રેખ્તા ગુજરાતી ઉત્સવ - 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો
રજિસ્ટ્રેશન કરોસિંહનું એક બચ્ચું.
નામ એનું સિકંદર. એક દિવસ એને વિચાર આવ્યો કે પોતે જંગલનો રાજા બને તો કેવું સારું! તરત જ એણે એના પપ્પા સિંહને વાત કરી. ‘પપ્પા, તમે હવે ઘરડા થઈ ગયા છો. શિકાર પણ કરી શકતા નથી. પહેલાંની જેમ મોટી છલાંગો પણ નથી લગાવી શકતા. જુઓ તો ખરા! તમારા દાંત પણ પડવા લાગ્યા છે! હવે તો હું મોટો થઈ ગયો છું. હવે જંગલનું રાજ હું કરીશ. તમારે અને મમ્મીએ તો આપણી બોડમાં જ આરામ કરવાનો. મન થાય તો બહાર ફરવા જવાનું, પણ શિકાર કરવા તો નહીં જ જવાનું. મારા ઉપર છોડી દો બધી ચિંતા!’
સિંહને તો સિકંદરની વાત બરાબર ગળે ઊતરી ગઈ. એ તો ખુશ ખુશ થઈ ગયો. એણે તો સિંહણને પણ કહી દીધું, ‘આવતી કાલથી આપણે ફક્ત આરામ જ કરવાનો. નદી કિનારે પાણી પીવા જવાનું. આખા જંગલમાં ફરવા જવાનું. કાલથી શિકાર બંધ!’
સિંહણ કહે, ‘આપણે શિકાર બંધ કરી દઈશું તો આપણે ખાવાનું શું કરીશું? સિકંદરને શું ખવડાવીશું?’
‘આપણો સિકંદર હવે મોટો થઈ ગયો છે. હું એને બધી જવાબદારી સોંપી દેવા વિચારું છું. હવેથી જંગલનો રાજા એ બનશે!’ સિંહે કહ્યું.
સિંહણ કહે, ‘તો તો બહુ સારું. પણ, આપણે બીજાં બધાં પ્રાણીઓને વાત કરી દઈએ કે હવેથી તમારો રાજા સિકંદર!’
સિંહે બીજે દિવસે જંગલનાં પ્રાણીઓની સભા બોલાવી. બધાં જ પ્રાણીઓ હાજર થયાં. વાઘ, વરુ, ચિત્તો, હરણ, દીપડો, રીંછ, વાંદરો, ગેંડો, સાબર, ઘોઘર બિલાડો, જિરાફ અને બીજાંય કેટલાં બધાં! એક સાથે આટલાં બધાં પ્રાણીઓની સભા અગાઉ ક્યારેય મળી ન હતી. જેની છાંયમાં આ સભા મળી હતી તે વડના ઝાડ ઉપર કેટલાંયે પક્ષીઓના માળા હતા. લગભગ દરેક માળામાં પક્ષીઓનાં ઈંડાં ને બચ્ચાંઓ હતાં. બધાં પક્ષીઓનાં મનમાં બીક હતી. ઘોઘર બિલાડો જો ઝાડ ઉપર આવી ચડે તો બધાંનું આવી બન્યું જ સમજો! બધાં પક્ષીઓ ગભરાવા લાગ્યા. નાનાં નાનાં બચ્ચાં તો ધ્રૂજી ઊઠ્યાં.
સિંહે મોટી ગર્જના કરીને કહ્યું, ‘બધાં પ્રાણીઓ મારી વાત સાંભળો. આજથી આ જંગલનો રાજા મારે બેટો સિકંદર છે. તમારે બધાંએ એને રાજા તરીકે સ્વીકારી એના હુકમનું પાલન કરવાનું રહેશે.’ બધાં પ્રાણીઓએ જુદા જુદા અવાજો કરીને સિંહની વાત સ્વીકારી લીધી. પણ ખૂણામાં બેઠેલા શકુનિ નામના શિયાળને આ વાત પસંદ નહોતી. એણે ઊભા થઈ સિંહ સમક્ષ હાથ જોડ્યા અને લુચ્ચા અવાજે બોલ્યો, ‘હે સિંહરાજા! તમે તો ખૂબ બહાદુર છો. તમે જે કહો તે અમારે સ્વીકારવું જ જોઈએ. પણ મારી એક વિનંતી સ્વીકારશો? સિકંદરને રાજા બનાવતાં પહેલાં આપણે એની બહાદુરીની પણ પરીક્ષા કરવી જોઈએ. જે જંગલનો રાજા બહાદુર અને હિંમતવાળો ન હોય ત્યાંના પ્રાણીઓ કેવી રીતે સલામત રહી શકે?’
