Maffatno Maal! - Children Stories | RekhtaGujarati

રેખ્તા ગુજરાતી ઉત્સવ - 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો

રજિસ્ટ્રેશન કરો

મફ્ફતનો માલ!

Maffatno Maal!

યશવંત મહેતા યશવંત મહેતા
મફ્ફતનો માલ!
યશવંત મહેતા

    એક હતો ખેડૂત.

    એ પોતાના ખેતરમાં કામ કરતો હતો. ખેતરમાં એણે ઘઉં વાવ્યા હતા. ઘઉંના છોડ ઊગી નીકળ્યા હતા. પણ સાથે ઘાસ પણ ઊગ્યું હતું. ખેડૂત સોરિયા વડે એ ઘાસ ઉખાડતો હતો.

    કામ કરતાં-કરતાં સૂરજ રાશવા ચડી ગયો. ખેડૂતને ભૂખ લાગી એટલે એણે સોરિયું એક બાજુ મૂક્યું. એક ઝાડનો છાંયો શોધ્યો. ત્યાં બેસીને ખેડૂતે પોતાનું ભાથું છોડ્યું. એની ઘરવાળીએ સરસ મજાના ઘઉંના રોટલા ઘડ્યા હતા. બે રોટલા બચ્ચે માખણનો પિંડો મૂક્યો ખેડૂત હોંશે-હોંશેં માખણ-રોટલા ખાવા લાગ્યો.

    એટલામાં એક ભૂખ્યો વરુ ત્યાં આવી લાગ્યો. એ ખેડૂતની સામે બેઠો અને ટગરટગર જોવા લાગ્યો. પછી એણે પૂછ્યું : ‘શું ખાવ છો, પટેલ?’

    ‘રોટલા.’

    ‘મીઠા લાગે છે?’

    ‘મધ જેવા.’

    વરુ કહે, ‘મને મધમીઠો રોટલો આપશો?’

    ખેડૂત કહે, ‘હં...અં ભાઈ, લે ને, બટકું તુંય ખા.’

    આમ કહીને એણે રોટલાનું બટકું તોડીને વરુ ભણી ફેંક્યું. વરુએ તો હવામાંથી જ બટકું ઝીલી લીધું અને બટકબટક ખાવા મંડ્યો. એને રોટલો ખૂબ મીઠો લાગ્યો.

    એણે કહ્યું, ‘પટેલ! આ રોટલો તો મને બહુ મીઠો લાગ્યો. તમે રોજરોજ આવા રોટલા ખાઓ છો?’

    ખેડૂત કહે, ‘હોવે.’

    વરુ કહે, ‘શું કરીએ તો રોજરોજ આવા રોટલા ખવાય? આવા રોટલા અને આવાં મીઠાં ભોજન ક્યાં મળે?’

    ખેડૂત કહે, ‘તમારે જાણવું જ હોય તો કહું કે મીઠા રોટલા ને માલમલીદા કેવી રીતે મળે. રોટલાની જ વાત પહેલાં કરીએ. આ માટે પહેલપરથમ તો ખેતર ખેડવું પડે...’

    વરુ એકદમ બોલી ઊઠ્યો, ‘વાહ, વાહ! ખેતર ખેડીએ એટલે રોટલા નીકળે?’

    ખેડૂત હસી પડ્યો. એ બોલ્યો, ‘ના, ભાઈ, ના! ખેતર ખેડ્યા પછી તો એમાં ખાતર નાખવું પડે, પછી ખાતરને માટીમાં ભેળવવું પડે...’

    વરુ કહે, ‘અચ્છા! એ પછી તો રોટલા મળે ને?’

    ખેડૂત કહે, ‘તમે તો બહુ ઉતાવળા, ભાઈ એમ જલદીજલદી રોટલા ન મળે. સાંભળો. વરસાદ આવે અને ખેતર ભીનું થાય એટલે એમાં ઘઉંનું બીજ વાવવું પડે...’

    વરુ કૂદી પડ્યો : ‘પછી તો રોટલા મળે ને?’

