Mumbaini Kidi - Children Stories | RekhtaGujarati

મુંબઈની કીડી

Mumbaini Kidi

લાભશંકર ઠાકર લાભશંકર ઠાકર
મુંબઈની કીડી
લાભશંકર ઠાકર

                છે ને એક મુંબઈની કીડી હતી.

 

                આ કીડી છે ને એક કવિના બુશકોટના ગજવામાં બેઠી હતી. કવિ છે ને મોટરમાં બેઠા હતા. મોટર છે ને, જંગલમાંથી પસાર થતી હતી. કવિ છે ને ‘કીડી’ પર કવિતા લખતા હતા અને મોટેથી ગણગણતા હતા. મુંબઈની કીડી છે ને ગજવાની બહાર આવીને સાંભળતી હતી અને છે ને કવિના મોં સામે જોયા કરતી હતી.

 

એક હતી કીડી
એની પાસે સીડી
સીડી કીડી ચડતી જાય
ચડતી જાય ને ગાતી જાય
ઊંચે વિમાન ઊડે છે
કીડી વિમાન જુએ છે
વિમાન ઘર્ ઘર્ ઊડતું જાય
કીડી ખડ ખડ હસતી જાય.

 

                વચ્ચે મોટર અટકી. છે ને કવિ નીચે ઊતર્યા પછી છે ને પવનનો એક સપાટો આવ્યો. બુશકોટના ગજવાની બહાર બેઠેલી કીડી તો પવનમાં ઊડી અને ખાખરાના એક ઝાડ પાસે પડી. મોટર અને કવિ તો ઊપડી ગયા. મુંબઈની કીડી તો જંગલમાં રહી ગઈ. ઝાડ પાસે દરમાં જંગલની કીડીઓ રહેતી હતી. છે ને મુંબઈની કીડીને જંગલની કીડીઓએ આવકાર આપ્યો.

 

                મુંબઈની કીડી તો જંગલની કીડીઓ સાથે રહે છે. બધાંની સાથે કામ કરે છે. નવરી પડે ત્યારે મુંબઈની કીડી કાંઈ ને કાંઈ વાતો કરે. બધી કીડીઓ ચૂપ થઈને સાંભળે.

 

                હવે એક વખત છે ને મોટ્ટો ઘર્ ઘર્ અવાજ કરતું એક વિમાન નીકળ્યું. મુંબઈની કીડી તો આંખો પટપટાવતી મઝાથી વિમાનને જોતી હતી. છે ને એ વખતે એક વાઘ ઝોકાં ખાતો ઊંઘતો હતો. વિમાનના ઘર્ ઘર્ મોટ્ટા અવાજથી એ જાગી ગયો અને થર થર ધ્રૂજવા લાગ્યો. મુંબઈની કીડી વાઘને જોઈ રહી. વાઘ તો પૂંછડી દબાવીને જાય નાઠો.

 

                મુંબઈની કીડી ખડ ખડ હસી પડી.

 

                પછી બધ્ધી કીડી ખડ ખડ હસી પડી.

 

                એક મંકોડાએ પૂછ્યું : ‘કેમ હસો છો અલી?’

 

                પણ કોણ જવાબ આપે? કીડીઓ તો બધ્ધી હસે છે.

 

                પછી મંકોડો હસી પડ્યો. એટલે બધ્ધા મંકોડા હસી પડ્યા.

 

                એક ખિસકોલીએ પૂછ્યું : ‘કેમ હસો છો એલા?’

 

                પણ જવાબ કોણ આપે? મંકોડા તો બધ્ધા હસે છે.

 

                ખિસકોલી હસી પડી. એટલે બધી ખિસકોલીઓ હસી પડી.

 

                એક વાંદરાએ પૂછ્યું : ‘કેમ હસો છો અલી?’

 

                પણ જવાબ કોણ આપે? ખિસકોલી તો બધ્ધી હસી પડી.

 

                પછી વાંદરો હસી પડ્યો એટલે બધ્ધા વાંદરા હસી પડ્યા.

 

                એક રીંછે પૂછ્યું : ‘કેમ હસો છો એલા?’

 

                પણ જવાબ કોણ આપે? વાંદરા તો બધ્ધા હસે છે.

