Abhimani Fuggo - Children Stories | RekhtaGujarati

રેખ્તા ગુજરાતી ઉત્સવ - 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો

રજિસ્ટ્રેશન કરો

અભિમાની ફુગ્ગો

Abhimani Fuggo

ગિરા પિનાકીન ભટ્ટ ગિરા પિનાકીન ભટ્ટ
અભિમાની ફુગ્ગો
ગિરા પિનાકીન ભટ્ટ

    વલ્લુ નામે એક વાંદરો, ખૂબ હોંશિયાર.

    કદી ન માને હાર, પણ એ અભિમાની અપાર.

    ‘મારું કાળજું તો જાંબુના ઝાડ ઉપર છે’ – એવું કહીને એ વિકરાળ મગરને બનાવી આવેલો... એ જ વલ્લુ. તે પછી તો વલ્લુની વાહ... વાહ... ચારે કોર. શેરીએ શેરીએ સન્માન થાય. ગામે ગામ સન્માન થાય. એના માનમાં બધે સત્કાર સમારંભો યોજાય. આમ ને આમ વલ્લુજી વાનર ટોળીના આગેવાન બની બેઠા.

    હવે વધારે પડતા માન-પાન મળતાં એ છકી ગયા. જ્યાં ને ત્યાં મોટી-મોટી ને સાવ ખોટી ડિંગ હાંક્યે રાખે. પોતાના ડહાપણની વાતો બંધ જ ન કરે.

    ‘અરે! તમને ખબર છે કે... વિકરાળ મગરના મોંમાંથી છૂટવું એટલે? જળમાં તરતા એ વિશાળ જાનવરને જોતાં જ થર થર ધ્રુજી જવાય.’

    ‘હેં સાચ્ચેજ?’ એક નાનકડા વાનરે પૂછ્યું.

    ‘તારું મોં બંધ રાખ. મારી વાતમાં વચ્ચે ન બોલ.’ એ સાંભળીને પેલો વાનરબાળ શું બોલે?

    ‘મગરના ધારદાર દાંત અને ગુફા જેવું જડબું જોઈને થરથર કંપી જવાય. એ પાણીમાં રહીને હાથીનો પગ ઝાલે તો હાથી પણ ન છટકી શકે.’

    ‘ના હોય!’ એક વાંદરી પણ ભુલથી આમ વચ્ચે બોલી ઊઠી.

    ‘હું બોલું ત્યારે સહુએ મોં બંધ રાખવાનું, એટલી પણ સમજ નથી પડતી? હું કંઈ એમ જ આગેવાન નથી બની બેઠો. શું ના હોય? તો શું હું ખોટું બોલું છું? તારામાં હિંમત હોય તો સવારી કરી જો મગરની પીઠે. બોલે છે પાછી ના હોય!’ આવા તુમાખીભર્યા વાક્યો સાંભળીને બધાંય ચૂપ થઈ જતાં. બસ, પછી તો આ બની બેઠેલા આગેવાન સહુને પજવવા લાગ્યા. પોતાનું ધાર્યું કરાવવા લાગ્યા. પણ એવું ગમે કોને? વળી કોઈ કંઈ કહી જ ન શકે ત્યાં.

    વલ્લુ ફરવા નીકળે તો એની સાથે ચાર-પાંચ વાંદરાઓને સાથે લઈ જાય. વલ્લુભાઈના વર્તનથી થાકેલા બધાં વાંદરાં એમની ગેરહાજરીથી રાજી-રાજી થાય ને ગીત ગાય, 

તોબા તોબા તોબા, આ વલ્લુભાઈથી તોબા.
તોબા તોબા તોબા આ અભિમાનીથી તોબા.
    જેવા વલ્લુભાઈ આવે ને બધાં ચૂપ! વળી પાછા એ આવે ને પોતાનું રાજ ચલાવે. કોઈ એમની વાત ન સાંભળે તો એમને ધમકાવે. દાંત બતાવીને કરે ઘુરકિયાં. અરે! પૂંછડી ખેંચીને ભારે હેરાન કરે! તો વળી... ખબર પણ ન પડે ને ડાળી પરથી નીચે ધક્કો મારી દે. બધાં વાંદરાંઓ તો સાવ ડરી જતાં. વાંદરીઓ તો નાનાં બચ્ચાં લઈને દૂરની ડાળી ઉપર ડાહી-ડમરી થઈ બેસી જાય. વલ્લુભાઈને તો હવે આમ જ મજા આવતી. એ હવે આવતાં-જતાં માણસોને પણ પજવવા લાગ્યો.

