Ohiyaan - Children Stories | RekhtaGujarati

રેખ્તા ગુજરાતી ઉત્સવ - 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો

રજિસ્ટ્રેશન કરો

     માન્યામાં ન આવે એવી વાત છે. એક વખત ઉંદર અને બિલાડી વચ્ચે દોસ્તી થઈ ગઈ. બે કટ્ટા વેરી દેશ પણ એકબીજાના મિત્ર બની શકે તો ઉંદર-બિલાડી વચ્ચે સંબંધ કેમ ન થાય? વાત એમ બની કે બેસતા વર્ષને દિવસે બિલાડીબાઈ દર્શન કરવા નીકળ્યાં. એક ખૂણામાંથી ઉંદરે તેમને સાલ મુબારક કર્યાં. બિલાડીબાઈએ સામા જેશ્રીકૃષ્ણ કર્યા. અને એમ પછી એમનો સ્નેહસંબંધ વધ્યો. ઉંદરને લાગ્યું કે આ બિલ્લીબાઈ ભગવાનનું માણસ છે. એમની સાથે ભાઈબંધી કરવામાં કશું નુકસાન નથી. કદાચ એમની દોસ્તી લાભમાં પણ ઊતરે.

    એવામાં અચાનક બિલાડીએ ઉંદરને એક વાર વાતવાતમાં કહ્યું : “તમે નાનકડી બખોલમાં રહો છો એના કરતાં આવી જાઓને આપણે ઘેર! મારે ત્યાં જગ્યાની કંઈ ખોટ નથી. તમને કશી અગવડ નહી પડે.”

    ઉંદરે થોડો વિચાર કરીને પોતાનું ઘર ખાલી કરી નાખ્યું. હવે બંને એક જ ઘરમાં નિરાંતે રહેવા લાગ્યાં. દિવાળી પૂરી થયા પછી શિયાળાની શરૂઆત થઈ. બિલ્લી કહે, “ઉંદરભાઈ, શિયાળામાં ઠંડી ખૂબ પડશે. ખોરાક શોધવા બહાર નીકળીશું તો ઠરી જઈશું. માટે અત્યારથી જ થોડોક સંઘરો કરી રાખીએ તો સારું. તમે સારી ધાપ ક્યાં મારી શકાય તેમ છે તેની તપાસ કરી આવો. પછી આપણે સાથે જઈને ધાડ પાડીશું.”

    ઉંદર કહે : “ભલે, હું આજે જ તપાસ કરી આવીશ.”

    રાતે ઉંદરમામા નીકળ્યા. એક ધનવાનને ઘેર મલાઈનું વાસણ હતું. તરત ઉંદરમામા દોડતા આવ્યા. બિલ્લીને બધી વાત કરી અને આખરે બંને જણાંએ થોડી મસલત કરી; બંને મલાઈનું વાસણ ખેંચી લાવ્યાં.

    હવે બીજો સવાલ આવીને ઊભો રહ્યો. મલાઈનું વાસણ લાવ્યાં તો ખરાં પણ તે રાખવું ક્યાં? જો ઘેર રાખે તો કોઈના મોંમાં પાણી આવી જાય અને શિયાળો જામે તે પહેલાં જ મલાઈ સફાચટ થઈ જાય. વળી પાછો બિલાડીએ તોડ કાઢ્યો : “આપણે પાસેના મંદિરના પેલા અવાવરા ખૂણામાં વાસણ મૂકી આવીએ. જ્યારે શિયાળાની ઠંડી પડશે ત્યારે આપણે મલાઈ ખાઈશું.”

    બન્ને જણાં મંદિરના ખૂણામાં વાસણ સંતાડી આવ્યાં.

    થોડા વખત પછી બિલાડીને મલાઈ ખાવાનો ચટકો થયો. એની દાનત બગડી. એણે કહ્યું, “ઉંદરભાઈ, આજે મારે માસીને ઘેર એમના છોકરાનું નામ પાડવા જવાનું છે. તમે ઘર સાચવજો. સાંજે જમીને હું પાછી આવીશ.”

