રેખ્તા ગુજરાતી ઉત્સવ - 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો
રજિસ્ટ્રેશન કરોએક હતો ઉંદર, એને જન્મથી જ સાત પૂંછડીઓ હતી. એ થોડો મોટો થયો, અને સમજણો થયો, પછી તેને સાત પૂંછડીઓ વિચિત્ર લાગવા માંડી. એક દિવસે મમ્મી પાસે જઈને તેણે કહ્યું :
“મમ્મી, મને આ સાત પૂંછડીઓની શરમ આવે છે!”
મમ્મીએ કહ્યું : “ઓહો! એમાં શું? આપણે દરજી પાસે જઈને કપડાં સીવડાવી લઈએ.”
દરજીએ તેને એક સરસ અંગરખું અને એક સરસ પૂંછરખું સીવી આપ્યાં. ઉંદરે તે પહેરી લીધાં. હવે પૂંછડીઓ દેખાતી નહોતી, એટલે ઉંદર રાજી થયો.
પછી ઉંદર પાટી-પેન લઈને ભણવા માટે નિશાળમાં ગયો. નિશાળમાં ઉંદરો તથા બીજાં ખિસકોલી, કાચિંડો, ગરોલી, નોળિયો, ઘો, બિલાડી, સસલું, શિયાળ....એ બધાંનાં છોકરાં પણ ભણતાં હતાં.
એ બધાં છોકરાં એકલું અંગરખું જ પહેરતાં હતાં. પૂંછડી ઉઘાડી રાખતાં હતાં. ઉંદરે અંગરખું તથા પૂંછરખું બે પહેર્યાં હતાં. એ જોઈને એક ઉંદર કહે : “એ પૈસાદારનો છોકરો છે, એટલે બે કપડાં પહેરે છે.”
બીજો કહે : “હું પણ મારા પપ્પાને કહીને પૂંછરખું સીવડાવીશ!”
ત્રીજો કહે : “મારી મમ્મી મને પણ પૂંછરખું સીવડાવી આપશે.”
બીજે દિવસે બધાં કબડ્ડી રમતાં હતાં.
પૂંછરખો ઉંદર દાવ લઈને ગયો : “કબડ્ડી...... કબડ્ડી...... કબડ્ડી”
તે પાટાને અડકીને પાછો વળતો હતો, ત્યાં તો સામેની પાર્ટીવાળાએ તેને પકડ્યો. એકના હાથમાં તેની પૂંછડી આવી ગઈ. ઉંદરે નાસવા માટે જોર કર્યું. એટલે પૂંછરખું નીકળી ગયું. તેની પૂંછડીઓ ઉઘાડી થઈ ગઈ. એ બધાંએ જોઈ, અને ગણી.
પછી તો એકે કહ્યું : “હેઈ, ઉંદર સાત પૂંછડિયો!”
બીજાએ કહ્યું : “હેઈ, ઉંદર સાત પૂંછડિયો!”
ત્રીજાએ કહ્યું : “હેઈ, ઉંદર સાત પૂંછડિયો!
આ રીતે બધાંએ તેને સાત પૂંછડિયો કહીને ખીજવ્યો.
ઉંદર તો રડવા લાગ્યો. તેણે રોતાંરોતાં દફ્તર લીધું અને રડતોરડતો તે ઘેર આવ્યો.
મમ્મીએ પૂછ્યું : “બેટા કેમ રડે છે?!
ઉંદરે રડતાં-રડતાં કહ્યું : “મમ્મી, મને બધાં સાત પૂંછડિયો કહીને ચીડવે છે!”
મમ્મીએ તેને પાસે લઈને ખોળામાં બેસાડ્યો, અને પૂછ્યું : “બેટા, મને કહે, શું થયું હતું?”
ઉંદરે કબડ્ડીવાળી બધી વાત કરી. પછી રડમસ અવાજે કહ્યું : “મમ્મી, કાલથી હું નિશાળે નહિ જાઉં!”
