રેખ્તા ગુજરાતી ઉત્સવ - 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો
રજિસ્ટ્રેશન કરોઅહીં એક મહાપુરુષની વાત આપીએ છીએ.
એમનું નામ મલુકચંદ્ર! પણ બધા લોકો એમને મલુકચંદ કહે છે.
તીખી-તમતમતી વાનીઓ ખાવાથી લોકોની જીભ ટૂંકી થઈ ગઈ, નહિ તો ચંદ્રનો ચંદ ન કરત! અને તે પણ આવા મહાપુરુષને માટે!
મહાપુરુષ મલુકચંદ ક્યારે થયા, એ જાણી શકાયું નથી. લોકોની યાદશક્તિ કોણ જાણે કેમ, આવા મહાપુરુષો માટે નકામી નીવડી છે!
પણ એટલો ઇતિહાસ મળ્યો છે કે :
આ જંબુદ્વીપમાં,
આ ભરત ક્ષેત્રમાં,
આ સૌરાષ્ટ્ર પ્રાંતમાં,
આ સાયલા ગામમાં,
આ મહાપુરુષ મલુકચંદે અવતાર લીઘો – જન્મ્યા! જો કે અંધારિયાની આઠમે જન્મ્યા એટલે તેમના જન્મ વખતે ચંદ્ર નહોતો, પણ બાફોઈએ નામ ચંદ્ર રાખ્યું – મલુકચંદ્ર!
પણ મલુક એટલે શું?
લોકોએ એનો અર્થ ઘણો પૂછ્યો, પણ બાફોઈ એટલું જ બોલ્યાં કે સો વાર મલુક મલુક કરો તો એના અર્થની સમજ પડી જશે!
ઘણા લોકોએ તેમ કર્યું, પણ કંઈ ન વળ્યું!
મલુકચંદમાં બાળપણથી મહાપુરુષના ગુણ હતા. પોતે બોર ખાવા બોરડી પર ચઢે, ત્યારે કહે :
‘રામાદી ચિડિયાં, રામાદાં ખેત!
ખાઈ લો મલુકચંદ, પેટ ભરભર બેર!’
આ વખતે મારા-તારાના ભેદને દૂર રાખતા. પણ એમની ચીજ કોઈ લઈ જાય તો અહિંસા, સત્ય ને અસ્તેય (આપ્યા વગર ન લેવું) વ્રતનું કચુંબર કરી નાખતા. ત્રણે વ્રતનાં ખૂન કર્યાનો આરોપ સામા પર મૂકતા!
મલુકચંદ મોટા થયા. શું ભણ્યા ને શું ગણ્યા એની નોંધ નથી, પણ ઘણું ભણ્યા હશે, ઘણું ગણ્યા હશે! નહિ તો આવાં મહાન કામ એ કંઈ કરી શકે ખરા?
પહેલું કામ તો એમનું ગ્રામસેવાનું હતું.
એમના ગામનું નામ સાયલા!
કહે છે કે સવારના પહોરમાં કોઈ સાયલા ગામનું નામ ન લે. લે તો બાર વાગ્યા સુધી ખાવા ન મળે!
એવું તે બને? ન બને. પણ આ તો વહેમ. વહેમનું ઓસડ નહિ. લોક વહેમ પહેલો પકડે! જ્ઞાન પછી!
એ દિવસોમાં એક જાણીતા ભગત. ફરતા ફરતા આ ગામમાં આવ્યા. ભગત ભારે ચમત્કારી! મલુકચંદે વિચાર કર્યો કે જો ભગત અહીં આશ્રમ સ્થાપે તો ગામનો ઉદ્ધાર થાય.
પણ લોક ઝટ કાવડિયાં કાઢે નહિ.
મલુકચંદ ઘેર ઘેર ફરવા લાગ્યા. રાજા-પ્રજાને સમજાવ્યા.
વેપારીઓને કહ્યું કે આશ્રમ થશે તો તમારી ઘરાકી વધશે. વેપાર વધશે. નફો વધશે. લખમી ચાંલ્લો કરવા આવે છે. મોં ધોવા ન જશો.
