રેખ્તા ગુજરાતી ઉત્સવ - 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો
રજિસ્ટ્રેશન કરોએક હતો છોકરો. તેનાં માતાપિતાએ તેનું કોઈ સરસ નામ રાખ્યું હતું. પણ કોણ જાણે શું થયું કે તેના નામના અમુક અક્ષરો ઘસાતા ગયા. ને છેવટે રહી ગયો એક અક્ષર – ખુ.
આ ‘ખુ’ છોકરો સદાય ખુશખુશાલ રહેતો. હંમેશાં હસતો હસાવતો ને મસ્તીમાં રહેતો. અન્ય બાળકોની જેમ તેને કોઈ વસ્તુ ન મળે તો રિસાતો નહિ. રડવાનું તો નામ જ નહિ. તેને ખબર હતી કે જે હસે તેની સાથે દુનિયા પણ હસે છે. જે રડે છે તેને એકલાં જ રડવું પડે છે. આપણો ‘ખુ’ પણ બધાંને હસાવતો ને પોતે હસતો.
એક વાર શહેરમાં એક મહાત્માજી પધાર્યા. એમને મળવા ‘ખુ’ પણ ઘરેથી નીકળ્યો.
રસ્તામાં એક છોકરાને હાથમાં તલવાર લઈને દોડતો જોયો. તલવાર હતી તો રમકડાંની, પણ લાગતી હતી ખરેખરની તલવાર જેવી. ‘ખુ’ ને થયું કે આ કોને મારવા આમ તલવાર લઈને દોડતો હશે? પણ પેલો છોકરો તો થોડે દૂર જઈને પાછો ફર્યો અને જોરજોરથી કહેવા લાગ્યો, “ખૂબ લડી મર્દાની, વો તો ઝાંસીવાલી રાની થી.”
‘ખુ’ ને થયું વાહ! આ તો દેશભક્ત લાગે છે. ચાલને આ ઝાંસીવાલી રાણીને મળીએ. તેને રોકીને ‘ખુ’એ કહ્યું, “ભાઈ, તેં દેશભક્તિનું અમૃત પીધું લાગે છે, શાબાશ!”
પેલો છોકરો હવે કહેવા લાગ્યો, “એક એક કો ખત્મ કર દૂંગા.”
‘ખુ’ને આશ્ચર્ય થયું કે હવે આ વળી કોને ખતમ કરવા માગતો હશે? તેથી એને પૂછ્યું, “ભાઈ, તું કોને ખતમ કરવા માગે છે?”
પેલો છોકરો હસવા લાગ્યો, “એ તો મનેય ખબર નથી.”
‘ખુ’ ને હસવું આવી ગયું. આ છોકરો તો વિચિત્ર લાગે છે. ‘ખુ’એ તેનું નામ પૂછ્યું તો છોકરો કહેવા લાગ્યો, “મારું કોઈ સરસ નામ હતું ખરું. પણ હવે મને મારું નામ યાદ નથી. મારા નામનો ફક્ત ‘શ’ અક્ષર જ બાકી રહી ગયો છે.”
‘હાશ! તો આ ભાઈ પણ મારા જેવો જ છે. આને મિત્ર બનાવીએ.’ ‘ખુ’ એ વિચાર્યું. પેલા છોકરાને એ કહેવા લાગ્યો, “તું મારી સાથે ચાલ. શહેરમાં મહાત્માજી પધાર્યા છે. આપણે આપણાં નામ મેળવવા માટે મહાત્માજી પાસે જઈએ.”
“એમ વાત છે? તો ચાલ.” એમ કહી ‘શ’ પણ ‘ખુ’ની સાથે ચાલવા લાગ્યો.
બંને આગળ વધ્યા.
એક જગ્યાએ એક છોકરો એક મીઠાઈવાળાની દુકાને ઊભો રહીને કહી રહ્યો હતો, “મને આપો ને, મને આપો ને!”
મીઠાઈવાળો કહે, “આપી તો દીધી છે. હજી તારે કેટલી મીઠાઈ ખાવી છે? વધુ મીઠાઈ જોઈએ તો બીજા પૈસા લાવ...”
‘ખુ’ ને થયું કે આ છોકરો મીઠાઈ પાછળ ગાંડો લાગે છે.