મમ્મીએ પ્રેમથી કહ્યું : “બેટા, ભણવું તો પડે. તારા પપ્પા વેપારી છે. વાણિયાનો છોકરો ભણે નહિ તો પછી વેપાર શી રીતે કરે? નામું શી રીતે લખે હિસાબ શી રીતે ગણે?”
“પણ મમ્મી, મને આ સાત પૂંછડીઓની શરમ આવે છે?”
“એનો ઉપાય આપણે કરીએ છીએ.”
પછી ઉંદરને લઈને મમ્મી ફુગ્ગાવાળાની દુકાને ગઈ. ફુગ્ગાવાળો જાતજાતના ફુગ્ગા વેચતો હતો. લાલ, બદામી, કાળા, સફેદ, પીળા વગેરે.
ફુગ્ગાવાળાએ કહ્યું લો, : “આ ફુગ્ગા, બદામી રંગનો, એનાથી એક પૂંછડી થઈ જશે અને કોઈ ખિજાવશે નહિ.”
પછી ફુગ્ગાવાળાએ એક પૂંછડી બનાવવાની રીત પણ બતાવી. ઉંદર રાજી થતો-થતચો ઘેર આવ્યો.
સાત પૂંછડિયો ઉંદર ફુગ્ગો લઈને ઘેર આવ્યો. સવારે નહાઈ-ધોઈને એણે સાત પૂંછડીઓ ભેગી કરી, પછી મમ્મીએ એના ઉપર ફુગ્ગો ચડાવી દીધો. ફુગ્ગો ઉંદરના રંગ જેવા રંગનો જ હતો, એટલે શરીર સાથે ભળી ગયો. પૂંછડી અને શરીરનો રંગ એક જ લાગતો હતો તેથી પૂંછડી જુદી પડતી ન હતી.
ઉંદર રાજી થયો.
પછી દફ્તર લઈને તે નિશાળે ગયો. ખિસકોલી ઉંદરની બાજુમાં જ બેઠી હતી. તેમે ઉંદરની પૂંછડી જોઈ. પૂંછડી જાડી હતી, એથી ખિસકોલીને વહેમ પડ્યો : “ઉંદરભાઈ, તમારી પૂંછડી મારી જેવી જાડી કેમ છે?”
ઉંદરે કહ્યું : “હા, રાતે ઊંઘમાં હું ખાટલામાંથી પડી ગયો હતો. એટલે પૂંછડીએ વાગ્યું હતું, તેથી તે જાડી થઈ ગઈ છે. મમ્મીએ દવા લગાડી આપી છે. કાલે મટી જશે, પછી પૂંછડી સરખી થઈ જશે.”
ખિસકોલીએ ઉંદરની પૂંછડી હાથમાં લઈને જોઈ. પછી સૂંઘી જોઈ અને બોલી : “હેઈ ઉંદરભાઈ! પૂંછડીમાંથી તો ચોકલેટ જેવી મીટી સુગંધ આવે છે. હું જરા મારી જીભ ફેરવું?”
ઉંદરે કહ્યું : “ફેરવને!”
ખિસકોલીએ તો જીભ ફેરવી. લીસું-લીસું લાગ્યું. તેણે ધીરેથી પોતાનો અણીદાર દાંત પૂંછડીમાં ખોસ્યો. ‘ફઅરસ’ દઈને તેનો દાંત ફુગ્ગામાં પેસી ગયો. ઉંદરે બૂમ પાડી : “અરે ખિસકોલી શું કરે છે મને ગલી થાય છે!”
“આ મારો દાંત ભરાઈ ગયો છે, તે બહાર કાઢું છું!”
ઉંદરે પૂંછડી છોડવવા માટે કૂદાકૂદ કરી. એમાં ફુગ્ગો ખેંચાઈને નીકળી ગયો, અને સાત પૂંછડીઓ છૂટી પડી ગઈ. ખિસકોલીએ બૂમ પાડી : “અરે, આ તો સાત પૂંછડિયો છે!”
