રેખ્તા ગુજરાતી ઉત્સવ - 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો
રજિસ્ટ્રેશન કરોએક હતું ગામ. તેમાં નળનું નહોતું નામ. તેથી બધી જ સ્ત્રીઓ ગામમાં એક કૂવો હતો, તેમાંથી પાણી ભરતી હતી. એ ગામમાં એક કુટુંબ રહેતું હતું : વિમુ, નિમુ, કમુ અને તેમનાં મમ્મી-પપ્પા.
એક વખત આ ત્રણે દીકરીઓ વિમુ, નિમુ અને કમુ કૂવેથી પાણી ભરીને આવતી હતી અને ગીત ગાતી હતી :
માથા ઉપર હાંડો
અને હાંડા ઉપર ઘડો,
તોય હું તો હરખું
જાણે ઊંચક્યો ફૂલદડો!
ત્યારે અચાનક એક કાગડો વિમુને માથે રહેલા ઘડા ઉપર બેઠો. બિચારાને બહુ તરસ લાગી હતી. પણ વિમુએ તો ‘હુશ-હુશ-’ કરીને ઉડાડી મૂક્યો. એટલે કાગડો બેઠો નિમુને ઘડે. નિમુએ પણ પોતાના હાંડા ઉપર પોતાનો હાથ ભટકાડીને કાગડાને ઉડાડી મૂક્યો, એટલે કાગડો બેઠો કમુને ઘડે. કમુ કહે :
‘બેસ બેસ ભાઈ, નિરાંતે પાણી પી. ભલે મારો ઘડો એઠો થાય. ઘરે જઈ ઘડાનું પાણી પંખીની પરબમાં અને કૂતરાની પરબમાં નાખી દઈશ. તું તારે પી કાગડાભાઈ, તરસ્યાને કાંઈ ના પડાય? પી, પી. ભાઈ! પેટ ભરીને પી.’
કાગડો તો થઈ ગયો રાજીના રેડ. ઘટુક-ઘટુક-ઘટુક કરતો શાંતિથી પાણી પીને કાગડો બોલ્યો, ‘બહેન, તેં મને ભાઈ કહ્યો! તો હવેથી તું મારી બહેન, મને બહુ સરસ લાગી હતી. તેં મને પાણી પીવા ન દીઘું હોત, ત હું મરી જાત. તારું નામ શું છે, બહેન?’
‘મારું નામ કમુ, તમારું નામ શું છે, કાગડાભાઈ!’
‘મારું નામ કલુ.’
પછી ત કલુ કાગડો પાંખો ફફડાવતો-ફફડાવતો ઊડી ગયો.
ત્રણેય છોકરીઓ ઘેર ગઈ. પાણિયારે જઈને વિમુએ હેલ નીચે ઉતારી તો હેલમાં પાણી જ ન મળે. ઘડો આખો રેતીથી ભરેલો અને હાંડો પણ રેતીથી ભરેલો. વિમુને નવાઈ લાગી :
‘ભરવા ગ્યાં’તાં પાણી,
પણ નીકળ્યાં ધૂળધાણી.’
પાણિયારે જઈને નિમુએ પણ હેલ નીચે ઉતારી તો તેય ડઘાઈ ગઈ, કારણ રે તેના હાંડામાં અને ઘડામાં પણ પાણી ન હતું. પણ પાણીને બદલે કાંકરા અને ધૂળનાં ઢેફાં હતાં. લે બોલ!
‘ભરવાં ગ્યાં’તાં પાણી,
પણ નીકળ્યાં ધૂળધાણી.’
વિમુ અને નિમુ તો ભાર ઉપાડી થાકી ગયેલી. તે ધબ દઈને નીચે બેસી પડી અને મંડી રોવા:
‘ભરાવા ગ્યાં’તાં પાણી,
પણ નીકળ્યાં ધૂળધાણી.’
