
શાળાએથી ઘેર આવતાં જ સત્યમ પાપાને શોધવા લાગ્યો.
“મમ્મી, પપ્પા ક્યાં છે?”
“અભ્યાસખંડમાં જો.”
“પાપા, આવું?” બારણામાંથી સત્યમે પૂછ્યું.
“હા, સત્યમ આવ, આવ!”
સત્યમ્ પાપાની બાજુમાં સોફામાં બેસી ગયો. દફ્તરમાંથી ચોપડી કાઢી, પાનું ખોલ્યું ને તેણે પાપાને એક કવિતા બતાવી.
“પાપા, આજે અમારા સરે આ કવિતા શિખવાડી.”
કવિતા હતી :
“ઓ ઈશ્વર ભજીએ તને, મોટું છે તુજ નામ,
ગુણ તારા નિત ગાઈએ, થાય અમારાં કામ.”
“પપ્પા, મારે આ ઈશ્વરને જોવા છે. એમની સાથે વાત કરવી છે.” સત્યમ પૂરી જિજ્ઞાસાથી બોલી રહ્યો હતો.
સત્યમના પાપા ‘રેશનલ’ હતા. વિચારીને એમણે કહ્યું : “સત્યમ તારે ઈશ્વરને જોવા છે ને? રવિવારે આપણે જઈશું ને ઈશ્વરને મળીશું.”
બીજે દિવસે રવિવારે હતો.
રાત્રે સત્યમ ઊંઘી ગયો.
સવારે સત્યમ અને પાપા મારુતિકાર લઈને નીકળ્યા છે. નગરની બહાર કુંજગલીમાંથી રસ્તો પસાર થઈ રહ્યો છે. વનરાજીમાં પક્ષીઓ કલરવ કરી રહ્યાં છે. હરણાં ઊછળકૂદ કરતાં દોડી રહ્યાં છે. ગાડી મધ્યમાં આવી ગઈ છે. સામે એક વિશાળ ભવન દેખાય છે, ગાડી ભવનના પ્રાંગણમાં આવીને ઊભી રહે છે. પિતા કહે છે :
“સત્યમ, તારે જે ઈશ્વરને જોવા છે ને, એમનું આ ઘર છે.”
નીચે ઊતરીને સત્યમ જુએ છે. દરવાજો ખુલ્લો છે. વિશાળ દરવાજા પર લખ્યું છે. સત્યમ વાંચે છે : ‘ઈશ્વરનું ઘર.’
નીરવ શાંતિ હતી. સત્યમ ભવ્ય દરવાજો અને દરવાજાની સુંદરતા જોવામાં ખોવાઈ ગયો હતો. પિતાએ કહ્યું : “સત્યમ, ચાલ, અંદર જઈએ.”
દરવાજાની અંદર વીસ હાથી એકીસાથે ચાલી શકે એટલો પહોળો રસ્તો હતો. બંને બાજુ વૃક્ષો હતાં. વૃક્ષો પર સુગરીના માળા લટકતા હતા. સુગરી ચારો લાવીને બચ્ચાંને ચુગાવતી હતી.
પિતાએ કહ્યું : “સત્યમ, આ બચ્ચાંને પાંખો આવી જશે પછી તે ઊડકી જશે. અને પોતાનું અલગ ઘર વસાવી લેશે. બચ્ચાંની પાંખો આપી, તાલીમ આપી, બસ, માબાપનો નાતો પૂરો.”
સત્યમ પાપાની વાત સાંભળતો હતો અને ચાલતો હતો.
આગળ બીજો દરવાજો આવ્યો. એના પર લખ્યું હતું : “ઈશ્વરનું ઘર આગળ છે.”
આ દરવાજો પણ પહેલા દરવાજા જેવો વિશાળ અને ભવ્ય હતો. સત્યમ થોભીને દરવાજાની શોભા નિહાળી રહ્યો છે. પિતાએ એનો હાથ પકડીને કહ્યું : “ચાલ બેટા! અંદર જઈએ.”