    ખેડૂત કહે, ‘તમારામાં તો આટલી વાત સાંભળવાનીય ધીરજ નથી! પછી રોટલા ક્યાંથી ખાશો? સાંભળો, બીજમાંથી છોડ થશે. એની માવજત કરવી પડશે. નકામા ઘાસનું નીંદણ કરવું પડશે. પછી ઘઉંનાં ડૂંડાં ઊગી નીકળશે...’

    વરુનું મોઢું વીલું પડી ગયું, એ કહે, ‘ડૂંડાં ઊગશે, એમ? રોટલા નહિ ઊગે?’

    ખેડૂત તો ખડખડાટ હસી પડ્યો, ‘વરુભાઈ, તમે તો બહુ ઉતાવળિયા છો! છોડ ઉપર તે રોટલા ઊગતા હશે? છોડ પર ડૂંડાં થાય. એ પાકે એટલે એમની લણણી કરવાની. ડૂડાં ખળામાં લઈ જવાનાં. એ સુકાય એટલે કચરવાનાં. એથી ભૂસામાંથી દાણા નોખા પડશે.’

    હવે વરુ નિરાશ થઈ ગયો હતો. એ ઢીલે અવાજે બોલ્યો, ‘અચ્છા! એ દાણાના તો રોટલા થશે ને?’

    ખેડૂત કહે, ‘હજુ રોટલાને વાર છે, ભાઈ! દાણાને દળાવવા પડે. એનો લોટ થાય. એમાં મોણ નાખવું પડે. પછી પાણી નાખીને લોટની કણક બાંધવી પડે. પછી રોટલા ઘડવા પડે અને એમને ચૂલા ઉપર શેકવા પડે...’

    વરુએ એકદમ નાકનો ફૂંફાડો માર્યો અને કહ્યું, ‘ખાલી રોટલા મેળવવા માટે આટલી બધી મહેનત? છિ... છિ...! આટલી મહેનત કોણ કરે!’

    ખેડૂત કહે, ‘વરુભાઈ! મહેનત વગર તો કદી રોટલા મળતા હશે?’

    વરુ કહે, ‘મળે! જરૂર મળે! મળવા જ જોઈએ! મારે તો મફતનું જ ખાવું છે. સાંભળો :

અડધો દહાડો ઊંઘવું મારે,
અડધો દહાડો ખાવું,
ખૂબ ભરીને પેટ ગમે છે
જાડા-તગડા થાવું.
માલમલીદા ભાવે મુજને,
ગમતું નહિ કમાવું,
મફતનું ખાવાને માટે
કહો, ભાઈ, ક્યાં જાવું?’

    વરુની આવી વાત સાંભળીને ખેડૂતે માથું ધુણાવ્યું. એ કહે, ‘મફતનું ખાવાની દાનત સારી નથી. છતાં તમારે વગર મહેનતે ખાવું જ હોય તો સાહસ કરો. જુઓ, સામે હરિયાળીમાં એક ઘોડો ચરતો લાગે છે. જાવ, એને ખાવ.’

    વરુ તો જીભ લબકાવતો લબકાવતો હરિયાળીમાં ગયો. ઘોડા સામે જઈને બોલ્યો, ‘ઘોડા ઘોડા! તને ખાઉં!’

    ઘોડો કહે, ‘ભલે, વરુભાઈ! મને જરૂર ખાવ. પણ એક મુશ્કેલી છે. મારા શેઠે મારા પગમાં લોખંડની નાળ જડી છે. જો એય ખાઈ જશો તો તમારા ગળામાં અટકશે. માટે પહેલાં એ નાળ ખેંચી કાઢો.’

    વરુ કહે, ‘ભલે.’

    એ તો ઘોડાના પાછલા પગ પાસે ગયો. ઘોડાએ જાણે નાળ બતાવતો હોય એમ પગ ઊંચો કર્યો. પછી કચકચાવીને એક લાત ફટકારી દીધી. વરુ તો બિચારો હવામાં ઊછળ્યો. હવામાં જ એણે પાંચ ગલોટિયાં ખાધાં. પછી દૂર જઈને પડ્યો.