ખેડૂતોને કહ્યું કે જતાં-આવતાં જાત્રાળુઓને બેસવા ગાડાં જોઈશે. કંઈ બીજેથી એ નહિ લાવે! તમારાં ગાડાં ભાડે ફરશે. લેજો ને મનમોજમાં આવે એ ભાડું! કન્યાની કેડે ભાર છે ને!
રજપૂતોને કહ્યું કે ચોકીદારી તો તમારી જ રહેશે, ને વાટના વળાવિયા પણ તમે જ થશો. ઘેર બેઠે ગંગા આવે છે!
વસવાયાંને કહ્યું કે આશ્રમનો કચરો-પૂંજો તમારે જ કાઢવાનો રહેશે. વળી યાત્રાળુઓની સેવા કરશો તો બે પૈસા પામશો ને સારું ખાવાનું પણ મળશે.
સહુને સહુના લાભ સમજાવ્યા.
ગામલોક તો થયું ભેગું! બધા ભગતજી પાસે ગયા. ભગત પરમાર્થી જીવ હતા. જંગલને મંગલ કરે તેવા હતા. ગામલોકનું બહુ ગળપણ જોઈ ભગતજી ત્યાં રહી ગયા.
બસ, પછી તો દેશદેશથી લોકો આવવા લાગ્યાં. સાયલા, સાયલા થઈ ગયું!
પણ કેટલાક લોકો હજીય નામ ન લે. ભારે વહેમી! વહેમનું ઓસડ નહિ. એ સવારના પહોરમાં સાયલાનું નામ ન લે કહે કે લાલાભાગતનું ગામ!
પછી તો લાલા નામ ચાલ્યું ગયું ને ભગતનું ગામ પંકાઈ ગયું! સાયલા દેશદેશાવરમાં જાણીતું થઈ ગયું.
આ ગામસેવાએ મલુકચંદને ખૂબ જાણીતા કર્યા. હવે તો જ્યાં હોય ત્યાં મલુકચંદ શેઠનું નામ લેવાય.
(2)
એક વખતની વાત છે.
મલુકચંદ ઉઘરાણી કરીને ચાલ્યા આવે.
પાસે રૂપિયા પાંચસો પૂરા.
એવામાં મળ્યા ચોર. કોળી, ખાંટ.
કહે : ‘શેઠ! મૂકી દો બધો માલ! ઘણા દી તમે લોકોને લૂંટ્યા, આજ અમે તમને લૂંટીએ’.
મલુકચંદ તો લૂંટારાની પાસે ગયા, ને બોલ્યા,
‘જુઓ ભાઈ! લૂંટે છે તો સહુ. રાજા પણ લૂંટે છે, વાણિયો પણ લૂંટે છે; ને તમે પણ લૂંટો છો, પણ લૂંટ લૂંટમાં કેટલો ફેર છે! રાજા ગાદી ભોગવે. વાણિયો બંગલા બાંધે ને તમે વહેલામોડા જેલભેગા થાઓ! મારી તમને સલાહ એ છે કે ભલે ચોરી કરો પણ બંધારણસરની કરો!’
લૂંટારા તો અજબ થઈ ગયા, ‘અરે વાણિયા! બંધારણસરની ચોરી તે વળી કેવી?’
‘હા હા, બધું બંધારણસર જ થાય. એ ચોરી શાહુકારી જેવી કહેવાય. જુઓ! તમારે આ રૂપિયા લેવા છે. મારે તમને રાજીએ કે કરાજીએ આપવાના છે. પણ કરો એક કાગળિયું! એમાં લખો કે એમ ઉછીની રકમ લીધી છે.’
લૂંટારા કહે : ‘વાણિયો પાકો ઉસ્તાદ છે. કટારથી અમે ન ડરીએ. કહો એટલા ખેલ ખેલીએ. પણ કાગળિયાંના નાના લેખથી પણ અમે ડરીએ.’