અહીં પણ વિશાળ રસ્તો હતો. રસ્તાની વચ્ચે વૃક્ષોની હારમાળા હતી. વૃક્ષો પર ફળ લટકતાં હતાં, પંખીઓ કિલકિલાટ કરતાં હતાં અને ફળ ખાતાં હતાં.
પિતાએ કહ્યું : “સત્યમ, આ વૃક્ષો ફળ પેદા કરે છે પણ પોતે ખાતાં નથી, ભૂખ્યાંને આપી દે છે અને રાજી થાય છે.”
કિંગલાણ કરતાં પક્ષીઓ અને વૃક્ષ નીચે બેસીને ફળ ખાતાં મુસાફરોને જોતાજોતા બાપબેટો આગળ વધી રહ્યા હતા. ત્યાં ત્રીજો દરવાજો આવ્યો.
સત્યમે વાંચ્યું : “ઈશ્વરનું ઘર હવે બહુ દૂર નથી.”
દરવાજાની અંદર પહેલાં જેવો જ રસ્તો હતો. વચ્ચે વૃક્ષોની ઝુંડમાળા અને બંને બાજુ નિર્મળ સરોવરો. સરોવરોમાં નાની-મોટી માછલીઓ અચકો-મચકો કરીને રમે છે. બગલા એકપગે ઊભા રહીને ધ્યાન ધરે છે. રાજહંસ પોતાની અનોખી અદામાં તરણ કરી રહ્યા છે. સત્યમને આ બધું જોવાની મજા પડે છે. એ થોભી જાય. છે.
ત્યાં એક બગલાએ ઝપાટો મારીને પોતાની ચાંચ પાણીમાં ઝબકોળી. એની ચાંચ બહાર આવી ત્યારે એમાં એક માછલી પકડાયેલી હતી. બગલાએ ચાંચ ઊંચી કરી, ઝટકાથી પહોળી કરી, ને માછલીને એ ગળી ગયો.
સત્યમ અપલક આ દૃશ્ય નિહાળી રહ્યો હતો. થોડો સ્તબ્ધ પણ થયો હતો.
પિતાએ એના ખભે હાથ મૂકીને કહ્યું : “બેટા સત્યમ, આ જગતમાં બે પ્રકારના જીવો છે – શાકાહારી અને મિષાહારી. વાઘ, સિંહ, બગલો વગેરે મિષાહારી છે. હાથી, ગેંડો, ગાય વગેરે શાકાહારી છે. જીવન જીવવા માટે દરેકે પોતપોતાનો આહાર શોધી લેવો પડે છે. એમાં સ્તબ્ધ થવા જેવું કાંઈ નથી. ચાલ, આગળ જઈએ.”
બાપબેટો ડગ ભરવા માંડ્યા. સત્યમ હજુ થોડો અન્યમનસ્ક હતો. ત્યાં દરવાજો આવ્યો. ધીમુંધીમું આહ્લાદક સંહગીત રેલાઈ રહ્યું હતું.
સત્યમ સ્વસ્થ થઈ રહ્યો હતો. દરવાજાના મહેરાબ પર નજર પડતાં એકાએક તે બોલી ઊઠ્યો : “પપ્પા, જુઓ ઈશ્વરનું ઘર આવી ગયું!”
દરવાજા પર મોટા અક્ષરોમાં લખાયેલુ હતું : “આ ઈશ્વરનું ઘર છે. આવો, અંદર પધારો.”
સત્યમ હર્ષથી નાચવા લાગ્યો. એ જોઈને પિતાને ધરપત થઈ.
જૂનું અમદાવાદ બાર દરવાજાઓની અંદર વસેલું હતું. એ રીતે ઈશ્વરનું આ ઘર ગોળાકાર, વિશાળ રસ્તાની અંદર વસેલું હતું. એ રસ્તા પસાર કરતાં ચાર દરવાજા આવતા હતા. છેલ્લો દરવાજો પસાર કરતાં સત્યમના પગોમાં થનગનાટ થઈ રહ્યો હતો.