પછી તો બધાં તેની પાસે આવી ગયાં :
એકે કહ્યું : “હેઈ, ઉંદર સાત પુંછડિયો!”
બીજાએ કહ્યું : “હેઈ, ઉંદર સાત પૂંછડિયો!”
ત્રીજાએ કહ્યું : “હેઈ ઉંદર સાત પૂંછડિયો!”બધાંએ કહ્યું : “હેઈ ઉંદર સાત પૂંછડિયો!”
ઉંદર તો રડવા લાગ્યો. રડતાંરડતાં દફ્તર લઈને ઘેર આવ્યો.
મમ્મીએ પૂછ્યું : “બેટા, કેમ રડે છે?”
ઉંદરે ખિસકોલીવાળી બધી વાત કરી. પછી રડમસ અવાજે કહ્યું : “મમ્મી, હું કાલથી નિશાળે નહિ જાઉં!”
મમ્મીએ કહ્યું : “બેટા, ભણવું તો પડે, તારા પપ્પા વેપારી છે. વાણિયાનો છોકરો ભણે નહિ તો પછી વેપાર શી રીતે કરે? નામું શી રીતે લખે? હિસાબ શી રીતે ગણે?”
“પણ મમ્મી, મને આ સાત પૂંછડીઓની શરમ આવે છે!”
“એનો ઉપાય આપણે કરીએ છીએ.”
પછી મમ્મીએ મુંબઈથી ઉંદરની માસીએ બોલાવી.
મુંબઈમાં માસીનું બ્યુટી-પાર્લર હતું.
બ્યુટી-પાર્લરવાળી માસીએ સાત પૂંછડિયા ઉંદરને પોતાની પાસે ખોળમાં બેસાડ્યો. તેની સાત પૂંછડિયો ગૂંથીને, માથાના ચોટલાની જેમ એક પૂંછડી બનાવી આપી, અને તેના છેડા ઉપર લીલા ઘાસ જેવા રંગનું ફૂમતું બાંધ્યું : “હવે તને કોઈ નહિ ખીજવે. તારે એક જ પૂંછડી થઈ ગઈ છે!”
પૂંછડી જોઈને ઉંદર રાજી થયો.
પછી પાટી-પેન લઈને તે નિશાળમાં ગયો. બધાંએ ધજા જેવી ઉંદરની પૂંછડી જોઈ. બધાંને એ પૂંછડી ગમી ગઈ. તેમણે પૂછ્યું : “ઉંદરભાઈ! તમે આવી પૂંછડી ક્યાંથી લાવ્યા? અમને લાવી આપો ને?”
ઉંદર કહ્યું : “મુંબઈમાં મારી માસી રહે છે, બ્યુટી-પાર્લરવાળી. તે આવી પૂંછડીઓ બનાવી આપે છે!”
બધાંએ હાથ ફેરવીને ઉંદરની પૂંછડી જોઈ.
સસલાએ લીલા રંગનું ફૂમતું જોયું. તે સમજ્યો લીલા રંગની ધરો છે, એટલે તેણે ખાવા માટે ફૂમતું પકડીને ખેંચ્યું. ફૂમતું છૂટી ગયું, પૂંછડીઓ છૂટી પડી ગઈ. સસલાએ ગણી : “અરે! આ તો સાત છે!”
પછી તો બધાં તેની પાસે આવીને ઉંદરની પૂછડીઓ ગણવા લાગ્યાં.
એકે કહ્યું : “હેઈ, ઉંદર સાત પૂંછડિયો!”
બીજાએ કહ્યું : “હેઈ, ઉંદર સાત પૂંછડિયો!”
ત્રીજાએ કહ્યું : “હેઈ ઉંદર સાત પૂંછડિયો!”
બધાંએ કહ્યું : “હેઈ સાત પૂંછડિયો!”