મલુકચંદ કહે : ‘એમાં ડરવા જેવું શું? ઊલટું તમારું રક્ષણ થાય છે. પછી રૂપિયા બજાર વચ્ચે ઉડાડતા જાઓ ને! કોઈ પૂછે તો કહેવું કે અમે રૂપિયા ચોરીને નથી લાવ્યા, ફલાણા પાસેથી ઉધાર લીધા છે. આ રહ્યું કાગળિયું.’
લૂંટારા કહે : ‘વાત તો મગજમાં બેસે તેવી છે. પણ પોલીસ તપાસ કરે તો?’
લૂંટારા કહે : ‘પોલીસ શું, એનો બાપ હાલ્યો આવે ને! કહેવું કે જો અમે શરાફ માણસ છીએ. અમારાં ખાતાં ચાલે છે. આ ખાતું ને આ રૂપિયા.’
લૂંટારાઓને ગળે વાત ઊતરી ગઈ. બોલ્યા :
‘તો કરો કાગળિયું.’
મલુકચંદે તો કાગળિયું કર્યું. લખતમાં લખ્યું કે રૂ. પાંચસો અમુકે અમુકને ધીર્યા છે. પછી મલુકચંદ કહે,
‘હવે લાવો સાક્ષી!’
લૂંટારા કહે : ‘આ ક્યું શાહુકારીનું કામ હતું કે સાક્ષી – પુરાવા લાવીએ?’
મલુકચંદ કહે : ‘આ તો બધું બનાવટી! અરે, પેલા કાળા બિલાડાને સાક્ષી તરીકે મૂકો ને!’
એ વખતે એક બિલાડો ત્યાંથી નીકળ્યો. મલુકચંદે એનું નામ લખી લીધું ને બધા જુદા પડ્યા.
અને વાત પણ સાચી નીકળી. લૂંટારા ગામમાં રૂપિયા ઉડાડતા નીકળ્યા, પણ ન કોઈ પૂછે ન ગાછે!
મલુકચંદ ગયા એક દહાડો રાજાજી પાસે કહે, ‘રાજાજી! ગામલોકોના લૂંટારાઓને તમને હાથોહાથ સોંપું. મારા પાંચસો મને પાછા અપાવવાના.’
રાજાજી કહે, ‘ન્યાયથી જે થતું હશે તે થશે’
મલુકચંદે તો પેલા લૂંટારાને બતાવ્યા. પોલીસે પકડ્યા. કોરટમાં કેસ ચાલ્યો. ન્યાયાધીશે પૂછ્યું, ‘તમે ચોરી કરી છે?’
‘ચોરી કેવી ને વાત કેવી?’
પોલીસ કહે : ‘લખત કર્યું છે તમે?’
‘ના રે ના.’ લૂંટારા બોલ્યા.
મલુકચંદ કહે, : ‘આ રહ્યો કાગળિયો.’
લૂંટારા કહે, ‘બતાવો!’
ને કાગળિયો ઝડપીને લૂંટારા ખાઈ ગયા. હવે શું થાય?
બીજે દિવસે કચેરી ભરાઈ.
લૂંટારા હાજર થયા. એ તો કહે :
‘મહારાજ! અમે તો વેપારી છીએ. સહીસિક્કા કરીએ છીએ, ને વેપાર કરીએ છીએ.’
મલુકચંદ કહે, : ‘પણ મારા રૂપિયાનું શું?’
રાજાજી કહે : ‘તમે રૂપિયા આપ્યા હતા, તેનો સાક્ષી લાવો.’
મલુકચંદ એક કોથળો લઈને આવ્યા હતા. તરત કોથળો ખોલ્યો. અંદરથી મોટો ધોળો બિલાડો નીકળ્યો. મલુકચંદ કહે,
‘આ ધોળો બિલાડો મારો સાક્ષી છે.’
લૂંટારા કહે, ‘ના રે સાહેબ! એ બિલાડો તો કાળો હતો.’