સિંહને શકુનિનું કહેવું બરાબર લાગ્યું. એણે સિકંદરની પરીક્ષા કરવાનું નક્કી કર્યું. સિંહે બહુ વિચાર કર્યો પણ એને કંઈ સૂઝ્યું નહીં. એટલે એણે શિયાળ શકુનિને જ પૂછ્યું, ‘આપણે સિકંદરની પરીક્ષા કઈ રીતે લઈશું?’
શકુનિએ ઠાવકા થઈને કહ્યું, ‘આપણા સિકંદર અને હાથીભાઈ વચ્ચે લડાઈ કરાવીએ. હાથીભાઈને હરાવી શકે તો જ સિકંદર જંગલનો રાજા બને!’
બધાં પ્રાણીઓએ પણ કહ્યું કે વાત બરાબર છે. લડાઈ ગોઠવો. થોડી વારમાં તો હાથીભાઈ સૂંઢ હલાવતા હલાવતા ઊભા થયા અને સિકંદર પણ ગર્જના કરતો સામે ઊભો થયો. પહેલાં તો સિકંદરે હાથીભાઈ ઉપર સીધી જ તરાપ મારી. હાથીભાઈને તો કંઈ જ અસર ન થઈ. એનું શરીર તો કેવડું મોટું ને મજબૂત હોય!
થોડી વાર સુધી સિકંદરે હાથીભાઈ ઉપર થાપાઓ માર્યા તેથી હાથીભાઈને થોડું લોહી નીકળ્યું ને બળતરા થવા લાગી. હવે હાથીભાઈ ગુસ્સે થયા. એમણે સૂંઢ લંબાવી. સિકંદરને બરાબર પકડ્યો. આમતેમ ઉછાળીને એવો તો જોરથી ફેંક્યો કે જઈ પડ્યો દૂર એક પથ્થર ઉપર.
સિકંદરનું માથું પથ્થર સાથે સખત રીતે અથડાયું હતું. એને થોડું લોહી નીકળ્યું ને બેભાન થઈ ગયો. બધાં પ્રાણીઓને ચિંતા થવા લાગી. સિકંદરનું હવે શું થશે? સિંહણ તો રડવા જ લાગી. સિંહ પણ બેબાકળો બની ગયો. તરત જ હાથીભાઈ દોડ્યા અને બાજુમાં જ વહેતી નદી તરફ ગયા. હાથીભાઈ સૂંઢમાં પાણી ભરી લાવ્યા હતા. એમણે સિકંદરના માથા ઉપર પાણીનો ફુવારો કર્યો. તરત જ સિકંદર ભાનમાં આવી ગયો. ખૂણામાં ઊભો ઊભો શકુનિ હસતો હતો. બધાનું ધ્યાન એના ઉપર ગયું. સહુ સમજી ગયા કે સિકંદર રાજા ન બને તે માટે શકુનિએ કરેલી ચાલ હતી. એને ખાતરી જ હતી કે સિકંદર માર્યો જશે!
બધાં પ્રાણીઓને એના ઈર્ષાળુ સ્વભાવની ખબર પડી ગઈ. સહુએ સાથે મળીને એ લુચ્ચા શકુનિને જ મારી નાખ્યો. પછી ધામધૂમથી સિકંદરને રાજા બનાવ્યો.
સ્રોત
- પુસ્તક : પાણીકલર (પૃષ્ઠ ક્રમાંક 17)
- સર્જક : હર્ષદ ત્રિવેદી
- પ્રકાશક : ડિવાઇન પબ્લિકેશન્સ
- વર્ષ : 2017
- આવૃત્તિ : ત્રીજી સંવર્ધિત આવૃત્તિ