીડી તો માંડી તણાવા. જાય આગળ... જાય આગળ...
કીડીના મોંમાં પણ પાણી ઘૂસી ગયું. એ તો ડબક... ડબક ડૂબકાં ખાવા લાગી. આંખે હવે અંધારાં આવતાં હતાં. આટ-આટલા પાણીમાંથી કેમ ઊગરવું? એમ વિચારતી કીડીને સામી બાજુએથી એક દેડકાભાઈ તરતા આવતા દેખાયા. કીડી તો રાજીના રેડ. દેડકાભાઈ જેવા એમની પાસેથી પસાર થયા કે કીડીએ હતું એટલું બળ અજમાવી છલાંગ લગાવી. જોયું તો પોતે દેડકાભાઈની પીઠ પર.... કીડીને હાશ થઈ.
હજુ તો કીડીનો શ્વાસ હેઠો બેસે એ પહેલાં દેડકાભાઈ કોઈ જીવડાને પકડવા ઊંડા પાણીમાં દોડ્યા... પીઠ પર લાં...બા પગ કરીને બેઠેલી કીડી તો લપસી ગઈ અને પાણીમાં ફરી તણાવા લાગી. કીડીએ દેડકાભાઈને બે-ચાર સાદ પણ પાડ્યા, પણ નદીના આટલા અવાજમાં એ સાંભળે જ શાના? કીડીને થયું કે હવે તો આ પાણી મને તાણી જ જવાનું. તે છતાં એ હિંમત હારી નહીં. હાથપગને હલાવતી જાય. ડૂબકાં ખાતી જાય ને થોડું-થોડું પાણી પીતી જાય. આજુબાજુ જોતી પણ જાય.
કીડીના નસીબ બહુ સારાં તે સામેથી એક મસમોટી હોડી આવતી હતી. હોડીમાં ઘણાંબધાં મુસાફરો બેઠાં હતાં. કીડી તો હોડીના તળિયાને વળગી પડી. થોડી કળ વળી એટલે કીડી હોડીના ઉપરના ભાગે સંભાળીને ચઢવા લાગી.
હોડી ઉપર એ આવી ત્યારે ખૂબ થાકી હતી. કકડીને ભૂખ પણ લાગી હતી. હોડીના કિનારા પરથી કીડીને એક થેલીમાં ગોળ ભરેલો જોવા મળ્યો. એ તો ફરી રાજીના રેડ... કોઈને ખબર ન પડે એમ તાપમાં એ બેઠી. સૂરજદાદાએ તો પટ્ દઈને એને સૂકવી દીધી. કીડી હળવેહળવે ગોળ ભરેલી થેલીમાં ઊતરી. થેલીમાં તો જાણે ગોળનો પહાડ હતો. કીડીએ ગોળને ચબડ...ચબડ કાતરવા માંડ્યો ને પેટ ભરાયું ત્યાં સુધી ગોળને ચટકાવ્યા કર્યો. જ્યારે હઅ..મ્મ કરતો ઓડકાર આવ્યો ત્યારે કીડીએ ગોળનું એક દડવું કાપી થેલીમાંથી બહાર નીકળવા ચાલવા માંડ્યું.
હવે કિનારો નજીક હતો. થેલીને ઊંચકી મુસાફરે જેવો કિનારા પર પગ માંડ્યો કે કીડીએ થેલીની બહાર નીકળવા માંડ્યું. ઊંચા કૂદકાઓ મારવામાં કીડી આમેય બહુ હોશિયાર હતી. તે ધબ્બ... ધુબાકો મારી એ જમીન પર આવી ગઈ. સૌ મુસાફરો વાતો કરતાં-કરતાં ચાલવા લાગ્યાં હતાં. નાહીને ચોખ્ખી થયેલી કીડી પણ આનંદથી ચાલવા લાગી.
થોડી વાર થઈ ત્યાં પેલું ખાબોચિયું આવ્યું. પેલી કીડીબાઈ હજુ કપડાં ધોવામાંથી પરવાર્યાં ન હતાં. કીડીને જોઈ એ કીડીબેન બોલ્યાં : ‘કાં, નદીએ જઈને નાહી આવ્યાં?’
કીડી બોલી : ‘અરે, નદીએ નાહવા તો ગઈ’તી, પણ ડૂબતી-ડૂબતી માંડ બચી.’
કીડીબેન કહે : ‘એટલે જ હું તમને કહેતી હતી કે આ ખાબોચિયું શું ખોટું છે? પણ તમે મારું માનો તો ને!’
કીડીએ બાથમાં પકડેલું ગોળનું દડબું બતાવીને કહ્યું : ‘નદીએ ડૂબકાં ખાવા મળ્યાં એમ આ મધમીઠો ગોળ પણ ખાવા મળ્યો ને! આ ખાબોચિયે રહી હોત તો ગોળ થોડો મળત?’
કીડીએ ગોળનું એ દડબું કીડીબેનને આપ્યું. કીડીબેન પણ ગોળ ખાઈને ગેલમાં આવી ગયાં. એણે કીડીનો આભાર માન્યો. બે’ય બહેનપણીઓ હાથ પકડીને નાચવા લાગી :
‘નદીએ ગયાં’તાં નહાવા
ગોળ મળ્યો ખાવા.’
ખાધું, પીધું ને રાજ કર્યું.
સ્રોત
- પુસ્તક : લપસણીની મજા (પૃષ્ઠ ક્રમાંક 1)
- સર્જક : કિશોર વ્યાસ
- પ્રકાશક : ગૂર્જર સાહિત્ય પ્રકાશન
- વર્ષ : 2024