Lapsanini Majaa... - Children Stories | RekhtaGujarati

રેખ્તા ગુજરાતી ઉત્સવ - 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો

રજિસ્ટ્રેશન કરો

લપસણીની મજા...

Lapsanini Majaa...

કિશોર વ્યાસ કિશોર વ્યાસ
લપસણીની મજા...
કિશોર વ્યાસ

    એક મોટી નિશાળ હતી.

    નિશાળ હોય એટલે ત્યાં હીંચકાઓ, લપસિયા ને એવું બધું હોય ને! આ નિશાળામાં પણ ઘણા બધા હીંચકાઓ હતા. છોકરા-છોકરીઓ રિસેસનો ઘંટ વાગે કે હીંચકાઓને પકડવા દોડે. લપસણી પર સરકવા લાંબી લાઈન લાગે. વહેલા પહોંચી ગયા હોય એ ટેસથી હીંચકા પર ફંગોળા લીધા કરે. બાકીનાં બધાં પોતાનો વારો આવવાની રાહ જોતાં ઊભાં રહે. કોઈ તોફાની છોકરાઓ તો હીંચકાઓ પર ઊભા રહે, બીજો હીંચકા પર બેસે ને એમ રમત ચાલે. બીજી બાજુ લપસણી પર સડસડાટ સરકીને છોકરાઓ ફરી વાર લપસવા પગથિયેથી ન ચઢતાં સીધા જ લપસણીથી ચઢે ને ફરી સરકે. ઊંધા-આડા ને બે-ચારના જોડકાંમાં બેસીને લપસિયા ખાય. એમ કરતાં-કરતાં રિસેસ પૂરી થાય એટલે ભર્ર.....ર ભાગીને છોકરાઓ પોતપોતાના ક્લાસમાં ડાહ્યાડમરા બનીને ભણવા બેસી જાય. ભણતા-ભણતાય કેટલાક તોફાનીઓનું મન તો હીંચકો ખાતું હોય કે લપસણીએ લપસતું હોય. રજાનો ઘંટ વાગે ત્યારે દફ્તરને મેદાનમાં ફેંકી કરી હીંચકા ને લપસણીને છોકરાઓ ખૂંદી વળે.

    એક વાર આઠ-દસ છોકરાઓ લપસણીને વળગ્યાં હતાં. આગળથી દોડીને લપસણી પર કૂદતા હતા ને લપસણી ભાંગી ગઈ. કેટલાક છોકરાંઓ ધડામ..... દઈને નીચે પડ્યાં, પણ આ તો છોકરાઓ..... હસતાં-હસતાં ઊભાં થઈ બીજે રમવા ચાલ્યાં ગયાં. શિક્ષકોએ લપસણીના બધા ભાગને છુટ્ટા કરી એક ખૂણામાં ગોઠવી દીધી. છોકરાઓ માટે હવે લપસણીની રમત બંધ.....

    લપસણીના ભાગ જે ખૂણામાં મૂક્યા હતા ત્યાં કીડીઓનું મોટું દર હતું. કામકાજથી પરવારીને કીડીઓ જ્યારે બહાર ફરવા નીકળી ત્યારે એમણે આ મસમોટી લપસણીના ભાગોને જોયા. છોકરાઓને લપસણી પર સરકતા ને મજા કરતા એક-બે કીડીઓએ જોયેલા એટલે એ તો આ લપસણીને તરત જ ઓળખી ગઈ. એમણે તરત બીજી કીડીઓને કહ્યું : ‘અરે, આ તો લપસણી છે. અહીં આપણા છોકરાઓને લપસવા મૂકી લાગે છે.’ થોડી વારમાં તો દરમાં ધાંધલ મચી ગઈ. દરમાં રહેતા નાની અમથી કીડીઓએ લપસણી પર જવા દેવા રોકકળ કરી મૂકી. કેટલીક નાની કીડીઓ લપસણી પર ચઢી-ચઢીને સર...ર...ર સરકાવાયે માંડી. આ જોઈ મોટી કીડીઓને થયું કે આમાં તો મજા આવતી લાગે છે. ચાલોને આપણેય સરકીએ. પછી તો મોટી કીડીઓએ પણ લપસણી પર લપસણિયાની મજા લેવા દોડાદોડ કરી મૂકી. આખાયે દરની કીડીઓ હવે લપસણી પર ચઢતી હતી. સર...ર...ર સરકતી હતી. આનંદથી ચીસો પાડતી હતી. દરની નાની કીડીઓ જ નહીં, મોટી ને ઘરડી કીડીઓનેય ખૂબ મજા પડી ગઈ : ‘વાહ, આ રમત તો નવી, આ રમતની મજા જ કંઈક જુદી.’ બીજી કીડી કહે : ‘રોજ ટગુમગુ ચાલતા કંટાળી ગયા હતા ને! હવે તો કેવું સડસડાટ લપસાય છે! ને લપસીએ ત્યારે પેટમાં એવી ગલીપચી થાય એવી ગલીપચી થાય!’

