Rajaa Ane Goval - Children Stories | RekhtaGujarati

રાજા અને ગોવાળ

Rajaa Ane Goval

જયમલ્લ પરમાર જયમલ્લ પરમાર
રાજા અને ગોવાળ
જયમલ્લ પરમાર

                એક રાજકુંવર અને એક ગોવાળ. બેય વચ્ચે ભારે ભાઈબંધી. આખો દિવસ બેય સાથે હરેફરે, રમે-જમે, સૂએ-બેસે. ઘડીપળ પણ છૂટા ન પડે. રાજકુંવરે પ્રતિજ્ઞા કરી કે રાજા થઈશ ત્યારે તને જ મારો દીવાન બનાવીશ.

 

                ગોવાળ કહે : “ભલે.”

 

                બેયના દિવસ આનંદમાં ચાલ્યા જાય. ગોવાળ વગડે ગાયો ચરાવવા જાય. રાજકુંવર સાથે સાથે જાય. બેય જણા પડખોપડખ ઝાડને છાંયે બેસે. ગોવાળ વાંસળી વગાડે અને રાજકુંવર વાંસળી સાંભળે. શું મીઠા સૂર! શું મીઠા સૂર! સૂરની મીઠાશે વગડો ગાજે, ઝાડપાન થંભે, નદીઝરણાં જંપે, હરણ-હરણાં ઊભાં રહી જાય.

 

                ***

 

                વરસ વીત્યાં ને રાજકુંવર રાજા થયો. રાજાને કાંચનમાળા રાણી. ભંડાર ભરીને માણેક. ક્યાંનો ગોવાળ ને ક્યાંનો ભાઈ? રાજકુંવરને ગોવાળ યાદ પણ શેનો આવે?

 

                ગોવાળે વગડે વગડે ફરી વાટ જોઈ. ગાય-ગવતરી ચારી વાટ જોઈ, પણ રાજકુંવર ન આવ્યો. એક દિવસ ગોવાળ આવીને રાજદરબારે ઊભો રહ્યો. કહે : “મારે મારા ભાઈને જોવો, ભાભીને જોવાં, કેમ છે એ?” પહેરેગીર કહે : “દૂર દૂર. ચોપદાર કહે : “દૂર દૂર.” છડીદાર કહે : “દૂર દૂર.” બધાએ મળીને ગોવાળને તગડી મૂક્યો. માથું હેઠું કરી ગોવાળ ચાલ્યો ગયો. કોણ જાણે ક્યાંયે ગયો. કોઈને ખબર પડી નહિ.

 

                ***

 

                બીજે દિવસે ઊંઘમાંથી રાજા ઊઠે તો આંખ ઊઘડે નહિ. આંખે અંધારાં અંધારાં. થયું શું? થયું શું? રાણી આવી, દાસીઓ આવી, બાંદી આવી, ચોપદાર-છડીદાર આવ્યા. જુએ તો રાજાને આંખે-મોઢે સોય, આખે અંગે સોય, માથાના વાળ પણ સોય. આ થયું શું? રાજમહેલમાં કાળો કળેળાટ બોલી ગયો.

 

                રાજા ખાઈ શકે નહિ, સૂઈ શકે નહિ, વાત કરી શકે નહિ. રાજાને ગોવાળભાઈ યાદ આવ્યા. એણે અવાજ કર્યો : “કોઈ ગોવાળભાઈને બોલાવો, ગોવાળભાઈને બોલાવો.” ચોપદાર કહે : “અમે કાલે તગડી મૂક્યો.” છડીદાર કહે : “અમે કાલે તગડી મૂક્યો.” પહેરેગીર કહે : “અમે કાલે તગડી મૂક્યો.” ગોવાળનો ક્યાંયે પત્તો ન મળે.

 

                સોયરાજાના દિવસ વીતવા લાગ્યા. આખ દિવસ મનને ડંખે. રાજા માથું ઢાળીને બેસી રહે. રાણી કાંચનમાળા માંડ માંડ રાજકાજ ચલાવે.

 

                એક દિવસ રાણી નદીઘાટે નાહવા ગઈ. જુએ તો નદીઘાટે એક સોળ વરસની સુંદરી બેઠેલી. પાસે આવીને કહે : “રાણીજી! રાણીજી! દાસી રાખો તો દાસી થાઉં! બંદી રાખો તો બાંદી થાઉં.”

