Boghadbhai - Children Stories | RekhtaGujarati

રેખ્તા ગુજરાતી ઉત્સવ - 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો

રજિસ્ટ્રેશન કરો

    બોઘડ એક ગરીબ બ્રાહ્મણનો દીકરો હતો. બોઘડ હતો બ્રાહ્મણનો દીકરો પણ નાનપણથી કાંઈ ભણ્યોગણ્યો ન હતો. એને ન આવડે પાઠ કે ન આવડે પૂજા. વેદ કે મંત્રનું તો નામેય ન જાણે. જેવું નામ એવી જ એની બુદ્ધિ. બોઘડ એક ખેડૂતને ત્યાં ખેતરમાં કામે રહ્યો. રહેતે રહેતે એને ખેતીનું બધું કામ આવડી ગયું. બોઘડે સાત વર્ષ સુધી એકધારી નોકરી કરી. એનો શેઠ પણ બોઘડની વફાદારી જોઈ ખુશ રહેતો.

    સાત વર્ષ થયાં એટલે બોઘડને થયું કે ઘણા સમય થયા માબાપનું મોં જોયું નથી. લાવ ને થોડા દિવસ ઘેર જઈ આવું! એણે શેઠને વાત કરી અને કહ્યું કે, ‘મને ઘેર જવાની રજા આપો. અઠવાડિયામાં તો હું પાછો આવી જઈશ.’

    શેઠ કહે, ‘ભલે જા, પણ પાછો ઝટ આવી જજે. વાવણીની મોસમ છે એટલે ઝાઝા દિવસ રહેતો નહિ.’

    બોઘડે પોતાનો પગાર માગ્યો. શેઠ એના કામથી ખુશ હતા એટલે એણે બોઘડને સાત વર્ષનો હિસાબ કરીને રૂપિયા ગણી આપ્યા. બોઘડ રૂપિયાની પોટલી ખભે નાખીને ચાલતો થયો.

    બોઘડ જતો હતો ત્યાં રસ્તામાં એક માણસ ઘોડે બેસીને જતો એને સામે મળ્યો. બોઘડ ખૂબ થાકી ગયો હતો. બોઘડને પેલા માણસનો ઘોડો ગમી ગયો. ઘોડો સુંદર, મજબૂત અને ઝડપી ચાલનો હતો. ઘોડા સાથે ભરત ભરેલું જીન હતું.

    બોઘડે મનમાં વિચાર્યું, ‘કેવો મજાનો ઘોડો છે! મારે જો આવો ઘોડો હોય તો સવારી કરવાની કેવી લહેર પડે! ઘડીકમાં તો ક્યાંય પહોંચી જવાય.’ બોઘડની નજર ઘોડા ઉપર ચોંટી ગઈ.

    પેલા માણસે પૂછ્યું, ‘કેમ ભાઈ, ઘોડા સામે શું જુઓ છો? ઘોડો તમને ગમે છે?’ બોઘડે માથું ધુણાવી હા કહી. પેલા માણસે કહ્યું, ‘તો પછી મારા જેવો ઘોડો રાખતા હો તો? તમારે ચાલવું તો ન પડે.’

    બોઘડ કહે, ‘ભાઈ! મારી પાસે કંઈયે નથી એટલે ચાલતા જવું પડે છે. જુઓને હું કેવો થાકી ગયો છું! ચાલી શકાતું પણ નથી. વળી માથે આ બોજો પણ છે.’

    પેલા માણસે પૂછ્યું, ‘આવડું મોટું પોટકું શાનું છે?’

    બોઘડે જવાબ દીધો, ‘એ તો મારા શેઠે મને નોકરીના પગારના રૂપિયા આપ્યા છે એનું પોટકું છે, એના ભારથી તો મારી ડોક રહી ગઈ!’

    પેલા માણસે કહ્યું, ‘તો પછી ચાલો ને આપણે અદલાબદલી કરીએ. હું તમને મારો ઘોડો આપું, તમે મને તમારું પોટકું આપી દો.’

    બોઘડ આ સાંભળીને ખુશ થઈ ગયો. એને થયું : આ બહુ મજાનું! ઘોડા જેવો ઘોડો મળશે. સવારી પણ કરી શકાશે અને વળી આ પોટકાનો ભાર પણ ઉપાડવો મટ્યો.

