Kaluji Kagdo Nishale Chalyo - Children Stories | RekhtaGujarati

રેખ્તા ગુજરાતી ઉત્સવ - 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો

રજિસ્ટ્રેશન કરો

કાળુજી કાગડો નિશાળે ચાલ્યો

Kaluji Kagdo Nishale Chalyo

યશવંત મહેતા યશવંત મહેતા
કાળુજી કાગડો નિશાળે ચાલ્યો
યશવંત મહેતા

    કાળુજી કાગડો કાલબાદેવીમાં કિલ્લોલ કરતો.

    ઘણાં વરસોથી એ કાલબાદેવીના માળાઓ અને મહેલોમાં ફરતો રહેતો. લોકોની બાલ્કનીઓમાંથી ખાવાનું ઝાપટતો. કદીક રસોડામાં સુધ્ધાં પેસી જતો.

    કાળુજી હિંમતવાળો હતો.

    કાળુજી ચતુર હતો.

    કાંઈક પણ નવું નવું જણાવાનું મળે તો મેળવી લેવા સદાય તૈયાર રહેતો. એટલે જ આટલાં વરસોથી એ સુખશાંતિથી જીવ્તો હતો. એને મારવા ફરનારની ઝપટમાં આવ્યો નહોતો.

    એક વહેલી સવારે એ કાલબાદેવીની મરિયમ બીબીની ચાલીમાં ઊડતો હતો. ઠીકઠીક પેટ ભર્યા પછી એક પીપળાના ઝાડ પર એ બેઠો હતો. છેક ઊંચી ડાળીએ તે બેઠો હતો. અહીં બેઠાંબેઠાં એણે એક અજાયબ વાત જોઈ : બારેક વરસનો એક છોકરો છાપું વાંચતો હતો!

    કાળુજીને ખબર હતી કે છાપામાં ગાંઠિયા બંધાય. છાપામાં બિસ્કિટ બંધાય. ક્યારેક ફ્રુટ પણ બંધાય. પણ નાનાનાના છોકરા છાપું ધ્યાનથી વાંચે એ તો નવાઈની વાત! કાળુજીને નવાઈ લાગી. છોકરો આટલું બધું વાંચીને શું કરશે? છાપું વાંચવાના શા લાભ?

    કાળુજી કાગડો આવું બધું વિચારતો હતો, ત્યાં એ બાબાના ડેડીએ કહ્યું, “દીપકા પપ્પુ! આજે ટીચર તને સામાન્ય જ્ઞાનના સવાલ પૂછવાના છે, ખબર છે ને? તું તૈયાર છે?”

    પપ્પુ કહે, “હા, ડેડી! હું ઘણાં મહિનાઓથી એ માટે જ રોજનાં છાપાં વાંચું છું.”

    કાળુજીને જિજ્ઞાસા થઈ. પપ્પુના ટીચર એને શું પૂછશે? પપ્પુ એના શા જવાબ આપશે? એણે પપ્પુની પાછળ-પાછળ નિશાળે જવાનું નક્કી કર્યું. પપ્પુ ઘરેથી નિશાળે જવા નીકળ્યો, એવો જ કાળુજી એની ઉપર ઊડવા લાગ્યો.

    પપ્પુની નિશાળ નજીકમાં જ હતી. આ આંગણાંમાં પણ ઊંચાં ઝાડ હતાં. પપ્પુના વર્ગ પાસે જ એક ઝાડની ડાળી હતી. ત્યાં વર્ગની ખુલ્લી બારી પાસે, એક ડાળી પર કાળુ બેસી ગયો. નિશાળિયાઓને અને શિક્ષકને જોતો રહ્યો.

    પહેલો જ તાસ સામાન્ય જ્ઞાનનો હતો. પપ્પુએ તો ફટાફટ માહિતી આપવા માંડી. દેશના વડા પ્રધાન કોણ છે? હિન્દનો ક્યો ઉપગ્રહ ટીવી પ્રસારણ કરે છે? ઑલિમ્પિક હરીફોમાં સૌથી વધુ ચન્દ્રક કોણે મેળવ્યા? કઈ વિજ્ઞાની મહિલાને બબ્બે નોબેલ ઇનામ મળ્યાં છે? ‘ગીતાંજલિ’ કાવ્યસંગ્રહના કવિ કોણ? આજકાલ દુનિયામાં શું ચાલી રહ્યું છે? ...સવાલો જ સવાલો! એમના જવાબો પપ્પુની જીભને ટેરવે.

    બસ, કાળુજી કાગડાને પપ્પુની હોશિયારીનો ભેદ મળી ગયો. પપ્પુડો નિશાળે જવાથી ચતુર બની ગયો છે!

    કાળુજીએ નક્કી કર્યું કે મારે પણ ભણવું. મારે પણ લખતાં-વાંચતાં શીખવું. છાપાં વાંચવાં. અને એ દરરોજ આ નિશાળે આવવા લાગ્યો. કદીક એક ડાળીએ બેસે, કદીક બીજી ડાળીએ બેસે. કદીક બાલમંદિર પાસેની બારીએ બેસે, કદીક બીજા ધોરણની બારીએ જઈ કાન માંડે.