રાજા કહે : ‘હશે, પણ હતો ખરો ને! તમે ચોર છો. જાઓ, રૂપિયા 500 મલુકચંદને આપી દો, ને હવે આવો ધંધો કર્યો તો જેલભેગા કરીશ.’
મલુકચંદને રૂપિયા પાંચસો મળ્યા.
પેલા લૂંટારાને માફી મળવાથી સુધર્યા. બીજા લૂંટારા પણ કાગળિયાં કરીને લૂંટ કરતા હતા, તે પકડાઈ ગયા ને ધીરે ધીરે સુધરી ગયા.
ત્યારથી મલુકચંદ લોકસેવક લેખાયા, મહાપુરુષ કહેવાયા.
(3)
મહાપુરુષો જન્મે છે, થતા નથી.
મલુકચંદ મહાપુરુષ તરીકે જન્મેલા બાળપણમાં જ અવનવી કરામતો બતાવેલી. બીજાને મારીને પોતે રોવા બેસે.
પોતાના ભાગનું પોતે પહેલાં ખાઈ જાય, પછી બીજાના ખાવાનામાં ભાગ પાડવાની વાત કરે, કહે કે વહેંચીને ખાવું જોઈએ. સાચો ધરમ એનું નામ!
આવાં એમનાં પરાક્રમો લખવા બેસીએ તો મોટો પોથો થાય, પણ એમનું છેલ્લું પરાક્રમ તો ગજબનું હતું : એમણે ખુદ ભગવાનને બનાવ્યા.
એક વાર એ માંદા પડ્યા. માંદા તે કેવા? દાક્તર-વૈદોએ હાથ ધોઈ નાખ્યા! સહુ કહે, હવે તો ભગવાન બચાવે તો મલુકચંદ શેઠ બચે.
સગાંવહાલાં આવી આવીને ખબર કાઢી ગયાં.
મલુકચંદે એક વાર સ્ત્રીને બોલાવીને કહ્યું,
‘હવે કંઈ ખર્ચો ન કરતી. મફતના મારા દીકરા પૈસા પડાવી જાય છે. મને તો ભગવાન બચાવશે.’
મલુકચંદની વહુ નાથીબાઈએ બધાં સગાંવહાલાંને વળોટાવી દીધાં. વાત કરવા માંડી કે હવે સારું છે. દાક્તરે તેમને શાંતિમાં રાખવાનું કહ્યું છે!
મલુકચંદને દીકરા નહિ. એણે એક દહાડો નાથીને બોલાવીને કહ્યું,
‘જો કદાચ મારું મોત થાય તો હાયવોય કરીશ નહિ.’
નાથી કહે : ‘તમે મરી જાઓ, અને મારાથી રોયા-કૂટ્યા વગર કેમ રહેવાય?’
મલુકચંદ કહે, : ‘ગાંડી! ધાર્યું ધણીનું થાય, એમ સમજીને છાના રહીએ.’
નાથી કહે : ‘પણ લોક શું કહે? દુનિયામાં બધાં દુઃખથી નથી રોતાં, દેખાદેખીથી રોવે છે.’
મલુકચંદ કહે : ‘પછી તારે કરવું હોય તે કરજે. ફક્ત હું 48 કલાકની મહેતલ માગું છું.
નાથી કહે, ‘તમારી વાત હું ન સમજી.’
મલુકચંદ કહે, ‘મારી પાસે જો કદાપિ ગધેડું પાંચ વરસ રહે, તો એનામાં ઘોડાની અક્કલ આવી જાય તું આટલા વરસ આ ઘરમાં રહી, મારા જેવા મહાપુરુષની પાસે રહી, પણ કંઈ ન શીખી. ડોબાનું ડોબું રહી. જો વાત કહું. હું મરી જાઉં...’
અડધેથી નાથીબાઈ બોલી : ‘વોય બાપ! તમે શું કામ મરો? હું ન મરું?’
