રેખ્તા ગુજરાતી ઉત્સવ - 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો
રજિસ્ટ્રેશન કરોસૂરજદાદા આકાશમાં ધીમેધીમે આગળ વધતા હતા. ચારે તરફ સૂરજદાદાનો સોનેરી પ્રકાશ પથરાતો જતો હતો. સવારનો સમય હતો. મંદમંદ શીતળ પવન વાતો હતો. ચન્ની ખિસકોલી અત્યાર સુધી ઊંઘતી હતી. અચાનક પંખીઓના મીઠા કલશોરે જાગી ગઈ. અહોહો! સૂરજદાદા આકાશમાં આવી ગયા અને હજુ હું ઊંઘું છું. ખરે! આજે તો ખૂબ મોડું થઈ ગયું. ઉતાવળે તે ઝાડ પરથી નીચે ઊતરવા જતી હતી ત્યાં ઝાડનું એક ઝાકળભીનું પાંદડું ઊડતું આવ્યું અને તેના હાથમાં ચોંટી ગયું. સવારે-સવારે આ લપ વળી ક્યાંથી? એમ કહી ચન્નીએ પાંદડાને હાથથી છૂટું પાડવા એ હાથ એટલે કે એનો આગલો પગ ઝાડની ડાળી પર વીંઝ્યો તો પાંદડા નીચે એક મધમાખી દબાઈ ગઈ.
બિચારી મધમાખ! હજુ તો મધપૂડામાંથી માંડ બહાર નીકળી હતી. તે આ અચાનક હુમલાથી ડઘાઈ ગઈ તે ચન્ની ખિલકોલીના હાથે ચોંટેલા પાંદડા નીચે દબાઈ ગઈ હતી તેથી ડંખ મારીને છૂટી શકે તેમ ન હતી. તેણે ચન્ની ખિસકોલીને વિનંતી કરતાં કહ્યું :
“હું છું મધમાખોની રાણી
માફ કરો ઓ ચન્ની મહારાણી
તમે તો છો શાણાં સમજુ
હવે પછી ના કહું કંઈ બીજું.
છોડો મને તો ઉપકાર તમારો
ભૂલીશ ના હું આ જન્મારો
હું તમારે પગે પડું
હવે પછી ના કદી નડું.”
ચન્ની ખિસકોલીને તો ખબર જ નહીં કે મધમાખ તેના હાથ નીચે દબાઈ ગઈ છે. એ તો પાંદડાને પોતાના હાથથી છૂટું પાડવા માગતી હતી. મધમાખે માફી માગી અને ચન્નીને મહારાણી કહી તેથી ખુશ થઈ ચન્નીએ હાથ ઊંચો કર્યો, મધમાખ પાંદડા નીચેથી બહાર આવી તે સાથે પાંદડું પણ ખિસકોલીના હાથથી છૂટું પડી ગયું મધમાખે કહ્યું :
“આભાર તમારો, ચન્ની મહારાણી
આભાર તમારો, ચન્ની મહારાણી.”
ચન્ની ખિસકોલી આનંદમાં આવી ઊછળકૂદ કરતી હતી ત્યાં અચાનક સદુ સસલું આવી ચઢ્યું. તેણે બેધ્યાન બનીને કૂદકા મારતી ખિસકોલીની પૂંછડી પકડી લીધી એટલે ચન્ની બીધી.
“અરે કોણે મારી પૂંછડી પકડી?”
“એ તો હું છું સદુ સસલું.”
“સસ્સારાણા તમે? તમે મને શું કામ પકડો છો?”
“તું મારા માર્ગમાં આવી એટલે. પણ મને એ તો કહે કે તું આજે આટલી ખુશ કેમ છે?”
“મધમાખોની રાણીએ મને ચન્ની મહારાણી કહી.”
“ત્યારે તો ચન્ની મહારાણી, થઈ જાવ મરવા તૈયાર.”
“સસ્સારાણા, મને છોડી દો, છોડી દો.
સસ્સારાણા સસ્સારાણા
હું તમારાં ગાઈશ ગાણાં
છોડી દો મને, સસ્સારાણા
માફ કરી દો, સસ્સારાણા
હું તમારે પગે પડું
હવે પછી ના કદી નડું.”
સદુ સસલું ખૂબ ભોળું અને ભલું હતું. ચન્નીએ તેને સસ્સારાણા કહ્યું તેથી તે ખૂબ ખુશ થયું અને ચન્નીને છોડી દીધી. એટલામાં વનુ વાનર ઝાડ પર દેખાયો તે બોલ્યો : “અલ્યા સદુ! સવારના પહોરમાં શું છે આ બધું?”