છોકરાની નજીક જઈ ‘ખુ’એ તેને કહ્યં, “ભઈલા, આ મીઠાઈ મીઠાઈ કેમ કરે છે? મીઠાઈ માટે પૈસા જોઈએ. તારી પાસે છે?”
“પૈસા તો આ મીઠાઈવાળાને આપી દીધા છે.” છોકરાએ જવાબ આપ્યો.
“આપી દીધા છે તો તેટલા પૈસાની મીઠાઈ પણ તને આપી જ દીધી છે ને?” મીઠાઈવાળાએ કહ્યું.
“ચાલ, હું તને મીઠાઈ અપાવું,” એમ કહીને ‘ખુ’એ પૈસા કાઢી મીઠાઈવાળાને આપ્યા અને મીઠાઈવાળાએ છોકરાને જોઈતી હતી તે મીઠાઈ આપી.
હવે જુઓ તો એ છોકરો ખુશ-ખુશ!
‘ખુ’ને લાગ્યું કે આ છોકરો મીઠાઈનો બેહદ શોખીન છે. તેને પૂછ્યું, “ભાઈ, તારું નામ શું છે?”
મીઠાઈ ખાતાંખાતાં છોકરાએ જવાબ આપ્યો, “મારું નામ છે ને, મારું નામ છે ને.... મારું નામ? હા, મારું નામ મને અત્યારે યાદ નથી આવતું. ભૂલી ગયો છું ને! પણ મારા નામની આગળ કંઈક ‘મ’ જેવું આવે છે ખરું.”
“મગન... મણિ... મફત અથવા મનુ, ખરું?”
“ના... ના... આમાંથી એક પણ મારું નામ નથી.”
ધત્ તેરેકી! તો આની પણ આપણા જેવી જ કહાણી છે. ‘ખુ’ ને હસવું આવી ગયું. તેને હસતો જોઈ ‘મ’ કહેવા લાગ્યો, “તું, મારા ઉપર હસે છે?”
“નહિ નહિ ભાઈ, મને તારા પર હસવું નથી આવવું. અમારી પણ તારા જેવી જ મુશ્કેલી છે. તું પણ અમારી સાથે મહાત્માજીને ત્યાં ચાલ.”
હવે ત્રણ જણ વધ્યા આગળ.
થોડું આગળ ચાલ્યા તો સામેથી એક છોકરાને આવતો જોયો. એ છોકરો હાથમાં ઘણી નાનીનાની વસ્તુઓ લઈ તેના વડે અજબગજબના ખેલ કરતો હતો. આવતા-જતા તેના નવાનવા ખેલ જોઈ રાજી-રાજી થતા હતા. ‘ખુ’ ને થયું કે ચાલ આપણે પણ તેનો લાભ લઈએ. તે છોકરા તરફ આગળ વધ્યો. પાછળ-પાછળ ‘શ’ અને ‘મ’ પણ ચાલ્યા. ત્રણે જણ પેલા છોકરાની નવીનવી વસ્તુઓના નવાનવા ખેલ જોઈ આનંદમાં આવી ગયા.
‘ખુ’એ છોકરાને પૂછ્યું, “તું આ ખેલ શા માટે કરે છે?”
“શા માટે? એ વળી શું? મને આવું ગમે છે એટલે વળી. નવાનવા ખેલ કરવા મને ગમે છે.”
“તારું નામ શું?”
“નામ-બામ નથી.”
“કાંઈક તો હશે ને?”
“હતું, પણ હવે નથી રહ્યું, ખોવાઈ ગયું છે.”
“નામ ખોવાઈ ગયું છે! એ શું હતું તે યાદ નથી?”
“ફક્ત ‘ન’ યાદ છે, જે નામમાં આગળ આવતો હતો.”
“તારે કોઈ સુંદર નામની જરૂર હોય તો ચાલ અમારી સાથે.”
“ક્યાં?”
“આપણાં નામો વિશે મહાત્માજીની સલાહ લેવા.”
આખરે ‘ન’ પણ એમની સાથે જોડાયો. ચારેય આવીને પહોંચ્યા મહાત્માજી પાસે. મહાત્માજીને પગે લાગ્યા. પછી ‘ખુ’એ કહ્યું, “અમે ચાર... એક દો તીન ચાર... આપની સલાહ લેવા આવ્યા છીએ.”
“સલાહ? શેની સલાહ?” મહાત્માએ પૂછ્યું.
“અમારાં નામ ખોવાઈ ગયાં છે.”