    ‘ઓય બે પગવાળા, તું અમારામાંથી ઉતરી આવ્યો છે. તારે તો મારી વાત સાંભળવી જ પડે. મારી ‘હા’ માં ‘હા’ કરવી જ પડે.’

    ‘જા... જા... જા વાંદરા, તું તારી જાતને સમજે છે શું?’ એવું સાંભળતાં જ વલ્લુ કૂદયો. પેલા માણસના ખભા ઉપર જઈ બેઠો ને ભર્યું જોરદાર બચકું. એ માણસ તો ખૂબ ગભરાયો ને નાઠો જીવ લઈને.

    ‘બાપ રે! વાંદરાએ બચકું ભર્યું?’ ને જોતજોતામાં વાત ઠેર ઠેર ફેલાઈ ગઈ. વાત ફરીને આવી પહોંચી પાછી વલ્લુના કાને.

    રીસ સાથે એ બોલ્યો, ‘મને... મને... વાંદરો કહ્યો? મને કપિ કહેવાનું. આ માણસો તો સાવ ડોબા જેવા છે. બોલવામાં જરાય વિવેક રાખતા નથી.’ ત્યાં એક વાનરબાળને પેલું ગીત સાંભરી આવ્યું. બધાં વાનરબાળની ટોળી ભેગી થઈને ગાવા લાગી,

તોબા તોબા તોબા, આ વલ્લુભાઈથી તોબા.
તોબા તોબા તોબા, આ અભિમાનીથી તોબા.
    પણ વલ્લુના મગજમાં કપિ... કપિની ધુન સવાર હતી. એટલે બધાં બચી ગયાં. એ લાગ જોઈને વાંદરીઓ ટપોટપ નીચે ઉતરી પડી. પોત-પોતાનાં બચ્ચાંઓને ગીત ગાતાં ચૂપ રખાવ્યાં. પછી શાંતિથી ઝાડ ઉપર આવીને ગોઠવાઈ ગઈ.

    હવે... આ બાજુ ગામ આખામાં વલ્લુએ માણસને બચકું ભર્યાની વાત ફેલાઈ ગઈ હતી. વલ્લુને પકડવા ગામના આગેવાનોએ વન વિભાગની ટીમ બોલાવી લીધી. પાંજરું ગોઠવાયું... એમાં મગફળી, રોટલા-રોટલી ને ફળો મૂકાયાં. જાંબુના ઝાડ ઉપર રહેતાં બધાં વાનરોનાં મન ખોરાક જોતાં લલચાયાં. નાનાં નાનાં બચ્ચાંને સમજાવતાં એમની મા કહે,

    ‘ના હોં. પહેલાં આપણાથી ન જવાય. વલ્લુજીને મૂકીને આપણાથી ન લવાય કે ખવાય.’

    ‘મા... મા... હું જાઉં?’ એક બચ્ચાની અધીરાઈ ખૂટતાં એણે પૂછ્યું.

    ‘મને ખાવાનું લેવા કેમ નથી જવા દેતી?’ બીજા બચ્ચાએ પણ હઠ કરી.

    વલ્લુજી વાતો સાંભળી રહ્યા. એ વિચારતા હતા કે હમણાં બાળટોળી ફરી વળશે તો... તો ખોરાક બધો ખાઈ જશે. ને વધુ વિચાર કર્યા વિના કૂદયા હૂપ કરીને. પાંજરા પાસે આવીને દિમાગ ચલાવ્યું. અંદર જાઉં તો... તો... ફસાઈ જાઉં. હું કંઈ એવો ગાંડો નથી હોં.’ તે પછી બહાર બેઠા-બેઠા પાંજરામાં હાથ નાખ્યો. સરસ મજાનું મોટું ને પાકું જામફળ પકડ્યું. પણ જામફળ સાથે હાથ બહાર આવે કેવી રીતે? જામફળ ખાવાની લાલચ ભારે, ન ખવાય કે ન મૂકાય. બાપુ હવે ફસાયા. એ ઝાલે તે કંઈ છોડે ખરા? છોડી દે તો આબરૂ જાય. બધાં વાંદરા સામે જોઈને એ બોલ્યો, ‘એમ હાર માનું તો હું વલ્લુ કપિ નહીં!’

    ‘વલ્લુજી, જામફળ મોટું છે...એને છોડી દ્યો. તો અને તો જ હાથ બહાર આવશે.’ એક શાણી વાંદરીએ સલાહ આપી.