મલુકચંદ એક તો માંદા, મહામુશ્કેલીએ બોલી શકાય, ત્યાં નાથી સાવ અડબૂથલ નીકળી! કંઈ સમજે જ નહિ. મહાપુરુષ મલુકચંદે થોડો થાક ખાધો ને પછી નાથીના કાન આંબળીને કહ્યું :
‘રે મૂરખ! મરવું-મારવું ભગવાનના હાથની વાત છે. કોઈ અમરપટો લખાવી લાવ્યું નથી. માટે હું મરી જાઉં, તો તારે મડદું બાળી ન નાખવું.’
નાથીબાઈ કહે, ‘અરે! મડદું તે રાખી મુકાતું હશે ખરું?’
મલુકતંદ કહે, ‘જો, સ્ત્રીઓને પતિ પરમેશ્વર હોય છે. પતિ કહે તેમ કરો તો વૈકુંઠ મળે. માટે કહું છું કે તારે મારું મડદું અડતાલીસ કલાક રાખી મૂકવું.’
નાથી કહે, ‘ઓ બાપ રે! ઘરમાં મડદું અડતાલીસ કલાક રાખી મૂકવું ડર લાગે, ભૂત જાગે. હાય બાપ. ઘરમાં મડદું અડતાલીસ કલાક?’
મલુકચંદ કહે : ‘મડદું એટલે કંઈ મડદું થોડું છે? હું મહાપુરુષ મલુકચંદ તારો – ધણી! મને અડતાલીસ કલાક ઘરમાં રાખી મૂકવામાં તને વાંધો શો?’
‘તમે તમારા મનથી મહાપુરુષ બની બેઠા છો, પણ મને કંઈ લાગતું નથી.’
મલુકચંદ કહે : ‘એ તો એક દહાડો તું જ કબૂલ કરીશ. પણ હાલ તો હું કહું તેમ કર.’
નાથી કહે, ‘પણ લોકોને મારે શું કહેવું?’
મલુકચંદ કહે, ‘લોકને કહેજે કે અમે દવા માટે બહારગામ જઈએ છીએ; ને તું તારા પિયર હાલતી થજે. બે દિવસે આવીને બારણું ખોલજે!’
નાથીના ગળે માંડ માંડ આ વાત ઊતરી.
મલુકચંદે વળી કહ્યું, ‘જો મને લાલ પાઘડી, મલમલનું કૂરતું અને રેશમી કોરનું ધોતિયું પહેરાવજે.’
નાથી કહે : ‘મરી ગયા પછી? પછી તો શું ઓઢવું શું પહેરવું?’
વળી મલુકચંદે નાથીને પાસે બોલાવી અને કાન ખેંચીને કહ્યું,
‘ધર્મ રાજાના દરબારમાં જવાનું છે. આ લઘરાવેશે જાઉં કાં? બીજી વાત. મારો આ માંચો ઊભો કરી નાખજે.’
‘કાં?’
‘કોઈ જાળિયામાંથી જુએ ને હું સૂતો હોઉં તો ખબર પડી જાય કે મલુકચંદ તો અંદર મરેલા પડ્યા છે. લોક પરગજુ છે. પોલીસ દોઢડાહી છે. મલક બધાંની એમને ફિકર. આપણા કીમતી બારણાં ભાંગી નાખે. તાળાં તોડી, મારા દીકરા! તરત મને મુશ્કેટાટ બાંધી મસાણમાં લઈ જઈને બાળી નાખે. અને અંતરની દાઝ પૂરી કરવા લાકડાને બદલે મને ચંદનથી બાળે.’
નવાથી કહે : ‘લાકડાને બદલે ચંદનથી બળવું શું ખોટું છે?’
મલુકચંદ કહે : ‘અક્કલની બહેર રહી. અરે! બળનારને લાકડાં શું કે ચંદન શું? આ તો મફતિયા ચંદન ઘસબેલિયા! ક્યાં એમને ઘરની કાણી કોડી પણ કાઢવી પડે તેમ છે! નાથી! મડદાને ચંદન કે લાકડાંની કંઈ ખબર ન પડે!