“ખોવાઈ ગયાં છે? કેવી રીતે?”
“કેવી રીતે ખોવાઈ ગયાં એની ખબર નથી, પણ ખોવાઈ ગયાં છે એ નક્કી. આને પોતાના નામનો એક અક્ષર ‘શ’ યાદ છે, આને ‘મ’ યાદ છે, આને ‘ન’ યાદ છે અને મને ‘ખુ’ યાદ છે.”
વિચિત્ર વાત છે! મહાત્માજી વિચારમાં પડી ગયા. બોલ્યા, “આવી વાત તો મેં ક્યારેય નથી સાંભળી.”
‘ખુ’એ કહ્યું, “એ જ તો મુશ્કેલી છે. અમને અમારાં નામો જોઈએ, મહારાજ.”
મહાત્માજી બોલ્યા, “તમને પસંદ પડે તે નામ રાખી લો, એ માટે મારી પાસે આવવાની શી જરૂર?”
બધાં કહે, “અમને તો અમારાં ખોવાઈ ગયેલાં નામ જ જોઈએ. નવા નામની અમને જરૂર નથી.”
“હા મહાત્માજી!” ‘ખુ’એ કહ્યું, “અમારાં માતા-પિતાઓએ અમારાં યોગ્ય નામ પાડ્યાં હતાં. અમને તો બસ એ જ નામ જોઈએ.
“તો ઠીક છે. હું કોશિશ કરું છું.” એમ કહી મહાત્માજીએ નામકરણનું કામ શરૂ કર્યું.
‘ખુ’એ કહ્યું, “આ ‘શ’ છે. આને મેં જ્યારે જોયો ત્યારે એના હાથમાં તલવાર હતી. એનામાં વીરતાનો ગુણ છે.”
મહાત્માજી બોલ્યા, “તો આનું નામ બહાદુરી કે શૂરવીરતાને લગતું હોવું જોઈએ. બેટા! તારું નામ શમશેર તો નથી ને? શમશેર એટલે તલવાર. મોટો થઈને ત્યારે લોકો તને શમશેર બહાદુરના નામથી બોલાવશે.”
‘શ’ થોડો વિચારમાં પડી ગયો. થોડી ક્ષણો પક્ષી તે ઊછળતો કૂદતો કહેવા લાગ્યો, “હા, આ જ તો મારું નામ છે. વાહ મળી ગયું... મળી ગયું... મારું નામ મળી ગયું.”
‘ખુ’એ ખુશ થયાં કહ્યું, “વાહ ગુરુદેવ વાહ! આપે તો એક મિનિટમાં આની મૂંઝવણ દૂર કરી નાખી. વાહ! હવે આ ‘મ’નો વારો.”
‘મ’ એ કહ્યું, “મને છે ને મીઠી મીઠી વસ્તુઓ બહુ ગમે. મીઠાઈ ગમે... આઇસક્રીમ ગમે... આખો દિવસ એ ખાતો રહું...!”
“તો તારું નામ ‘મધુ’ તો નથી? મધુ એટલે મધ. મધ એકદમ ગળ્યું-ગળ્યું હોય.”
“હા, એ જ તો મારું નામ છે! વાહ, મજા આવી ગઈ. મારું નામ મધુ. મધુ એટલે મધ. મધ એકદમ ગળ્યું હોય.” એ ખુશ થવા લાગ્યો.
“પણ બેટા મીઠી વસ્તુ બહુ ન ખાવી જોઈએ. તારું નામ મધુ છે તો તારી વાણીમાં મધુરતા લાવ. વર્તનમાં મધુરતા લાવ. સાથે મીઠું-મીઠું બોલ. તો જ તારું નામ સાર્થક થશે.” મહાત્માજી બોલ્યા.
‘ખુ’તો મહાત્માજીની વાતો સાંભળીને ગેલમાં આવી ગયો. તે મહાત્માજીનો મહિમા ગાતાં કહેવા લાગ્યો, “મહારાજ આપ તો જાદુગર લાગો છો. જોતજોતામાં મુશ્કેલીનો ઉપાય શોધી આપો છો. હવે આ છોકરો જુઓ, મહાત્માજી. આ તો દરરોજ નવાનવા ખેલ કરી બતાવે છે. નવીનવી વાતો જાણવામાં તેને રસ છે.”
“બેટા, તને પણ તારું નામ યાદ નથી.”
