Abhimani Kidi - Children Stories | RekhtaGujarati

રેખ્તા ગુજરાતી ઉત્સવ - 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો

રજિસ્ટ્રેશન કરો

અભિમાની કીડી

Abhimani Kidi

પ્રભુલાલ દોશી પ્રભુલાલ દોશી
અભિમાની કીડી
પ્રભુલાલ દોશી

    આંબલીના એક ઝાડ નીચે કીડીઓનો મોટો રાફડો હતો. જુદાં-જુદાં દર કરી, અસંખ્ય કીડીઓ તેમાં રહેતી હતી. કીડીઓમાં સંપ ઘણો. બધી સાથે સંપીને રહે. દરેક કીડી જ્યાંથી મળે ત્યાંથી કણ, કણ ખાવાનું લાવીને રાણી પાસે રજૂ કરે. કીડીઓની રાણી આ બધું ખાવાનું જમીનની અંદર એક જગ્યાએ ભેગું કરાવે, જેથી મુસીબતના સમયે કામ આવે. આફત આવે, તો બધી કીડીઓ ભેગી થઈ સામનો કરે.

    એક વખત આંબલીના આ ઝાડ નીચે એક કાળો અને ભયંકર સાપ આવ્યો. તેણે કીડીઓનો રાફડો જોયો. આજુબાજુમાં જગ્યા સારી હોવાથી તેણે પોતાનું દર-રાફડો ત્યાં કરવાનો વિચાર કર્યો અને તે જમીન ખોતરવા લાગ્યો.

    સાપને જમીન ખોતરતો જોઈને કીડીઓએ તેમની રાણીને વાત કરી.

    કીડીઓની રાણીને કહ્યું કે સાપ તો દુષ્ટ પ્રકૃતિનો કહેવાય; વળી, તે ઝેરી પણ હોય, તેના કારણે આજુબાજુનું વાતાવરણ ઝેરી બને. કદાચ કીડીઓનો ખોરાકનો ભંડાર પણ ઝેરી બને, તેથી સાપને બાજુમાં રહેવા દેવાય નહિ.

    આવું વિચારી કીડીઓની રાણી સાપની પાસે જઈ નમ્રતાથી બોલી, ‘હે નાગરાજ! આ ઝાડ નીચે અમારો મુકામ છે, અમારો ખોરાકનો ભંડાર છે. અમારી વસતી ઘણી છે. તમારા અહીં વસવાથી અમને મુશ્કેલી પડશે, માટે તમે થોડા દૂર વસો તો સારું.’

    સાપ ઝેરી હતો. તે સ્વભાવે દુષ્ટ અને અભિમાની હતો. એક નાનકડી ધૂળના કણ જેવડી કીડી પોતાને દૂર વસવાનું કહે તે સાંભળી તે છંછેડાઈ ગયો. તેણે કહ્યું, ‘અરે, કીડીબાઈ! આ જમીન કંઈ તમારી નથી. હું મને ઠીક લાગશે ત્યાં મારો રાફડો કરીશ. તમને મુશ્કેલી પડે, તો તમે બીજે ચાલ્યાં જાવ.’

    ‘નાગરાજ, હવે ચોમાસાની ઋતુ નજીક આવે છે. આમારો ખોરાકનો ભંડાર બીજે લઈ જઈ શકાય તેટલો સમય નથી, માટે ચોમાસું પૂરું થયા પછી અહીં આવો તો સારું. તમે તો ગમે ત્યાં રહી શકો તેમ છો.’ કીડીઓની રાણીએ કહ્યું.

    ‘હવે જા જા, ચિબાવલી. તું મને કહેનારી કોણ? હું અહીં જ રહેવાનો છું, અને જો તમે અહીંથી જતી નહીં રહો, તો હું તમને બધીને મારી નાખીશ. મારી તાકાત કેટલી છે, મારો ડંખ કેવો જીવલેણ છે, મારું ઝેર કેવું છે, તેની તને ખબર છે?’ સાપે કહ્યું.

    ‘મારે તેવી ખબર શામાટે રાખવી પડે?’

    ‘મારી સામે બોલવાની તારી આ હિંમત? લે લેતી જા.’ કહેતાં જ સાપે સૂસવાટો નાખી ઝડપથી પોતાની ફેણ પછાડી.

    કીડીઓમાં સંપ ઘણો હતો. રાણીને બચાવવા સેંકડો કીડીઓ રાણી ફરતો કિલ્લો રચીને ઊભી રહી ગઈ, પરંતુ સાપની ફેણના પછડાટથી અને તેના ઝેરી શ્વાસથી ઘણી કીડીઓ મરી ગઈ.

    કીડીઓની રાણી જેમતેમ બચીને રાફડામાં પેસી ગઈ.

    રાફડામાં કીડીઓની રાણીએ કીડીઓની સભા ભરી, સાપની આફતની વાત કરી અને આફતનો સામનો કેવી રીતે કરવો તેની ચર્ચા કરી.