 

                રાણી કહે : “સોયરાજાની સોયો ખેંચી દે તો દાસી રાખું, બાંદી રાખું. દાસી-બાંદીની શિરમોર કરી રાખું.”

 

                દાસી કહે : “એમાં તે કઈ મોટી વાત.”

 

                રાણીએ હાથનાં કંકણ આપી દાસી ખરીદી.

 

                દાસી કહે : “રાણીમા! રાણીમા! તમારો દેહ દૂબળો, અંગ નબળું. કોણ જાણે કેટલાય દિવસથી ખાધું નહિ હોય, નાહ્યાં નહિ હો. અંગનાં ઘરેણાં ઢીલાં ઢીલાં, માથાના બાળ જથરપથર. ઘરેણાં કાઢી આઘાં મૂકી તો આંબળાં-અરીઠાં ઘસી અંગે નવરાવું, માથે નવરાવું.”

 

                રાણી કહે : “ના મા! મારે વળી નાવણ શાં, ધોવણ શાં? રહેવા દે. પછી વાત.”

 

                પણ દાસીએ વાત મૂકી નહિ. રાણીએ અંગનાં ઘરેણાં આઘાં મૂક્યાં અને દાસી આખે અંગે આંબળાં-અરીઠાં ઘસી નવરાવવા બેઠી. માથે અરીઠાં ચોળીને કહે : “રાણીમા, હવે એક ડૂબકી મારો.”

 

                રાણીએ ગળાસમાણા પાણીમાં જઈને ડૂબકી મારી. દાસીએ આંખના પલકવારમાં રાણીનાં હીરચીર પહેરી લીધાં. રાણીનાં ઘરેણાં અંગે ચડાવી લીધાં અને નદીઘાટે બેસીને બોલવા લાગી :

 

દાસી રે! બાંદી રે!
રાજાની રાણી કાંકણમાળા
ઘાટે જામ્યા મેળા!
ડૂબકી ચાલે ક્ત વેળા?

 

                રાણી ડૂબકી મારીને બહાર નીકળીને જે તો દાસી રાણી થઈ બેઠી છે, પોતે બાંદી થઈ ગઈ છે. રાણીએ કપાળ ફૂટ્યું, ભીના વાળે થરથરતી કાંકણમાળાની પાછળ પાછળ મહેલે ચાલી.

 

                ***

 

                રાજમહેલમાં જઈને કાંકણમાળાએ નગરને માથે લીધુ. પ્રધાનને બોલાવીને કહે : “હું નાવણ-ધોવણ કરી પાછી વળી. કેમ મને લેવા હાથી-ઘોડા ન મોકલ્યા?” દીવાનને બોલાવીને કહે : “હું નાવણ-ધોવણ કરી પાછી વળી. કેમ મને લેવા પાલખી-મ્યાનો ન મોકલ્યાં?” પ્રધાન-દીવાનને ગરદન માર્યા.

 

                બધાં ચમકી ગયાં. આ વળી શું? ભયના માર્યાં કોઈ વેણ ન બોલી શક્યું. કાંકણમાળા રાણી થઈ બેઠી. કાંચનમાળા દાસી થઈને રહી. રાજાને કોઈ વાતની ખબર પણ ન પડી.

 

                કાંચનમાળા બિચારી ઉકરડે બેસીને માછલી સમારે અને બેઠી બેઠી આંસુ સારે :

 

હાથનાં કાંકણ દઈને લીધી દાસી,
એ થઈ રાણી, હું થઈ બાંદી.
ક્યાં પાપ ઊમટ્યાં, રાજ ગયું રોળ,
ક્યાં પાપ ઊમટ્યાં, ફૂટ્યું મારું કપાળ...

 

                રાણી બેઠી રોયાં કરે અને આંખનાં આંસુડે અંગ ધોયાં કરે.

 

                રાજાના દુઃખનો કોઈ પાર નહી, કોઈ એના સામુંયે ન જુએ. ખરખબર ન લે, સારસંભાળ ન લે. આખે અંગે માખી બણબણે, સોયના દુઃખે અંગ ચણચણે! કોણ એને પંખો નાખે કે કોણ એને દવા દે?

 

                એક દિવસ કાંચનમાળા લૂંગડાં ધોવા નદીએ ગઈ. જુએ તો એક માણસ ઝાડ હેઠે બેઠો બેઠો દોરનો દડો લઈને બોલ્યા કરે :

 

મળે જો હજાર સોય,
તડબૂચ રૂડું ખાવા હોય.
સોય મળે પાંચ હજાર,
દોડી પહોંચું હાટ-બજાર.
મળે સોય જો એક લાખ,
આપું રૂડાં રાજ ને પાટ!