    કીડીઓનો એ આખો દિવસ લપસવામાં જ ગયો.

    બીજા દિવસની સવારે કીડીઓનું જૂથ ખોરાકની શોધમાં જવા નીકળ્યું ત્યારે અર્ધા ઉપરાંતની કીડીઓ લાપસણીની સહેલગાહે હતી. મોટી કીડીઓને લપસતી જોઈ નાની કીડીઓએ પોતાની નિશાળમાં રજા પાડી દીધી હતી. પછી તો રોજરોજ આવું ચાલવા લાગ્યું. કીડીઓની હાર જ્યારે જુઓ ત્યારે લપસિયા જ ખાતી હોય. દોડી-દોડીને ઉપર ચઢતી હોય. સર...ર...ર કરતી નીચે આવતી હોય.

    એ જોઈ કીડીની રાણી ખિજાઈ ગયા. ‘અરે, તમે આ શું માંડ્યું છે? ખોરાકનો સંઘરો કરવાને બદલે લપસણી પર પડ્યા-પાથર્યા રહો છો એ ઓછું ચાલે?’

    એક કીડીએ લપસતાં લપસતાં કહ્યું : ‘પણ, રાણીમા અમોને અહીંયાં બહુ ગમે છે.’

     ‘રમવાનું કે ઉજાણીએ જવાનું તો સૌને ગમે, પરંતુ એનોય સમય હોય કે નહીં? વરસાદના ભણકારા વાગે છે. જો અનાજ નહીં સંઘરીએ તો સૌના પેટ કેમ ભરાશે? આ નાની કીડીઓ ભણવાનું ભલૂશે તો નવું-નવું શીખશે ક્યાંથી?’

    કેટલીક કીડીઓએ થોડું અનાજ સંઘરી રાખ્યું હતું એટલે કીડીરાણીની વાત એમને ગળે ન ઊતરી. એમણે લપસણી ન છોડી પછી નાની કીડીઓ તો લપસણીને છોડે જ શાની?

‘મોજ કરાવે! લસ્સરપટ્ટી
ખૂબ સરકાવે! લસ્સરપટ્ટી
અગડંબગડં! લસ્સરપટ્ટી
ઝટ ચડ, પડ પડ! લસ્સરપટ્ટી’

    રમતિયાળ કીડીઓનો આવો સામૂહિક આવાજ સાંભળીને કીડીરાણી નિરાશ થઈને પોતાને કામે વળગી ગયાં.

    એક-બે દિવસમાં જ કીડીરાણીની વાત સાચી પડી. આકાશમાં કાળાં-કાળાં વાદળો દોડવા લાગ્યાં. વીજળીના ચમકારા ને ગડગડાટ થવા લાગ્યો. વાદળાંઓએ ખૂબ પાણી વરસાવ્યું. કીડીઓ લપસણીની ઉજાણી છોડીને ઠંડી-ઠંડી જમીનમાં સંતાઈ ગઈ. રમતિયાળ કીડીઓ પાસે જેટલું અનાજ હતું એટલું તો બે દિવસમાં જ પૂરું થઈ ગયું. વરસાદ રોકાવાનું નામ લેતો ન હતો. ખોરાક એકઠો કરવા માટે બહાર નીકળવાનું મુશ્કેલ હતું. રમતિયાળ કીડીઓને હવે ભૂખ્યા રહેવાની વખત આવ્યો. નાની કીડીઓ ભૂખથી ટળવળવા લાગી. ચારેતરફ ભૂખ, ભૂખ ને ભૂખથી કીડીઓ ચિંતાતુર થઈ કીડીરાણી પાસે પહોંચી.

     ‘હું તમોને અનાજ એકઠું કરવા, ભણવા માટે સમજાવતી હતી ત્યારે તમારે લપસણી પર મોજ કરવી હતી. દાણા સંઘર્યા હોત તો અત્યારે આવો વખત આવત?’

    રમતિયાળ કીડીઓ શરમાઈ ગઈ.

    કીડીરાણીએ અનાજના ભંડારમાંથી સૌને ચાલે એટલું અનાજ કાઢી આપ્યું. સૌ કીડી રાજી-રાજી થઈ ગઈ. ત્યાર પછી કીડીઓ લપસણી પર લસરપટ્ટી ખાય છે ખરી, પણ રોજેરોજની ખૂબ મહેનત કર્યા પછી. નાની કીડીઓ પણ લહેરથી ભણવા જાય છે ને ભણીને થાકે છે ત્યારે લસરપટ્ટી ખાય છે.

સ્રોત

  • પુસ્તક : લપસણીની મજા (પૃષ્ઠ ક્રમાંક 11)
  • સર્જક : કિશોર વ્યાસ
  • પ્રકાશક : ગૂર્જર સાહિત્ય પ્રકાશન
  • વર્ષ : 2024