“કંઈ નહીં આ તો ચન્નીની મેં પૂંછડી પકડેલી પણ એણે માફી માગી અને મને સસ્સારાણા સંબોધન કર્યું એટલે મેં એને છોડી દીધી.”
“એટલે માફ કરવાની મજા માણી.” વનુ વાનરે કહ્યું.
“એ શું વળી વનુભાઈ?”
“જો સદુ કાલે હું બાજુના ગામે ગયો હતો ત્યાં ગાંધીજયંતી નિમિત્તે શાળાના બાળકોની વકતૃત્વની હરીફાઈ હતી.”
“એટલે હું કંઈ સમજ્યો નહીં.”
“ગુજરાતમાં એક બહુ મોટા માણસ થઈ ગયા. બધા એમને ગાંધીબાપુ કહેતા. તે તો મૃત્યુ પામ્યા પણ તેમના જન્મદિવસે શાળાનાં બાળકો એમના ગુણ વિશે, તેમણે કરેલાં કામ વિશે બોલે તેની હરીફાઈ હતી. બાળકો અંદરોઅંદર વાત કરતાં હતાં. તેમાં મેં સાંભળ્યું કે બાપુ તો દુશ્મનોને પણ માફ કરી દેતા, કહેતા કે માફ કરવાની પણ એક મજા છે. તે મેં કાલે સાંભળ્યું. મને થયું એ વળી શું? ત્યાં અત્યારે તારા અનુભવ પરથી મને સમજાઈ ગયું કે સામી વ્યક્તિના દોષને ભૂલી જઈને છોડી મૂકીએ તો સામાને તો આનંદ થાય સાથે આપણને પણ આનંદ થાય. ખરું ને સદુ?”
“હા વનુભાઈ, તમારી વાત સાચી છે. મેં ચન્નીને છોડી દીધી પણ તે છતાં મને શિકાર જવાના દુઃખની લાગણી નથી થતી પણ એને ખુશ જોઈ મને આનંદ જ થાય છે.”
વનુએ ઝાડ પર બેઠાં બેઠાં ગીત જોડ્યું :
“ચન્નીએ કરી મધમાખને માફ
સદુએ કરી ચન્નીને માફ”
ચન્ની પાછી ઝાડ પર ચઢી ગઈ. વનુ ઠેકડા મારતો ચાલ્યો ગયો. સદુ શિકારની શોધમાં નીકળ્યુ. ફરી-ફરીને તેના મનમાં વિચાર આવતો હતો કે મધમાખોની રાણીએ ચન્નીને મહારાણી કહી, તો ખુશ થયેલી ચન્નીએ પોતાને સસ્સારાણા કહ્યું હવે પોતે કોને રાજા કે રાણી કહેશે? આજે પોતાની ભૂલ થશે તો પોતે પણ તે પ્રાણીને રાજાજી સંબોધન કરીને માફી મેળવી લેશે. હજુ તો સદુ સસલું આવો વિચાર જ કરતું હતું ત્યાં જ એવો પ્રસંગ આવી ઊભો. સદુ સસલું થોડુંક આગળ ગયું ત્યાં જ સામેની ઝાડીમાંથી એક વિકરાળ વરુ બહાર આવ્યું. બોલ્યું :
“અલ્યા સદુડા! ઊભો રહે.”
“વંજરભાઈ! આપે મને કહ્યું કાંઈ?”
“કેમ અલ્યા! બહેરો છે?”
“નહીં વંજરબાઈ, પણ આજે આ ખુશીના સમયે તમે મને પકડ્યો છે તે જચતું નથી. વંજરભાઈ વરુરાજા, તમે મને છોડી દો.”
“વરુરાજા! ખુશીનો સમય? આ શું છે બધું?” ત્યાં સદુએ ગાયું :
“વંજરભાઈ વરુરાજા
વંજરભાઈ વરુરાજા
છોડી દો મને વરુરાજા
માફ કરી દો વરુરાજા
હું તમારે પગે પડું
હવે પછી ના કદી નડું.”
“અલ્યા! તું તો મારો શિકાર. તને છોડું? પણ હજુ તો સવાર જ પડી છે. શિકાર કરવા આખો દિવસ છે અને હજુ હું એવો ભૂખ્યો પણ નથી થયો. વળી તેં મને વરુરાજા કહ્યો તેથી હું ખુશ છું એટલે તને છોડી દઉં છું.”
