રેખ્તા ગુજરાતી ઉત્સવ - 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો
રજિસ્ટ્રેશન કરોરાજેશ મહેતા મારો ભાઈબંધ છે. એ લંબુ નાટકમાં કામ કરે છે, અને પાન ખાઈને જોક પર જોક મારે છે. જોક પણ એટલી બધી કરે કે એને આવતો જોઈને જ લોકો ખડ... ખડ.... ખડ.... કરવા માંડે છે.
હવે થયું એવું કે સ્કૂલમાં રજા પડી. મમ્મીએ કહ્યું કે રાજ બેટા, બે દહાડા સુરત જા, ને મોસાળે રહી આવ. રાજેશને બી એ બાજુ કામ હતું. એટલે મારાં ઘરવાળાંઓએ મને એની સાથે જ ટ્રેનમાં ઘુસાડી દીધો.
બેસવાની જગા તો હતી જ નહીં. રાજેશને ચટપટી થઈ આવી. માળું, કોઈની મજાક કર્યા વગર જીવને સુખ નથી મળતું. બાજુમાં ફેંટો-અંગરખો પહેરીને કોઈ ઊભું હતું. “કેમ કાકા? કેમનું જવાનું?” રાજેશ ટહુક્યો. કાકા દહાણુ જતા હતા. અમને મુંબઈના જાણીને કાકા કહેવા લાગ્યા,
“ભાયું, મુંબઈ ગામના રસ્તાઓનું કે’વું પડે, હોં. ઓ... હો... હો... એ રસ્તાઓને સરકાર વધારે ને વધારે પહોળા બનાવે છે.”
“અરે કાકા, અમે રસ્તાઓને પહોળા તો કરીએ છીએ, પણ રસ્તાઓને લાંબા પણ કરીએ છીએ,” રાજેશ બોલ્યો. “પહેલાંના જમાનામાં પાર્લાથી નરીમાન પૉઇન્ટ જતાં અરધો કલાક લાગતો હતો. હવે એક કલાક લાગે છે. બોલો, રસ્તો લાંબો થયો કે નહિ?”
“એય માળું ખરું છે...” કાકા મૂંઝાયા, “પણ મુંબઈમાં રે’વાની હવે મજા નથ રહી હોં. નહાવા માટે મૂઆ બે છાંટા પાણીયે નો મળે.” “અરે એ શું બોલ્યા, કાકા?” રાજેશ દુઃખી અવાજથી કહેવા લાગ્યો. “આપણા ટાટાવાળાઓએ પાણી બનાવવાની પુડીકીઓ શોધી કાઢી છે ને! તમને ખબર નથી?”
“પાણી બનાવવાની પુડીકી?” કાકાની આંખ પહોળી થઈ ગઈ.
“હા, હા... જુઓ, એક ગ્લાસ પાણી બનાવવું હોય, તો પહેલાં એક ગ્લાસમાં પાણી ભરવાનું. એમાં એક પુડીકી નાખવાની. પાછી હલાવવાની. બસ, પાણી તૈયાર!”
“એ... મ....?” કાકા વિચારમાં પડી ગયા. “પણ આખી બાલદી પાણી જોઈએ તો? તૈંયે શું કરવાનું?”
“લ્યો, સાવ સહેલું છે. પૅકેટ પર બધાં માપ લખેલાં જ હોય! એક બાલદી પાણીથી ભરવાની, એમાં સાત પુડીકી નાખીને હલાવવાની, એક મૅજિક! એક બાલદી પાણી તૈયાર!”
રાજેશ મારી સામે આંખ મિચકારતો હતો. કાકા મૂડમાં આવી ગયા હતા. એ બોલ્યા, “ભલા માણહ, આ ધંધાવાળાઓ તો નિતનવી શોધખોળ કરતા રે’. પણ તમારું કામકાજ શાનું છે?”
“મીઠાનો કૉન્ટ્રાક્ટ છે, કાકા,” રાજેશે ચલાવ્યું. “મુંબઈ બાજુ વરસાદ બહુ પડે ને, એટલે દરિયો મોળો થઈ ગયો છે. એને ખારો કરવાનો મારો કૉન્ટ્રાક્ટ છે. દરરોજ સો ખટારા ભરીને મીઠું મારા માણસો નરીમાન પૉઇન્ટના દરિયામાં ઠાલવી આવે.”
કાકા મૂંઝાઈ ગયા. “સો ખટારા? દરરોજ એટલું મીઠું લાવવાનું ક્યાંથી?”
“કેમ વળી, જુહુના દરિયાકિનારેથી! ત્યાંનો દરિયો ખારો છે. એટલે જુહુથી કાઢવાનું ને નરીમાન પૉઇન્ટ નાખવાનું!”
“ઠીક... ઠીક...” કાકાને સંતોષ થયો.
ઊભા રહી રહીને રાજેશના ને મારા ટાંટિયા ટૂટતા હતા. સુરત સુધી તો કંઈ ઊભા ઊભા જવાય નહીં. અમે બે જણે ગુસપુસ કરી. પછી મેં ભેંકાર અવાજ કાઢવો શરૂ કર્યો : “ભ... ઉ... ભઉ...” આસપાસવાળાં ચોંકી ગયાં. રાજેશ મારે સાથે હાથ થાબડવા લાગ્યો. કાકા ચિંતાથી કહેવા લાગ્યા, “આ ટેણકાને એકાએક શું થિયું?”
“એની ફિકર ના કરો કાકા, એ તો મુંબઈમાં સ્હેજ હડકાયું કૂતરું કરડેલું, પણ હવે કશો વાંધો નથી.” રાજેશે કહ્યું.
“હેં! કૂતરું કરડેલું?”
ત્યાં તો મેં ફરી પોક મૂકી, “ભૌ... ઉ... ઉ.... ભૌ ભૌ” રાજેશે મારો ખભો પકડ્યો, ને આજુબાજુવાળાંને કહેવા લાગ્યો, “કોઈ ડરના મત. મૈં સાથ મેં ખડા હૂં ન, કિસીકો નહીં કાટેગા, કુછ નહીં કરેગા, ચૂપ થઈ જા જોઉં ખાંડવાળા... ડાહ્યો છોકરો છે ને...”
ધીમે ધીમે ભ... ઉ... ભ... ઉ.... કહીને હું શાંત થઈ ગયો. આગલું સ્ટેશન આવ્યું ન આવ્યું ત્યાં તો બધા મુસાફરો બાજુના કમ્પાર્ટમેન્ટમાં ભાગ્યા : ખાલી પડેલી સીટોમાં રાજેશે અને મેં લંબાવ્યું, અને એકબીજાને તાલીઓ આપી,
“દે દોસ્ત તાલી,
સબ સીટ ખાલી!”
સ્રોત
- પુસ્તક : ઉદયન ઠક્કરની મનપસંદ બાળવાર્તાઓ (પૃષ્ઠ ક્રમાંક 15)
- સંપાદક : સાંકળચંદ પટેલ
- પ્રકાશક : રન્નાદે પ્રકાશન
- વર્ષ : 2012