    થોડી વારે ઘોડો એની નજીક આવ્યો અને પૂછવા લાગ્યો. ‘વરુભાઈ! હજુ મને ખાવાનો ઇરાદો છે કે?

    વરુ કહે, ‘ના, ભૈશાબ! તમે ખમૈયા કરો! પણ મને ભૂખ બહુ લાગી છે. ખાવાનું બતાવો ને!’

    ઘોડો કહે, ‘જરા મહેનત-મજૂરી કરો, કમાણી કરો, ને ખાવ!’

    વરુ કહે, ‘ના, ના! એ તો ના બને. કારણ કે –

અડધો દહાડો ઊંઘવું મારે,
અડધો દહાડો ખાવું,
ખૂબ ભરીને પેટ ગમે છે
જાડા-તગડા થાવું.
માલમલીદા ભાવે મુજને,
ગમતું નહિ કમાવું,
મફતનું ખાવાને માટે
કહો, ભાઈ, ક્યાં જાવું?”

    આ સાંભળીને ઘોડાએ કહ્યું, ‘જો એમ જ હોય તો જુદી વાત છે. જુઓ, પેલી વાટ ઉપર એક ડોશી આવતાં દેખાય છે. જાવ, ડોશીને ખાવ!’

    વરુ તો ખુશખુશાલ થઈ ગયો. ઘોડા પાસે તો લોખંડી પગ હતા. ડોશી પાસે વળી ક્યાં એવા પગ હતા કે એ લાત મારે? ડોશીને તો ચડપ મારીશું ને હડપ ખાઈશું!

    એ તો દોડ્યો. ડોશીની સામે જઈને ઊભો રહ્યો અને કહેવા લાગ્યો, ‘ડોશી, ડોશી, તને ખાઉં!’

    ડોશીએ તો ઝીણી આંખો કરીને જોયું. સામે તગડો વરુ ઊભેલો. ડોશી કહે, ‘તંઈ ગગા, મને ખાઈ જા ને! આમેય હવે ઘડપણમાં ચલાતું નથી. પણ એક ઘડી થોભ.’

    વરુ કહે, ‘થોભું કેમ કરીને? મને તો કકડીને ભૂખ લાગી છે.’

    ડોશી કહે, ‘તે મને ખાઈને તારી ભૂખ ભાંગજે, ભા! પણ મને જરીક છીંકણી સૂંઘી લેવા દે.’

    વરુ કહે, ‘એ છીંકણી વળી કેવી હોય? એને ખવાય કે પિવાય?’

    ડોસી કહે, ‘ના, એને નાક વાટે સૂંઘાય. જુઓ, આમ!’

    આટલું કહીને ડોશીએ ડબામાંથી ચપટી છીંકણી લઈને સૂંઘી. વરુએ તરત જ ડબો ડોશીના હાથમાંથી પડાવી લીધો અને મો...ટો શ્વાસ લઈને છીંકણી સૂંઘવા માંડી. તરત જ  તો છીંકાછીંક કરવા મંડ્યો. છીંકણી તો ઓર ઊડી અને એના નાકમાં ને મોંમાં ને આંખમાં ગઈ. એ તો આંધળોભીંત થઈને ભોંયે આળોટવા મંડ્યો. છીંકો તો ઉપરાઉપરી ચાલુ ને ચાલુ!

    ઘણી વાર સુધી એ આળોટતો જ રહ્યો. એટલે ડોશી કહે, ‘કાં, વરુભાઈ! મને ખાવી છે?’

    વરુ કહે, ‘ના, ભૈશાબ! તું જા, ડોશી! તું જલદી જા! પણ મને કહે કે મફત ખાવાનું ક્યાં મળે?’

    ડોશી કહે, ‘વીરા મારા! હું ઘરડી થઈ તોય મારાં પોતરાંને રાખવાનું કામ કરું છું. છૈયાને કહાણીઓ કહું છું. પછી વહુ મને ખાવાનું આપે છે. મફત ખાવાનું તો ન મળે, ભઈ!’

