Kaho Joiae : Kon Chatur? - Children Stories | RekhtaGujarati

રેખ્તા ગુજરાતી ઉત્સવ - 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો

રજિસ્ટ્રેશન કરો

કહો જોઈએ : કોણ ચતુર?

Kaho Joiae : Kon Chatur?

ઈશ્વર પરમાર ઈશ્વર પરમાર
કહો જોઈએ : કોણ ચતુર?
ઈશ્વર પરમાર

    એક હતા કાગડાભાઈ. એમણે એક પૂરી મેળવી. એક ચતુર શિયાળભાઈએ એમના કંઠનાં વખાણ કરીને એ પૂરી તો પડાવી લીધી. ફૂલણજી કાગડાભાઈની ચાંચ તો ખુલ્લી જ રહી ગઈ!

    વહાલાં બાળકો, આ વાત તો તમે બધાં સારી પેઠે જાણો છો ને? પછી આગળ શું થયું તે જાણવા અને સમજવા તૈયાર છો ને?

    પછી શિયાળભાઈ તો વનરાજની માફક ધીમે ધીમે જંગલ તરફ જતા હતા અને બિચારા કાગડાભાઈ એમની ઉપર ને ઉપર ઊડતા જતા હતા અને પોતાની પૂરી પાછી કેમ મેળવવી તે વિચારતા જતા હતા. એમણે દૂરના એક ઝાડ પર વાંદરાભાઈને બેઠેલા જોયા.

    કાગડાભાઈને તરત યાદ આવી ગયું કે પોતે જે ઘરમાંથી પૂરી તફડાવી લીધી હતી તે જ ઘરમાંથી પેલા વાંદરભાઈ ખીરનો એક પડિયો ઉઠાવીને જંગલ તરફ નાસી ગયા હતા.

    કાગડાભાઈને થયું : વાંદરાભાઈ મને જરૂર મદદ કરશે. એ તો શિયાળભાઈને પાછળ રાખીને ફટ ફટ પાંખો ફફડાવતા ઝટપટ એમની પાસે પહોંચી જઈને કહે : ‘એ... રામ રામ વાંદરાભાઈ!

    વાંદરાભાઈ કહે : ‘રામ રામ!’

    કાગડાભાઈ કહે : ‘વાંદરાભાઈ, તમે ખાલી ખીર જ ખાઓ છો? ખીરની ખરી મજા તો પૂરી સાથે જ જામે, હોં કે?’

    વાંદરાભાઈ કહે : ‘વાત તો તમારી સાચી; પણ તમે તો જાણો છો ને કે ખીર પણ માંડ હાથ લાગી છે; હવે પૂરી તો કેમ પામીએ?’

    કાગડાભાઈ કહે : ‘પૂરી તો હું તમને અપાવીશ, પણ બદલામાં મને થોડી ખીર ચાખવા આપવાની હોં કે?’

    વાંદરાભાઈને થયું કે પોતાને વગર જોખમે પૂરી મળે એમ છે અને પૂરી ન મળે તોયે ખીર તો પોતાના હાથમાં સલામત જ છે. એમણે હા પાડી એટલે કાગડાભાઈએ વાત મૂકી :

    ‘જુઓ વાંદરાભાઈ, પેલા શિયાળભાઈ આવે છે ને તે આમ તો ચતુર છે પણ સાથે સાથે કદાચ લોભી પણ છે. એમને હું તમારી પાસે મોકલું છું. તમે એમની જોડે વાતો કરવી ચાલુ રાખજો. બાકીનું કામ હું સંભાળી લઈશ.’

    પછી કાગડાભાઈ પાછા ફટફટ પાંખો ફફડાવતા ઝટપટ શિયાળભાઈ ઉપર આવી જઈને કહે : ‘ચતુરરાજ, જરા ઊભા રહો તો તમારા લાભની એક વાત કહું.’

    શિયાળભાઈ પડખે પૂરી રાખીને કહે : ‘મને તો કેવળ મારા જ લાભમાં રસ છે; લાભની વાત હોય તો મને ઝટ કહો; નહિતર મને સમય નથી.’

    એની સામેના ઝાડ ઉપર બેસીને કાગડાભાઈ કહે : ‘ચતુરરાજ, મારા જેવા પામર પંખીનેય ખાલી પૂરી ગળે ઊતરતી નથી; તો તમે એ કેમ કરીને ખાશો?’

