Dikro - Children Stories | RekhtaGujarati

રેખ્તા ગુજરાતી ઉત્સવ - 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો

રજિસ્ટ્રેશન કરો

    એક હતા પટેલ.

    એક હતાં પટલાણી.

    પટેલનું નામ પસાભાઈ, ને પટલાણીનું નામ પસીબહેન.

    આ બેઉ ધણી-ધણિયાણીને કોઈ છોકરું-છૈયું નહિ એટલે મનમાં સદાય ચિંતા રહ્યા કરે કે, ઘડપણ તો આવ્યું. હવે આપણી લાકડી બનશે કોણ? કુટુંબમાં ઈન-મીન ને તીન ને તેય બધાં શહેરમાં જઈને વસેલાં, એક પિતરાઈ હતો, પણ સાવ માથાનો ફરેલો. કંઈ કહેવા જાય એ પે’લાં તો મોં ચૂંટી લે.  પેટબળ્યાનું આમે ય ગામ આખામાં ભાગ્યે જ કોઈ નામ લેતું.

    પસાભાઈએ ખેતરમાં એક નાનકડી ઓરડી બનાવેલી. તે ડોસા-ડોસી ત્યાં રહીને ભગવાનનું ભજન કરતાં, બધું લાવવા-મૂકવા, ને ખેતરની ભાળ રાખવા એક સાથી રાખેલો, પણ એય સાવ હરામ-હાડકાંનો. કોઈ કામ આજે બતાવ્યું હોય તો કાલે કરે તો કરે, નહિ તો પછી? છેવટે પસાભાઈએ એને હાથ જોડ્યા, ને એને વિદાય કરી દીધો, પણ હવે? હવે ખેતર-પાધરની રખેવાળી કરશે કોણ? ડોસાને સો મણનો નિસાસો પડ્યો. છેવટે એમણે એક ચાડિયો બનાવ્યો. નાનકડી માટલી. માટલી પર ચિતરેલાં મોં અને આંખો, માથે ફાળિયું, ફાટ્યુંતૂટ્યું ધોતિયું. બાવાજીના ડગલા જેવો ઝભ્ભો. વાહ ભૈ વાહ અદ્દલ જીવતા-જાગતા માણસ જેવો – ચાડિયો! હવે રોજ ઊઠીને પસાભાઈ ને પસીબે’ન ચાડિયાને જુએ ને મનમાં રાજી થાય. ચાડિયા માટે બેયના હૈયામાં સગા દીકરા જેવું હેત ઊભરાય. એટલે એ સાવ જીવતો-જાગતો હોય તેમ એની ઊઠવેઠ કર્યાં કરે, ને એ જોઈને રસ્તે આવતું-જતું લોક છાનું-છાનું હસતું ય ખરું : ડોસા-ડોસીની ડાગરી તો ખસી નથી ને! સવાર પડે ને પટેલ રેડિયો વગાડે.

    રેડિયો સાંભળીને ચાડિયો જાગી ઊઠે.

    એ જાગે એવો ગાવા લાગે :

રેડિયા ભૈ તો વાગે રે,
બંદા કેવા જાગે રે!

    ખેતરમાં પંખીઓ આવે તો ચાડિયો એમને ભગાડે. વાયરા ભેળાં ડોલતાં ડૂંડાંના ચાળા પાડે, મજાનાં ગીતો ગણગણે. ખેતરના શેઢે બોરડી હતી. નિશાળિયાં બોરાં ખાવા આવે, એમને મીઠાંમીઠાં બોર ખાતાં જોઈને ચાડિયાભૈનું મન પણ લલચાય. મનમાં થાય, હુંય છોકરાં ભેળો જઈને બોર ખાઉં, નાચું-કૂદું અને ધીંગામસ્તી કરું!?...

    એક વાર પસા પટેલ ખાટલીમાં બેઠાબેઠા હોકો ગગડાવતા હતા. ને આકાશમાં કાળાં કાળાં વાદળો દેખાયાં. વાદળોનો ગડગડાટ સાંભળી પટેલે ઊંચે જોયું, ને સો મણનો નિસાસો નાખ્યો. એ મનમાં બોલ્યા : ચોમાસું તો બેઠું. હવે ખેતર ખેડશે કોણ?... વાવણી કરશે કોણ?...

