Karamni Saja - Children Stories | RekhtaGujarati

રેખ્તા ગુજરાતી ઉત્સવ - 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો

રજિસ્ટ્રેશન કરો

કરમની સજા

Karamni Saja

યશવંત કડીકર યશવંત કડીકર
કરમની સજા
યશવંત કડીકર

    એક ગામમાં ખૂબ જ સારા માણસો રહેતા હતા. બધાની પાસે સુંદર મકાન હતાં. ગામમાં બાગબગીચા હતા. ગામમાં નિશાળ પણ હતી. લોકોનું જીવન બધી રીતે સુખી હતું. આ ગામમાં એક વૃદ્ધ જાદુગર અને તેનો ચેલો રહેતા હતા.

    વૃદ્ધ જાદુગર ખૂબ જ સારા સ્વભાવનો માનવી હતો. કદી કોઈનું ખરાબ ઇચ્છતો ન હતો. બાળકોને તો ખૂબ જ પ્યાર કરતો હતો. જ્યારે જ્યારે બાળકો એની પાસે જતાં તો એ પોતાના જાદુથી નવી નવી વસ્તુ બનાવીને એને આપતો. સાંજે બાળકોને ભેગાં કરી જાદુની જાત જાતની વાતો કહેતો. બાળકો એને ‘ચાચા’ કહેતાં.

    એક દિવસ આ વૃદ્ધ જાદુગર બીમાર પડી ગયો. દિવસે દિવસે એની તબિયત વધારે બગડતી ગઈ. એને થયું કે એની અંતિમ ઘડી આવી પહોંચી છે. એણે એના ચેલાને બોલાવીને કહ્યું : “બેટા, મેં તને મારો બધો જાદુ શિખવાડી દીધો છે. હવે તું કાબેલ થઈ ગયો છે. મારા મૃત્યુ પછી તું લોકોનું કલ્યાણ કરજે. કોઈ પણ પ્રાણીનું ખરાબ ન ઇચ્છીશ. મારી આ વાત યાદ રાખજે. જ્યારે પણ તારી આ શક્તિનો દુરુપયોગ કરીશ ત્યારે તારે પસ્તાવું પડશે.” – આટલું કહી વૃદ્ધ જાદુગર મૃત્યુ પામ્યો. ચેલાએ ગામમાં બધાને જાણ કરી. આખું ગામ ભેગું થયું. બધાને ખૂબ જ દુઃખ થયું.

    થોડા સમય પછી આ નાના જાદુગરે ગુરુનું કામકાજ સંભાળી લીધું. વૃદ્ધની જેમ તે પણ ગામલોકોને ખૂબ જ ચાહતો હતો. બાળકોને એની જેમ જ વહાલ કરતો હતો. ગામલોકો પણ એનાથી ખુશ હતા. અને એને ચાહતા હતા. સાંજ પડે ત્યારે એ ગામનાં બાળકોને ભેગાં કરતો. પછી કોઈ પણ વસ્તુનો ફોટો બનાવી એની સામે આંખ બંધ કરીને બેસી જતો. મંત્ર ભણી ભણીને ફોટા ઉપર ફૂંક મારતો. થોડી જ વારમાં એના જાદુથી ફોટાની વસ્તુ સાચી બની જતી. બાળકો આ જોઈ ખુશ થતાં. તે આનંદથી તાલીઓ પાડતાં. આ ખેલ રોજ થતો.

    એક દિવસ આ જાદુગરે સુંદર રાજકુમારીનો ફોટો બનાવ્યો. એના પર મંત્ર ભણીને ફૂંક મારી, થોડી જ વારમાં એની સામે સુંદર રાજકુમારી આવીને ઊભી થઈ ગઈ. જાદુગર રાજકુમારીને મેળવીને ખૂબ જ રાજી થયો. એને સરસ મીઠાઈ ખવડાવી. પછી તો એણે એની સાથે લગ્ન પણ કરી લીધાં. લગ્નના દિવસે એણે આખા ગામને જમાડ્યું. બધાંએ જાદુની મીઠાઈ ખાધી.

    લગ્ન પછી રાજકુમારીએ પોતાને રહેવા માટે મહેલ માંગ્યો. અને પોતાની સેવા માટે નોકરચાકર. જાદુગરે કહ્યું : “હું ગામમાં રહી રાજમહેલ ન બનાવી શકું, કારણ મારા ગુરુએ કહ્યું હતું કે ગામમાં ગામવાળાની જેમ જ રહેજે.” આ સાંભળી રાજકુમારી રડવા લાગી અને બોલી : “તમે મારી વાત નહીં માનો તો હું ચાલી જઈશ.”

