
ઢોલ વાગે ઢમાઢમ! એક હતો રાજા. ઘણું મોટું એનું રાજ. રાજમાં પાંચસો તો પ્રધાન! પ્રધાન આટલા બધા, પણ એમાં કોઈ વડો દીવાન મળે નહિ. રાજાએ ઠેર ઠેર શોધ ચલાવી. ગામેગામ ઢોલ પિટાવ્યાં. કોઈ ડાહ્યો માણસ મળે નહી. ડાહ્યો હોય એ દીવાન થાય. ઘરમાં દીવા વિના જેમ અંધારું લાગે, એમ રાજમાં દીવાન વિના ઘોર અંધારું લાગે. રાજા લડાઈ ખેલે, દુશ્મન સાથે ઝઝૂમે. જ્યારે દીવાન દેશનો કારભાર સંભાળે. આવા દીવાન વિના ચાલે કેમ? રાજાને આવો દીવાન જોઈએ. આ માટે રાજા એની પરીક્ષા કરે. એના ડહાપણનું માપ કાઢે. એની ચતુરાઈભરી ચાલ જુએ. રાજાની પરીક્ષામાં જે પાસ થાય, એને રાજનો દીવાન બનાવે. એ માટે બધે ઢોલ વગડાવ્યાં. ઢોલ વાગે ઢમાઢમ!
રાજાએ ઢોલીને બોલાવ્યો. એને એક કૂકડો આપ્યો. ઢોલીએ ઢમાઢમ ઢોલ વગાડ્યો અને હાથ ઊંચા કરી જોરથી બોલ્યો :
“આ છે અમારા કૂકડારાજ! લડે એવું કે ભલભલાના કૂકડા ભાગી જાય! એની સામે કોઈ કૂકડો ટકી ન શકે, પણ આ મારા કૂકડારાજને બીજા કૂકડા વિના કુસ્તી કરાવો તો ખરા. એવી કુસ્તી કરાવો કે કૂકડારાજ લોહીલુહાણ થઈ જાય.”
લોકો બધા એકઠા થાય. ઢોલીની વાત સાંભળે. મનમાં હસતાં હસતાં વીખરાઈ જાય. લોકો કહે કે આ તો સાવ અજબ જેવી વાત છે. કૂકડો કૂકડાને, તેતર તેતરને, કૂતરો કૂતરાને અને સાંઢ સાંઢને જોઈને લડે ખરા. લડાઈ કરવા માટે ઓછામાં ઓછા બે જણ જોઈએ. એકલો લડે કેવી રીતે? એકલો લડે કોની સાથે? વળી એ કોને હરાવે?
ઢોલી ફરતો-ફરતો આનંદપુરમાં આવ્યો. આનંદપુરના લોકોએ ઢોલીની વાત સાંભળી. વાત સાંભળતાં આનંદ ઊડી ગયો. આનંદપુરમાં એક જુવાન રહે. એનું નામ હસતારામ. એનું મોં સદાય હસતું હોય. ગમે તેટલું દુઃખ હોય, છતાં હંમેશાં આનંદમાં રહે. હસતારામે ઢોલીની વાત સાંભળી. આ વાત સાંભળતાં જ ચપટી વગાડી હસવા લાગ્યો.
સહુને થયું કે હસતારામ પણ આપણી માફક વાતને હસી કાઢતો લાગે છે. એવામાં ચપ દઈને ચપટી વગાડતાં હસતારામ બોલ્યો : “ઓહ! એમાં તે શી મોટી વાત? એક હોય કે બે. લાવો, અબ ઘડી કૂકડાને લડાવી દઉં; લોહીલુહાણ કરી દઉં.”
ઢોલીએ હસતારામને કૂકડો આપ્યો. હસતારામે એક અરીસો મંગાવ્યો. અરીસાની સામે કૂકડાને મૂક્યો. કૂકડાએ અરીસામાં જોયું. જોતાં જ ‘કૂકડે કૂક’ કર્યું. કૂકડાને થયું કે આ વળી મારી સામે, મારા જેવો બીજો કોણ ઊભો છે?