    ડોસાનો વલવલાટ જોઈને ચાડિયાને થયું હું બાર વરસનો બેઠો છું ને!... હું ખેતર ખેડીશ, વાવણી કરીશ... એણે કહ્યું : ‘બાપા! હું બેઠો છું તમારો દીકરો!’

    પટેલ-પટલાણી તો ચાડિયાને માણસની જેમ બોલતો જોઈને દંગ રહી ગયાં. એક-બીજાની સામે જોયું. આંખોમાં હરખનાં આંસુ આવી ગયાં. મનમાં ને મનમાં ભગવાનનો પાડ માની એમણે કહ્યું : ‘ખમ્મા, મારા દીકરાને!...’

    પછી તો ખેતરમાં ખોડાયેલો ચાડિયો ઊપડ્યો. એણે કોઢમાંથી બળદ છોડ્યા, હળ જોડ્યું, ખેતર ખેડાવા માંડ્યું, ને ગાવા લાગ્યો :

હળને જોડ્યાં ખેતરમાં,
સસલાં દોડ્યાં ખેતરમાં!

    ખેતર ખેડાયું. વાવણીય થઈ. મેઘરાજા મન મૂકીને વરસ્યા ને પટેલ તો ખેતર જોઈને રાજી રાજી થઈ ગયા. થોડા દહાડા પછી મબલક મોલ પાક્યો. લીલુંછમ ખેતર સોનલવર્ણું થઈ ગયું!! ડૂંડે ડૂંડે મોતી જેવા દાણા ઝગારા મારવા લાગ્યા. પટેલ હાથમાં ગોફણ લઈને પંખી ઉડાડવા લાગ્યા ને ચાડિયા ભૈ પણ ખેતરની વાડ તરફ ચાંપતી નજર રાખી રહ્યા.

    પછી તો ધાનનો મોઢમસ ઢગલો થઈ ગયો.

    પસીબેન કહે : “બધો પરતાપ મારા દીકરાનો હોં!”

    પસાભાઈ કહે : “ચાડિયો – દીકરો તો નોંધારાનો આધાર.”

    ચાડિયો હસી પડ્યો : “બોલો, બા-બાપુ, હવે શું કરવું છે?”

    “કોઈ કરાવે તો ચારધામની જાતરા કરવી છે!” ડોસી બોલ્યાં.

    “પણ હાથ-પગ ચાલતા નથી એનું શું?” ડોસાએ મોં ઓશિયાળું કરીને ડોસી અને ચાડિયા સામે વારાફરતી જોઈ લીધું.

    “બા-બાપુ, હું બેઠો છું ને!” આમ કહી ચાડિયાએ ચપટી વગાડી :

    “હું ભાથું કરી નાખું છું બા, તમે નિરાંતે બેસો...”

    –ને પછી તો ચાડિયાભૈએ જોતજોતામાં પોચાં પોચાં થેપલાં, કૂણી કૂણી સુખડી કરી નાખી. બજારમાં જઈને અનાજ વેચ્યું. પછી અનાજના પૈસા ગાંઠે બાંધીને ઊપડ્યા – પટેલ-પટલાણીને લઈને જાતરાએ.

    ખાસ્સો મહિનો વીત્યા કેડે ડોસા-ડોશીને જાતરા કરાવીને ચાડિયાભૈ પાછા ખેતરમાંના ઘેર આવ્યા. ને આવ્યા એવા ઘરના હાલહવાલ જોઈને ત્રણેય જણને ધ્રાસકો પડ્યો. આ બાજુ ઘરનું સચરચીલું બધું વેરવિખેર પડ્યું હતું ને બીજુ બાજુ ખેતરની વાડમાં ય છીંડાં પડેલાં.

    ડોસાએ લમણે હાથ મૂક્યો. ડોસીએ પોક મૂકી : ‘અરેરે! બધું ય વારી ચોરીને કોઈ લઈ ગયું નખ્ખોદિયું!’

    ચાડિયાએ બંને જણને દિલાસો આપ્યો. ને પછી ગાવા લાગ્યા :

હાં રે અમે ચાડિયા ભૈ,
નથી અમે જાડિયા ભૈ!