    ઉંદર કહે, “ભલે મીનીબહેન, સુખે સિધાવો. મારી વતી મિષ્ટાન્ન જમજો અને છોકરાનું સરસ નામ પાડી આવજો.”

    બિલ્લીબાઈ તો ચાલ્યાં. બહાર નીકળીને પાછલે બારણેથી સીધાં મંદિરમાં પેઠાં અને વાસણમાંથી થોડીઘણી મલાઈ ચાટી ગયાં. પછી સાંજ સુધીમાં થોડાંક ઘરોનાં છાપરાં પર ફરીને ઠંડે કલેજે ઘેર પાછાં ફર્યાં. ઉંદરભાઈ તો મીનીબહેનને જોઈ ખુશ થઈ ગયા. “કેમ મીનીબહેન, બરાબર જમી આવ્યાં ને?”

    “હાસ્તો. એમાં કહેવું પડે કે?” મીનીએ જવાબ લીધો.

    “ઠીક, પણ બાબાનું નામ શું પાડ્યું?” ઉંદરે પૂછ્યું.

    “બાબાનું નામ? હા, એનું નામ ઇલમહજમ.”

    ઉંદર તો નવાઈ પામી ગયો, “આવું ‘ઇલમહજમ’ નામ તે હોતું હશે?”

    મીની કહે. “તમે એ ન સમજો.” અને વાત ખરી હતી. ઇલમહજમ એટલે ‘મલઇહજમ’ એવો અર્થ ઉંદરને ક્યાંથી ખબર હોય?

    થોડા દિવસ વીતી ગયા. બિલ્લીની દાઢ પાછી સળકી. મલાઈ ઝાપટવાની એને ખૂબ ઇચ્છા થઈ. એટલે ઉંદરમામાને કહે, “મામીને ત્યાંથી જમવાનું નોતરું આવ્યું છે, એમના કુંવરનું નામ પાડવાનું છે. તમે સાથે હોત તો ઠીક મજા આવત પણ વગર નોતરે જવામાં શોભા શી? ભલે, તમે ઘર સાચવજો. સાંજે તો હું પાછી આવી રહીશ.”

    ઉંદર કહે : “બધાં નામ પાડવા માટે તમને જ બોલાવે છે તે તમારો તો ભારે વટ છે.”

    મીની કહે : “હું નામ પાડું તેમાં તો કેટલો બધો અર્થ હોય છે? અને જગતમાં કોઈને જડે નહિ એવું નામ હું શોધી આપું છું. પછી બધાં મને યાદ કરે તેમાં શી નવાઈ?”

    ઉંદર કહે : “ભલે, નિરાંતે જમવા જાઓ અને સરસ નામ પાડજો. પાછાં મને કહેજો હોં.”

    “હા. જરૂર જરૂર.” કહીને મીનીબાઈ ચાલ્યાં. બહાર નીકળીને આમતેમ જોઈ લીધું અને જાળીમાંથી એ સીધાં મંદિરમાં પેસી ગયાં. અડધી મલાઈ પેટમાં પધરાવી દીધી. પછી આખા શહેરમાં રખડી સાંજે ઘેર આવ્યાં. ઉંદર કહે, “જમી આવ્યાં કે? કુંવરનું શું નામ પાડ્યું?”

    બિલ્લી કહે : “અડધમ-પડધમ.”

    આવું નામ તો ઉંદરે જન્મારામાં ક્યાંય સાંભળ્યું નહોતું. પણ મીનીએ અડધી મલાઈ પેટમાં પધરાવી દીધી. એનો બિચારાને ખ્યાલ પણ ક્યાંથી આવે?