    બોઘડે હા પાડી એટલે પેલા માણસે એનું રૂપિયાનું પોટકું લઈને બોઘડને ઘોડો આપ્યો અને તરત ચાલતી પકડી.

    જાણે એને પાંખો આવી. બોઘડભાઈને હવે ડર લાગ્યો કે રખે ને ઘોડો પાડી નાખે! ત્યાં તો સાચે જ ઘોડો એને નીચે એક ખાડામાં પછાડીને નાસી છૂટ્યો. બોઘડભાઈનાં તો હાડકાં ભાંગી ગયાં અને હાથ-પગ છોલાઈ ગયા. જેમતેમ કરીને એ બેઠા થયા અને લૂગડાં ખંખેરીને લંગડાતાં લંગડાતાં ચાલવા માંડ્યું. આગળ જઈને એણે ઘોડાને પકડી પાડ્યો અને ફરીને ઘોડા પર બેસીને આગળ ચાલ્યો.

    બોઘડભાઈ ઘોડે ચડીને જતા હતા ત્યાં ગાય લઈને જતો એક ગોવાળ સામો મળ્યો.

    બોઘડભાઈ સખ્ત ભૂખ લાગી હતી. એના પેટમાં કુરકુરિયાં બોલતાં હતાં. એણે ગોવાળને કહ્યું, ‘ભાઈ! મને બહુ ભૂખ લાગી છે. કાંઈ ખાવાનું મળશે?’

    ગોવાળ કહે, ‘મારી પાસે તો કાંઈ નથી પણ દૂધ પીવું હોય તો ગાય દોહી આપું.’ એણે ગાય દોહીને બોઘડને દૂધની તાંસળી ભરી આપી. બોઘડ ફીણવાળું શેડકઢું દૂધ ગટગટાવી ગયો. એને થયું કે, ‘આ ગાય મજાની. ભૂખ લાગે એટલે ટપ દઈને દૂધ દોહી લેવાય. વળી પડવા આખડવાની બીક પણ નહિ. એણે પૂછ્યું, ‘ભાઈ ગોવાળ! મને આ ગાય આપીશ? એને બદલે હું તને મારો ઘોડો આપું.’

    ગોવાળ પોતાની ગાય વેચવા જતો હતો. એને થયું કે વાહ, ગાયને બદલે ઘોડો મળે એવું ક્યાંથી? આ ભોટભાઈ ઠીક ભટકાયા! એણે ટપ દઈને હા પાડી. એણે ગાય બોઘડને આપી અને પોતે ઘોડે ચડીને ચાલતો થયો.

    બોઘડભાઈ પણ ગાયને દોરતાં દોરતાં ચાલવા લાગ્યા. એમ કરતાં સાંજ પડવા આવી ને બોઘડને ફરીથી ભૂખ લાગી. એણે ગાય દોહવા માંડી. પણ દૂધનું એક ટીપું ન પડ્યું. બોઘડભાઈએ ગાય દોહવા માટે ખૂબ માથાકૂટ કરી. અંતે ગાય ખીજાણી અને બોઘડને લાત મારીને નાસી ગઈ. બોઘડ ગબડી પડ્યો.

    પણ એના સારા નસીબે સામેથી બીજો એક ભરવાડ એક ઘેટું લઈને આવતો હતો. એણે ભાગી જતી ગાયને પકડી અને બોઘડને પૂછ્યું, ‘કેમ ભાઈ! આ તારી ગાય છે?’ બોઘડ કહે, ‘હા, મેં હમણાં જ ઘોડો આપીને ગાય લીધી છે. હું તેને દોહવા ગયો કે તેણે મને પછાડ્યો અને ભાગી ગઈ.’

    ભરવાડ કહે, ‘એ ગાય કદીયે દૂધ આપે તેમ નથી.’ બેઘડે પૂછ્યું, ‘ભાઈ! ત્યારે તમે એ ગાય લઈને મને તમારું ઘેટું આપશો?’ ભરવાડે તરત જ હા પાડી અને ગાય લઈને ઘેટું બોઘડને આપ્યું.

    બોઘડ ઘેટું લઈને ચાલવા લાગ્યો. એને થયું, ‘આ ઘેટું ઠીક મળી ગયું. એની ઊન ઉતારીશ અને પછી એનો મજાનો ધાબળો વણીશ. શિયાળો આવશે ત્યારે એ ધાબળો ઓઢીશ એટલે મને જરાય ટાઢ નહિ વાય.’

