રેખ્તા ગુજરાતી ઉત્સવ - 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો
રજિસ્ટ્રેશન કરોબે ભાઈબંધ. એકનું નામ ચંદુ, બીજાનું નામ નંદુ. ચંદુ દૂબળો ને નંદુ જાડો. બેયને ફરવાનો ભારે શોખ. બંનેને એમનાં મા-બાપ કાયમ વઢે : ‘અલ્યા મૂરખાઓ! ગમે ત્યારે ગમે ત્યાં ન નીકળી પડો. કોઈક દિવસ નક્કી હેરાન થશો.’ પણ કોઈનુંય કહ્યું માને તો ચંદુ-નંદુ શેના? એ તો નીકળી પડ્યા સવારથી જ ઘરની બહાર. રસ્તે જતું કોઈ પૂછે કે – ‘અલ્યા! બેય ભાઈબંધ ક્યાં ચાલ્યા?’ તો કહે કે, ‘અમે તો ફરવા જઈએ છીએ!’ બધાંને આશ્ચર્ય થાય કે આ ચંદુ-નંદુ ક્યાં ફરવા જતા હશે?
આખો દિવસ સીધે ને આડે રસ્તે ચાલતા રહ્યા. નહીં ખાવાનું નામ કે નહીં પીવાનું નામ. ચંદુ સુકલકડી એટલે ઓછો થાકે પણ જાડિયો જમાદાર નંદુ જલદીથી હાંફી જાય. ચાલતાં ચાલતાં સાંજ પડવા આવી. નંદુ કહે : ‘ભાઈબંધ! હવે મારાથી ચલાતું નથી. ક્યાંક રાતવાસો કરીએ તો શાંતિ થાય.’ ચંદુ કહે કે, ‘આ સામે જે ગામ દેખાય છે તે આપણો વિસામો.’ નંદુએ ઊંડો શ્વાસ લીધો. તે બોલ્યો : ‘પણ, એ ગામમાં આપણું કોઈ ઓળખીતું તો છે જ નહીં, તો જઈશું કોને ઘેર?’ ચંદુને પણ થયું કે આ જાડિયાની વાત તો સાચી છે. કંઈક યુક્તિ કરું તો આજની રાત રહેવા મળી જાય! અચાનક નંદુને વિચાર આવ્યો કે આપણે ગામનું એકેએક ઘર ફરી વળીએ. જે ઘરમાં કોઈ ન હોય ત્યાં રાત રહી જવું. એમ કરતાં એ તો બેય જણા ગામમાં પેઠા.
લગભગ બધી શેરીઓ ફરી વળ્યા. કોઈ ઘર ખાલી જણાય જ નહીં ને! જવું ક્યાં? બેય જણ થોડી વાર તો મૂંઝવણમાં પડી ગયા. એટલામાં ચંદુની નજર પડી. એક ઘરમાં દીવો બળતો હતો પણ કોઈ દેખાતું નહોતું. એણે નંદુને ઇશારો કર્યો. બંને જણ ઘરમાં ઘૂસ્યા. ઘરમાં સાચે જ કોઈ નહોતું. ઓરડામાં સરસ મજાનો પલંગ હતો. ગાદલું તો એવું પોચું કે કૂદકા મારવાનું મન થઈ જાય! નંદુને કકડીને ભૂખ લાગી હતી. એ ધીમેથી બોલ્યો : ‘ચંદુ! ખાવાનું શું કરીશું? મને તો ભૂખ લાગી છે.’ રસોડામાં જઈને જોયું તો રોટલા, શાક ને છાશ તૈયાર હતાં. બેય જણ બધું ઝાપટીને પલંગમાં ઊંઘી ગયા.
મધરાત થવા આવી ત્યાં તો ઘરનું બારણું ઊઘડ્યું. નંદુ-ચંદુએ ચૂંચી આંખો કરીને જોયું તો ઘરનો માલિક! માર્યા ઠાર. હવે જવું ક્યાં? સાવ ધીમેથી ચંદુ કહે : ‘નંદુ! ચાલ પેલી કોઠી છે એમાં સંતાઈ જઈએ. બંને જણ અવાજ કર્યા વિના કોઠીમાં ભરાયા. ચંદુ તો દૂબળો-પાતળો એટલે તરત જ કોઠીમાં ઘૂસી ગયો, પણ નંદુ જાડો એટલે માંડ માંડ ઘૂસી શક્યો. એ કોઠીમાં શું ભર્યું હતું ખબર છે? દિવેલ, એટલે કે એરંડિયું! ચીકણું તો એવું કે ન પૂછો વાત. શરીરે ચીકણું તેલ અડે તે કોને ગમે? પણ બહાર તો નીકળાય જ નહીં. ઘર-માલિક જોઈ જાય તો સોએ વરસ પૂરાં જ કરી નાંખે!
