
રતન ખિસકોલી બહુ મહેનતુ. આખો દિવસ કંઈ ને કંઈ કામ કર્યા જ કરે. બેસી રહેવાનું તો એને બિલકુલ ગમે નહિ. વળી, એને ખબર કે ચોમાસામાં વરસાદ પડે ત્યારે ખાવાનું મળે કે ના મળે એ નક્કી નહીં એટલે પહેલેથી જ ખાવાનું બરોબર ભેગું કર્યું હોય તો ચોમાસામાં નિરાંત રહે. સવારે ઊઠે ત્યારથી એની દોડાદોડ શરૂ થઈ જાય. ઘણી વાર એને બીજી ખિસકોલીઓ કહે પણ ખરી કે “આટલી બધી મહેનત શા માટે કરે છે?” રતન તો એક જ જવાબ આપે કે ‘મારે રસોડેથી કોઈ ભૂખ્યું જાય એ મને ગમે નહિ.’
આ વર્ષે તો વરસાદ પણ ખૂબ પડ્યો. કાળાં કાળાં વાદળો ઘેરાવા માંડ્યાં કે તરત જ રતન ખિસકોલીએ ઉતાવળ કરીને પોતાના રસોડાની બધી અભરાઈઓ ખોરાકથી ભરી દીધી. એક બાજુ સૂકાં બોર, બીજી બાજુ દાળિયા, તો નીચે ડબ્બામાં ખજૂર અને સીંગદાણા. જ્યાં જુઓ ત્યાં ખાવાનું જ ખાવાનું! રતનને હવે નિરાંત થઈ. ભલે ને હવે દિવસો સુધી વરસાદ પડે! એ ઘરની બહાર જરાયે ન નીકળે તોપણ ચાલે.
પછી તો સાચે જ, ધોધમાર વરસાદ તૂટી પડ્યો. રતન ખિસકોલીના દરની આજુબાજુ તો બસ પાણી જ પાણી! જાણે મોટા દરિયાની વચ્ચે એક નાનકડો ટાપુ હોય એવી દશા રતનના દરની થઈ ગઈ. રતન તો બારીએ બેઠી પાણી જોયા કરે અને નિરાંતે ખાઈ-પીને આરામ કરે. એને ક્યાં બહાર જવાનું હતું કે પાણીની ચિંતા થાય? રાત્રે તો એવો વરસાદ પડ્યો કે જાણે કોઈ દિવસ અટકશે જ નહિ એમ લાગે. એમાં વીજળીના કડાકાભડાકા થાય. રતન તો પાંદડું ઓઢીને સૂઈ ગઈ. ત્યાં કોઈએ બારણે ટકોરા માર્યા. એ વળી કોણ હશે આવી હવામાં? રતનને પહેલાં તો જરા બીક લાગી.
‘એ કોણ છે?’ રતને પૂછ્યું.
‘અમે છીએ’ બહુ ઝીણો અવાજ આવ્યો. આવડો ઝીણો અવાજ કોનો હોય રતને તો ખૂબ વિચાર કર્યો પણ સમજ ન પડી. છેવટે એણે હિંમત કરીને બારણું ખોલ્યું. ઓહોહો! બારણે તો કીડીબાઈ અને એમના મોટા કુટુંબનાં બધાં સગાંવહાલાંઓ દેખાયાં! રતનને તો ભારે નવાઈ લાગી. આ બધાં આટલા વરસાદમાં અહીં શી રીતે આવ્યાં?
‘બહેન, અમારા દરમાં તો પાણી ભરાઈ ગયું છે. મારી મોટી દીકરીનો પત્તો નથી. પાણીમાં તણાઈ ગઈ હોય એવું લાગે છે. હવે ત્યાં રહેવામાં જોખમ છે. આસપાસ કોઈ આશરો નથી એટલે જેમતેમ, પડતાં-આખડતાં, તમારે ત્યાં આવ્યાં છીએ.’ આટલું માંડમાંડ બોલીને કીડીબાઈ તો રડી પડ્યાં.
