Kamchor Kagdo - Children Stories | RekhtaGujarati

રેખ્તા ગુજરાતી ઉત્સવ - 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો

રજિસ્ટ્રેશન કરો

કામચોર કાગડો

Kamchor Kagdo

પ્રભુલાલ દોશી પ્રભુલાલ દોશી
કામચોર કાગડો
પ્રભુલાલ દોશી

    કાબર અને કાગડાએ ભાગીદારીમાં ખેતર ખેડવાનું નક્કી કર્યું. બંનેએ ખેતરમાં સરખું કામ કરવાનું અને જે ઊપજ આવે તે સરખા ભાગે વહેંચી લેવાનું નક્કી કર્યું. કાબર ભોળી. કાગડો લુચ્ચો અને આળસુ.

    પ્રથમ તો જમીન ખેડવાની વાત આવી. કાબર તે માટે કાગડાને બોલાવવા ગઈ, તો કાગડાએ બહાનું કાઢતાં કહ્યું,

          ‘ઠાગા-ઠૈયાં કરું છું,

          ચાંચુડી ઘડાવું છું;

          જાવ કાબરબાઈ આવું છું.

    કાબરે ખેતર ખેડી નાખ્યું. વાવણી વખતે કાગડાને બોલાવવા ગઈ, ત્યારે પણ કાગડાએ અગાઉની જેમ જ જવાબ આપ્યો.

    ખેડી નાખેલા ખેતરમાં સમયસર વાવણી ન કરે તો બધી મહેનત નાકામી જાય, એટલે બિચારી કાબરે રાત-દિવસ મહેનત કરી વાવણી કરી નાખી.

    વરસાદ સારો થયો. ખેતરમાં બાજરી વાવેલી તેનો પાક સારો થયો. ઊગી ગયેલા મોલને કોઈ નુકસાન ન કરે તે માટે કાબરે કાગડાને મોલની રખેવાળી કરવાનું કહ્યું.

    કાગડાએ કહ્યું, ‘રખેવાળી કંઈ મારે એકલાને કરવાની નથી. તમારી સાથે રહેવાનું છે.’

    કાબર સાથે રહે એટલે કાગડો આખો દિવસ જ્યાં-ત્યાં ફર્યા કરે, રખેવાળી કરે નહીં. બધો બોજો એકલી કાબરના માથે આવ્યો.  એ કામ પણ કાબરે પૂરું કર્યું.

    અનાજ પાકી ગયું. કાપણીના કામમાં પણ કાગડાએ અગાઉની જેમ જ દાંડાઈ કરી. કાબરે બીજી કાબરોની મદદથી કાપણી કરી. અનાજ ખળામાં આવ્યું.

    તરત જ કાગડાએ કહ્યું, ‘મારો ભાગ લાવો.’

    ‘ચાલો, આપણે આ અનાજમાંથી બે ઢગલા કરી દઈએ.’ કાબરે કહ્યું.

    ‘એ કામ મારું નહીં. ભાગ તમારે પાડવાના. મારો ભાગ હું લઈ લઈશ.’ કાગડાએ કહ્યું.

    કાબરે બીજી કાબરોની સલાહ લઈ, બાજરીના બે ભાગ કર્યા. એક ભાગમાં ઝાઝી બાજરી રાખી તેનો નાનો ઢગલો કર્યો, બીજા ભાગમાં ઓછી બાજરી અને ઝાઝી ધૂળ રાખી તેનો મોટો ઢગલો કર્યો.

    લુચ્ચા કાગડાએ ઢગલા જોઈને ‘નાનો ઢગલો મારો’, કહેતો જ ઝાઝી બાજરીના નાના ઢગલા પર બેસી ગયો.

    કાબર રડવા જેવી થઈ ગઈ, પરંતુ હિંમત હાર્યે કામ કેમ ચાલે? તેણે કહ્યું, ‘તમે અનાજ ભરવા કપડું લઈ આવો, તેની ગાંસડી બાંધી દઉં, પછી તમે ઘેર લઈ જજો. મારો ભાગ હું પછી લઈ જઈશ.’

    આળસુ કાગડાએ કશું કામ તો કર્યું જ ન હતું. હવે તેને કામ કરવું કેમ ગમે? તેણે કહ્યું, ‘કાબરબહેન, તમે અત્યાર સુધી મારું ને તમારું બધું જ કામ કર્યું છે, હવે આ છેલ્લું કામ પણ ન કરો?’

    ‘ક્યું કામ?’ કાબરે પૂછ્યું.

    ‘મારા ભાગના અનાજની ગાંસડી બાંધી મારે ત્યાં ન પહોંચાડી દો?’ કાગડાએ કહ્યું.

    ‘ભલે.’ કાબરે કહ્યું.

    ‘તો હું મારા ઘેર તમારી રાહ જોઉં છું. કહેતો કાગડો ઊડ્યો.

    હવે કાબરના જીવમાં જીવ આવ્યો. તેણે બધું અનાજ ગાંસડીમાં બંધી પોતાના ઘેર પહોંચાડી દીધું. ખેતરમાં કાગડાના ભાગનો મોટો ધૂળનો ઢગલો રહ્યો.

    કાબર કાગડાને ત્યાં ગઈ જ નહીં, એટલે બીજે દિવસે કાગડો ખેતરમાં આવ્યો તો અનાજનો ઢગલો કે કાબર ન મળે. તે ચારે બાજુ રખડ્યો પણ ક્યાંય કાબરનો પત્તો લાગ્યો નહીં. તે આળસુએ કાબર ક્યાં રહે છે તે જાણવાની દરકાર કરી ન હતી.

    કાગડો કપાળ કૂટતો ધૂળના ઢગલા પર બેસીને કાબરને બોલાવવા ‘ક્યાં-ક્યાં’ કર્યા કરે છે.

સ્રોત

  • પુસ્તક : પ્રભુલાલ દોશીની શ્રેષ્ઠ બાળવાર્તાઓ (પૃષ્ઠ ક્રમાંક 88)
  • સંપાદક : યશવન્ત મહેતા, શ્રદ્ધા ત્રિવેદી
  • પ્રકાશક : ગૂર્જર ગ્રંથરત્ન કાર્યાલય
  • વર્ષ : 2013