ઉંદર તો ભેંકડો તાણીને રડવા લાગ્યો. દફ્તર લઈને તે રડતો-રડતો ઘેર આવ્યો.
મમ્મીએ પૂછ્યું : “બેટા, કેમ રડે છે?”
ઉંદરે સસલાવાળી બધી વાત કરી. પછી રડમસ અવાજે કહ્યું : “મમ્મી, હું કાલથી નિશાળે નહિ જાઉં!”
મમ્મીએ કહ્યું : “બેટા, ભણવું તો પડે. તારા પપ્પા વેપારી છે વાણિયાનો છોકરો ભણે નહિ તો પછી વેપાર શી રીતે કરે? નામું શી રીતે લખે હિસાબ શી રીતે ગણે?”
“પણ મમ્મી, મને આ સાત પૂંછડીઓની શરમ આવે છે!”
“એનો ઉપાય આપણે કરીએ છીએ.”
પછી મમ્મીએ દિલ્હીવાળી દીદીને બોલાવી.
દિલ્હીમાં દીદીનું દવાખાનું હતું.
દિલ્હીવાળી ડૉક્ટર દીદીએ સાત પૂંછડિયા ઉંદરને પોતાની પાસે બેસાડ્યો. પછી તેની જમણી બાજુની ત્રણ પૂંછડીઓ અને ડાબી બાજુની ત્રણ પૂંછડીઓ, વાળીને પીઠ ઉપર મેડિસિનલ બેન્ડથી ચોડી દીધી. તેના ઉપર અંગરખું પહેરાવી દીધું. અને વચ્ચેની એક પૂંછડી છૂટી રહેવા દીધી. તે અંગરખાની બહાર લટકતી રાખી. પછી ડૉક્ટર દીદીએ કહ્યું :
“હવે મારા ભાઈને કોઈ નહિ ખીજવે. જો ભાઈ, તારે એક જ પૂંછડી થઈ ગઈ છે!”
ઉંદર એક પૂંછડી જોઈને રાજી થયો.
પછી દફ્તર લઈને તે નિશાળમાં ગયો. તેને બધાંના જેવી એક જ પૂંછડી હતી, તેથી આજે કોઈએઅ તેના તરફ લક્ષ્ય આપ્યું નહિ.
કસરતનો પિરિયડ હતો. શિક્ષક મીનીમાસી બધાંને મેદાનમાં લઈ ગયાં હતાં. લાંબી કૂદની પ્રેક્ટિસ ચાલતી હતી. બધાં વારાફરતી લાંબી કૂદ લગાવતાં હતાં. એક દાવ પૂરો થયો. બીજો દાવ પૂરો થયો. ત્રીજો દાવ ચાલતો હતો. ઉંદરનો વારો આવ્યો. તે જોર કરીને કૂદ્યો. ખૂબ જોર કરવાથી તેની મેડિસિનલ બેન્ડ ઉખડી ગઈ હતી પૂંછડીઓ છૂટી પડી ગઈ હતી. થોડું અંગરખું ફાટી ગયું હતું. એમાંથી બધી પૂંછડીઓ બહાર આવી ગઈ.
સૌથી પહેલાં મીનીમાસી એ જોઈ ગઈ. તેણે કહ્યું : “અરે! આને તો સાત પૂંછડીઓ છે!”
બધાં તેની પાસે આવી ગયાં.
એકે કહ્યું : “હેઈ, ઉંદર સાત પૂંછડિયો!”
બીજાએ કહ્યું : “હેઈ, ઉંદર સાત પૂંછડિયો!”
ત્રીજાએ કહ્યું : “હેઈ ઉંદર સાત પૂંછડિયો!”
બધાંએ કહ્યું : “હેઈ ઉંદર સાત પૂંછડિયો!”
ઉંદર તો રડવા લાગ્યો. તે વર્ગમાં ગયો અને દફ્તર લઈને રડતો-રડતો ઘેર આવ્યો.
