સત્ય સમાન કશું શ્રેષ્ઠ નથી
satya saman kashun shreshth nathi
ગોપાળદાસ જીવાભાઈ પટેલ
Gopaldas Jivabhai patel
ગોપાળદાસ જીવાભાઈ પટેલ
Gopaldas Jivabhai patel
કાશીના રાજા બ્રહ્મદત્તને મનુષ્યમાંસ ખાવાની ટેવ પડી હતી; તેથી સૌ પ્રજાજનોએ ભેગા મળી તેને રાજ્યમાંથી હાંકી કાઢ્યો. બ્રહ્મદત્ત એક અરણ્યમાં ચાલ્યો ગયો. તે અરણ્યમાં થઈને બીજા દેશમાં જવાનો રસ્તો પસાર થતો હતો. બ્રહ્મદત્ત તે રસ્તે થઈને જતા-આવતા મુસાફરોને પકડતો અને મારી ખાતો.
એક વખત તેને પગમાં ભારે જખમ થયો. જીવતા રહેવાની આશાએ તેણે વનદેવતાની બાધા રાખી કે, ‘મારો જખમ જો જલદી રુઝાઈ જશે તો હું સો રાજકુમારોના લોહીથી તને સ્નાન કરાવીશ અને મોટો નરયજ્ઞ કરીશ.’
દૈવયોગે તેનો જખમ સાજો થઈ ગયો. એટલે તેણે આજુબાજુનાં રાજ્યોમાંથી રાજકુમારો પકડી પકડીને એકઠા કરવા માંડ્યા. પછી તે કુરુદેશના રાજકુમાર સુતસોમને પકડવા માટે કુરુદેશની રાજધાની ઇન્દ્રપ્રસ્થમાં ગયો. સવારે સુતસોમ કુમાર નગર બહાર તળાવમાં સ્નાન કરવા આવે ત્યારે તેને પકડી લેવાને ઇરાદે તે કમળના વેલાઓની ઓથે સંતાઈને બેઠો.
બીજે દિવસે રિવાજ મુજબ સુતસોમ કુમાર સ્નાન કરવા તળાવે આવવા નીકળ્યો. તે વિદ્યાનો બહુ શોખીન હતો, તેથી એક પરદેશી બ્રાહ્મણ ચાર શ્લોકો તેને સંભળાવી ધન મેળવવાની ઇચ્છાએ, આગલી રાત્રે દૂર દેશથી આવીને નગર બહાર ઊતર્યો હતો. સવારના કુમારને જ સામે આવતો જોઈ બ્રાહ્મણે તેની પાસે જઈને કહ્યું કે : ‘મહારાજ! આપની કીર્તિ સાંભળી હું તક્ષશિલાથી અહીં સુધી ચાલતો આવ્યો છું. મારી પાસે સો સો સોનામહોરોની કિંમતના ચાર શ્લોકો છે, તે આપ સાંભળો, અને આપને પસંદ પડે તો મને યોગ્ય કિંમત આપજો.’
કુમારે કહ્યું : ‘હું હમણાં જ સ્નાન કરીને પાછો ફરું છું, ત્યાં સુધી તમે મારા મહેલમાં જઈને બેસો.’
સુતસોમ કુમારે પોતાની સાથેના હજૂરિયાને બ્રાહ્મણ સાથે પોતાના મહેલ ભણી વિદાય કર્યો, અને પોતે એકલો તળાવમાં સ્નાન કરવા ઊતર્યો. તરત પેલા નરભક્ષકે તેને પકડ્યો. પછી તેને પીઠ ઉપર નાખી તે વાયુવેગે દોડવા લાગ્યો. થોડે દૂર ગયા બાદ બ્રહ્મદત્તે સુતસોમને નીચે ઉતાર્યો, ત્યારે સુતસોમની આંખમાં તેણે આંસુ દીઠા.
તે જોઈ બ્રહ્મદત્તે કહ્યું : ‘હે કુમાર! નાનપણથી ધૈર્યવાન તરીકે તારી ખ્યાતિ દૂર દૂર ફેલાયેલી છે. પરંતુ અત્યારે મૃત્યુના ડરથી તું કાયરની પેઠે રડવા બેઠો છે, એ તને ક્ષત્રિયને શોભે છે?’
સુતસોમે જવાબ આપ્યો : ‘ભાઈ! હું મારે માટે કે મારાં સગાંવહાલાં માટે શોક નથી કરતો; પરંતુ, મારી કીર્તિ સાંભળી એક બ્રાહ્મણ દૂર દેશથી મને ચાર શ્લોક વેચવા આવ્યો છે. તેને મેં તેના શ્લોકો ખરીદી લેવાનું વચન આપી મારા મહેલમાં બેસાડ્યો છે. મારાથી હવે તે વચન પાળી શકાશે નહિ, એનો મને ખેદ થાય છે. તું જો મને છોડી દે, તો હું તે બ્રાહ્મણના શ્લોક સાંભળી, તેને યોગ્ય ઇનામ આપી, પાછો આવું.’