 

                રાણી સાંભળીને પાસે ગઈ. જઈને કહે : “અરે ભાઈ! સોય જોઈતી હોય તો લખોલખ આપું; પણ તારે હાથ લઈ શકીશ?”

 

                માણસ કહે : “નજરે પડવી જોઈએ. મોતીની જેમ વીણી લઉં.”

 

                કાંચનમાળા કહે : “ચાલ, મારી સાથે.”

 

                દોરાની પોટલી ખભે નાખી માણસ ઊભો થઈ ગયો. આગળ કાંચનમાળા, પાછળ માણસ, કાંચનમાળા મનનાં દુઃખ કહેતી જાય. માણસ ડોક હલાવી સાંભળતો જાય. રાજમહેલને દરવાજે પહોંચતાં કાંચનમાળાએ બધી વાત કહી નાખી. માણસ કહે : “ઠીક વાત. થોડીક ધીરજ ધરજો. બધુંય સારું થઈ રહેશે.”

 

                રાજમહેલે આવીને માણસ નકલી રાણીને કહે : “રાણીમા! રાણીમા! આજ તો પિટા-કુડુલ વ્રત. આખા રાજ્યમાં રાજની રાણી પિટા કરીને વહેંચે. હું લાલ દોરા, લીલા દોરા રંગી દઉં. આંગણામાં આલમના (રંગોળી) પૂરી પિટા તૈયાર કરો. દાસી બધી તૈયારી કરે.”

 

                રાણી ઉમંગમાં ફુલાઈને કહે : “અરે વાહ! ભલે ને એ દાસી થઈ? એથી શું? એય ભલે ને પિટા કરે.” રાણી અને દાસી બન્ને પિટા કરવા બેઠાં.

 

                અરે મા! રાણીએ તો કાંઈ પિટા કર્યા. રાખના પિટા! ઘાસના પિટા! ઘૂળના પિટા! અને દાસીએ? દાસીએ તો ચંદ્રપુલો, મોહનબંસી, ક્ષીરપુરલી, ચંદનપુરી – આવા પિટ કર્યા.

 

                માણસ સમજી ગયો કે કોણ રાણી ને કોણ દાસી.

 

                પિટા કરીને બેય રંગોળી પૂરવા બેઠી. રાણીએ તો એક મણ ચોખા ભરડી, એમાં સાત કળશ પાણી રેડ્યું. એમાં શણિયાનો કટકો બોળી આખું આંગણું લીંપવા બેઠી. એક ખાબળ આ ખૂમે દીધી, બીજી ખાબળ બીજે ખૂણે દીધી.

 

                દાસીએ આંગણાનો એક ખૂણો વાળીચોળી, ઝાડીઝપટી, ચોખાના મૂઠી લોટમાં પાણી ભેળવી, નાનકડો ચીરો પાણીમાં બોળી, હળવે હળવે કમળલતા આંકી, કમળપાનની પાસે સાત કળશ આંક્યાં. કળશને માથે છોડ, મોર, પૂતળી અને મા-લક્ષ્મીનાં ઘરેણાં આંક્યાં.

 

                પેલો માણસ કાંકણમાલાને કહે : “અરે બાંદી! આમ રાણી થઈને બેઠી છો કે?”

 

કાંકણ લઈને લીધી દાસી!
દાસી થઈ રાણી, રાણી થઈ દાસી.
તારું રૂડું ચાહતી હો તો બોલી નાખ,
તું કોણ છો?

 

                કાંકણમાળાને આખે અંગે આગ લાગી. ત્રાડ પાડીને કહે : “જા રે બળ્યા મોંના! આઘો જા, આઘો જા.” મારાને બોલાવીને કહે : “આ દાસીને ને આ બળ્યા મ્હોંનાને ગરદન મારો. એનું લોહી ભરી આવો. એના લોહીમાં નાવણ કરું ત્યારે મારું નામ કાંકણમાળા.”

 

                મારા દોડ્યા. દાસી અને માણસને પકડી લીધાં. તરત પેલા માણસે પોટલી ખોલી અને બોલ્યો :

 

દોરા દોરા સાંભળ વાત!
રાજાને માથે મોટી ઘાત.
તારામાં હોય તારું સાચ,
મારાને બાંધી ઊભો રાખ.