કૂકડો અરીસામાં પોતાને જુએ. માને કે સામે બીજો કૂકડો ઊભો છે. એ તો અરીસા પર ચાંપ પર ચાંચ મારવા લાગ્યા. ચાંચ મારતો જાય ને બોલતો જાય : “ઊભો રહેજે, અલ્યા!”
છતાં સામેથી કૂકડો ગયો નહિ. સહેજે પાછો હઠ્યો નહિ. કૂકડારાજે ફરી જોરથી માથું માર્યું. મોટી ચીસ પાડતાં બોલ્યો :
“હવે તારું આવી બન્યું જાણજે. તું મારા ચાળા પાડે છે? તને ખબર નથી, કે હું તો કૂકડારાજ છું!’
બસ, પછી તો દે ધનાધન!
ચાંચથી લડે. પગ પછાડે. નહોરથી ઉઝરડા ભરે. જીવ પર આવીને લડે.
કૂકડો ખૂબ લડ્યો. આખરો લોહીલુહાણ થઈને નીચે પડ્યો.
ઢોલીએ કૂદીને ઢોલ વગાડ્યો. ઢોલ વાગે ઢમઢમ! હસતારામને ઢોલીએ શાબાશી આપી અને કહ્યું : “આ ચાલ્યો રાજા પાસે. હમણાં રાજાને હું જાણ કરું છું.”
હસતારામ તો ચપટી વગાડતો,. હસતો-હસતો ચાલ્યો જાય. રાજા પાસે આ વાત પહોંચી. રાજાએ ઢોલીને બીજી એક પરીક્ષા કરવા હુક્મ કર્યો. રાજાએ ઢોલીને એક ઘેટો આપ્યો. ઘેટો લઈને ઢોલી આનંદપુરમાં આવ્યો. આવીને ઢોલ પિટાવ્યો અને બોલ્યો : “આ છે શિંગલું ઘેટું! તેનું વજન છે બરાબર એક મણ અને છ શેર! રાજાએ તમારે મહેમાન તરીકે મોકલ્યું છે. પંદર દિવસ એને ઠાઠમાઠથી રાખજો. સારું સારું ખવડાવજો. સારું સારું પિવડાવજો, છતાં એટલું જોજો કે પંદર દિવસ પછી ઘેટાનું વજન તોલા જેટવું પણ વધવું જોઈએ નહિ.”
આ તે બને કેમ?
સારું સારું ખવડાવે તો વજન ખૂબ ઝડપથી વધે. ઘેટું તાજુંમાજું થઈ જાય. મોટું જાડુંપાડું થઈ જાય. એવામાં ચપટી વગાડતો હસતારામ આવ્યો. ગામ આખું મૂંઝવણમાં પડ્યું હતું, પણ હસતારામ તે હસતારામ! એ તો મરક-મરક હસ્યા કરે. હસતો જાય અને ચપટી વગાડતો જાય. એણે ઢોલીની વાત સાંભળી. વાત સાંભળતાં બોલી ઊઠ્યો : “આમાં તો વળી શી મોટી વાત! બાંધો ઘેટાને. ખવડાવો તાજાં ધાન અને તાજો તાજો ભાજી-પાલો. વળી એક પાંજરું લાવો. એ પાંજરામાં ભૂખ્યા વરુને પૂરો. રોજ રાતે એ ઘેટાને પાંજરા પાસે બાંધો.”
હસતાની વાત સાંભળી લોકો રાજી થયા. દિવસે ઘેટ્યું હરેફરે અને ચરે. રાતે એને ભૂખ્યા વરુના પાંજરા પાસે બાંધે.
ઘેટાને જોઈને વરુ ઘુરકિયાં કરે. દાંત કચકચાવે. નહોરથી ઘેટાને ફાડી નાખવા ધસે. હમણાં ખાધું કે ખાશે! ઘેટું બીચારું અધમૂઉં થઈ જાય. દિવસે ખાય અને તાજુંમાજું થાય. પણ રાતે ઘેટાનું બધુંય લોહી બળી જાય! આમ ને આમ પંદર દિવસ વીતી ગયા. ઘેટાને લેવા માટે ઢોલી આવ્યો. ગામના ચોરામાં ઘેટાને કાંટા પર જોક્યું. એનું વજન એક તોલાભાર પણ વધ્યું નહોતું. ભારે અચરજની વાત! ઢોલી કૂદી ઊઠ્યો અને ઢોલ વગાડવા લાગ્યો. ઢોલ વાગે ઢમાઢમ! ઢોલીએ રાજાને બધી વાત કરી.