નાથી કહે, ‘હાય, હાય, તમારી પડખે આટલાં વરસ રહી, પણ હજી હોશિયાર ન થઈ. વારુ, તો તમને ક્યાં મૂકું?’
મલુકચંદ કહે : ‘માળિયા પર.’
નાથી કહે : ‘પણ મારા એકલાથી તમને ઊંચકીને માળિયા પર ન મૂકી શકાય.’
મલુકચંદ કહે, ‘બીજી વાતમાં ભાર ઊંચકવા મજૂર બોલાવાય, આમાં મજૂર ન ચાલે. ચાલ હું જ મળિયે ચઢીને મરીશ.’
મલુકચંદ ધીરે ધીરે ઊભા થયા.
નાથીએ નિસરણી મૂકી અને ટેકો કર્યો.
ધીરે ધીરે મલુકચંદ ઉપર પહોંચી ગયા. ત્યાં સાદડી પાથરી હતી, એના ઉપર પોઢી ગયા! ગોદડું કોણ બગાડે!
એક દહાડો ઘઈડિયો ચાલ્યો. નાથીબાઈને નીચેથી માળિયે ને માળિયેથી નીચે દોડાદોડ કરવી પડી.
બીજે દિવસે મલુકચંદ ગુજરી ગયા.
નાથીબાઈને ખૂબ લાગી આવ્યું! ધણી જેવો ધણી જાય પણ આંખમાં આંસુ પણ લાવી શકાય નહિ! મોંથી એક વચન બોલી શકાય નહિ! પણ મલુકચંદે કહ્યું હતું,
‘તારે મારા જેવા મહાપુરુષને યોગ્ય પત્ની થવાનું છે.’
એ યોગ્ય પત્ની થવા કાળજા પર પથ્થર મૂકી ઘર બંધ કરી પિયર ચાલી ગઈ!
મલુકચંદ માળિયા પર મરી ગયા. એમનું મડદું ત્યાં પડી રહ્યું. લોકો સમજ્યા કે નાથીબાઈ મલુકચંદને દવાદારૂ માટે પોતાના પિયર લઈ ગઈ.
પણ હવે આપણે ધરતી છોડી મલુકચંદને મળવા માટે સ્વર્ગ તરફ જવું પડશે.
અહીં ચિત્રગુપ્ત સહુના ચોપડા તપાસે છે ને ન્યાય માટે ભગવાન પાસે રજૂ કરે છે!
હમણાં ખૂબ ભીડ રહેતી. ધરતી પરથી ઘણા જીવ અહીં આવતા. ચિત્રગુપ્ત પણ રાત ને દહાડો એક કરીને બધાનાં ખાતાં જોતા. ભગવાન પણ જથ્થામાં ફેંસલો આપતા. હવે પછીના માટે ભગવાને હુક્મ કર્યો કે મારે પણ ચઢેલી રજા પર જવું છે. જન્મનું પ્રમાણ વધારો ને મૃત્યુનું પ્રમાણે ઘટાડો.
મહાપુરુષ મલુકચંદ આઘાપાછા આઘાપાછા થયા હતા. ભગવાન સામે ક્યારે હાજર થવું, એ તકની રાહ જોતા હતા. આખરે તેઓ એક ટોળામાં ભળી ગયા.
થોડી વારમાં તો એમની ટેવ મુજબ ટોળામાં આગેવાન બની ગયા. એમણે ટોળાને કહ્યું :
‘ભાઈઓ, મારી શિખામણ માનો. જમવામાં આગળ જવું, સજામાં પાછળ. બધાનો ફેંસલો કરતાં ભગવાન થાકે ત્યારે આપણે પહોંચવું. વધુ તપાસ વગર ફેંસલો થઈ જશે, ટૂંકમાં પતશે.’
બધાને આ વાત ગમી.
ભગવાન જેને નરકમાં મોકલતા એનો ફેંસલો કાજળથી લખાતો!