મમ્મી પૂછ્યું : “બેટા, કેમ રહે છે?”
ઉંદરે લાંબી કૂદવાળી બધી વાત કરી.
પછી રડમસ અવાજે કહ્યું : “મમ્મી, કાલથી હું નિશાળે નહિ જાઉં!”
મમ્મીએ કહ્યું : “બેટા, ભણવું તો પડે. તારા પપ્પા વેપારી છે, વાણિયાનો છોકરો ભણે નહિ તો પછી વેપાર શી રીતે કરે? નામું શી રીતે લખે હિસાબ શી રીતે ગણે?”
“પણ મમ્મી, મને આ સાત પૂંછડીઓની શરમ આવે છે!”
“એનો ઉપાય કરીએ છીએ.”
પછી મમ્મીએ કોલકાટાવાળી કાકીને બોલાવી.
કાકી કોલકાટામાં જાદુનું કામ કરતી હતી.
કોલકાટાવાળી જાદુગર કાકીએ સાત પૂંછડિયા ઉંદરને પોતાની પાસે બોલાવ્યો, પછી તેની પૂંછડીઓ ઉપર હાથ ફેરવ્યો અને બોલી
“જય મા કોલકાટાવાલી,
તેરા બચન જાય ના ખાલી
ઉંદરે પોતાની પૂંછડીઓ ગણી જોઈ : “હેઈ, આ તો એક જ છે!”
કાકી એ કહ્યું : “લે, આ બીજાં ચશ્માં. તારી નિશાળમાં લઈ જા. બધાંને એક-એક આપી દેજે.”
ઉંદર તો ચશ્માં પહેરીને, રાજી થતોથતો નિશાળમાં ગયો.
એક બોલ્યો : “આ આવ્યો ઉંદર સાત પુંછડિયો!”
ઉંદરે કહ્યું : “મારે સાત પૂંછડિઓ નથી, આ પહેરીને જો!”
એણે ચશ્મા પહેરીને જોયું : “અરે, ઉંદરને તો એક જ પૂંછડી છે!”
બીજે કહ્યું : “ઉંદરભાઈ, મને એક આપો ને!”
ઉંદરે બધાંને એક-એક ચશ્માં આપી દીધાં.
બધાંએ કહ્યું : “અરે, ઉંદરને તો એક જ પૂંછડી છે, આપણા જેવી!”
પછી તરવાનો પિપિયડ આવ્યો. બધાં તરવાનું શીખવા માટે હોજમાં પડ્યાં. થોડી વાર પછી બધાં બહાર આવ્યાં.
એકે કહ્યું : “અરે, મારાં ચશ્માં ક્યાં ગયાં?”
બીજાએ આંખો પર હાથ ફેરવીને કહ્યું : “અરે, મારાં ચશ્માં પણ નથી!”
પછી તો બધાંએ કહ્યું : “અમારાં ચશ્મા પણ નથી!”
ચશ્માં ખાંડની ચાસણીમાંથી બનાવેલાં હતાં, તેથી પાણીમાં ઓગળી ગયાં હતાં.
પછી તો બધાંની નજર ઉંદરની પૂંછડીઓ પર પડી.
એકે કહ્યું : “હેઈ, ઉંદર સાત પૂંછડિયો!”
બીજાએ કહ્યું : “હેઈ, ઉંદર સાત પૂંછડિયો!”
ત્રીજાએ કહ્યું : “હેઈ ઉંદર સાત પૂંછડિયો!”
બધાંએ કહ્યું : “હેઈ ઉંદર સાત પૂંછડિયો!”
ઉંદર તો રડતો-રડતો દફ્તર લઈને ઘેર ગયો.
મમ્મીએ પૂછ્યું : “બેટા, કેમ રડે છે?”
ઉંદરે હોજવાળી વાત કરી. પછી રડમસ અવાજે કહ્યું : “મમ્મી, કાલથી હું નિશાળે નહિ જાઉં!”