આ વખતે રાજાએ ઢોલી સાથે એક હાથી મોકલ્યો. હાથી ખૂબ ઘરડો થયો હતો. મરવાને વાંકે જીવતો હતો. રાજાએ ઢોલીને શરતની વાત કહી.
ઢોલી આનંદપુર ગામમાં આવ્યો. આવીને ઢોલ વગાડ્યો અને બોલ્યો : “આ રાજનો હાથી ઘણા વખતથી માંદો છે. હવાફેર માટે આનંદપુર આવ્યો છે એને સારું સારું ખવડાવજો અને પિવડાવજો. રોજેરોજ હાથીના સારા સમાચાર કહેવડાવજો. ગમે તે થાય, પણ ઘરડો હાથી મરી ગયો એવા સમાચાર મોકલશો નહિ.”
ગામલોકો તો ભારે મૂંઝવણમાં પડ્યા. આ વળી પાછી નવી લપ આવી! તેઓ તો હસતારામ પાસે ગયા. હસતા તો હીંચકે બેઠો હતો મીઠું ગીત ગાતો હતો.
ગામલોકોએ હસતારામને કહ્યું : “ભાઈ હસતારામ! હવે હસવાને રામરામ કરો. હસવાનો આ વખત નથી. રાજાએ વળી એક નવું કામ સોંપ્યું છે. કામ તો સહેલું છે, પણ શરત ઘણી અઘરી છે. હવે તો જિવાડે તોયે તું અરે મારે તોયે તું!”
ગામલોકોએ હસતારામને રાજાની શરતની વાત કરી. હસતાએ તો ચપટી વગાડતાં કહ્યું : “ઓહ! આટલી જ વાત છે ને! તમે બધા સહેજે ડરશો નહિ. મનમાં જરાય ગભરાશો નહિ. રાજા તો ઉદાર છે. જે કરતા હશે તે સહુના સારા માટે કરતા હશે. તમતમારે હાથીને ચોરામાં બાંધવાનું કહો.”
ગામના ચોરામાં હાથીને બાંધ્યો. ઘાસચારો ખવડાવ્યો. રોજ રાજાજીને હાથીના સારા સમાચાર સકહેવડાવવા માંડ્યા. એક દિવસ ઘરડો હાથી મરી ગયો. ગામલોકો એકઠા થયા. બધા ચિંતા કરવા લાગ્યા. માથે મોટી આફત આવી પડી. રાજાને આ સમાચાર કહેવા કઈ રીતે? એમણે તો કહ્યું છે કે રોજ સારા સમાચાર કહેવડાવજો. ઘરડો હાથી મરી ગયો એવા સમાચાર મોકલશો નહિ. ગામના ચોરામાં હસતારામને બોલાવ્યો. ગામના મુખીએ કહ્યું : “હસતારામ, હવે તારું છે કામ. આનો કંઈ ઉપાય બતાવ.”
ચપટી વગાડતાં હસતારામે કહ્યું : “તમે ડરશો નહિ. મનમાં સહેજે ગભરાશો નહિ. હું જાતે દરબારમાં જઈને રાજાજીને હાથીના સારા સમાચાર આપીશ.”
હસતારામ તો રાજમહેલમાં ગયો. હસતો જાય ને ચપટી વગાડતો જાય. રાજાનો દરબાર ભરાયો હતો. હસતારામ દરબારમાં આવ્યો. રાજાને હાથીના સમાચાર આપતાં હસતારામે કહ્યું : “રાજાજી! હાથી તો તપ કરે છે. એવું તપ કે ન પૂછો વાત! સહેજે હાલતો નથી ને ચાલતો નથી. એની લાંબી સૂંઢ જરાય હલાવતો નથી. આંખ સહેજે ઉઘાડતો નથી. તપ તો એટલું બધું કરે છે કે કશુંય ખાતો નથી ને કશુંય પીતો નથી.”