બંને જણ બેઠા રહ્યા કોઠીમાં. ઘર માલિક તો સીધો જ રસોડામાં ગયો. જઈને જુએ તો ખાવાનું ખલાસ! એ તો બબડ્યો... ‘નક્કી ભૂત જ આવ્યું હોવું જોઈએ! ઓહ બાપ રે ભૂત!!’ એ તો બીકનો માર્યો પલંગમાં ગોદડું ઓઢીને સૂઈ ગયો. ચંદુ-નંદુને ખ્યાલ આવ્યો કે આ માણસ ભૂતથી બીએ છે. સવાર પડે ત્યાર પહેલાં અહીંથી નાસી છૂટીએ. નંદુને સંકડાશ પડતી હતી તોય બેય ક્યાંય સુધી બેસી રહ્યા.
થોડી વારમાં તો ઘર-માલિકનાં નસકોરાં સંભળાવા લાગ્યાં. ચંદુએ કોઠીમાંથી ડોકું બહાર કાઢ્યું ને જોયું તો તે સાચે જ ઊંઘતો હતો. નંદુ કહે : ‘ચાલ ધીમે રહીને ભાગી છૂટીએ! પેલો જાગી જાય એ પહેલાં...’ પણ જવું કેવી રીતે? આટલી વાત થઈ ત્યાં તો ઘર-માલિકે પડખું ફેરવ્યું ને કોઠી સામે મોં રહે એમ સૂતો! ચંદુ-નંદુ પાછા કોઠીમાં ગરક થઈ ગયા. ફરી વાર નસકોરાં સંભળાવા લાગ્યાં એટલે બેય ભાઈબંધ અવાજ ન થાય એમ બહાર કૂદ્યા. જેવા બહાર કૂદ્યા એવા જ ખૂણામાં બાજરીના ઢૂંઢાંનો ઢગલો પડ્યો હતો એમાં જઈ પડ્યા. યાદ ન રહ્યું કે આપણે તો ચીકણા ચીકણા છીએ! બેયના આખા શરીરે ઢૂંઢાં ચોંટી ગયાં. દેખાવમાં બંને જાણે અસ્સલ ભૂત!
અચાનક જ ઘર-માલિકની આખો ઊઘડો ગઈ તો સામે રીંછ જેવા બે આકારો દેખાયા! એને થયું કે આ ભૂત જ છે. એક નહીં પણ બે ભૂત! બીકનો માર્યો ધ્રૂજવા લાગ્યો. એના મોઢામાંથી અવાજ નીકળ્યો ભૂઉઉઉઉત... ભૂઉઉઉઉત... તરત જ નંદુ બેય હાથ ઊંચા કરીને મોટા અવાજે બોલ્યો : ‘હુ હુ હુ હુ હુ હુ...’ એ અવાજ સાંભળીને ચંદુ ઠેકડા મારવા માંડ્યો ને બોલ્યો : ‘હી હી હી હી હી હી...’ બિચારો ઘર-માલિક તો જાય નાઠો... જાય નાઠો! સીધો જ ઘરની બહાર. ચંદુ-નંદુ પણ આ તકનો લાભ લઈને નાસી છૂટ્યા... એક શેરીના ખૂણામાં જઈને લપાઈ ગયા.
ઘર-માલિકની બૂમો સાંભળીને આજુબાજુના લોકો જાગી ગયા. બધા એને પૂછવા માંડ્યા : ‘ક્યાં છે ભૂત? બતાવો... બતાવો...’ લોકો આખા ઘરમાં ફરીને આંટો મારીને આવ્યા અને પછી કહ્યું કે – ‘અહીં તો કોઈ નથી. તમને વહેમ પડ્યો લાગે છે! નકામી બધાંની ઊંઘ બગાડો છો... સૂઈ જાવ...’ ઘર-માલિક બિચારો ભોંઠોં પડીને સૂઈ ગયો.
ચંદુ-નંદુને થયું કે હવે ઝાઝી વાર લપાઈ રહેવામાં માલ નથી. બેય જણા ચાલી નીકળ્યા. રસ્તામાં આવ્યું તળાવ. બેય ભાઈબંધો ખૂબ નાહ્યા. ઢૂંઢાં બધાં ખરી પડ્યા ને શરીર પણ ચોખ્ખાં થઈ ગયાં. દોડ્યા એ તો સીધા ઘેર... હવે કોઈ ચંદુ-નંદુને ભૂતની બીક બતાવે તો ડરે ખરા?
સ્રોત
- પુસ્તક : સપનાંનો પહાડ (પૃષ્ઠ ક્રમાંક 26)
- સર્જક : હર્ષદ ત્રિવેદી
- પ્રકાશક : ડિવાઇન પબ્લિકેશન્સ
- વર્ષ : 2023