રેખ્તા ગુજરાતી ઉત્સવ - 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો
રજિસ્ટ્રેશન કરોએક વખત જંગલનો રાજા સિંહ ફરતો-ફરતો જંગલખાતાએ બાંધેલી રાવટીઓ પાસે જઈ ચઢ્યો. નાના-નાના તંબુઓમાં માણસો કામ કરી રહ્યા હતા. એવામાં સિહંને મોટું બગાસું આવ્યું. આ અવાજ સાંભળી માણસો ભયથી થરથર કાંપી ઊઠ્યા. કેટલાક તંબુમાં આમતેમ ગોળ-ગોળ ચકરડી ફરવા લાગ્યા. કેટલાક બૂમો પાડવા લાગ્યા તો બેચાર પોતાના મોબાઇલથી મદદ માટે પોકારવા લાગ્યા. સિંહને તો આ ભાગંભાગ જોવાની મજા પડી ગઈ. એ નિરાંતે ઊભો રહી આ બધું જોયા કરતો હતો. માણસોના હાથમાં નવીનવાઈનાં રમકડાં જેવા ફોન તો એને બહુ ગમી ગયા. એણે વિચાર્યું કે મારી પાસે પણ આવો ફોન હોવો જોઈએ. ફોન હાથમાં હોય પછી આકાશમાં ઊડતી શકુ સમળી ભેગીય વાત થાય ને પાણીમાં નહાતા હકુ હાથીડાને પણ તરત રમવા બોલાવી શકાય. સિંહને તો આ વાતનો એવો ચટકો લાગ્યો કે પોતાની ગુફા પાસે આમતેમ આંટા માર્યા કરતા સોમજી શિયાળને ગમે ત્યાંથી મોબાઇલ લાવી આપવાનો હુકમ આપી દીધો. શિયાળે રાજાને કરગરીને ઘણું સમજાવવાનો પ્રયત્ન કર્યો. માણસોને જાતભાતની પંચાત. સાચીખોટી વાતનો પાર નહીં. નફાતોટાના હિસાબ ભારે એટલે એને આવાં બધાં ધતિંગ જોઈએ. આપણે વળી મોબાઇલનું શું કામ? આપણે ક્યાં લાખો રૂપિયાના વેપાર માંડવાના છે? પણ સિંહ એમ માને? આ તો રાજાનો હુકમ. રાજાએ જેવી લાલ આંખ કરી કે સોમજી શિયાળ ઊભી પૂંછડીએ ભાગ્યો બજારમાં. ઝગારા મારતી દુકાનમાં જઈ મોબાઇલને મોંમાં દબાવ્યો ને સિંહના દરબારમાં પેશ કર્યો. મોબાઇલ જોઈ સિંહરાણા તો ખુશ. એમણે તરત જ સોમજીને પ્રધાન બનાવી દીધો. તો સોમજી પણ ખુશ. રાજા તો રાતે ન રમે એટલો દિવસે મોબાઇલથી રમે, અવનવાં ગીતો વગાડે. દરબારમાં બેઠેલા સૌ એના પર નાચે-કૂદે ને મજા કરે. સૌને મજા-મજા થઈ ગઈ.
આખા જંગલમાં સિંહરાણાના મોબાઇલનો નંબર વહેંચવામાં આવ્યો. ‘અમારે મોબાઇલના નંબરની જરૂર નથી.’ એમ કહેવાવાળાઓને ઊંધા માથે ટિંગાડી સજા કરવામાં આવી. સિંહ તો ફૂલ્યો સમાતો ન હતો. રાજા પાસે તો મોબાઇલ હોવો જ જોઈએને?
ખરી મુશ્કેલી તો હવે શરૂ થઈ. સિંહરાણાને પેટમાં ઉંદરડા દોડતા હોય. પોતે હરણાં પાછળ દોડતો હોય ત્યાં કોઈનો ફોન આવે : ‘અરે, રાજાજી કહો, ક્યાં છો? અમને વાંદરા બહુ હેરાન કરે છે’ સિંહરાણા દોડવું પડતું મૂકી ફોનનો જવાબ વાળે ત્યાં હરણાં છૂ થઈ જાય. સિંહને હાથ ઘસતા ઊભા રહેવું પડે. ક્યારેક તો મજાનો શિકાર હાથ લાગી ગયો હોય ને ભરપેટ ખાધું હોય. કરમદીના ઝાડ નીચે આરામથી લંબાવ્યું હોય ત્યાં ફોનની રિંગ રણકે. ઊંઘમાંથી ઊઠવાનું સિંહરાણાને કાળ આવ્યા જેવું લાગે. પરાણે ફોન ઉપાડે તો કોઈ અવળાસવળાનો ફોન હોય. સિંહરાણા ફોનને પછાડીને મૂકી દે. સોમજી રાજાને એક વાર કહે છે : ‘કેમ બાપુ! મોબાઇલથી મજા આવે છે ને?’ રાજા અકળાઈને બોલી ઊઠ્યો : ‘શું રાખ મજા આવે છે?’ એમાં હવે તો અવધિ થઈ.
લોકોએ જાણ્યું કે સિંહરાણા પાસે મોબાઇલ છે એટલે ફોનના ટાવર પરથી જાણી લે કે સિંહ ક્યાં છે. શહેરનાં ટોળેટોળાં સિંહને જોવા આવવા લાગ્યા. સિંહ સૂતો હોય તો ચપોચપ ચાંપુ દાબી ફોટા પાડવા લાગ્યા. એના શોરબકોર અને ઘોંઘાટથી એકલો સિંહ જ નહીં જંગલનાં બધાં પશુંપંખીઓ હેરાન-પરેશાન થઈ ગયાં. સોમજી શિયાળ કહે : ‘બાપુ, આ તમારા મોબાઇલે તો મારી નાખ્યા. નથી ખાવાનું સુખ, નથી સૂવાનું સુખ.’
સબુ સસલો કહે : ‘તમારે કોઈ સંદેશો આપવો હશે તો હું દોડ્યો-દોડ્યો આપી આવીશ. આ મોબાઇલને પડતો મૂકોને.’
મોર ને કોયલ કહે : ‘તમારે ગીતો સાંભળવાં હશે તો અમે ગાઈશું પણ આ સાંભળીને તો સૌના કાન પાકી ગયા.’
સિંહરાણા તો પહેલેથી થાક્યા હતા. એણે સોમજી શિયાળને જ્યાંથી મોબાઇલ લાવ્યો હતો ત્યાં પાછો મૂકી આવવાનો હુકમ કર્યો. બધાં રાજી-રાજી થઈ ગયાં.
એ પછી જંગલમાં ઘણી શાંતિ છે. સિંહરાણા લહેરથી શિકારે જાય છે ને ઘરર્ર... ઘર નસકોરાં બોલાવે છે. સોનપરીનાં સપનાં જોતાં-જોતાં ઊંઘી જાય છે.
સ્રોત
- પુસ્તક : સિંહનો મોબાઇલ (પૃષ્ઠ ક્રમાંક 1)
- સર્જક : કિશોર વ્યાસ
- પ્રકાશક : ગૂર્જર સાહિત્ય પ્રકાશન
- વર્ષ : 2021