પાણિયારે જઈને કમુએ પણ હેલ નીચે ઉતારી અને એની નવાઈનો તો પાર ન રહ્યો. તેનો હાંડો નિર્મલ નીરથી ભર્યો હતો, પણ તેનો ઘડો સોનામહોરો અને હીરાઓથી ભરેલો હતો. અરે, આખી હેલ જ તાંબાની મટીને સોનાની થઈ ગયેલી. કમુના હરખનો તો પાર ન રહ્યો :
‘ભરવા ગ્યાં’તાં પાણી
ને પામ્યાં ખૂબ કમાણી.’
પછી તો એના બાપુજીએ કમુને પરણાવી. તે તેને સાસરે ગઈ. તેના બાપુજીએ તેને ધનથી ભરેલો પેલો સોનાનો ઘડો અને સોનાનો હાંડો પણ સાથે આપી દીધો હતો. કમુએ તો તેમાંથી મોટો મહેલ બંધાવ્યો. મહેલ ને માળિયા, બાગ-બગીચા. ઘરે તો નોકર-ચાકર અને રસોઇયા. કમુ તો બગીચામાં એક હીંચકો બનાવેલો તેની ઉપર બેઠી-બેઠી હીંચક્યા જ કરે, હીંચક્યા જ કરે, હીંચક્યા જ કરે :
‘ભરવા ગઈ’તી પાણી
ને થઈ ગઈ મોટી રાણી.’
એમ કરતાં-કરતાં તો ઘણાં વર્ષો વહી ગયાં. કમુના ઠાઠમાઠ અને દોરદમામનો તો પાર નહોતો રહ્યો, કમુ તો મોટરમાં ફરવા નીકળે ત્યારે કોઈની સામુંય ન જુએ. હવે તેને માથે પાણીનાં બેડાં નહોતાં ચડતાં પણ અભિમાનનાં બેડાં ચડતાં હતાં. કમુ રાણી થઈ અને શાણી મટી ગઈ.
‘ભરવા ગઈ’તી પાણી,
ને થઈ ગઈ મોટી રાણી.
થઈ ગઈ મોટી રાણી,
ને મટી ગઈ એ શાણી.’
એક વખત કલુ કાગડાને બહેનને મળવાનું મન થયું. ઊડતો ઊડતો તે તો ગયા કમુને મહેલે. ઊડીઊડીને બહુ થાકી ગયો, એટલે તેને તો લાગી ગઈ તરસ. મહેલની આસપાસ ઊડીઊડીને એણે પંખીની પરબ શોધી, બગીચાનાં ઝાડવાંઓની ડાળે શોધી; મહેલની અગાશીની વંડીએ શોધી, પણ ક્યાંય ન જડી. તેથી કલુ તો કમુના રસોઈઘરની બારીએ બેઠો અને થાક ઊતર્યા પછી અંદર જઈ પાણિયારાના ઘડામાં ચાંચ બોળવા જતો હતો ત્યાં જ કમુએ તેને જોયો અને હુશ હુશ કરીને ઉડાડી દીધો. ઘડા પર રકાબી ઢાંકી દીધી. કાગડાભાઈને તો બહુ ખરાબ લાગ્યું. બહેન પોતાને ઓળખીય ન શકી તે ખ્યાલે તો એ રોઉં રોઉં થઈ ગયો.
થોડી વાર થઈ ત્યાં પાણિયારા પર મૂકેલા ઘડામાંથી ભડકા નીકળવા માંડ્યા અને લાગી ગઈ આગ અને ઘડીવારમાં તો બધું ભડભડ બળવા માંડ્યું. આખો મહેલ બળી ગયો અને થઈ ગયો રાખનો ઢગલો. કમુ તો રહરહ રડવા લાગી. એ તો પાછી થઈ ગઈ ગરીબ. નોકરચાકર ચાલ્યા ગયા. દોરદમામ ખરી પડ્યો અને કમુને માથે પાછી પાણીની હેલ ચડવા માંડી.