મમ્મીએ કહ્યું, : “બેટા, ભણવા તો જવું પડે. તારા પપ્પા વેપારી છે. વાણિયાનો છોકરો ભણે નહિ તો પછી વેપાર શી રીતે કરે? નામું શી રીતે લખે? હિસાબ શી રીતે ગણે?”
“પણ મમ્મી, મને આ સાત પૂંછડિઓની શરમ આવે છે!”
“એનો ઉપાય કરીએ છીએ.”
પછી મમ્મીએ ગામમાંથી વિલાયતીને બોલાવ્યો.
વિલાયતી વાળંદ હતો અને વૈદ્યનું કામ પણ કરતો હતો.
વિલાયતી વાળંદ ઓજારોની પેટી લઈને આવ્યો., ઉંદરની મમ્મીએ કહ્યું : “આની એક પૂંછડી કાપી નાંખો!”
વાળંદે અસ્ત્રો કાઢીને ઉંદરની એક પૂંછડી કાપી નાખી. પાછી તેના પર દવા લગાવી દીધી.
હવે ઉંદરને છ પૂંછડીઓ થઈ ગઈ હતી. એ જોઈને તેણે મનમાં કહ્યું : “હવે મને કોઈ સાત પૂંછડિયો ઉંદર નહિ કહે!”
ઉંદર તો રાજી થતો-થતો નિશાળમાં ગયો.
બધાંએ એની પૂંછડીઓ જોઈ અને ગણી.
પછી એકે કહ્યું : “હેઈ, ઉંદર છ પૂંછડિયો!”
બીજાએ કહ્યું : “હેઈ, ઉંદર છ પૂંછડિયો!”
ત્રીજાએ કહ્યું : “હેઈ ઉંદર છ પૂંછડિયો!”
બધાંએ કહ્યું : “હેઈ ઉંદર છ પૂંછડિયો!”
ઉંદર તો રડવા લાગ્યો. તેણે દફ્તર લીધું ને રડતો-રડતો ઘેર આવ્યો.
મમ્મીએ પૂછ્યું : “બેટા, કેમ રડે છે?”
ઉંદરે રડતા-રડતા કહ્યું : “મમ્મી, મને બધાં છ પૂંછડિયો ઉંદર કહીને ખીજવે છે! મમ્મી કાલથી હું નિશાળે નહિ જાઉં!”
મમ્મીએ વહાલથી કહ્યું : “બેટા, ભણવું તો પડે. તારા પપ્પા વેપારી છે. વાણિયાનો છોકરો ભણે નહિ તો પછી વેપાર શી રીતે કરે નામું શી રીતે લખે? હિસાબ શી રીતે ગણે?”
“પણ મમ્મી, મને આ બધાં છ પૂંછડિયો કહીને ચિડાને છે!”
“એનો ઉપાય કરીએ છીએ. વિલાયતી વાળંદને બોલાવીને એક પૂંછડી ક્પાવી નાખીશું પછી તને કોઈ છ પુંછડિયો કહીને ખીજવશે નહિ.”
પછી મમ્મીએ ગામમાંથી વિલાયતી વાળંદને બોલાવવા માટે ઉંદરના નાના ભાઈને મોકલ્યો.
વિલાયતી વાળંદ બહારગામ ગયો હતો, એટલે તે વિલાયતી વાળંદના છોકરાને સાથે લઈને આવ્યો. તે છોકરાનું નામ હતું શીખું.
વિલાયતી વાળંદનો છોકરો શીખું પંદર વર્ષનો હતો. તે હજુ વાળંદનું કામ થોડું-થોડું કરતો હતો. તે શીખાઉ હતો.
ઉંદરની મમ્મીએ પૂછ્યું : “શીખું, ઉંદરની એક પૂંછડી કાપવાની છે, તને ફાવશે ને?”
શીખુએ કહ્યું, : “હા એવું કામ તો મને આવડે છે!”