અંદર જતાં જ સત્યમે પહેલું જ દૃશ્ય જોયું : એક નાનકડી બાળા એક વૃદ્ધ દાદાનો હાથ પકડીને ભરચક રસ્તો ઓળંગાવી રહી છે. દાદીની પાસે જઈને સત્યમે પૂછ્યું : “દાદા, તમે ઈશ્વરને જોયા છે? મને બતાવો ને?”
બોખા મુખે દાદાએ કહ્યું : “જો બેટા, આ છોકરી મારો ઈશ્વર છે. ઈશ્વર કાંઈ આભલામાં રહેતો નથી. આપણને મદદ કરે એ આપણો ઈશ્વર!”
બીજું દૃશ્ય હતું : એક યુવતી મંદિર આગળ બેઠેલા અશક્તોને, પાસે બેસીને ખવડાવી રહી હતી. પછી મંદિરમાં ગયા વગર તે પાછી વળી. સત્યમ દોડીને પેલા અશક્તો પાસે ગયો. પૂછ્યું : “મને ઈશ્વરનું ઘર બતાવશો?”
તરત જ પાછી વળેલી યુવતી તરફ આંગળી ચીંધીને એ અશક્તોએ કહ્યું : “પેલી યુવતી જાય એ અમારો ભગવાન છે. મંદિરમાં કેદ થયેલી મૂર્તિ એ કાંઈ ભગવાન નથી!”
આગળ જતાં સત્યમે જોયું : સફેદ વસ્ત્રધારી નર્સ દરદીઓને પ્રેમથી દવા પાય છે. અને આશ્વાસન આપે છે. એના મુખ પર સ્મિત છે. દરદીઓ પાસે જઈને સત્યમ પૂછે છે : “તમે ઈશ્વર જોયો છે?”
“હા, આ સિસ્ટરે અમને નવજીવન આપ્યું છે. પહેલાં અમે જંતરમંતર બાધા-આખડી બધું કર્યું હતું, પરંતુ વધુ બીમાર પડી ગયાં. છેવટે આ સિસ્ટરે અમને બચાવી લીધાં. એ અમારો ઈશ્વર છે!” દરદીઓનાં મુખ પર સ્મિત હતું.
સત્યમે જોયેલી એક ઘટના આવી હતી : રઘુ હાઈસ્કૂલમાંથી ઘેર આવી ગયો છે. વાડામાં રહેતી નાની ગુલાબ ભૂખથી રડી રહી છે. એની અમ્મા મજૂરીએ ગઈ છે. તે સાંજે આવશે ત્યાં સુધી એ હીબકાં ભરશે. રઘુ ભૂખી ગુલાબને ખાવાનું આપી આવે છે. ભૂખી ગુલાબના ચહેરા પર ગુલાબી સુરખી પથરાઈ જાય છે.
એ જોઈને સત્યમથી અનાયાસ બોલાઈ જાય છે : “ઈશ્વર અહીં છે... અહીં છે...! આ જ ઈશ્વરનું ઘર છે!”
પૂજારી કહે છે – ઈશ્વર દેવાલયમાં છે – ઈશ્વર પ્રાર્થનામાં છે. મમ્મી કહે છે – ઈશ્વર ઉપર રહે છે. અને...
અને સત્યમને પાપાની બૂમ સંભળાય છે. : “સત્યમ, આજે રવિવાર છે, ચાલ, ઈશ્વર મળવા જઈશું...!”
સત્યમ કહે છે : “પપ્પા, હું તો ઈશ્વરને મળી આવ્યો, અને એમની સાથે વાતો પણ કરી આવ્યો... ગુડ મોર્નિંગ, પાપા!”



સ્રોત
- પુસ્તક : સાંકળચંદ પટેલની શ્રેષ્ઠ બાળવાર્તાઓ (પૃષ્ઠ ક્રમાંક 60)
- સંપાદક : યશવન્ત મહેતા, શ્રદ્ધા ત્રિવેદી
- પ્રકાશક : ગૂર્જર ગ્રંથરત્ન કાર્યાલય
- વર્ષ : 2014