ભગવાન જેને સ્વર્ગ આપતા, એનો ફેંસલો કંકુથી લખાતો.
કંકુ ને કાજળની થાળીઓ ત્યાં પડી હતી.
ધીરે ધીરે મલુકચંદવાળા ટોળાનો નંબર આવ્યો. ચિત્રગુપ્તે ચોપડો આગળ ધર્યો.
મલુકચંદ બાજુમાં ઊભા હતા. એમણે પગનો અંગૂઠો કંકુની થાળીમાં બોળ્યો : ને પોતાનું પાનું ચોથું હતું – એ બીજા પગથી ઊંચું કરી ત્યાં એકડો આગળ લખી નાખ્યો.
51 ને બદલે 151!
થોડી વારે મલુકચંદનો વારો આવ્યો. એમનું નામ બોલાયું. એમણે તરત વાંધો લીધો :
‘હજૂર! આપ ભગવાન છો, લોકોને ગમે તેમ બોલાવો તે ચાલે, પણ આપના નોકરો બહુ તોછડાઈ કરે છે. એક તો માણસને મરવાનું દુઃખ, એમાં આ તોછડાઈ! ભગવાન જગતભરમાં આપનું ભૂડું દેખાય છે!’
ભગવાન એકદમ યમ પર નારાજ થયા. ‘રે! તમે મને ભૂંડો બતાવો છો?’
મલુકચંદ આગળ બોલ્યા : ‘હજૂર! હવે તો યમને માણસ મારવાં ને મતીરાં તોડવાં સરખાં થયાં છે. કહે છે કે ભગવાનનો હુક્મ છે કે રોજ અમુક કેસ પકડવા જોઈએ જ. પૃથ્વી પર અમલદારો માથે આવો હુક્મ જરૂર છે. પણ આપ દયાળુ ક્યાં ને ઘરતીનાં કઠોર માનવી ક્યાં? વળી આપના નોકરો પણ જે હાથ આવ્યા એને પકડી પકડીને અહીં લાવે છે! પૃથ્વી પર હાહાકાર વર્તી ગયો છે!’
‘હેં! શું પૃથ્વી પર હાહાકાર વર્તી ગયો છે?’ ભગવાન નારાજ થઈ ગયા!
યમને ઊધડા લીધા.
‘હે દયાળુ!’ મલુકચંદ બોલ્યા : ‘મારું નામ મહાપુરુષ મલુકચંદ છે. અંધેરી નગરી ને ગંડુ રાજાવાળી અમારે ત્યાં એક વાત જાણીતી છે, એની જેમ યમરાજાને તો મલુકચંદ મારું નામ સાંભળ્યું કે બસ, મને પકડ્યો!’
યમ બિચારા શું કહે?
‘અને હજૂર! મારું આયુષ્ય તો જુઓ! ચોપડામાં 151 વર્ષ લખ્યાં છે.’
‘ના હજૂર, 51 વર્ષ, 61 દિવસ, સાત પણ ને છ ઘડી છે.’ યમદેવે કહ્યું, ‘મલુકચંદ મહાજૂઠો છે.’
મલુકચંદ કહે, ‘હું તો મોટા પેટનો માણસ છું. જીવનભર ક્ષમા, ઉદારતા ને સત્ય પાળ્યાં છે. બાકી અમારા શેઠિયાઓની જેમ ભગવાનને ત્યાં બે ચોપડા રખાતા ન હોય તો તપાસ કરો!’
ભગવાનને ચાનક ચઢી.
તરત ચોપડો હાથમાં લીધો. જોયું તો મહાપુરુષ મલુકચંદ ઉંમર 151 વર્ષની લખેલી નીકળી.
ભગવાને હુક્મ કર્યો : ‘જાઓ, મહાપુરુષ મલુકચંદને માનભેર એમને ઘેર મૂકી આવો! તપાસ કરો કે એમનું મડદું લોકોએ ફૂંકી માર્યું નથી ને?’