    બે શાણી કીડીઓએ કહ્યું, ‘સાપ તેના દરમાંથી બહાર જાય તે પછી જંગલમાંથી કાંટાઓ વીણી લાવી તેના રાફડાની બહાર ઠેર ઠેર ગોઠવી દઈએ. જેવો તે અંદર પેસવા જશે કે કાંટા વાગશે અને તે ભાગી જશે.’

    કીડીઓની રાણીએ આ વાત સ્વીકારી લીધી.

    બસ, પછી તો હજારોની સંખ્યામાં કીડીઓનાં કટક ઊમટી પડ્યાં. જંગલમાંથી ઠેર-ઠેરથી નાના-મોટા કાંટા ઉપાડી લાવીને કીડીઓની સેના હારબંધ ઊભી રહી ગઈ. રાણીએ સૂચના આપી તે પ્રમાણે બધા કાંટા સાપના રાફડાની સપાસ ગોઠવી દઈને, બધી કીડીઓ દરમાં પેસી ગઈ.

    આખી રાત ચારો ચરીને સાપ વહેલી સવારે રહેઠાણે આવ્યો. આજુબાજુ ઠેર-ઠેર કાંટા પથરાયેલા જોઈને તેના ગુસ્સાનો પાર રહ્યો નહીં. ગુસ્સામાં આવીને તે ફેણ પછાડવા જતો હતો પણ કંઈક યાદ આવતાં તેમ કરતો અટકી ગયો. અગાઉ પોતાના જાતભાઈએ ફેણ પછાડતાં લોહી નીકળ્યું હતું અને સેંકડો કીડીઓએ તેને ફોલી ખાધો હતો, તે યાદ આવતાં તે કીડીઓની યોજના સમજી ગયો અને જીવ બચાવવા ત્યાંથી ચાલ્યો ગયો.

    સાપ બે દિવસ સુધી ન આવ્યો એટલે કીડીઓ આનંદમાં આવી, વિજયના પોકારો કરતી સરઘસ કાઢીને નીકળી.

    કીડીઓના દેકારા-પડકારા સાંભળી ઝાડની ડાળીએ જાળું પકડીને લટકતો કરોળિયો હસ્યો, ‘વાહ, કીડીબાઈ, વાહ! સાપને નસાડ્યો ખરો.’

    કરોળિયાનું કહેવું સાંભળીને કીડી-રાણી અભિમાનથી બોલી, ‘એમ વાત છે, ત્યારે! કીડીઓ સાથે વેર બાંધવું સારું નથી. કીડીઓનો સામનો કોઈ ન કરી શકે, સમજ્યો ને? હવે તું પણ અહીંથી જતો રહે.’

    ‘કીડીબાઈ, હું સાપ નથી, જમીનમાં રહેતો નથી, તમારા આડે આવતો નથી અને તમારાથી બીતો પણ નથી. તમે તમારા ઘરમાં શાંતિથી રહો. હું મારા ઘરમાં શાંતિથી રહીશ. ખોટું અભિમાન કરશો નહીં.’ કરોળિયાએ કહ્યું.

    ‘હવે અહીંથી જાય છે કે નહીં? નહિંતર બૂરા હાલ થશે.’ કીડી-રાણીએ કહ્યું.

    કરોળિયો માત્ર હસ્યો.

    ‘જાવ, એ કરોળિયાને કરડી ખાવ. કીડી-રાણીએ હુક્મ કર્યો.’

    દસ-પંદર કીડીઓ, ધીમેધીમે ઝાડ ઉપર પડતી ચડતી ડાળીઓ ઉપર થઈને કરોળિયાના જાળા પાસે પહોંચી.

    કરોળિયો જાળાના બીજા છેડે જતો રહ્યો.

    કીડીઓ ધસમસતી જાળું તોડવા આવી અને જાળામાં સપડાઈ ગઈ. ઘણા ધમપછાડા કર્યા પણ નીકળી શકી નહીં.

    કીડીરાણીએ બીજી દસ કીડીઓને મોકલી તેમની પણ એવી જ દશા થઈ.

    કરોળિયો હસતો જ રહ્યો.

    છેવટે કેટલીક શાણી કીડીઓએ રાણીને સમજાવતાં કહ્યું, ‘આમાં આપણે ફાવશું નહીં. વળી, આપણે ઝાડ ઉપર રહેવાનું નથી. આપણે સાપને કાઢી મૂકવો હતો તે તો જતો રહ્યો છે, જેથી હવે કરોળિયા સામે ગુસ્સો કરવો નકામો છે.’

    સાપના હરાવનાર કીડીઓ છેવટે કરોળિયા પાસે હારીને  પાછી ફરી. તેમનું અભિમાન ઊતરી ગયું.

સ્રોત

  • પુસ્તક : પ્રભુલાલ દોશીની શ્રેષ્ઠ બાળવાર્તાઓ (પૃષ્ઠ ક્રમાંક 108)
  • સંપાદક : યશવન્ત મહેતા, શ્રદ્ધા ત્રિવેદી
  • પ્રકાશક : ગૂર્જર ગ્રંથરત્ન કાર્યાલય
  • વર્ષ : 2013