    વરુ કહે, ‘મારે તો મફતનું જ ખાવું છે. કેમ કે –

અડધો દહાડો ઊંઘવું મારે,
અડધો દહાડો ખાવું,
ખૂબ ભરીને પેટ ગમે છે
જાડા-તગડા થાવું;
માલમલીદા ભાવે મુજને,
ગમતું નહિ કમાવું,
મફતનું ખાવાને માટે?’
કહો, ભાઈ, ક્યાં જાવું

    ડોસીમા કહે, ‘એમ સાવ મહેનત વગર તો કોઈ ખાવાનું ન આપે. છતાં પેલી ટેકરીની ધાર ઉપર જાવ. ત્યાં ઘેટાં ચરે છે. કહે છે કે ઘેટાં સાવ નમાલાં હોય છે. એ કદાચ તમને મફતમાં મળી જાય.’

    આટલું સાંભળતાં જ વરુ તો દોડ્યો. ટેકરીની ધાર ઉપર ટૂંકું ઘાસ ઊગેલું હતું. સોએક ઘેટાં એ ઘાસ ચરતાં હતાં. વરુ ટેકરીની તળેટીએ પહોંચ્યો ત્યાં જ ઘેટાંના આગેવાન મેંઢાએ પૂછ્યું, ‘વરુભાઈ! આ બાજુ ક્યાંથી?’

    વરુ કહે, ‘મને ખૂબ ભૂખ લાગી છે. ભૂખે મારો પ્રાણ જાય છે. મને એકાદ ઘેટું ખાવા આપો.’

    મેંઢો કહે, ‘ઓહો, એમાં શું? દુનિયામાં બધાં ઘેટાં તમારે માટે જ છે ને! અરે વરુભાઈ! તમારે ટેકરી ચડીને ઘેટું ખાવા આવવાનીય જરૂર નથી. પહેલાં તો હું જ સામે ચાલીને તમારા મોંમાં આવું છું. ત્યાં નીચે જ ઊભા રહો.’

    વરુ તો રાજીનો રેડ થઈ ગયો. એ બોલ્યો, ‘શું સાચે  જ? મારે ટેકરીય નહિ ચડવી પડે અને તમે મારા મોંમાં આવી પડશો, એમ?’

    મેંઢો કહે, ‘અરે, તમે જુઓ તો ખરા, વરુ રાજ્જા!’

    આમ કહીને મેંઢે તો પોતાનું માથું નમાવ્યું. શિંગડાં આગળ કર્યાં. પછી ટેકરી નીચે ગડગડતી દોટ મૂકી. જેમ-જેમ એ નીચે ઊતરતો ગયો તેમ-તેમ એની ઝડપ વધતી ગઈ અને પછી.... કડડડડધડાક! વરુના ખુલ્લા મોં સાથે મેંઢાનાં શિંગડાં એવાં અથડાયાં કે વરુનો એકેએક દાંત ભાંગીને ભૂકો થઈ ગયો. બિચારો વરુ રાડ નાખી ગયો. ઘડીભર તો એને તમ્મર આવી ગયા. પણ એણે જોયું કે મેંઢો ફરી વાર ટેકરી ચડી રહ્યો છે. એ જરૂર પાછો પથ્થરની જેમ ગડગડતો હેઠે આવશે. આ વેળા બધાં પાંસળાંની ઘાણી કરશે! વરુ તો હવે જાય ભાગ્યો!

    રસ્તામાં પેલો ખેડૂત સામો મળ્યો. એણે વરુને પૂછ્યું, ‘કાં વરુભાઈ! પછી મફતનો માલ ખાવા મળ્યો કે નહિ?’

    વરુએ રોતાંરોતાં કહ્યું, ‘માલની વાત ન કરો, પટેલ! મને તો માર જ માર મળ્યો!!’

સ્રોત

  • પુસ્તક : યશવન્ત મહેતાની શ્રેષ્ઠ બાળવાર્તાઓ (પૃષ્ઠ ક્રમાંક 75)
  • સંપાદક : યશવન્ત મહેતા, શ્રદ્ધા ત્રિવેદી
  • પ્રકાશક : ગૂર્જર ગ્રંથરત્ન કાર્યાલય
  • વર્ષ : 2024