    ભણતરની ઘૂનમાં એ એવો તો મગન થઈ ગયો કે બીજા કાગડાઓની દોસ્તી પણ એણે છોડી દીધી. અરે, એના જિગરજાન દોસ્ત બાડુજી કાગડાનેય મળવાનું ઓછું કરી નાખ્યું. એક આંખે બાડો હોવાથી બાડુજી કહેવાતો એ કાગડો કાળુજીની મશ્કરી કરવા લાગ્યો. એને ‘ભણેશરી’ અને ‘કાકપંડિત’ ને એવાંએવાં મહેણાં મારવા લાગ્યો.

    પણ કાળુજી મક્કમ મનનો હતો. એણે તો ભણવાનું ચાલુ જ રાખ્યું. ગુજરાતી, અંગ્રેજી, હિન્દી, ગણિય, વિજ્ઞાન બધું ભણવા માંડ્યું. હવે ક્યાંય એને રસ્તે પડેલું સફરજન ખાવા મળે તો તરત જ એ બોલી ઊઠતો : ‘ઍન ઍપલ એ ડે, કીપ્સ ડૉક્ટર અવે!’ કદીક રાજાબાઈ ટાવર પાસેથી બપોરની વેળા પસાર થતો તો પોકારતો : ‘અજી, યે તો બારહ બજ ગયે!’ અને ક્યારેક વરસાદી મોસમમાં વાદળાં ગરજે તો એ ગાવા લાગતો : ‘અષાઢી મેઘનાં અંબર ગાજે; અંબર ગાજે મેઘાડંબર ગાજે...’

    હવે તો એ રસ્તાઓનાં નામ અને દુકાનોનાં પાટિયાં પણ વાંચી શકતો. કાવસજી પટેલ સ્ટ્રીટ, ફરેદુન ઈરાની સ્ટ્રીટ, કાયાજી ચૌહાણ માર્ગ, દીનશા પીટીટ રોડ, અમર જવેલરી માર્ટ... વગેરે. અને ક્યાં સારું ખાવાનું મળશે એ પણ પાટિયાં જોઈને એ સમજી જતો કે અહીં કાંઈક તો ખાવા મળશે. જ આથી ખોરાકની શોધમાં ભટકવાનુંય ઓછું થઈ ગયું હતું.

    એક દહાડો બાડુજી અને કાળુજી એક ઊંચા મકાન પરથી ઊડી રહ્યા હતા. એ મકાન ઉપર વાયરોનાં ગૂંચળાં ને બાંધેલા તાર વગેરે ઘણુંઘણું ફેલાયેલું હતું. એ વેળા બાડુજી કાળુજીને ભણતરની ભૂલ વિશે ભાષણ આપતો હતો. ભણીગણીને દિમાગ ભારે બવાવવા સામે એને ભારોભાર રોષ હતો.

    બાડુજી આવી વાતોમાં મશગૂલ હતો એટલે જ એક ઠેકાણે લગાવેલા પાટિયાને એણે જોયું નહિ. વાયરોના એક ગૂંચળા તરફ જ એ ધસવા લાગ્યો.

    પણ કાળુજીએ વીજળીવેગે ઊડીને એને ધક્કો મારી દીધો. પેલા ગૂંચળાથી એને દૂર ધકેલી દીધો.

    હવે બાડુજી ગુસ્સે થયો, “મને કેમ ધક્કો માર્યો?”

    કાળુજી કહે, “ભલા આદમી, તારો જાન બચાવવા ધક્કો માર્યો છે. ત્યાં પેલા ગૂંચળા પાસે લગાવેલ પાટિયું જો. એમાં શું લખ્યું છે. ખબર છે?”

    બાડુકા કહે, “મેં તો કાળા અક્ષર કુહાડે માર્યા છે.”

    કાળુજી કહે, “ત્યાં લખ્યું છે : ડેન્જર! હાઈ વૉલ્ટેજ! એ વાયરોને અડતાં જ તું ભડકો થઈ ઊઠે. એમાં વીજળી વહે છે!”

    આ સાંભળતાં જ બાડુજી શિયાવિયા થઈ ગયો. ઘણી વાર સુધી મૂંગોમૂંગો ઊડતો રહ્યો. પછી બોલ્યો, “કાળુજી, કાલથી મનેયે પપ્પુભાઈની નિશાળે લઈ જજે.”

સ્રોત

  • પુસ્તક : યશવન્ત મહેતાની શ્રેષ્ઠ બાળવાર્તાઓ (પૃષ્ઠ ક્રમાંક 47)
  • સંપાદક : યશવન્ત મહેતા, શ્રદ્ધા ત્રિવેદી
  • પ્રકાશક : ગૂર્જર ગ્રંથરત્ન કાર્યાલય
  • વર્ષ : 2024