પછી ઉંદરને સામે બેસાડીને તેમે ઓજારોની પેટી ખોલી. અસ્ત્રો કાઢ્યો. એક પૂંછડી પકડી અને કચ્ચ દઈને અસ્ત્રો ચલાવ્યો.
ઉંદરે પાછું વાળીને જોયું અને કહ્યું : “અરે! આ શું કર્યું? મારી બધી પૂંછડીઓ કાપી નાખી?”
ઉંદર પૂંછડી વગરનો થઈ ગયો.
મમ્મી કહ્યું : “એ સારું થયું,. હવે પૂંછડી વગરનો જોઈને તને કોઈ ખીજવશે નહિ!”
ઉંદરને પણ તે ગમ્યું.
પછી દફ્તર લઈને નિશાળમાં ગયો.
બધાંએ પૂંછડીઓ વગરના ઉંદરને જોયો.
એકે કહ્યું : “હેઈ, ઉંદર બાંડો!”
બીજાએ કહ્યું : “હેઈ, ઉંદર બાંડો!”
ત્રીજાએ કહ્યું : “હેઈ ઉંદર બાંડો!”
બધાંએ કહ્યું : “હેઈ ઉંદર બાંડો!”
હવે ઉંદરને પણ સાત પૂંછડીઓની શરમ રહી ન હતી, એટલે તે પણ બધાંની સાથે બોલવા લાગ્યો
“અમે થયા બાંડા રે ભાઈ બાંડા
અમે હતા ગાંડા રે ભાઈ ગાંડા!”
પછી તો બધાંય તેની સાથે ગાવા લાગ્યાં
“અમે થયા બાંડા રે ભાઈ બાંડા
અમે હતા ગાંડા રે ભાઈ ગાંડા”
ઉંદર ગવડાવતો હતો :
“પૂંછડી વગરના માણસો, ડાહ્યા રે ભાઈ ડાગ્યા!
પૂંછડી વગરના અમેય, ડાહ્યા રે ભાઈ ડાગ્યા!”
બધાંય તેની સાથે ગાતાં હતાં :
“પૂંછડી વગરના માણસો,
ડાહ્યા રે ભાઈ ડાહ્યા!
પૂંછડી વગરના અમેય,
ડાહ્યા રે ભાઈ ડાહ્યા!”
બીજે દિવસે તો ઉંદર હસતો-હસતો નિશાળે ગયો. બીજા પણ કેટલાક પોતાની પૂંછડીઓ કપાવીને આવ્યા હતા. બીજે દિવસે પણ બધા ભેગા થઈને ગાવા લાગ્યા :
“અમે ફાવ્યા રે ભાઈ ફાવ્યા!
અમે બાંડા રે થઈને ફાવ્યા!”
એ પછીના દિવસે તો તે બધાં જ પોતાની પૂંછડીઓ કપાવી-કપાવીને આવ્યાં હતાં. ઉંદર ગવડાવતો હતો અને બધાં ગાતાં હતાં :
“અમે બાંડા થઈને આવ્યાં જી
અમે માણસ થઈને આવ્યા જી!”
ઉંદર તો પૂરી મસ્તીમાં આવી ગવડાવ્યે જતો હતો :
“અમે ભણ્યા રે ભાઈ ભણ્યા!
અમે બાંડા રે થઈને ભણ્યા!
અમે ફાવ્યા રે ભાઈ ફાવ્યા!
અમે બાંડા રે થઈને ફાવ્યા!”
સ્રોત
- પુસ્તક : સાંકળચંદ પટેલની શ્રેષ્ઠ બાળવાર્તાઓ (પૃષ્ઠ ક્રમાંક 1)
- સંપાદક : યશવન્ત મહેતા, શ્રદ્ધા ત્રિવેદી
- પ્રકાશક : ગૂર્જર ગ્રંથરત્ન કાર્યાલય
- વર્ષ : 2014