મલુકચંદ કહે, ‘ભગવાન! દુનિયામાં અંધેર ચાલતું જોઈ, મેં વિચાર્યું કે ભગવાનના ત્યાં પણ કદાચ અંધેર જ ચાલતું હશે. મેં મારું મડદું સાચવી રખાવ્યું છે.’
‘શાબાશ મહાપુરુષ!’ ભગવાન ખુશ થઈ ગયા ‘હવે તમે મને વચન આપો કે જ્યારે વૈકુંઠમાં આવો ત્યારે મારા દીવાન થશો. વારુ! આ ગુનાની હું યમને શી સજા કરું?’
મલુકચંદ કહે : હું તો ઉદાર માણસ છું. પણ તેઓને સજા કરવી હોય તો એ કરો કે તો પૃથ્વી પર આવે ત્યારે વિમાન ન મળે. ચઢવા ઘોડા જેવું વાહન પણ ન મળે, મળે તો વાહન મહાજનિયા પાડાનું મળે. યમ જેવો યમ પૃથ્વીના પટ પર પાડા પર બેસીને આવે એ સજા!’
‘તથાસ્તુ!’ ભગવાને કહ્યું ને મોડું થયું હતું એટલે બીજાઓને સ્વર્ગમાં મોકલી દીધા ને મહાપુરુષ મલુકચંદને પાછા પૃથ્વી પર વાજતેગાજતે રવાના કર્યા.
(4)
બે દિવસ પછી નાથીબાઈ પિયરથી પાછાં ફર્યાં; ઓરડો ઉઘાડવાની હિંમત ન ચાલે.
તાળાને અડે અને હાથ પાછો ખેંચી લે ત્યાં તો અંદરથી અવાજ આવ્યો :
‘અલીએ! ભગવાન પાસેથી આવી ગયો છું. ઝટ ઘર ઉઘાડ, નિસરણી મૂકો. ચૂલો ચેતાવો ને લાપસીનું આંધણ મૂકો!’
નાથીબાઈએ ઘર ઉઘાડ્યું!
નિસરણી મૂકી!
મલુકચંદ હેઠે ઊતરવા માંડ્યા. નાથીને થયું કે ધણીનું ભૂત ન હોય!
એ છળી પડવાની તૈયારીમાં હતી, ત્યાં મલુકચંદે હાથ ઝાલીને કહ્યું, ‘બૈરાની જાત છે બીકમાં મરી જઈશ. પહેલાં મારી વાત સાંભળ!’
મલુકચંદ શેઠે બધી વાત કહી. નાથીબાઈ કહે, ‘હવે મહાપુરુષ સાચા. ભગવાનને પણ છેતર્યા! પણ આ શી રીતે કર્યું.’
‘અરે ગાંડી! જે અહીંયાં કરતો હતો, એ ત્યાં કર્યું! જરાક આઘુંપાછું! આખરે તો સ્વર્ગ, પાતાળ ને પૃથ્વી પર રાજાનું જ રાજ છે ને! રાજા બધા કાનના કાચા.’
આ મહાપુરુષ મોટી ઉંમરે મર્યા. ખબર નથી કે કેટલાં વર્ષે મર્યા પણ બધા એમને કહેતા કે મરો! મરો!
આમ મહાપુરુષ મલુકચંદે ભગવાન જેવા ભગવાનને પણ છેતર્યા અને છેતર્યા તો એવા છેતર્યા કે સાથે સાથે યમરાજા પણ હેરાન થઈ ગયા. કહેવાય છે કે હજી પણ તેમણે પાડા પર સવારી કરવી પડે છે!
સ્રોત
- પુસ્તક : જયભિખ્ખુની શ્રેષ્ઠ બાળવાર્તાઓ (પૃષ્ઠ ક્રમાંક 138)
- સંપાદક : યશવન્ત મહેતા, શ્રદ્ધા ત્રિવેદી
- પ્રકાશક : ગૂર્જર ગ્રંથરત્ન કાર્યાલય
- વર્ષ : 2014