પછી સદુ સસલાએ તેને ગાંધીબાપુ વિષે અને માફ કરવાની મજા વિશે વાત કરી. વાત સાંભળી વંજર વરુ ખુશ થયું. સદુ સસલાએ ગાયું :
“આભાર તમારો, વરુરાજા
આભાર તમારો, વરુરાજા
ચન્નીએ કરી મધમાખને માફ
સદુએ કરી ચન્નીને માફ
સદુને કર્યો વરુરાજે માફ
વરુરાજાને કોણ કરશે માફ?”
ગાતું ગાતું સદુ સસલું આગળ વધ્યું. વંજર વરુને થયું. વનનો રાજા કેસરીસિંહ, પણ આજે તેને રાજાનું બિરુદ મળ્યું. અને એ સંબોધન કર્યું એક નાનકડા સદુ સસલાએ. વાહ ભાઈ વાહ! આજનો દિવસ સદુ કહે છે તેમ ખુશીનો દિવસ લાગે છે.
“ચારે કોર હસીખુશી
આજનો દિવસ બધા ખુશી.
પણ વંજર વરુની આ ખુશી ક્યાં સુધી ટકશે તેની કોને ખબર હતી? વંજર વરુ વિચારમાં ને વિચારમાં નદી તરફ ચાલવા લાગ્યું. રસ્તામાં ઝાડીમાંથી પસાર થતાં તેને વેલાઓ વળગ્યા. વંજર વરુએ રસ્તા વચ્ચે ઊભા રહી, શરીર હલાવી એ વેલાઓને ખંખેરી નાંખવા પ્રયત્ન કર્યો, ત્યાં જ તેનું પૂંછડું કોઈકે પકડ્યું.
“અલ્યા! મારા રસ્તા વચ્ચે કેમ ઊભો છે? આઘો ખસ આધો.” “અરે, હાથીરાજા તમે? જુઓને આ વેલાઓ મારા શરીરને એનાં ડાળપાંદડાં સાથે એવાં વળગ્યાં છે કે મારાથી ખસાતું નથી.”
“એવું છે તો ચાલવ હું તને સૂંઢમાં ઊંચકીને હવાઈ સફર કરાવું.” એમ કહીને હાથીએ તો વરુને સૂંઢમાં ઊંચકી લીધું. એને હવામાં ફંગોળવાની તૈયારી કરી ત્યાં જ વંજર વરુ બોલી ઊઠ્યું :
“ભોળા ભલા હાથીરાજા
સરસ સૂંઢાળા હાથીરાજા
છોડી દો મને હાથીરાજા
માફ કરી દો હાથીરાજા
હું છું નાનું વંજર વરુ
તમને એક વિનંતી કરું
હું તમારે પગે પડું
હવે પછી ના કદી નડું
માફ કરી દો મને આજે
ખુશીના ઢોલ બધે બાજે”
“ખુશી? શાની ખુશી?” હાથીએ પૂછ્યું.
“જુઓ આજે બધાં મોટાં પ્રાણીઓ નાના જીવોને માફ કરતાં આવ્યાં તે ખુશી કહેવાય ને! ગાંધીબાપુએ કહ્યું છે કે દુશમનોને માફ કરો અને માફ કરવાની મજા માણો.”
“કોણ ગાંધીબાપુ? માફ કરવાની મજા એ વળી શું?” હાથીએ પૂછ્યું. પછી વનુ વાનરે સદુ સસલાને અને સદુસસલાએ પોતાને કહેલી તે વાત વંજર વરુએ હાથીરાજાને કહી. એટલે હાથીએ પૂછ્યું : “એમ? કોણે કોણે કોને માફ કર્યાં? મને વિગતવાર કહે તો હું તને માફ કરું.”
વંજર વરુ બોલ્યો :
“ચન્નીએ કરી મધમાખને માફ
સદુએ કરી ચન્નીને માફ
સદુને કર્યો આજે મેં માફ
મુજને કરશે હાથીરાજા માફ”
હાથીએ કહ્યું : “માફ કરવાની મજા મારે પણ માણવી છે. જા અલ્યા! તને માફ કર્યો.” એમ કહી પોતાની સૂંઢ નીચી કરી વરુને જમીન પર ઉતાર્યો. વંજરે ગાયું :
“આભાર તમારો, હાથીરાજા
આભાર તમારો, હાથીરાજા”
પછી ઉમેર્યું :
“ચારે કોર હસી ખુશી
આજનો દિવસ બધા ખુશી.”