રતનને તો ખરેખર દયા આવી. એક તો કીડીબાઈ આવાં નાનાં ને નાજુક અને એમાં એમને આટલું બધું દુઃખ! એણે તો તરજ જ પોતાનાં બારણાં ખોલીને કીડીબાઈને અને એના આખા કુટુંબને અંદર લઈ લીધું.
‘આવો, આવો, મારે ત્યાં ખાતાં ખૂટે નહિ એટલું બધું ખાવાનું છે અને ઘર પણ ઘણું મોટું છે. તમે નિરાંતે અહીં રહો અને તડકો નીકળે ત્યારે જ તમારે ઘરે જજો.’
કીડીબાઈને તો ખૂબ સારું લાગ્યું. રતને તો નાનાં નાનાં પાંદડાં અને પીંછાની હૂંફાળી રજાઈ કાઢીને કીડીબાઈના કુટુંબની બધી કીડીઓને માટે પથારી કરી. પછી અભરાઈ પરથી એક પછી એક ખાવાની વસ્તુઓ નીચે ઉતારી. ખૂબ આગ્રહ કરીને બધાંને ખવડાવ્યું. પેટ ભરાયું અને નરમ નરમ પથારી મળી એટલે તો બધાંને એવી ઘસઘસાટ ઊંઘ આવી ગઈ કે સવાર ક્યાં થઈ એની કોઈને ખબર ન પડી.
બારીમાંથી જરાતરા તડકો દેખાયો કે રતન ખિસકોલી તો કૂદકો મારીને બેઠી થઈ ગઈ. વરસાદ બંધ પડ્યો હતો અને સૂરજદાદા નીકળ્યા હતા. કીડીબાઈ પણ જાગી ગયાં અને બહાર પાણી નથી એવું જાણી પોતાના આખા કુટુંબને લઈ, રતન ખિસકોલીનો આભાર માની ચાલવા માંડ્યાં.
રતન ખિસકોલીએ અભરાઈ તરફ જોયું. હવે ઘણી જગ્યા ખાલી પડી હતી. તે તો તરત બહાર આવી ને ખાવાનું એકઠું કરવા દોડાદોડ કરવા માંડી.
‘અરે રતન! તેં તો આખું ચોમાસું ચાલે એટલું ખાવાનું ભેગું કરેલું ને એક જ વરસાદમાં પાછી ખાવાનું શા માટે ભેગું કરે છે? તારા લોભનો તો કોઈ છેડો જ નથી લાગતો!’ કકુ કાગડાએ રતનને કહ્યું.
રતન ખિસકોલીએ હસતાં હસતાં કહ્યું, ‘મારે એકલીએ બધું ખાવાનું એવું ઓછું છે? હું તો જે ભેગું કરું છું એમાં બધાંનો ભાગ છે. મારે રસોડે કોઈ ભૂખ્યું ન રહે એટલું મારે જોવાનું.’
‘દોડ્યા કર બધાં માટે, મારે શું? કકુ કાગડો બબડ્યો. એને સમજાયું નહિ કે કોઈને ખવડાવવા રતન ખિસકોલી શા સારુ આમ દોડાદોડ કરતી હશે?
એક મોટી બદામ દરમાં લઈ જતાં રતન ખિસકોલીએ કહ્યું કે, ‘હું જે કરું છું તેમાં શી મઝા પડે એ તને નહિ સમજાય.’
સાંજે થાકીને રતન આરામ કરતી હતી. ત્યાં કીડીબાઈને ત્યાંથી કોઈક આવ્યું. ‘આ તમારે માટે મોકલાવ્યું છે.’ – એવું કહીને એક ટોપલી રતનના હાથમાં મૂકી. રતન ખિસકોલીએ ટોપલી ખોલી. અંદર કોપરું, સાકર, ખારેક ને બીજું કેટલું બધું હતું! રતન ખિસકોલીની અભરાઈ પાછી ખીચોખોચ ભરાઈ ગઈ.



સ્રોત
- પુસ્તક : અમર બાલકથાઓ (પૃષ્ઠ ક્રમાંક 432)
- સંપાદક : શ્રદ્ધા ત્રિવેદી
- પ્રકાશક : આર.આર. શેઠ ઍન્ડ કંપની પ્રા. લિ.
- વર્ષ : 2020