Satyavrat - Children Stories | RekhtaGujarati

                એક જૈન સાધુ ગામેગામ ફરતા અને અવળે રસ્તે ચડેલાને સુધારતા. એક વખત એ વહોરવા નીકળ્યા હતા. એમને એક માણસે વિનંતિ કરી કે “મહારાજ, મારે ત્યાં વહોરવા પધારો.”

 

                એમણે એ માણસ વિશે ઘણું સાંભળ્યું હતું. એ દારૂ પીતો હતો, જુગાર રમતો હતો અને ચોરી પણ કરતો હતો. સાધુને થયું, “લાવ, આ માણસ સારે રસ્તે ચડે એવું કાંઈ કરતો જાઉં.”

 

                એ બોલ્યા, “ભાઈ, તારે ત્યાં હું વહોરવા કેમ કરીને આવું? તેં કંઈ નીમ તો લીધો નથી!”

 

                “તો હું નીમ લઉં. પછી તો આપ પધારશો ને?”

 

                “બોલ, શો નીમ લઈશ?”

 

                “દારૂ, જુગાર અને ચોરીને છોડવા વગર બીજો કોઈ નીમ લેવડાવો.” પેલો હસીને બોલ્યો.

 

                મહારાજ વિચારમાં પડી ગયા. થોડી વાર પછી એ કહે, “ભલે, તો સાચું બોલવાનું વ્રત લે.”

 

                પેલો કહે, “મહારાજ, એ વ્રત આજથી લીધું.”

 

                વ્રત તો લીધું પણ બીજે દિવસે દારૂ પીવાની ઇચ્છા થઈ. તરત વ્રત યાદ આવ્યું. દારૂના કેફમાં ક્યાંક જૂઠું બોલાઈ ગયું તો જુગાર રમવાની ઇચ્છા થઈ. પણ એમાં તો સાચું બોલનાર પાછો જ પડે! એ બે તો સત્યને ખાતર એણે છોડ્યાં. પણ ચોરી કરવી એ તો એનો ધંધો હતો. ચોરી ન કરે તો ખાય શું?

 

                એણે ખૂબ વિચાર કરી જોયો. છેવટે એણે નક્કી કર્યું કે છેલ્લી વાર મોટી ચોરી કરી લેવી. એમાંથી આખી જિંદગી ગુજારો થઈ શકશે. એમ વિચાર કરી એ નીકળ્યો અને રાજમહેલમાં ચોરી કરવા પેઠો. ત્યાં એ બધી ચીજો જોવા લાગ્યો. છેવટે એની નજર એક દાબડી પર પડી. જુએ છે તો એમાં સાત રત્ન! ચોરને થયું કે મારે આયખાભર ગુજારો કરવા સારુ ચાર રત્ન બસ છે. એટલે એણે ત્રણ દાબડીમાં રહેવા દીધા અને દાબડીને હતી તેમ ઠેકાણે મૂકી. ચાર રત્ન લઈ, એ ઘરને રસ્તે પડ્યો.

 

                રાત્રે રાજા પોતે વેશપલટો કરીને નગરચર્ચા જોવા નીકળેલા તે એને રસ્તામાં મળ્યા. ચોરને ઊભો રાખી એમણે પૂછ્યું :

 

                “અલ્યા કોણ છે?”

 

                “ચોર છું.”

 

                “ક્યાંથી આવે છે?”

 

                “ચોરી કરીને આવું છું.”

 

                “કોને ત્યાંથી?”

 

                “રાજાના મહેલમાંથી.”

 

                “શું ચોરી લાવ્યો?”

 

                જવાબમાં પેલાએ છેડે ખોસેલાં ચાર રત્નો હથેળીમાં ધરીને બતાવ્યાં. રાજાએ કહ્યું, “વાત તો સાચી. ક્યાં રહે છે?” પેલાએ ઠેકાણું આપ્યું ને બંને છૂટા પડ્યા. રાજમહેલમાં જઈને રાજા તો સૂઈ ગયા.