    ચાડિયાના ચેન-ચાળા જોઈને ડોસા પોતાનું દુઃખ ભૂલી ગયા.

    એ બોલ્યા : ‘દીકરા, સો વરસનો થજે હોં!’

    ડોસીએ પણ આંખો લૂછીને ઓવારણાં લીધાં : ‘ખમ્મા મારા દીકરાને!’

    ને પછી તો ચાડિયાભૈ ઊપડ્યા બજારમાં. નવેસરથી બધી જ ઘરવખરી ખરીદી લીધી. ખેતીનો બધો સાજ-સરંજામ પણ લઈ લીધો. ને ઘેર પાછા ફર્યા.

    ફરી ચોમાસું આવ્યું.

    ફરી ચાડિયાભૈએ હળ જોડ્યાં. ખેતર ખેડ્યાં ને વાવણી ય કરી. પસા પટેલનો પિતરાઈ – ભત્રીજો હતો તે ફાંગી આંખ કરીને પડખેના ખેતરમાં ઊભો ઊભો બધો જ તાલ જોયા કરે, ને મનમાં ને મનમાં બળી જતો હોય તેમ પગ પછાડે ને કહે : “આ મારું બેટું ચાડિયું ચ્યોંથી ટપકી પડ્યું?” છેવટે એણે ચાડિયાનો ઘાટ ઘડી નાખ્યો. થોડા દહાડા પછી અમાસની અંધારી રાતે ગામ આખું કડકડતી ટાઢમાં સૂતું હતું ત્યારે ઘાસલેટ છાંટીને ચાડિયાને બાળી મૂક્યો.

    સવાર પડી ચાડિયાની જગાએ રાખની ઢગલી જોઈને ડોસા-ડોશીના હૈયામાં ફાળ પડી : ‘હાય હાય! ચાડિયો ક્યાં ગ્યો?’ ને પછી એમણે ભારે વલોપાત કર્યો : ‘અરેરે કોઈ કાળમુખાએ આંધળાની લાકડી બાળી મૂકી રે!...’

    “અરે! બા-બાપુ! તમે શીદને રુઓ છો?... હું બેઠો છું ને બાર વરસનો!... જુઓ, મને તો ઊની આંચ ય નથી આવી!” કહેતાકને ચાડિયો લીમડા પાછળથી દોડી આવ્યો.

    ચાડિયાને હેમખેમ જોઈને પટેલ બોલ્યા : “હાશ! મારું કાળજું ટાઢું થ્યું’ ડોસીએ આંખો લૂછી : “સો વરસનો થજે દીકરા!...”

    ચાડિયાભૈએ બાજુના ખેતર તરફ હાથ લાંબો કરી કહ્યું : ‘બાપુ! આ બધાંય કારસ્તાન તમારા પિતરાઈ – ભત્રીજાનાં છે હોં! મને એની મેલી મુરાદની ગંધ તો આપણે જાતરાએ ગયા ત્યારે ઘરમાં ને ખેતરમાં બધી તોડ-ફોડ થયેલી ત્યારની આવી ગયેલી હોં... એં... એટલે જ મેં આ વખતે મારા બદલે બીજો નકલી ચાડિયો ઊભો કરી રાખેલો, ભલે ને નકલી ચાડિયો એણે બાળી મૂક્યો. અમે તો આ ઊભા જીવતા ને જાગતા!

    ચાડિયો નાચવા લાગ્યો :

હાં રે! અમે ચાડિયા ભૈ,
નથી અમે જાડિયા ભૈ!

    દીકરાની મોજમસ્તી જોઈને પટેલ-પટલાણી હરખાઈ ઊઠ્યાં. એમણે હસતાં-હસતાં એનાં ઓવારણાં લેતાં કહ્યું :

    “ખમ્મા, ચાડિયા – દીકરાને!”

સ્રોત

  • પુસ્તક : રમેશ ત્રિવેદીની શ્રેષ્ઠ બાળવાર્તાઓ (પૃષ્ઠ ક્રમાંક 47)
  • સંપાદક : યશવન્ત મહેતા, શ્રદ્ધા ત્રિવેદી
  • પ્રકાશક : ગૂર્જર ગ્રંથરત્ન કાર્યાલય
  • વર્ષ : 2014