હસતારામની વાત સાંભળતાં જ રાજા બોલી ઊઠ્યા : “ઓહ! નક્કી એ હાથી મરી ગયો હશે. બીમાર હતો ને ઘરડો થયો હતો. બીચારો મરવાને વાંકે જીવતો હતો.”
હસતારામ હસતાં-હસતાં બોલ્યો : “રાજાજી! આપ તો મોટા રાજા છો. પ્રજાની સાચી ખબર આપને જ હોય. આપ જે સમજો તે સાચું.”
રાજાને સારા સમાચાર કહેવાની શરત યાદ આવી... હસતારામ પર ખુશ થયા.
આ સમયે દરબારમાં એક ફરિયાદ આવી. એક કાણિયો ફરિયાદ લઈને આવ્યો હતો. એણે ઝીણી આંખ કરી કહ્યું : “રાજાજી! ન્યાય આપો, ન્યાય આપો.”
રાજા બોલ્યા : “કહો, શી ફરિયાદ છે તમારી?”
કાણિયાએ એની એક આંખ ઝીણી કરતાં કહ્યું : “રાજાજી! આ સુખચંદ શેઠ છે. તેઓ ધીરધારનો ધંધો કરે છે, એમને ત્યાં મારી એક આંખ મેં ગીરો મૂકી હતી. શેઠને એક આંખ આપી, એના બદલામાં શેઠે મને એક હજાર રૂપિયા આપ્યા. હવે એ રૂપિયા પાછા આપવા માગું છું, પણ શેઠ એ લેતા નથી. મને મારી આંખ પાછી આપતા નથી. રાજાજી! મને મારી આંખ પાછી અપાવો.” રાજા વિચારવા લાગ્યા. આ બેમાંથી સાચું કોણ? કાણિયાને એક આંખ નહોતી, જ્યારે સુખચંદ શેઠ ગામના સારા માણસ હતા. રાજાની નજર તેમના પ્રધાનો તરફ ગઈ. કોઈ આનો ઉકેલ બતાવે છે ખરા?
પાંચસોએ પાંચસો પ્રધાન વિચારમાં પડ્યા. ઘણો વિચાર કરે, પણ કોઈ ઉપાય જડે નહિ. છેવટે રાજાની નજર હસતારામ ઉપર પડી. રાજાએ કહ્યું : “ભાઈ હસતા! તું ઘણો ચતુર છે. તારી બુદ્ધિ લડાવીને સાચો ન્યાય કરી શકીશ ખરો?”
હસતારામ હસતો-હસતો આગળ આવ્યો. ચપટી વગાડતાં બોલ્યો : “રાજાજી! હમણાં સાચી વાત શોધી લાવું. કોણ સાચો અને કોણ ખોટો, તેની આપને ખબર કરું. આમાં તે શી મોટી વાત!
રાજાએ હસતાને તપાસ સોંપી. હસતાએ કહ્યું : “રાજાજી સિપાઈઓને બોલાવો. મારે સુખચંદ શેઠના ઘેર જવું છે. એમની હવેલીની જડતી લેવી છે. સાચી આંખ શોધવી છે. સાચી વાત જાણવી છે.”
હસતારામની વાત સાંભળીને કાણિયો આનંદથી કૂદવા લાગ્યો.
હસતારામ તો સુખચંદ શેઠની હવેલીએ પહોંચ્યા. ઘરમાં બધી તપાસ કરી. શેઠ પાસેથી એક પેટી લીધી. પેટી લઈને એ દરબારમાં આવ્યો.
હસતારામે કહ્યું : “રાજાજી! મુદ્દામાલ તો મળી ગયો છે.”
રાજાએ ખુશ થતાં કહ્યું : ‘વાહ હસતારામ, વાહ! તમે તો ભારે જબરા નીકળ્યા. હજી હમણાં તો તમને વાત કરી અને અબી ને અબી મુદ્દામાલ હાજર!’
હસતો પેટી લઈને આગળ આવ્યો. રાજાએ કહ્યું : ‘હસતારામ! તમે કરો છો રાજનું કામ. જે રાજમાં સાચો ન્યાય મળે તે રાજ જ ટકે. તેથી ન્યાય આપવા માટે તમે ન્યાયના આસન પર બેસો.’