    ‘આગેવાનજી, બીજો ઘણો ખોરાક છે. જામફળ છોડી દ્યો. તમારા હાથ સામે જુઓ. લોહીના ટશિયા ફૂટ્યા છે. તમે નાહક મહેનત કરી રહ્યા છો.’ કાયમને માટે સાથે ફરનાર એક વાનરે કહ્યું.

    ‘ફળ સાથે મુઠ્ઠી છોડો...આમ શું બની બેઠા છો જીદ્દી મંકોડો.’ વલ્લુજી સાથે રહેતી વાંદરી અકળાઈને બોલી.

    ‘તમે તમારું કામ કરો. હું મુઠ્ઠી પણ નહીં છોડું ને પકડેલું પાકું જામફળ પણ. હું તમને સહુને ઓળખું છું. મને એમ કહોને કે આ પાકું જામફળ તમારે ખાવું છે.’ તો વળી પેલી વાંદરી સામે દાંતણિયાં કરતાં એ બોલ્યો, ‘તું તો ચૂપ જ રહેજે.’

    કોઈ શું બોલે? બધાં ચુપચાપ કૂણાં‌‌- કૂણાં પાન ખાવા લાગ્યાં. વલ્લુથી ન મમત મૂકાય કે ન જામફળ મૂકાય. એટલામાં તો વનવિભાગના માણસો દૂરથી આવતા દેખાયા. એમને આવતા જોઈને એક વાંદરાએ ચેતવણી ઉચ્ચારી.

    ‘નામદાર, ભાગો... ભાગો... મુઠ્ઠી છોડો ને એક શ્વાસે દોડો. ન થાવ જીદ્દી મંકોડો... હમણાં બંધાશે અંકોડો. બીજાની વાત પણ ક્યારેક સાંભળતા શીખો. ચેતી જાવ... તેવર ન રાખો તીખો.’

    ‘તારી તો...’ કહેતાં વલ્લુ ગરજ્યો. ‘તું જાણે છે ને કે આ નામદાર બહુ મોટા. એક વાર પકડે પછી નહીં છોડે. તો વળી તું શિખામણ દેનારો કોણ? મારું કાળજું તો સાવ ઠેકાણે છે. ને એ કારણોસર પેલા મગરને ઉલ્લુ બનાવ્યો હતો. એ વાત શું મારે વારંવાર યાદ દેવરાવવાની મૂરખ! મને સલાહ આપવા માટે તું લાયકાત ધરાવે છે ખરો? બહુ ડાહ્યો ન જોયો હોય તો! હોંશિયારી હોય તો પેલા મગરની પીઠે બેસીને તળાવમાં ફરી આવ... હું પણ જોઉં ને આ બધા પણ જોશે.’ રાતીચોળ આંખે વલ્લુએ મોટું ભાષણ આપી દીધું.

    કોઈ શું બોલે? બધાં ડરી ગયાં, હીમ જેવાં ઠરી ગયાં!

    આ બાજુ વલ્લુજીની ફસાયેલી મુઠ્ઠી, એ મુઠ્ઠીમાં મોટું જામફળ. અને એ જામફળ સાથે પાંજરામાં ફસાયેલો હાથ બહાર કાઢવાનો પ્રયત્ન કરતો જ રહ્યો.

    જોત જોતામાં વનવિભાગની ટીમ આવી પહોંચી. જાળ નાખીને વલ્લુજીને પકડી લીધા. પછી અભિમાની વલ્લુનો ફુગ્ગો ફટાક... કરતો ફૂટી ગયો. પોતાના અભિમાનના કારણે મૂર્ખ બનેલા વલ્લુની વાતો જ્યાં ને ત્યાં થવા લાગી. જાંબુના ઝાડ ઉપર કૂદાકૂદ કરતાં વાંદરાં આનંદથી હૂપાહૂપ કરે છે ને આજે પણ ગાય છે કે,

તોબા તોબા તોબા આવા વલ્લુભાઈથી તોબા.
તોબા તોબા તોબા આવા અભિમાનીથી તોબા.
ડોબા ડોબા ડોબા આવા વલ્લુભાઈ તો
ઠોબા ઠોબા ઠોબા આવા વલ્લુભાઈ તો ઠોબા

સ્રોત

  • પુસ્તક : ઢોલકીવાળા અનબનજી (પૃષ્ઠ ક્રમાંક 43)
  • સર્જક : ગિરા પિનાકીન ભટ્ટ
  • પ્રકાશક : દર્શિતા પ્રકાશન
  • વર્ષ : 2024
  • આવૃત્તિ : 1