    આમ વિચાર કરતો કરતો બોઘડ જતો હતો. રસ્તામાં બે ધુતારા સામે મળ્યા. એક જણે બોઘડને પૂછ્યું, ‘આ ઘેટું તમારું છે?’ બોઘડ કહે, ‘મેં હમણાં ગાય આપીને આ ઘેટું લીધું છે.’ બીજો ધુતારો કહે, ‘હં, લાગે છે તો એ જ ઘેટું!’

    બોઘડે પૂછ્યું, ‘કેમ વળી કયું ઘેટું?’ ધુતારો કહે, ‘બાજુના ગામમાંથી આજ સવારે એક ઘેટું ચોરાયું છે અને તે અસલ આના જેવું જ છે. ગામવાળાને ખબર પડશે તો ઘેટું લઈ લેશે અને પોલીસ પાસે લઈ જઈને તને જેલમાં નખાવશે.’

    બોઘડ આ સાંભળીને ગભરાઈ ગયો. એને થયું કે વળી હું ક્યાં ઊલમાંથી ચૂલમાં પડ્યો? ઘેટું જતું હોય તો છો જતું, જેલમાં ન જવું પડે તો સારું. એણે કદીયે જેલનું નામ સાંભળ્યું ન હતું. એ તો બીકનો માર્યો થરથર ધ્રૂજવા લાગ્યો. એણે પેલા ધુતારાને બે હાથ જોડી કહ્યું, ‘ભાઈસા’બ! હું ચોરી વિષે કાંઈ જાણતો નથી. મેં તો ભરવાડ પાસેથી ગાયના બદલામાં લીધું છે. મને ખબર ન હતી કે આ ચોરાયેલું ઘેટું છે. હવે શું થાય?’

    ધુતારાએ જોયું કે બ્રાહ્મણભાઈ ખરેખરા ફોશી છે. એણે દમ મારવા માંડ્યો, ‘બેટમજી! એક તો ચોરી કરવી ને પછી જાણે કાંઈ જાણતો નથી એવો ઢોંગ કરવો છે? પોલીસ કાકા આવીને હાથકડી નાંખી જેલમાં લઈ જશે ત્યારે ખબર પડશે!’

    બોઘડના મોતિયા મરી ગયા. એ કહે, ‘ભાઈસા’બ! ગમે એમ કરો, જોઈએ તો આ ઘેટું લઈ લો, પણ મને આ આફતમાંથી છોડાવો. મને પોલીસની બહુ બીક લાગે છે.’

    પેલા ધુતારાઓને થયું કે, જોયું! બામણો સાવ નરમ ઘેંશ જેવો નીકળ્યો. હવે ઠીક લાગ છે. એમણે કહ્યું, ‘જો ભાઈ, અમારે તો ગામના ફોજદાર સાથે ઓળખાણ છે એટલે સમજાવી દઈશું, પણ હવે કોઈ દિવસ આમ રસ્તામાં કોઈનો માલ લઈશ નહિ.’ એમ કહીને તેઓ બોઘડ પાસેથી ઘેટું લઈને ચાલતા થયા.

    બોઘડ બીચારો ખાલી હાથે ઘેર પહોંચ્યો. એના માબાપને તો એમ કે દીકરો કમાઈધમાઈને સાત વર્ષ પછી ઘેર આવે છે તે કેટલાય રૂપિયા લઈ આવશે. બોઘડને ખાલી હાથે આવેલો જોઈને એના બાપે પૂછ્યું, ‘કેમ બોઘડ! શેઠે આટલાં વર્ષ કામ કરાવ્યું ને રાતી પાઈ પણ ન આપી?’ બોઘડે બધી વાત કરી ત્યારે બાપાના ગુસ્સાનો પાર ન રહ્યો. એ કહે, ‘બોઘડા! તું તો બોઘડનો બોઘડ જ રહ્યો. આવડો મોટો થયો તોય તારામાં છાંટોય અક્કલ ન આવી!’

    બોઘડભાઈ શું બોલે?

સ્રોત

  • પુસ્તક : અમર બાલકથાઓ (પૃષ્ઠ ક્રમાંક 314)
  • સંપાદક : શ્રદ્ધા ત્રિવેદી
  • પ્રકાશક : આર.આર. શેઠ ઍન્ડ કંપની પ્રા. લિ.
  • વર્ષ : 2020