એક વખત કમુ પાણીની હેલ લઈ ઘેર આવતી હતી, ત્યાં એક તરસ્યો કાગડો ઘડા ઉપર આવીને બેઠો. કમુ કહે :
‘પી ભાઈ! પી.
તરસ્યાંને પાણીડાં પાઉં,
ભૂખ્યાંને ખવડાઉં;
રાણી મટીને દાસી થઈ,
હું માણસ રહું તો હાઉં.’
કાગડો ઘટુક-ઘટુક પાણી પીને પછી બોલ્યો :
‘કમુબહેન! મને ઓળખ્યો? હું તમારો ભાઈ કલુ.’
કમુએ તો કલુને તેડી લીધો. તેને ભેટી પડી. કલુ કહે :
‘બહેન, પાલવ પહોળો કર,’
કમુએ પાલવ પહોળો કર્યો અને કલુએ પોતાની એક પાંખ ખંખેરી, તો તેમાંથી હીરા-હીરા-હીરા વરસ્યા. પછી બીજી પાંખ ખંખેરી તો તેમાંથી સોનામહોરોના ઢગલા વરસ્યા. કમુને તો ફરીથી ધન મળ્યુ. પણ કમુ આ વખતે વધુ શાણી થઈ ગઈ હતી. તે કહે, ‘કાગડાભાઈ, કલુભાઈ, મહેલ બનાવીને રહું તો પાછાં મારે માથે અભિમાનનાં બેડાં ચડવા માંડે, તેથી મારે તો જરૂર પૂરતું એક નાનકડું ઘર જ બનાવવું છે. બાકીના ધનમાંથી મારે ઘર વિનાનાં બાપડાં ગરીબ માણસો માટે નાનાં-નાનાં અનેક ઘર બનાવવાં છે.’
કાગડાભાઈએ તો કો-કો-કો કર્યું અને અચાનક ઘણાબધા કડિયા-દાડિયા હાજર થઈ ગયા. કો-કો-કો કર્યુ અને રેતીના ખટારા, સિમેન્ટની ગૂણો વગેરે બધું હાજર થઈ ગયું અને થોડે દિવસે, એક વખત જ્યાં કમુનો મહેલ ઊભો હતો, ત્યાં નાનાં-નાનાં ઘણાંબધાં ઘરોની એક વસાહત ઊભી થઈ ગઈ. તેનું નામ રાખ્યું ‘કલુ-નગર’.
એક દવાખાનું પણ બન્યું. તેનું નામ : ‘કલુ-દવાખાનું’. પશુઓ માટે પાણી પીવાનો એક હવાડો બંધાવ્યો. નામ રાખ્યું : ‘કલુ-પરબ’. પંખીઓ માટે ચબૂતરા બંધાવ્યા. ઘણાંબધાં ઝાડવાં ઉગાડ્યાં અને ઝાડે-ઝાડે પરબડી બાંધી. વચમાં ગામનાં બાળકો માટે એક નાનો બાગ બનાવરાવ્યો અને એક નાની નિશાળ બનાવરાવી. નામ રાખ્યું : ‘કલુ-કુંજ’ અને કલુ-કુંજમાં એક મોટા પથ્થર પર કોતરાવ્યું :
‘તરસ્યાંને પાણીડાં પાઉં,
ભૂખ્યાંને ખવડાઉં;
રાણી મટીને દાસી થઈ,
હું માણસ રહું તો હાંઉં.’
બાલમિત્રો, તમને આ કલુ કાગડો મળી જાય અને તમને તે ખૂ..બ ખૂ..બ પૈસા આપી જાય, તો તમે તે પૈસાનું શું કરો?
સ્રોત
- પુસ્તક : રક્ષાબહેન દવેની શ્રેષ્ઠ બાળવાર્તાઓ (પૃષ્ઠ ક્રમાંક 17)
- સંપાદક : યશવન્ત મહેતા, શ્રદ્ધા ત્રિવેદી
- પ્રકાશક : ગૂર્જર ગ્રંથરત્ન કાર્યાલય
- વર્ષ : 2023