    શિયાળભાઈ કહે : ‘વાત તો તમારી સાચી; પરંતુ આ પૂરી તો તમને ફુલાવી ફુલાવીને હાથ કરી છે; ખીર માટે હવે મારે કોને ફુલાવવા જેવું છે?’

    કાગડાભાઈ કહે : ‘પેલા વાંદરાભાઈ છે ને, એમની પાસે ખીર છે. તમે એમને ભગતરાજ કહેશો એટલે એ તો રાજીના રેડ થઈ જશે.’

    શિયાળબાઈ કહે : ‘એ ભગતરાજને ખીરના બદલામાં હું પૂરીબૂરી કંઈ નહિ આપું હોં! હવે જોજો મારી ચતુરાઈ!’

    એ તો મોંમાં પૂરી લઈને ચાલતા થયા વાંદરાભાઈ પાસે. પાછળ કાગડાભાઈ ઊડતા જાય. વાંદરાભાઈ બેઠા હતા તે ઝાડના થડ પાસે પૂરી રાખીને ચતુર શિયાળભાઈએ ખુશામત શરૂ કરી : ‘એ રામ... રામ... ભગતરાજ! રામ-ધૂન ચાલે છે કે શું?’

    વાંદરાભાઈ તો શિયાળની વાટ જ જોતા હતા. એ કહે : ‘એ રામ...રામ... હું તો ઉગમણે મોઢે બેસીની રામ-નામ લઉં છું. તમે જરા આ બાજુ આવો ને, શિયાળભાઈ?’

    શિયાળભાઈ એમની વાત માનીને તે તરફ ગયા. વાંદરાભાઈ કહે : ‘આવો ભાઈ, બોલો તમારી શું સેવા કરું?’

    શિયાળભાઈ કહે : ‘ભગતરાજ, તમને તે કંઈ તકલીફ અપાય? થોડો પરસાદ આપો એટલે બસ.’

    વાંદરાભાઈ કહે : ‘પરસાદની તો કંઈ ના પડાય? પણ તમે એ લેશો શામાં?’

    શિયાળભાઈ કહે : ‘ભગતરાજ, મારી પાસે એક પૂરી છે; એમાં પરસાદ ભરી આપશો?’

    વાંદરાભાઈ કહે : ‘ભલે ભાઈ, લાવો પૂરી એટલે એમાં પરસાદ ભરી આપું.’

    શિયાળભાઈ ઝટ ગયા ઝાડના થડ પાસે પોતાની પૂરી લેવા. જોયું તો પૂરી ગુમ! ઝાડ ઉપર જોયું તો વાંદરાભાઈની જોડે પેલા કાગડાભાઈ ચાંચમાં પૂરી લઈને બેઠા હતા!

    શિયાળભાઈ બધી ચાલાકી સમજી ગયા. બગડેલી બાજી સુધારવા  કાગડાભાઈને કહે : ‘તમારો કંઠ તો ખીર જેવો મીઠો છે. હોં કાગડાભાઈ!’

    પૂરી પગ નીચે દબાવીને કાગડાભાઈ કહે : ‘ચતુરરાજ, એકની એક ભૂલ ફરી વાર કરે તે તો મોટો મૂરખ કહેવાય, તમે આટલા ચતુર છતાંય પૂરી ખોઈ બેઠા એ તો નવાઈ જેવું કહેવાય!’

    ખીરનો પડિયો હલાવતાં હલાવતાં વાંદરાભાઈ કહે : ‘ચતુરરાજ, હવે વિચાર કરી જોજો કે શા અવગુણને કારણે ચતુર પણ મૂરખ બની શકે છે?’

    બાળકો, તમે આનો જવાબ આપી શકશો?

    હવે શિયાળભાઈને ન તો પૂરી પાછી મળી કે ન તો ખીર ચાખવા મળી! પેલા બંને તો ઝાડ ઉપર ખીર-પૂરી ઝાપટતા હતા અને શિયાળભાઈના મોંમાંથી પાણી ટપકતું હતું!

    ચતુર બાળકો, ખીર-પૂરીની વાત થઈ પૂરી. હવે બરાબર વિચાર કરીને કહો જોઈએ. કોણ ચતુર?

સ્રોત

  • પુસ્તક : ઈશ્વર પરમારની શ્રેષ્ઠ બાળવાર્તાઓ (પૃષ્ઠ ક્રમાંક 17)
  • સંપાદક : યશવન્ત મહેતા, શ્રદ્ધા ત્રિવેદી
  • પ્રકાશક : ગૂર્જર ગ્રંથરત્ન કાર્યાલય
  • વર્ષ : 2022