 

                સવારમાં બૂમ પડી કે રાજમહેલમાં ખાતર પડ્યું છે. તરત જ પ્રધાનજીએ તપાસ હાથ ધરી. પહેલાં તો કશું ગયેલું દેખાયું નહિ. વધુ તપાસ કરતાં પેલી દાબડી પર એમની નજર પડી. દાબડી ખોલીને જુએ છે તો અંદર સાતને બદલે ત્રણ રત્ન પડેલાં છે! તરત ત્રણ રત્ન એમણે ઉઠાવી લીધાં ને દાબડીને ઠેકાણે મૂકી. રાજા પાસે જઈને કહે, “મહારાજ, ચોર માત્ર દાબડીમાંનાં સાત રત્ન ચોરી ગયો છે.”

 

                રાજા કહે, “ચોરને જલદી પકડી પાડો.”

 

                રાજ્યના અધિકારીઓએ ચોરને પકડવા ઘણી મહેનત કરી, પણ એ કેમે કર્યો હાથમાં ન આવ્યો. છેવટે એક દિવસ રાજાએ પોતે એક ચિઠ્ઠી લખીને દૂતને આપી અને ચોરને સભામાં હાજર કર્યો. સૌની હાજરીમાં રાજાએ પૂછ્યું, “તું શો ધંધો કરે છે”

 

                “ચોરીનો ધંધો કરતો હતો, અન્નદાતા!”

 

                “હવે નથી કરતો?”

 

                “રાજમહેલમાંથી ચોરી કરી ત્યારથી નથી કરતો.”

 

                “રાજમહેલમાંથી શું ચોરી ગયો હતો?”

 

                “રત્નો.”

 

                “કેટલાં?”

 

                “ચાર.”

 

                “અલ્યા, દાબડીમાં તો સાત રત્ન હતાં. તેં સાતમાંથી ચાર જ ચોરેલાં?”

 

                “એટલાં મારે આયખાભર પેટગુજારો કરવા માટે પૂરતાં હતાં.”

 

                “તો બાકીનાં ત્રણ ક્યાં ગયાં?”

 

                “ચોરીની તપાસ જેણે કરી હશે એણે લીધાં હશે.”

 

                “ચોરીની તપાસ તો પ્રધાનજીએ જાતે કરી હતી.”

 

                “તો એ વિશે પ્રધાનજીને પૂછો, મહારાજ!”

 

                રાજા કહે, “પ્રધાન, સાચું બોલો. શી હકીકત છે?”

 

                પ્રધાન કરગરીને કહે, “હા, ત્રણ રત્ન મારી પાસે છે.”

 

                આ બધું જોઈને સૌના આશ્ચર્યનો પાર ન રહ્યો.

 

                રાજાએ ચોરને પૂછ્યું, “આ બધું શુ છે? પોતે ચોરી કરી ગયો છે એ વાત પણ સાચી. અને બધું રજેરજ તું કબૂલ પણ કરે છે!”

 

                પછી ચોરે સાધુ પાસેથી પોતે સાચું બોલવાનું વ્રત લીધેલું તે બધી વાત કહી.

 

                એ સાંભળી આખી સભાને આશ્ચર્ય થયું. રાજા પ્રસન્ન થયા. એમણે કહ્યું, “પ્રધાન, આ માણસે તો પેટનો ખાડો પૂરવા ચોરી કરી હતી. છતાં સાચું બોલવાનું એ ચૂક્યો નથી. અને તમને તો કશીય વાતની ખોટ ન હતી. છતાં વધુ સંઘરો કરવા તમે ત્રણ રત્નો ચોરી ગયા. તો જે જગ્યાએ એને જવાનું હતું તે જગ્યાએ – કેદખાનામાં તમે જાઓ અને હવેથી અહીં તમારી જગ્યાએ પ્રધાનપદે, સત્યનું વ્રત પાળનાર આ સત્યવ્રત બેસશે.”

સ્રોત

  • પુસ્તક : અમર બાલકથાઓ (પૃષ્ઠ ક્રમાંક 240)
  • સંપાદક : શ્રદ્ધા ત્રિવેદી
  • પ્રકાશક : આર.આર. શેઠ ઍન્ડ કંપની પ્રા. લિ.
  • વર્ષ : 2020