નરભક્ષક બોલ્યો : ‘વાહ! આવી વાત ઉપર ભરોસો રાખવા જેટલો હું મૂર્ખ નથી! મૃત્યુના મુખમાંથી છૂટીને સુખરૂપ પોતાને ઘેર પહોંચેલો માણસ ફરી પોતાની મેળે પોતાના શત્રુ પાસે પાછો જાય, એમ બને ખરું?’
સુતસોમે કહ્યું : ‘ભાઈ! બીજાની વાત ગમે તે હોય, પરંતુ હું તો અસત્ય બોલીને જીવતો રહેવા કરતાં મૃત્યુને વધુ પસંદ કરું છું જૂઠું બોલીને કદાચ તારા હાથમાંથી તો છુટાય, પરંતુ દુર્ગતિમાંથી કેવી રીતે છુટાય? છતાં તને મારી પતીજ ન પડતી હોય તો હું મારી તલવારના સોગંદ ખાઉં છું.’
ક્ષત્રિયને મુખે તલવારના સોગંદ સાંભળી, બ્રહ્મદત્ત પણ વિચારમાં પડ્યો. છેવટે તેણે એવો નિશ્ચય કર્યો કે, સુતસોમ નાસી જાય તો હરકત નહિ, પણ એક વાર તેની પરીક્ષા તો લેવી.
સુતસોમ નરભક્ષકના હાથમાંથી છૂટી પોતાના મહેલમાં ગયો. તેને જોઈ સૌ લોકને આનંદ થયો. રાજકુમાર નરભક્ષકને થાપ આપી ઠીક છૂટી આવ્યા, એમ સૌ કહેવા લાગ્યા. પરંતુ સુતસોમે તો પેલા બ્રાહ્મણને તાબડતોબ બોલાવ્યો, અને તેને તેના શ્લોકો ગાઈ સંભળાવવા કહ્યું.
બ્રાહ્મણએ તેને નીચે પ્રમાણે ચાર શ્લોકો ગાઈ સંભળાવ્યા :
૧) ”એક વાર જ સજ્જનનો સંગ થાય, તોય તે માણસને તારીને કાયમનો પાર ઉતારે છે; પરંતુ દુર્જનનો સમાગમ હંમેશનો હોય, તોપણ નકામો છે.”
૨) “જે હંમેશાં સાધુજનના સંગમાં રહે છે, અને ભક્તિપૂર્વક તેમનો સહવાસ કરી તેમની પાસેથી ધર્મને સ્પષ્ટ રીતે જાણી લે છે, તે માણસ સુખી થાય છે, અને તેનું દુઃખ નાશ પામે છે.”
૩) “રાજાના ચિત્રવિચિત્ર રથો જીર્ણ થાય છે, માણસનાં શરીર પણ જીર્ણ થાય છે; પણ સજ્જનનો ધર્મ જીર્ણ થતો નથી, એમ સંતપુરુષો હંમેશાં કહે છે.”
૪) “આકાશથી પૃથ્વી દૂર છે, અને સાગરનો કિનારો તેથીય દૂર છે, પરંતુ હે રાજા! સજ્જનનો ધર્મ દુરાચરણથી એ કરતાં પણ ઘણો દૂર છે.”
તે શ્લોકો સાંભળી સુતસોમ બહુ સંતોષ પમ્યો; અને તેણે બ્રાહ્મણને ચાર હજાર સોનામહોરો બક્ષિસ આપી. પછી સુતસોમ કુમાર પેલા નરભક્ષક પાસે પાછો જવા તૈયાર થયો. તે જોઈ, તેના પિતા તેને સમજાવવા લાગ્યા, આ તું શું કરે છે? એક વાર એ દુષ્ટના હાથમાંથી જેમ તેમ છૂટી આવ્યા બાદ, તેના મોંમાં હાથે કરીને જઈ પડવું, એ શું બુદ્ધિશાળીનું લક્ષણ છે?”
સુતસોમે કહ્યું : ‘મહારાજ! એ નરભક્ષક ભલે દુષ્ટ હોય; પરંતુ તેણે તો આ બ્રાહ્મણના ઋણમાંથી મુક્ત થવાની મને તક આપીને મારા પર ભારે ઉપકાર કર્યો છે. તેનો હું વિશ્વાસઘાત કરું, તો મારા જેવો નીચ અને કૃતઘ્ન કોણ કહેવાય?”
પછી સુતસોમ બધા લોકોની સલાહને ગણકાર્યા વિના, જ્યાં પેલો નરભક્ષક હતો ત્યાં જઈને હાજર થયો. તેને પાછો આવેલો જઈ નરભક્ષકને બહુ આશ્ચર્ય થયું ને તે તેની તરફ એકીટસે જોઈ રહ્યો.
સુતસોમે કહ્યું : ‘ભાઈ! હું પાછો આવ્યો છું. હવે તું મને મારીને તારો યજ્ઞ પૂરો કર.’