“નામ યાદ નથી, મહારાજ. મારા નામનો ફક્ત ‘ન’ અક્ષર યાદ છે.” ‘ન’ બોલ્યો.
“તારા નામમાં ‘ન’ આગળ હતું કે પાછળ?”
“આગળ પણ હતું ને પાછળ પણ હતું. ઊલટસૂલટ કરવાથી પણ મારું નામ એનું એ જ રહેતું હતું, મહારાજ.”
“આગળ ને પાછળ ‘ન’ આવતું હોય તેવું નામ?” મહાત્માજી વિચારવા લાગ્યા.
“તારું નામ નરેન કે નયન તો નહિ?”
“ના, મહારાજ!”
“તને નવુંનવું ગમે છે., નવીનતામાં રસ છે, તો તારું નામ ‘નવીન’ હોવું જોઈએ.”
“હા, હા મહારાજ. મારું જ નામ છે. બધાં મને ‘નવીન’ નામથી બોલાવતા. તમે તો કમાલ કરી બતાવી.”
“હવે, મહારાજ મને પણ મારું નામ શોધી આપો.” ‘ખુ’ ઉતાવળો થવા લાગ્યો.
“સારું, હવે તું તારા વિશે કહે.” મહાત્માજી બોલ્યા.
“મહારાજ, મને આનંદમાં રહેવાનું ગમે. બધાંને હસાવવાનું ગમે. હસે તેનું ઘર વસે.”
“તારું નામ ખુશાલ. ખુશાલ એટલે ખૂબ ખુશ. સદા ખુશ હાલતમાં રહેતું હોય એવું બાળક. બોલ, તને આ નામ ગમ્યું?”
“નામ તો ઠીક છે મહારાજ પરંતુ...”
“પરંતુ શું...?”
“મારું આવું તો કોઈ નામ નહોતું. મહારાજ, બીજું કોઈ બતાવો તો...?” ‘ખુ’ એ કહ્યું.
‘ખુ’ની વાત સાંભળીને મહાત્માજી વિચારમાં પડી ગયા. અચાનક મહાત્માજીના મનમાં ઝબકારો થયો. એમણે બધાં છોકરાને એક લાઈનમાં ઊભા રાખ્યા. પછી દરેક છોકરાના નામનો પહેલો અક્ષર તે મનમાં બોલતા ગયા. ખુ...મ...શ...ન.. તો થયું – ખુમશન! ના, આ નામ તો નહિ ચાલે!
મહાત્માજીએ છોકરાઓના ક્રમમાં થોડો ફેરફાર કર્યો. બીજા નંબરવાળા ‘મ’ ને કાઢી છેલ્લો ઊભો રાખ્યો, તો થઈ ગયું – ખુ...શ...ન...મ... એટલે ખુશનમ!
“ના, બાબા ના, આ તો કંઈ નામ છે?” ‘ખુ’ એ બૂમ પાડી.
“બેટા ધીરજ રાખ, ધીરજ રાખ.” એમ કહી મહાત્માજીએ ત્રીજી નંબરવાળા ‘ન’ ને કાઢી છેલ્લે ઊભો રાખ્યો તો થઈ ગયું – ખુ...શ...મ...ન... એટલે ખુશમન! ‘વાહ! આ જ નામ તો તારા માટે બિલકુલ યોગ્ય જણાય છે. ખુશમન એટલે જેવું મન સદા ખુશ રહેતું હોય. કેમ, છે કબૂલ?” મહાત્માએ ‘ખુ’ ને પૂછ્યું.
“તમે કમાલની વાત કરો છો! મહારાજ, આ નામ તો મને મારા માટે બિલકુલ ફિટ લાગે છે. તમે ઘણા મહાન છો મહારાજ!”
તો હવે ‘ખુ’નું નામ થયું ખુશમન. પોતાનાં નામ ફરીથી ન ખોવાઈ જાય તે માટે તેઓ પોતપોતાનાં નામ ગોખતા ગોખતા ઘેર ગયા.
સ્રોત
- પુસ્તક : હુંદરાજ બલવાણીની શ્રેષ્ઠ બાળવાર્તાઓ (પૃષ્ઠ ક્રમાંક 127)
- સર્જક : યશવન્ત મહેતા, શ્રદ્ધા ત્રિવેદી
- પ્રકાશક : ગૂર્જર ગ્રંથરત્ન કાર્યાલય
- વર્ષ : 2014