હાથીરાજાને લાગ્યું કે ખરેખર માફ કરવાની પણ મજા છે ખરી. વાહ આજનો દિવસ સાચે જ ખુશીનો છે. પછી વંજર વરુના શબ્દો એણે યાદ કર્યા અને ગાયું :
“ચારે કોર હસી ખુશી
આજનો દિવસ બધા ખુશી”
અને ખુશખુશાલ થયેલા હાથીએ વિચાર્યું કે વંજર વરુએ એને કેવું સરસ સંબોધન કર્યું હાથીરાજા! વાહ હાથીરાજા! આવું સંબોધન અત્યાર સુધી વનના કોઈ પ્રાણીએ કર્યું નથી. રાજા અને પોતે! વાહ વાહ! ધન્ય થઈ ગયો હું! ખુશીમાં ને ખુશીમાં હાથીએ સૂંઢ ઊંચી કરી અને પાસેના વૃક્ષની એક ડાળ સૂંઢ વડે પકડી અને જોરથી હલાવી ત્યાં ઉપરની ડાળે રહેલો મધપૂડો સળવળ્યો અને એમાંથી બે ચાર મધમાખો ઊડીને નીચે આવી હાથીના ગંડસ્થલ (કપાળ) પર ડંખ મારવા બેઠી. હાથીએ તે જોયું અને ગાયું :
“નાની અમથી મક્ષિકારાણી
નાની અમથી મક્ષિકારાણી
ડંખ મારવો છોડો, રાણી
માફ કરો મને, મધુરાણી.
હું તમારે પગે પડું
હવે પછી ના કદી નડું”
છેલ્લી બે લીટી સાંભળી માખ બોલી : “અરે! આ તો આપણી રાણીએ ગાયેલા શબ્દો. એની હાથીરાજાને ક્યાંથી ખબર? પછી મધમાખોએ હાથીને પૂછ્યું : “આ ગીત તમને કોણે શિખવાડ્યું?”
“ગાંધીબાપુએ માફ કરવાની મજા માણો કહ્યું તેમાંથી શીખ્યો.”
“કોણ ગાંધીબાપુ? માફ કરવાની મજા એ વળી શું? મધમાખોએ પૂછ્યું.
તે પછી વનુ વાનરે સદુ સસલાને, સદુ સસલાએ વંજર વરુને. અને વંજર વરુએ પોતાને કહેલી તે વાત હાથીએ તે મધમાખોને કહી અને ઉમેર્યું :
“ચન્નીએ કરી મધમાખને માફ
સદુએ કરી ચન્નીને માફ
સદુને વરુરાજે કર્યો માફ
વરુરાજાને મેં કર્યો માફ
મુજને કરશે મધમાખ માફ.”
હાથીનું ગીત સાંભળી મધમાખ બોલી : “હા હાથીરાજા! અમે તમને માફ કરીએ છીએ અને એ રીતે અમે પણ માફ કરવાની મજા માણવા માગીએ છીએ. જાઓ હવે ડાળ તોડશો નહીં. અમે ઘણી મહેનતે આ મધપૂડો તૈયાર કર્યો છે. ડાળી તૂટતાં મધપૂડો નીચે પડે તો અમારી બધી મહેનત નકામી જાય. માટે હવે એવું કરશો નહીં.”
હાથીએ કહ્યું :
“આભાર તમારો મધુરાણી
આભાર તમારો મધુરાણી
ગાંધીબાપુ જે કહી ગયા તે
માફ કરવાની મજા માણી
મેં માફ કરવાની મજા માણી.”
એમ ગાતોગાતો અને ડોલતો-ડોલતો હાથી મંદગતિએ નદીકિનારે પહોંચી ગયો. સૂરજદાદા પૃથ્વી પરની આ લીલા જોતાં ધીમેધીમે આકાશે આગળ વધ્યા.
સ્રોત
- પુસ્તક : અરુણિકા દરૂની શ્રેષ્ઠ બાળવાર્તાઓ (પૃષ્ઠ ક્રમાંક 54)
- સંપાદક : યશવન્ત મહેતા, શ્રદ્ધા ત્રિવેદી
- પ્રકાશક : ગૂર્જર ગ્રંથરત્ન કાર્યાલય
- વર્ષ : 2013