Rajaa Ane Bhathiyaro - Children Stories | RekhtaGujarati

રેખ્તા ગુજરાતી ઉત્સવ - 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો

રજિસ્ટ્રેશન કરો

રાજા અને ભઠિયારો

Rajaa Ane Bhathiyaro

પુષ્પા વકીલ પુષ્પા વકીલ
રાજા અને ભઠિયારો
પુષ્પા વકીલ

    આજથી હજારેક વર્ષ પહેલાં ઈરાનમાં એક રાજા થઈ ગયો. તે ઘણો ભલો, ઉદાર અને પોતાની પ્રજાનાં સુખદુઃખની કાળજી રાખનારો હતો. રાત પડે એટલે રાજા છૂપા વેશે ગામમાં ફરવા નીકળતો અને પોતાની પ્રજાનાં સુખદુઃખની માહિતી જાતે મેળવતો. એક રાતે રાજા ફરતો ફરતો એક પાઉં બનાવનાર ભઠિયારાની દુકાન આગળ જઈને ઊભો. આખા દિવસની મહેનતથી થાકેલો ભઠિયારો પથારીમાં સૂતો સૂતો ઈશ્વરની પ્રાર્થના કરતો હતો. પ્રાર્થનાની કડી પૂરી થઈ એટલે તે બોલ્યો : ‘હે ભગવાન! જગતમાં બધું તારું જ ધાર્યું થાય છે. તું જે કાંઈ કરે તે અમારા ભલા માટે જ હોય છે.’

    ગરીબ ભઠિયારાના આવા શ્રદ્ધાભર્યા શબ્દો સાંભળી રાજા મનમાં ખુશ થઈ ગયો. તેને મનમાં થયું : ‘કેવો નમ્ર ભઠિયારો! સુખદુઃખ પ્રભુ જ મોકલે છે એમ માની  બંનેને સરખા જ ગણે છે!’ થોડી વારમાં એના મનમાં બીજો વિચાર આવ્યો. તેથી ભઠિયારાની નમ્રતા અને સુખદુઃખને સરખાં માની લેવાની આ ભાવના સાચા દિલની છે કે માત્ર બોલવા પૂરતી જ છે તેની ખાતરી કરવા રાજાએ નિશ્ચય કર્યો.

    રાજા ભઠિયારાની પાસે ગયો અને બોલ્યો : ‘ભાઈ, હું પરદેશી મુસાફર છું. સવારનો ભૂખ્યો છું. મોડું તો ઘણું થયું છે, પણ મારા ઉપર દયા લાવી દુકાન ઉઘાડી મને એક પાઉં આપશો તો મારા પર મોટી મહેરબાની થશે.’

    મુસાફરની ભૂખની વાત સાંભળી ભઠિયારાનું દિલ પીગળી ગયું. તેણે તરત જ દુકાન ઉઘાડી અને છૂપા વેશમાં આવેલા રાજાને પરદેશી મુસાફર માની એક મોટો પાઉંનો ટુકડો કાઢી આપ્યો.

    રાજાએ કહ્યું : ‘ભાઈ, મારી પાસે રોકડા પૈસા નથી. તમે આ વીંટી રાખો, હું કાલે પૈસા આપીને મારી વીંટી લઈ જઈશ.’ રાજાએ પોતાની આંગળી પરથી વીંટી કાઢી ભઠિયારાને આપી.

    ભઠિયારાએ પોતાની આંગળી પર વીંટી પહેરી લીધી. રાજા પાઉં લઈ ત્યાંથી ચાલતો થયો. થાકેલો ભઠિયારો થોડી વારમાં ઘસઘસાટ ઊંઘી ગયો. થોડી વાર પછી રાજા ત્યાં પાછો આવ્યો. ધીમે રહીને તેણે ભઠિયારાની આંગળી પરથી વીંટી સેરવી લીધી અને પોતાના મહેલ તરફ તે ચાલી નીકળ્યો.

    બીજે દિવસે ભઠિયારાએ ઊઠીને પોતાનું કામ હંમેશની માફક શરૂ કર્યું. વીંટીની વાત તો તે જાણે બની જ ન હોય તેમ ભૂલી ગયો. રોજની માફક તેણે રાતે ઓટલા પર પથારી પાથરી અને જ્યાં સૂવાની તૈયાર કરતો હતો કે રાજા મુસાફરના વેશમાં ફરી પાછો ત્યાં આવીને ઊભો રહ્યો.

     ‘ભાઈ, લ્યો આ તમારા કાલના પૈસા. છે ને બરાબર? હવે મને મારી વીંટી પાછી આપો.’

    ભઠિયારાને આગલી રાતનો પ્રસંગ યાદ આવ્યો. એણે તરત આંગળી પર જોયું પણ વીંટી મળી નહિ. એણે ઘરમાં ખૂબ શોધ કરી વીંટી મળે શાની? ઘરમાંથી બહાર વી એણે રાજાને કહ્યું : ‘ભાઈ, તમાર વીંટી તો ખોવાઈ ગઈ લાગે છે, એની જે કિંમત હશે તે હું તમને ભરી આપીશ.’

    રાજાએ કહ્યું : ‘મારી વીંટીની કિંમત તો સો સોનામહોર છે.’

    ભઠિયારો તો કિંમત સાંભળી આભો જ બની ગયો. કોઈ દહાડો એ બિચારાએ તો સોનામહોરને સ્પર્શ પણ નહોતો કર્યો. એ સો સોનામહોર લાવે ક્યાંથી?

    રાજા તો સિપાઈને બોલાવી લાવ્યો. સિપાઈએ આવી ભઠિયારાને વીંટી બાબત પૂછ્યું. ભઠિયારો ગભરાયા વિના બોલ્યો, ‘સાહેબ, મેં વીંટી લીધી હતી ખરી પણ  મને ખબર નહિ કે  વીંટી આટલી કીમતી હશે. નહિ તો હું લેત જ નહિ.’

