Borno Thaliyo - Children Stories | RekhtaGujarati

રેખ્તા ગુજરાતી ઉત્સવ - 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો

રજિસ્ટ્રેશન કરો

બોરનો ઠળિયો

Borno Thaliyo

કિરીટ ગોસ્વામી કિરીટ ગોસ્વામી
બોરનો ઠળિયો
કિરીટ ગોસ્વામી
        એક હતો બોરનો ઠળિયો.
        તે એક વખત મેદાનમાં પડ્યો-પડ્યો રડવા લાગ્યો. આસપાસ તો કોઇ હતું નહીં એટલે કોણ તેને છાનો રાખે? આથી ઠળિયો તો રડતો જ જાય! રડતો જ જાય!
        થોડીવારમાં ત્યાંથી નાનાં બાળકોની એક ટોળકી પસાર થઇ. ઠળિયાને આમ રડતો જોઇને, ટોળકીમાંથી એક છોકરાએ પૂછ્યું- 'અલ્યા ઠળિયા! તું કેમ રડે છે?'
        ઠળિયો તો જવાબ આપવાને બદલે, એં એં એં કરતો રડતો જ જાય!
        છોકરાએ તેને કહ્યું- 'કંઇ વાત તો કર! આમ રડયા જ શું કરે છે?'
        'હા, હા, તને શું દુઃખ છે? બોલ તો ખરો ! ' બધાય છોકરાઓ બોલ્યા.
        'તમે મને ફેંકી દીધો ને! તો હું રડું જ ને!' ઠળિયાએ એં એં કરતા કહ્યું.
        તેની આ વાત સાંભળીને બધાય છોકરાઓ ખડખડાટ હસવા લાગ્યા. એક છોકરાએ કહ્યું- 'તને તો ફેંકી જ દેવાનો હોય ને! તારું શું કામ? અમારે તો બોરથી કામ! તું તો ઠળિયો છે! તને તો ફેંકવાનો જ હોય!'
        'પણ. પણ..' ઠળિયો કંઈક બોલવા જતો હતો; પરંતુ 'હા, હા, તને તો ફેંકવાનો જ હોય!' એમ બોલતા, બધાય છોકરાઓ ત્યાંથી ચાલ્યા ગયા.
        ઠળિયો નિરાશ થઇ ગયો.કોઇએ તેની વાત સરખી સાંભળી નહીં! તે ફરીથી રડવા લાગ્યો.
        થોડીવાર થઇ ત્યાં આકાશમાંથી એક વાદળીએ સાંભળ્યું કે, નીચે કોઇ રડે છે! તરત જ વાદળી તો થોડી નીચે આવી! જોયું તો ઠળિયો!
        વાદળીને નવાઈ લાગી: આ ઠળિયો કેમ રડે છે?
        વાદળીએ તરત જ, ઠળિયાને પૂછ્યું- 'ઠળિયા! ઠળિયા! કેમ આમ એકલો-એકલો રડે છે?'
        ઠળિયો તો વાદળીને કંઇ જવાબ આપ્યા વિના બસ એં એં એં કરતો રડતો જ રહ્યો!
        વાદળીએ ફરીથી તેને પૂછ્યું- 'અરે કંઇ વાત તો કર! તને શું દુઃખ પડ્યું છે તે આમ રડે છે?'
        આખરે ઠળિયો બોલ્યો- 'બધાંય મને કચરામાં ફેંકી દે છે! બોરને બધાંય સાચવે,ખાય અને મને ફેંકી દે! તો પછી મને દુઃખ ન થાય? મને ઓછું લાગે ને!'
        ઠળિયો પોતાનું દુઃખ કહેતાં, ફરીથી એં એં એં કરતો રડવા લાગ્યો.
        'પહેલાં તો તું આ રડવાનું બંધ કર!' એમ કહીને વાદળીએ ઠળિયાને સમજાવતાં કહ્યું- 'હા, સાચું કે બધાંય બોર ખાઇ અને તને ફેંકી દે છે! પણ એનાથી તારે દુઃખી થવાની જરૂર નથી!'
        'કેમ દુઃખી ન થાઉં? બધાંય ફેંકી દે એ તો મારું અપમાન કહેવાય ને!' ઠળિયાએ દલીલ કરી.
        'ના, એ તો તું એમ વિચારે છે! ખરેખર તો બોર ખવાય જાય એટલે એ ત્યાં જ ખતમ થઇ જાય છે; જ્યારે તારામાંથી તો એક સરસ નવી બોરડી ઉગવાની અને ફરીથી ઘણાંય બોર જન્માવવાની તાકાત છે!' વાદળીએ કહ્યું.
        'હમમ...' ઠળિયો વિચારતો થઇ ગયો.
        વાદળી બોલી- 'ફેંકી દેવાથી તું કંઇ નકામો થઇ જતો નથી! ફરીથી તું જમીનમાં દટાઇને કેવો કમાલ કરી શકે છે; એ વાત યાદ રાખ!'
        'હા! એ વાત તો હું ભૂલી જ ગયો હતો! હું તો સાવ ખોટો જ નિરાશ થઇને રડતો હતો!'  ઠળિયાએ રાજી થતાં, કહ્યું.
        'હા, તો હવેથી નિરાશ થવાનું નહીં! રડવાનું નહીં! બરાબર ને!' વાદળીએ કહ્યું.
        ઠળિયો બોલ્યો- 'હા,ભૈ! હા, હવે તો મારે ઉગવું છે ફરીથી! ને બધાંયને બતાવવું છે કે, મારામાં કેટલી તાકાત છે!'
        'હા! હા!' વાદળીએ કહ્યું.
        ત્યાં તો પવનની જોરદાર લહેરખી આવી ને એની સાથે આવેલી ધૂળમાં ઠળિયો દટાઈ ગયો. પછી વાદળીએ તેને પાણી પાયું.        થોડાક દિવસ પછી ઠળિયો તો સરસ મજાની નાનકડી બોરડી બનીને ઉગ્યો! હવે એનાં ઝીણાં, લીલાંછમ પાંદડે-પાંદડે, સંતોષપૂર્ણ  હાસ્ય હતું!

સ્રોત

  • પુસ્તક : હાથીભાઈ તો હેન્ડસમ! (પૃષ્ઠ ક્રમાંક 20)
  • સર્જક : કિરીટ ગોસ્વામી
  • પ્રકાશક : ઝેન ઓપસ, અમદાવાદ
  • વર્ષ : 2024