    રાજકુમારીની વાત સાંભળી જાદુગર ગભરાયો. એણે રાજકુમારીના કીધા પ્રમાણે એક મહેલનો ફોટો બનાવ્યો. પછી મંત્ર ભણ્યો તો સરસ મહેલ બની ગયો.

    હવે રાજકુમારીએ જાદુગરને ગામલોકોને કાંઈ પણ આપવાની ના પાડી દીધી. તે પોતાને માટે જ જાત જાતની વસ્તુઓ માગતી રહી. ગામલોકો પણ જાદુગરથી નાખુશ રહેવા લાગ્યા, કારણ રાજકુમારીના ચક્કરમાં એ ખૂબ જ બદલાઈ ગયો હતો. વિના કારણે તે ગામલોકોને હેરાન કરવા લાગ્યો. રાજકુમારી ગામલોકોને નફરત કરતી હતી. જાદુગરની બીકે લોકો એને કશું કહેતા નહીં ને લોકો કરી પણ શું શકે? એમનું જીવન જ અવ્યવસ્થિત થઈ ગયું હતું.

    એક દિવસ ગામમાં એક સાધુ મહારાજ આવ્યા. એમણે કહ્યું : “હું જાણું છું કે તમે લોકો દુઃખી છો. હું તમને એક રાક્ષસનો ફોટો આપું છું. કાલે જાદુગર રોજની જેમ ગામના પાદરે ફોટાને મંત્ર ભણીને જીવતો કરશે. જ્યારે એ આંખ બંધ કરીને મંત્ર ભણે ત્યારે તમારામાંથી કોઈ એક જળ રાક્ષસનો ફોટો ત્યાં મૂકી દેજો. બાકીનું કાર્ય હું પૂરું કરીશ. તમે બધા દૂરથી જોતા રહેજો.”

    જાદુગરની સામે ફોટો મૂકવા માટે સાધુએ એક સમજદાર યુવાનને પસંદ કર્યો.

    બીજા દિવસે પેલો યુવાન રાક્ષસનો ફોટો લઈને ગામના પાદરે ગયો. ત્યાં ઝાડની પાછળ લપાઈ ગયો અને જાદુગરની રાહ જોવા લાગ્યો. થોડી જ વારમાં જાદુગર ઊડતા ઘોડાનો ફોટો લઈને ત્યાં આવી પહોંચ્યો. ફોટો સામે મૂકીને બેસી ગયો. પછી આંખો બંધ કરીને મંત્ર ભણવા લાગ્યો. યુવકે તક જી ઊડતા ઘોડાનો ફોટો ઉઠાવી લઈ એની જગ્યાએ રાક્ષસનો ફોટો મૂકી દીધો.

    થોડી વાર પછી મંત્ર ભણી જાદુગરે ફોટા પર ફૂંક મારી. થોડી જ વારમાં ત્યાં એક ભયંકર રાક્ષસ આવી ઊભો થઈ ગયો. રાક્ષસને જોઈ જાદુગર નાસવા લાગ્યો, પણ રાક્ષસે તેને ઉપાડીને દૂર ફેંકી દીધો. જાદુગર મૃત્યુ પામ્યો. એ ઘડીએ જાદુથી બનેલી બધી વસ્તુઓ ફોટાના રૂપમાં ફેરવાઈ ગઈ.

    ગામલોકોને હવે રાક્ષસનો ડર લાગતો હતો. સાધુ મહારાજ રાક્ષસ પાસે ગયા. એમણે એક ડોલમાં રાક્ષસને પીવા માટે કાંઈક આપ્યું. એ પીતાં જ રાક્ષસ આકાશમાં ઊડી ગયો. તે ક્યાં ગયો તેની કોઈને કશી ખબર ન પડી.

    સાધુ મહારાજ બોલ્યા : “આ રાક્ષસ મારા હુકમ સિવાય કાંઈ કામ નથી કરતો, તે ખરાબ માણસોને ધિક્કારે છે અને સારા માણસોને કદી હેરાન કરતો નથી. તમે હવે બેફિકર રહો.”

    સાધુ મહારાજ ચાલ્યા ગયા. લોકોને એવો ખ્યાલ હતો કે, આ સાધુ મહારાજ વૃદ્ધ જાદુગરનો જ આત્મા હતા. તે એમના શિષ્યને સજા કરવા માટે જ આવ્યા હતા.

સ્રોત

  • પુસ્તક : અમર બાલકથાઓ (પૃષ્ઠ ક્રમાંક 363)
  • સંપાદક : શ્રદ્ધા ત્રિવેદી
  • પ્રકાશક : આર.આર. શેઠ ઍન્ડ કંપની પ્રા. લિ.
  • વર્ષ : 2020