બ્રહ્મદત્તે કહ્યું : ‘કુમાર! મેં હોમકુંડ હમણાં જ સળગાવ્યો છે એટલે કશી ઉતાવળ નથી; પરંતુ તેં બ્રાહ્મણ પાસે જઈ જે શ્લોકો સાંભળ્યા, તે મને ગાઈ સંભળાવ. ઉપરાંત, એક વખત મારા હાથમાંથી જીવતો છૂટ્યા બાદ તું પોતાની મેળે પાછો શા માટે આવ્યો, તે પણ મને કહે.’
સુતસોમે કહ્યું : ‘ભાઈ! સત્ય જેવી શ્રેષ્ઠ વસ્તુ જગતમાં બીજી નથી. તે સત્યનો ભંગ ન થાય તે માટે જ હું અહીં પાછો આવ્યો છું.’
બ્રહ્મદત્તે કહ્યું : ‘રાજમહેલમાં ખટરસ અન્નનું ભોજન કરવાનું અને મોજશોખ કરવાનું મળે છે તે છોડી, સત્યને જ વળગી રહેવા ખાતર મોતના મોંમાં જઈ પડવું. એ તો તારું કેવળ મૂર્ખપણું જ લાગે છે.’
સુતસોમે કહ્યું : ‘ભાઈ! સત્યનું પાલન કરવામાં જે ઉત્તમ રસ છે તેની તોલે બીજા કોઈ રસ નથી.’
બ્રહ્મદત્તે કહ્યું : ‘પરંતુ મૃત્યુભય સૌથી મોટો છે. પોતાના જીવનું રક્ષણ કરવાને જૂઠું બોલવામાં લોકો કશું ખોટું માનતા નથી. તને તારા જીવન વિષે કશી પરવા દેખાતી નથી, તેનું શું કારણ?’
સુતસોમે કહ્યું : ‘મેં આજ સુધી જીવન દરમિયાન કશાં ખોટાં કામ કર્યાં નથી, પરંતુ અનેક લોકો ઉપર ઉપકાર કર્યા છે. માબાપની સેવા કરી છે; સગાંવહાલાંને મદદ કરી છે; તથા ગૃહસ્થનાં બીજાં જે જે કોઈ કર્તવ્યો છે, તેમાં ચૂક પડવા દીધી નથી, તેથી મને મોતનો ડર નથી.’
ત્યાર બાદ સુતસોમે પેલા ચાર શ્લોકો તેને ગાઈ સંભળાવ્યા. તે સાંભળી બ્રહ્મદત્ત ઘણો સંતુષ્ટ થયો. તેણે ચાર શ્લોકના બદલામાં ચાર વરદાન માગવાનું સુતસોમને કહ્યું.
સુતસોમે કહ્યું : ‘જો તું ચાર વરદાન આપવા માગતો જ હોય, તો મને આ ચાર વરદાન આપ : પહેલું વરદાન એ કે, હું સો વર્ષ સુધી તને નિરોગી અને સુખી જોવાને સમર્થ થાઉં. બીજું વરદાન એ કે, તેં પકડી આણેલા બધા રાજકુમારને તું જીવનદાન આપ. ત્રીજું વરદાન એ કે, તે સૌને તું તેમની રાજધાનીઓમાં પહોંચાડી દે અને ચોથું વરદાન એ કે, હવેથી નરમાંસભક્ષણનું કર્મ તું છોડી દે.’
બ્રહ્મદત્તે તે સાંભળી, હસીને કહ્યું, ‘ભાઈ! તેં આ વરદાનોથી પણ મારું સુખ અને આરોગ્ય જ ઇચ્છ્યું છે. શીલ અને સદાચાર વિના સુખશાંતિ તથા નિરોગિતા મળે જ નહિ. તેં તારું જીવિત પણ મને લાંબો વખત સુખી અને નિરોગી જોવા સારું જ માગ્યું છે. જા, તારે ખાતર પણ હું હવેથી મારાં દુષ્કર્મ છોડી, તારે બતાવેલ સદાચારને માર્ગે વળીશ. આ રાજકુમારોને તો હું તારા દેખતાં જ છોડી દઉં છું, અને તેમને ઘેર સુખરૂપ પહોંચાડી દઉં છું.’
એટલું થતાંની સાથે જ ચારે બાજુ સમાચાર પ્રસરી ગયા કે, બ્રહ્મદત્તે નરમાંસ છોડી દીધું છે તથા હવેથી ધર્મ અનુસાર વર્તવાનો નિશ્ચય કર્યો છે. એ જાણી, કાશીના લોકોએ ઘણી ખુશીથી તથા મોટી ધામધૂમથી બ્રહ્મદત્તને તેના રાજ્યમાં પાછો આણ્યો, અને તેને ફરી ગાદીએ બેસાડ્યો. બ્રહ્મદત્તે સુતસોમને એક મહિના સુધી પોતાના નગરમાં સન્માનપૂર્વક રાખ્યો, અને પછી સત્કાર સાથે તેને ઘેર વિદાય કર્યો.
સ્રોત
- પુસ્તક : અમર બાલકથાઓ (પૃષ્ઠ ક્રમાંક 157)
- સંપાદક : શ્રદ્ધા ત્રિવેદી
- પ્રકાશક : આર.આર. શેઠ ઍન્ડ કંપની પ્રા. લિ.
- વર્ષ : 2020
