રેખ્તા ગુજરાતી ઉત્સવ - 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો
રજિસ્ટ્રેશન કરોએક હતાં રેણુબહેન.
રેણુબહેનના ઘરના આંગણામાં લીમડો હતો.
રેણુબહેનના દાદાજીએ લીમડો વાવ્યો હતો.
દાદાજી દેવ થઈ ગયા, છતાં લીમડો તો રહયો જ :
રેણુબહેનને તો લીમડો ય દાદાજી જેવું વહાલ કરતો હતો.
રેણુબહેન રાતે આંગણામાં ખાટલી વળી સૂઈ જાય.
લીમડો ડાળીઓ હલાવી-હલાવી વીંજણો વાય, ગીતો ગાય, ને રેણુબહેનની આંખો ધીમેધીમે મીંચાઈ જાય.
એક વાર અમાસની અંધારી રાતે લીમડો તો ઊંચો-ઊંચો, વધતો ગયો, લીમડો તો છેક આકાશે જઈને અડ્યો ને પછી તો એ સ્વર્ગમાં પહોંચી ગયો. લીમડાને જોઈને દેવરાજ ઇન્દ્રને નવાઈ લાગી : વાહ ભૈ વાહ કેવું મજાનું વૃક્ષ.
પછી તો ભૈ, લીમડો ઇન્દ્ર મહારાજને ખૂબ ગમી ગયો. એ તો રોજ સવારે લીમડાનું જ દાતણ કરે, ને લીમડાની નીચે જ પલંગ ઢાળીને પોઢી જાય. લીમડો એમને મજાનો વાયરો ઢોળે, ગીતો સંભળાવે ને ઇન્દ્રમહારાજા તો ખુશખુશ થઈ જાય. રેણુબહેન તો દાદાજીના લીમડા વગર સૂનાં પડ્યાં. રડવા લાગ્યાં, આકાશમાં ઊડતી પરીએ નીચે આવી રડવાનું કારણ પૂછ્યું. રેણુબહેને તો રડતાં-રડતાં દાદાજીના ગુમ થઈ ગયેલા લીમડાની વાત કરી. પરીએ રેણુને પાંખો આપી. બંને જણાં શોધવા નીકળ્યાં. ધરતી પર ક્યાંય દાદાજીનો લીમડો દેખાયો નહીં. પરી કહે : “રેણુબહેન, ચાલો, સ્વર્ગમાં... કદાચ ત્યાં લીમડાભૈ પહોંચી ગયા હોય તો...”
રેણુબહેન તો સ્વર્ગમાં પહોંચી ગયાં. જોયું તો : દેવરાજ ઇન્દ્ર લીમડા નીચે પોઢ્યા છે. રેણુબહેને તો ઇન્દ્ર પાસે જઈને કહ્યું : “મહારાજ, આ તો અમારો લીમડો છે!”
“બાલિકા, તું કોણ છે?” ઇન્દ્ર હસી પડ્યા.
“હું રેણું છું!... ને આ અમારા દાદાજીનો લીમડો છે... લાવો, અમારો લીમડો...” રેણુબહેને તો બેધડક કહી નાંખ્યું.
“દીકરી, આ લીમડો તો કડવો છે... જોઈએ તો હું તને કલ્પવૃક્ષ આપું!” -ઇન્દ્રમહારાજે રેણુબહેનને પોતાની પાસે બોલાવ્યાં, માથે વહાલથી હાથ મૂક્યો.
“કલ્પવૃક્ષ વળી કેવું હોય!?... રેણુબહેનને નવાઈ લાગી.
“અરે! રેણુબહેન, એ વૃક્ષ તો એવું છે કે એની નીચે બેસીને જે માગો તે મળી જાય...” ઇન્દ્ર મહારાજે વહાલથી ચીમટો ભર્યો.
“એમ! તો બતાવો એ ક્યાં છે?... હું એની નીચે જઈને દાદાજી અને દાદાજીનો લીમડો બંને માગીશ હા...”