    વળી એક અઠવાડિયું વીત્યું. બિલ્લીબાઈને મલાઈનાં સપનાં આવવા માંડ્યાં એટલે એક વાર પાછાં ઉંદરને કહેવા માંડ્યાં :

    “ઉંદરભાઈ, મારાં ફોઈબાને ત્યાં બેબી આવી.”

    “એમ?” ઉંદરે કહ્યું. “ત્યારે તો પાછું જમવાનું નોતરું હશે. નામ પાડવા જવું પડશે ને?”

    બિલ્લી કહે : “સગાંવહાલાં કોણ જાણે મારામાં શું ભાળી ગયાં છે તે મને જ નામ પાડવા બોલાવે છે, અને એમનું માન રાખવા જમવું પડે છે. બાકી તમારા વિના ભોજન ગળે પણ ઊતરતું નથી.”

    ભોળે ભાવે ઉંદરે કહ્યું, “એમાં ચિંતા શું કરો છો? તમે તમારે નિરાંતે જાઓ અને જમો. મને કંઈ ખોટું લાગતું નથી. પણ બેબીનું ફક્કડ નામ પાડજો.”

    ‘ભલે.’ એમ કહીને બિલ્લીબાઈ મંદિરમાં પહોંચી ગયાં. બધી મલાઈ ઓહિયાં કરીને સાંજે પાછાં આવ્યાં.

    ઉંદર રાહ જોઈને જ બેઠો હતો. “કેમ, આ વખતે બેબીનું શું નામ પાડ્યું?”

    “બેબીનું નામ ‘ઓહિયાં’ પાડ્યું.” મીનીએ ઠાવકે મોંએ જવાબ દીધો.

    ઉંદર કહે : “દુનિયામાં ‘ઓહિયાં’ નામ તો કોઈનુંય સાંભળ્યું નથી.”

    મીની કહે : “તમે દુનિયા જોઈ છે જ ક્યાં?”

    થોડા દિવસો પછી શિયાળો બરાબર જામ્યો. ખૂબ ઠંડી પડવા માંડી. પણ મીનીબાઈ તો ન બોલે કે ન ચાલે. ઉંદર કહે : “અરે મીનીબહેન, હવે ટાઢ ખૂબ પડે છે. આપણે પેલા આપણા ખોરાકની ખબર લઈ આવીએ. હવે તો મલાઈની યાદથી મોંમાં પાણી આવે છે.”

    મીની કહે : “ચાલો જઈ આવીએ.”

    બંને મંદિરમાં પહોંચ્યાં. જઈને જોયું તો વાસણ સાવ સફાચટ! બધી મલાઈ ‘ઓહિયાં’ થઈ ગઈ હતી.

    ઉંદરને હવે બિલ્લીની બધી ચાલાકી યાદ આવી. એ કહે : “હવે તમારાં નામોનો અર્થ મને સમજાયો! તમે જ બધું ‘ઓહિયાં’ કરી ગયાં છો. તમે મારી સાથે ભારે છેતરપિંડી કરી છે. તમે આવાં બદમાશ હશો એમ મેં નહોતું ધાર્યું.”

    “ચૂપ કર,” બિલ્લીએ કહ્યું, “મેં તો તને પહેલેથી કહી દીધું હતું કે ઇલમહજમ-અડધમ પડધમ અને છેલ્લે ‘ઓહિયાં.’ તું મૂર્ખો સમજ્યો નહિ તે તારાં નસીબ. હવે ગડબડ કરીશ તો તને પણ ‘ઓહિયાં’ કરી જઈશ. ઉંદરે બિચારાએ ચૂપચાપ ચાલતી જ પકડી.

સ્રોત

  • પુસ્તક : મધુસૂદન પારેખની શ્રેષ્ઠ બાળવાર્તાઓ (પૃષ્ઠ ક્રમાંક 62)
  • સંપાદક : યશવન્ત મહેતા, શ્રદ્ધા ત્રિવેદી
  • પ્રકાશક : ગૂર્જર ગ્રંથરત્ન કાર્યાલય
  • વર્ષ : 2022