ચપટી વગાડતો હસતો આગળ આવ્યો. હસતારામ ન્યાય આપવા ન્યાયના આસન પર બેઠો.
હસતારામ હળવેથી બોલ્યો : ‘આ સુખચંદ શેઠની હવેલીમાંથી મને ઘણી આંખો મળી છે. પરંતુ કાણિયાજી, તમારી આંખ કઈ છે તે ઓળખાતી નથી. તમને એક આંખને બદલે બીજી આંખ આપી દઈએ તો મોટી ઉપાધિ થાય.’
કાણિયાએ હસતાની વાતમાં ટાપસી પુરાવતાં કહ્યું : ‘વાહ! હસતાભાઈ, વાહ! તમારી વાત સાવ સાચી. સો ટચના સોના જેવી!’
હસતાએ સહેજ હસીને પોતાની વાત આગળ ચલાવી :
‘કાણિયાજી! તમે આપેલી આંખ જ તમને પાછી મળવી જોઈએ. માટે તમારી બીજી આંખ કાઢી આપો. એની સાથે સરખાવીને તમારી આંખ પાછી આપી દઈશું.”
આનંદથી કૂદતો કાણીદાસ હસતારામની વાત સાંભળીને ઢીલો ઢફ થઈ ગયો. શરીરે પરસેવો છૂટવા માંડ્યો. જીભના લોચા વળવા લાગ્યા. ઝીણી આંખ કરી કાણીદાસે કહ્યું : “અરે, હસતારામ! તમે તે કેવી વાત કરો છો! આ મારી આંખ તમને કેવી રીતે કાઢી આપું આંખ તે કદી નીકળતી હશે?”
હસતારામે ચપ દઈને ચપટી વગાડતાં કહ્યું : “એમાં આટલા મૂંઝાઓ છો શું? ભલા માણસ ગીરો મૂકતી વખતે જેવી રીતે એક આંખ કાઢી આપી હતી, તેવી રીતે આ બીજી આંખ કાઢી આપો.”
હસતારામની વાત સાંભળીને આખો દરબાર એને શાબાશી આપવા માંડ્યો. બીજી બાજુ કાણીદાસના હોશકોશ ઊડી ગયા. હસતારામે કહ્યું : ‘સિપાઈઓ, સાચ અને જૂઠ પારખવાં એ તો ન્યાયની ફરજ છે. સાચાને સહાય કરવી અને જૂઠાને સજા કરવી એ રાજનું કામ છે. એ ભલે એની આંખ કાઢી ન આપે, પણ તમે એની આંખ કાઢી નાખો. આપણે એ સુખચંદ શેઠને ત્યાં ગીરો મૂકેલી મૂળ આંખ શોધીને પાછી આપવી જ છે.’
કાણીદાસ તો રોવા જેવો થઈ ગયો. દોડીને હસતારામના પગમાં પડ્યો અને બોલ્યો : “ભાઈ હસતારામ! મારી ભૂલ થઈ ગઈ. સુખચંદ શેઠ સારા માણસ. એટલે એમને સપડાવી પૈસા પડાવવા હતા. મેં ખોટું કર્યું. મારો ગુનો માફ કરો. મને માફ કરો.”
હસતારામે રાજા તરફ જોયું. રાજાએ હસતારામને શાબાશી આપી. કાણીદાસને એના ગુનાની સજા કરી. રાજાએ હસતારામની પીછ થાબડતાં કહ્યું : “ભાઈ હસતા! તું ઉંમરમાં નાનો છે, પણ અક્કલમાં મોટાને આંટે એવો છે. આજથી તું મારા રાજનો દીવાન! દીવાન એ તો રાજનો દીવો! દીવાન વિના મારા રાજમાં અંધારું હતું,. હવે અજવાળું થશે.”
હસતારામ એ દિવસે રાજનો દીવાન બન્યો અને ઢોલ વાગ્યા ઢમાઢમ!



સ્રોત
- પુસ્તક : અમર બાલકથાઓ (પૃષ્ઠ ક્રમાંક 413)
- સંપાદક : શ્રદ્ધા ત્રિવેદી
- પ્રકાશક : આર.આર. શેઠ ઍન્ડ કંપની પ્રા. લિ.
- વર્ષ : 2020