“અરે! તું તો બહું જબરી છોકરી છે ભૈ!”... ઇન્દ્ર મહારાજ તો ખડખડાટ હસી પડ્યા. એમણે તો ખુશ થઈને તરત રેણુબહેનને એમનો લીમડો પાછો આપી દીધો. રેણુબહેન તો લીમડાની ડાળે વળગીને બેસી ગયાં. ને લીમડો તો સરરરર કરતો નીચે આવી ગયો.
રેણુબહેને તો બીજે દિવસે ફળિયાનાં સૌ છોકરાંને ભેગાં કર્યાં.
રેણુબહેને સૌની સાથે લીમડાને ફરતાં નાચતાં-કૂદતાં ગાવા લાગ્યાં :
ફળિયામાં એક મારો ભૈબંઘ રે, લીમડો રે!
વ્હાલામાં વ્હાલો મારો ભૈબંધ રે, લીમડો રે!
થોડા દહાડા વીત્યા ત્યાં રેણુબહેનને ઘેર મોટી બહેનાં લગ્ન લેવાયાં. લગ્નના ચાર દિવસ પહેલાંથી જ ધમાલ શરૂ થઈ ગઈ. ફળિયાનાં બૈરાં ભેગાં મળીને રોજ રાતે ગાણાં ગાય, પતાસાં વહેંચાય, ચા-પાણીના જલસા થાય. ચંદરણી બંધાઈ, માંડવો બંધાયો.
રેણુબહેનને થયું : લીમડા પર રહેતાં કોયલબહેનને કંકોતરી લખી હોય તો કેવું!? કોયલબહેન ગાણાં ગાય તો તો વટ પડી જાય! જાનવાળા ય મોંમાં આંગળાં ઘાલી જાય હોં!... પણ કાગડાભૈનું શું?... બધા કાગડાભૈ ભૈગા થઈને ગાવા લાગે તો!?... બાપ રે, તો તો નાક જ કપાઈ જાય! તો શું કરવું?
લીમડાભૈએ કહ્યું : “રેણુ, એમાં ગભરાવાનું નહીં... જો કાગડાભૈને પુરીઓ ને મીઠાઈ આપશો તો તેઓ દૂર વગડામાં જઈને ઉજાણી કરશે...”
પછી તો રેણુબહેનની મોટી બહેનનાં લગ્ન ખૂબ જ ધામધૂમથી ઊકલી ગયાં. કોઈ કહેતાં કોઈ મુશ્કેલી નડી નહીં. હા, કાગડાભૈને પુરીઓ આપીને મનાવી લીધા, પણ ફળિયાનાં કૂતરાંને આથી ખોટું લાગી ગયું : “અમને કશું જ નઈ!? ને આથી જ એમણે તો જાન જમતી હતી ત્યારે ફળિયામાં ઘૂસીને ભારે ધમાલ મચાવી દીધેલી…
મોટીબહેનનાં લગ્નને થોડા દહાડા થયા ત્યાં ઘર પર દુઃખનો પહાડ તૂટી પડ્યો. લગ્નમાં ધૂમ ખરચ કર્યું હતું એટલે બાપુજીની ચિંતાનો પાર ન રહ્યો. એ તો રાતે ય ઊંઘે નહીં, જ્યારે જુઓ ત્યારે એ જાગતા જ હોય. હવે?... બાપુજી તો બીમાર પડી ગયા. રેણુબહેન તો રોવા લાગ્યાં. તેમણે લીમડાને ભેટીને કહ્યું :
“લીમડાભૈ, હવે શું થશે...?”
લીમડાભૈ કહે : “રેણુ, એમાં ગભરાય છે શા માટે? લે, આ ઉકાળો છે,. એને પાણીમાં ઉકાળીને તારા બાપુજીને પિવડાવી દે, તાવ તો ચપટી વગાડતાં જ છૂઉઉઉ...”