 

                પછી રીંછ હસી પડ્યું. એટવે બધ્ધા રીંછ હસી પડ્યાં.

 

                એક વાઘે પૂછ્યું : ‘કેમ હસો છો એલા?’

 

                પણ જવાબ કોણ આપે? રીંછ તો બધ્ધાં હસે છે.

 

                પછી વાઘ હસી પડ્યો. એટલે બધ્ધા વાઘ હસી પડ્યા.

 

                પેલા બી ગયેલા વાઘે પૂછ્યું : ‘કેમ હસો છો એલા?’

 

                છે ને, આ રીંછ હસે છે એટલે, એક વાઘે જવાબ આપ્યો.

 

                પેલા બી ગયેલા વાઘે પૂછ્યું : ‘કેમ હસો છો, એલા રીંછ?’

 

                છે ને, આ વાંદરા હસે છે એટલે, એક રીંછે જવાબ આપ્યો.

 

                પેલા બી ગયેલા વાઘે પૂછ્યું : ‘કેમ હસો છો, એલા વાંદરા?’

 

                છે ને, આ ખિસકોલીઓ હસે છે એટલે, એક વાંદરાએ જવાબ આપ્યો.

 

                પેલા બી ગયેલા વાઘે પૂછ્યું : ‘કેમ હસો છો, એલી ખિસકોલીઓ?’

 

                છે ને, આ મંકોડા હસે છે એટલે, એક ખિસકોલીએ જવાબ આપ્યો.

 

                પેલા બી ગયેલા વાઘે પૂછ્યું : ‘કેમ હસો છો, એલા મંકોડાઓ?’

 

                છે ને, આ કીડીઓ હસે છે એટલે, એક મંકોડાએ જવાબ આપ્યો.

 

                પેલા બી ગયેલા વાઘે પૂછ્યું : ‘કેમ હસો છો, એલી કીડીઓ?’

 

                છે ને, હું હસું છું એટલે. મુંબઈની કીડીએ જવાબ આપ્યો.

 

                પેલા બી ગયેલા વાઘે પોછ્યું : ‘કેમ હસે છે અલી તું?’

 

                છે ને, કહું છું વાઘભાઈ, મને છીંક આવે છે. છીંક ખાઈ લઉં, પછી કહું.

 

                મુંબઈની કીડીને છીંક આવી : હાક્ છીં.

 

                ત્યાં તો મોટર આવીને અટકી. મોટરમાંથી કવિ બહાર ઊતર્યા. મુંબઈની કીડી તો સડસડાટ દોડી. કવિના પગ પરથી, પેન્ટ પરથી, બુશકોટ પરથી સડસડાટ ગજવામાં જતી રહી. બધ્ધા જ તો જોતાં જ રહી ગયાં. મોટર ઊપડી.

 

                વાઘ બધ્ધા વાઘોને પૂછે છે.

 

                બધાં રીંછોને પૂછે છે.

 

                બધા વાંદરાને પૂછે છે.

 

                બધી ખિસકોલીને પૂછે છે.

 

                બધા મંકોડાને પૂછે છે.

 

                બધી કીડીઓને પૂછે છે.

 

                એલા બધાં કેમ હસતાં હતાં?

 

                કોણ જવાબ આપે?

 

                જવાબ જાણતી હતી મુંબઈની એક કીડી.

 

                તે તો જતી રહી.

 

                ક્યારેક કોઈ મોટર અવાજ કરતી પસાર થાય ત્યારે

 

                બધી કીડી

 

                બધા મંકોડા

 

                બધી ખિસકોલી

 

                બધા વાંદરા

 

                બધાં રીંછ

 

                બધા વાઘ

 

                સ્થિર થઈને મોટરને તાકી રહે છે.

 

                કદાચ મોટર ઊભી રહે.

 

                મુંબઈની કીડી આવે

 

                અને પૂછીએ :

 

                એલી મુંબઈની કીડી, તું કેમ હસતી હતી?

સ્રોત

  • પુસ્તક : અમર બાલકથાઓ (પૃષ્ઠ ક્રમાંક 378)
  • સંપાદક : શ્રદ્ધા ત્રિવેદી
  • પ્રકાશક : આર.આર. શેઠ ઍન્ડ કંપની પ્રા. લિ.
  • વર્ષ : 2020