    આ વાતનો કોઈ સાક્ષી હતો નહિ, અને પરદેશી મુસાફરના દીદાર જોઈ આવી મોંઘી વીંટીની વાત કોઈ માને પણ નહિ. પણ ભઠિયારો જૂઠું બોલતાં શીખ્યો જ નહોતો. એટલે એની કબૂલાત પરથી સિપાઈ એને કેદ કરી લઈ ગયો.

    બીજે દિવસે એને ન્યાયાધીશ સમક્ષ હાજર કરવામાં આવ્યો. રાજાએ આગળથી ન્યાયાધીશને બધી વાત કરી હતી. ભઠિયારો બોલ્યો : ‘સાહેબ, મેં વીંટી લીધી હતી એ વાત ખરી છે પણ તે ખોવાઈ ગઈ લાગે છે. વીંટી ન મળે તો મારે પૈસા આપવા જોઈએ. પણ હું ગરીબ માણસ છું. તમે મને હજી દસ દિવસ આપો. હું શોધી જોઈશ ને છતાં ન મળે તો પછી મને જે શિક્ષા થતી હોય તે કરજો.’

    ન્યાયાધીશે કહ્યું : ‘જો દસ દિવસમાં વીંટી મુસાફરને પાછી આપવામાં નહિ આવે તો અગિયારમે દિવસે તને વિશ્વાસઘાત કરવા માટે ઈરાનના કાયદા પ્રમાણે ફાંસીની સજા કરવામાં આવશે.’

    પ્રભુનો પાડ માનતો ભઠિયારો પોતાને ઘેર ગયો.  આખું ઘર ફરી ફરીને શધી વળ્યો પણ વીંટી મળી નહિ. એના ઘરનાં બધાં ચિંતા કરવા લાગ્યાં કે હવે શું થશે? ભટિયારાએ કહ્યું, ‘વળી થવાનું શું હતું? જે પ્રભુની મરજી હશે તે થશે.’

    આટલું કહીને એણે શોધ કરવી પણ પડતી મૂકી. હવે માત્ર થોડા દિવસ જ જીવવાનું છે એમ માની તેણે વિશેષ ઉમંગથી ઈશ્વરની બંદગી કરવા માંડી. રાજા જુદે જુદે વેશે ત્યાં દરરોજ આવતો. કોઈ ને કોઈ બહાને તે ભઠિયારા સાથે વાત કરતો, પણ કોઈ વખતે એની ઈશ્વરશ્રદ્ધા ઓછી થતી રાજાને જણાઈ નહિ. મનમાં રાજા આ ગરીબ ભઠિયારાનાં વખાણ કર્યા કરતો અને પોતાના દેશમાં આવા પ્રામાણિક અને શ્રદ્ધાળુ માણસો છે તે વિચારે તે ખુશ થતો.

    ન્યાયાધીશના પ્રસંગને સાતેક દિવસ થયા હશે. તેવામાં એક દિવસ રાજા માછલાં પકડવા પાસેના સરોવર પર ગયો. ત્યાં તેના હાથ પરથી એ વીંટી પાણીમાં સરી પડી. આ પ્રસંગથી દિલગીર થઈ રાજા ઘેર આવ્યો.

    ભઠિયારાની મુદતનો આજે છેલ્લો દિવસ હતો. સવારે ભઠિયારો દરરોજ કરતાં વહેલો ઊઠ્યો ને એણે ખુદાની બંદગી શરૂ કરી. બપોરે એક માછીને માછલીનો ટોપલો લઈ માછલી વેચવા જતો ભઠિયારાએ જોયો. એને થયું કે આજે જીવનનો છેલ્લો દિવસ છે તો છેલ્લી વાર ધરાઈને માછલી ખાઈ લઉં.

    તેણે એક માછલી વેચાતી લીધી. માછલી કાપતાં જ અંદરથી વીંટી નીકળી. ભઠિયારાને લાગ્યું કે જરૂર આ વીંટી પેલા મુસાફરની જ હોવી જોઈએ. ઈશ્વરે આ વીંટી મને છેલ્લે દિવસે પહોંચાડી છે. ઈશ્વરનો ઉપકાર માનતો તે ત્યાંથી ઊઠ્યો ને સીધો જ ન્યાયાધીશને તે વીંટી પહોંચાડવા રાજદરબારમાં ગયો.

    આ વખતે રાજા પોતે પણ ત્યાં જ હાજર હતો. તેણે પોતાની વીંટી પારખી. આ વીંટી ક્યાંથી મળી તે બાબત રાજાએ ભઠિયારાને પૂછ્યું. માછલીનો પ્રસંગ કહી ભઠિયારાએ ઉમેર્યું : ‘મને ખાતરી જ હતી કે મારો પ્રભુ મને નિરપરાધીને આ વિશ્વાસઘાતના આળમાંથી જરૂર ઉગારશે.’

    રાજાએ બધી હકીકત ભરદરબારમાં ભઠિયારાને કહી સંભળાવી. એની સચ્ચાઈ અને ઈશ્વરશ્રદ્ધાની કદર કરતાં એને સારું ઇનામ આપ્યું અને પોતાના રાજ્યમાં એને સારી નોકરી આપી. ઈશ્વરનો પાડ માની ભઠિયારાએ રાજાની નોકરી સ્વીકારી.

સ્રોત

  • પુસ્તક : અમર બાલકથાઓ (પૃષ્ઠ ક્રમાંક 218)
  • સંપાદક : શ્રદ્ધા ત્રિવેદી
  • વર્ષ : 2020