રેણુબહેને તો બાપુજીને ઉકાળો પિવડાવ્યો, ને તાવ તો ઊતરી ગયો! અરે! વાહ!
“જોઈ ને રેણુ, અમારી કમાલ...!” લીમડાભૈ દાદાજી જેવું જ હસી પડ્યા.
“લીમડાભૈ. આ ઉકાળો શાનો હતો?”
“અમારી છાલ, ગળો ને એવું બધું...!” લીમડાભૈ હસી પડ્યા. પણ ઉપાધિ બીજી હતી. રેણુબહેનને થતું : બાપુજીને આ શું થઈ ગયું હશે?
બાપુજી સૂનમૂન બેસી રહે, લીમડા સામે તાકી રહે, ગાંડા માણસની જેમ કોઈક વાર લીમડાને પંપાળે!
એક દિવસે રેણુબહેન નિશાળેથી ઘેર આવ્યાં.
જોયું તો લીમડાભૈ તો ભોંય ભેગા.
આંગણામાં બે જમ જેવા માણસો! હાથમાં કુહાડો. ધડમ્ ધડમ્... ને બાજુમાં પડેલી કરવત!... બાપ રે, બાપ!...
રેણુબહેને તો દફ્તર નીચે ફેંકીને ભેંકડો તાળ્યો. હાથ-પગ પછાડવા માંડ્યાં. બાએ એને માથે હાથ મૂક્યો. એ યે રડી પડી :
“દીકરી શું કરીએ!? આ લીમડા સિવાય બીજા કોઈનો ય સહારો નહોતો એટલે... એને વેચી નાંખ્યો...”
બાપુજી તો ના બોલે કે ચાલે, લમણે હાથ દઈને બેઠેલા.
રેણુબહેનને થયું : “આજે દાદા હોત તો કેવું સારું!”... પછી તો એમણે રાતે વાળું ય ન કર્યું. રોતાં રોતાં થાક્યાં એટલે ઊંઘી ગયાં. વારેવારે લીમડાભૈના જેવો અવાજ સંભળાના લાગ્યો. “રેણુ! રેણુ!”
રેણુબહેન ઝબકીને જાગી ગયાં.
આકાશમાંના તારાઓ ય એમને તો રોતા લાગ્યા.
અડધીરાત થઈ હશે ફરી ત્યાં લીમડાભૈનો અવાજ સંભલાયો : “રેણુ! હું તો આ રહ્યો!”
રેણુબહેન ફરી ઝબકી ગયાં.
ચારે બાજુ અંધારા સિવાય કશું જ ન મળે!
વહેલી સવારે રેણુબહેન તો ઊઠીને વાડામાં ગયાં “ ‘હેય!’ કહીને એમણે આંખો ચોળી : “હેય!... આ તો લીમડા ભૈ! બા,... બા આ આ આ... વાડામાં વાડ પાસે નાનકા... સાવ બબુડા લીમડા ભૈ!!”
બાએ આવીને જોયું તો : લીમડા ભૈ, મીઠું મીઠું હસી રહ્યા હતા!
રેણુબહેન તો ફળિયામાં દોડી ગયાં. છોકરાંને ભેગાં કર્યાં.
સૌ ભેગાં મળીને ગાવા લાગ્યાં :
ખીખીખી, હસતા – હસાવતો રે લીમડો રે!
ના કદી, રડતો – રડાવતો રે લીમડો રે!
વ્હાલામાં વ્હાલો મારો ભૈબંધરે, લીમડો રે!
સ્રોત
- પુસ્તક : રમેશ ત્રિવેદીની શ્રેષ્ઠ બાળવાર્તાઓ (પૃષ્ઠ ક્રમાંક 32)
- સંપાદક : યશવન્ત મહેતા, શ્રદ્ધા ત્રિવેદી
- પ્રકાશક : ગૂર્જર ગ્રંથરત્ન કાર્યાલય
- વર્ષ : 2014