 

                તરત એની પોટલીમાંથી હજાર હજાર દોરા છૂટ્યા અને મારાની આસપાસ વીંટાઈ ગયા. મારો હલે કે ચલે.

 

                માણસ પાછો બોલ્યો : “દોરા, દોરા, કોનો તું?”

 

                દોરો કહે : “જેની પોટલી તેનો હું.”

 

                માણસ કહે :

 

“જો રે દોરા મારું ખા,
કાંકણમાળાને નાકે જા...”

 

                તરત પોટલીમાંથી દોરા છૂટ્યા. દોરાની દડી થઈ અને કાંસકણમાળાના નાકમાં ભરાઈ ગઈ. કાંકણમાળાનો શ્વાસ બંધ. કાંકણમાળા ઊંચી થાય, નીચી થાય, ઓરડે ઓરડે દોડી. રાડો નાખે : “બંધ કરો, બારણાં બંધ કરો. પેલી દાસી પાગલને પકડી આવી છે.”

 

                પણ પેલો માણસ ઊભો ઊભો બોલ્યા કરે છે :

 

દોરા દોરા દોડજો, ફરકતા જાજો દૂર
સોયરાજાની સોયે સોયે કરજો રૂડાં ઘર.

 

                ફર ફર કરતા લાખ લાખ દોરા ઊડ્યા અને સોયરાજાને આખે અંગ ઊભેલ સોયને નાકે નાકે પરોવાઈ ગયા. તરત આખે અંગેથી સોયો બોલી ઊઠી :

 

આવ્યા દોરા અમારે કેશ,
જાવું અમારે કિયે દેશ.

 

                માણસ કહે :

 

રૂડા રૂડા ધરજો રંગ,
બેસો કાંકણમાળાને આખે અંગ.

 

                રાજાને આખે અંગેથી લખોલખ સોયો ઊભી થઈ અને ઊડીને કાંકણમાળાને આખે અંગે, હાથે પગે, મોઢે માથે પરોવાઈ ગઈ. કાંકણમાળાનું આખું અંગ ચણચણે, અડખેપડખે લખોલખ માખી બણબણે.

 

                રાજાને અંગે કરાર વળ્યો. આંખો ઉઘાડીને જુએ તો આ કોણ? ગોવાળભાઈ?

 

                રાજા ગોવાળબાઈને ભેટી પડ્યો. કોઈ કોઈને છોડતું નથી. રાજાને આંસુડે ગોવાળ નાહ્યો. ગોવાળને આંસુડે રાજા નાહ્યો. બેયને આંસુડે મહેલ ભીંજાયો.

 

                રાજા કહે : “ભાઈ મારા! ભૂલ થઈ મારી. ગયા જન્મને પાપે તને ભૂલી ગયો. હવે તને ન છોડું. તું આજથી મારો પ્રધાન. તને છોડીને આટલો દુઃખી થયો. હવે તને ન છોડું.”

 

                ગોવાળ કહે : “હવે છોડીને નહિ જાઉં. પણ દેશ-પરદેશ રખડતાં પેલી વાંસળી ખોઈ; બીજી વાંસળી કરાવી દે.”

 

                રાજાએ દેશ-પરદેશના સોની બોલાવ્યા, સોદાગર બોલાવ્યા. સોની પાસે સોનાની વાંસળી ઘડાવી. સોદાગર પાસેથી હીરામોતી લઈ વાંસળીએ જડાવ્યાં.

 

                આખો દિવસ રાજા ને ગોવાળ રાજકાજ કરે. રાતે ચાંદાના અજવાળે નદીઘાટે જાય અને ઝાડ હેઠે બેસીને સોનાની વાંસળી વગાડે. રાજા વગાડે ને ગોવાળ સાંભળે, ગોવાળ વગાડે ને રાજા સાંભળે.

 

                રાજા, ગોવાળ અને કાંચનમાળાના દિવસ આનંદ-સુખમાં ગયા.

સ્રોત

  • પુસ્તક : અમર બાલકથાઓ (પૃષ્ઠ ક્રમાંક 222)
  • સંપાદક : શ્રદ્ધા ત્રિવેદી
  • પ્રકાશક : આર.આર. શેઠ ઍન્ડ કંપની પ્રા. લિ.
  • વર્ષ : 2020