Kadvu Madh - Children Stories | RekhtaGujarati

કડવું મધ

Kadvu Madh

ઈશ્વર પરમાર ઈશ્વર પરમાર
કડવું મધ
ઈશ્વર પરમાર

બે બિલાડીઓ ચાલી જાય છે એક કાળી છે. બીજી કાબરી છે. બેઉનાં મોં પડી ગયાં છે. થોડી વાર સુધી તો કોઈ કંઈ બોલી શકતું નથી. પછી વાતચીત શરૂ કરે છે :

કાબરી : ‘બેન, બેના ઝઘડામાં ત્રીજો ફાવે તે આનું નામ. આપણે કેવાં છેતરાયાં!’

કાળી : ‘મને તો એમ કે વાંદરાભાઈ આપણી રોટલીના બે સરખા ભાગ પાડી આપશે અને સાચો ન્યાય આપશે.’

કાબરી : ‘પણ વાંદરાભાઈ તો ત્રાજવામાં સરખો ભાગ જોખવાને બહાને કકડે કકડે આખી રોટલી ખાઈ ગયા!’

બાલમિત્રો, બંને બિલાડીબહેનોને ઓળખી ગયા ને? પોતાને મળેલી રોટલીનો બરાબર અડધો-અડધ ભાગ કરાવવા વાંદરાભાઈ પાસે ગઈ અને પરિણામે સમૂળગી રોટલી ખોઈ! તેઓ નિરાશ થઈને પાછી ફરી. રસ્તામાં કંઈ બોલવુંય સૂઝ્યું. થોડી વાર પછી એમની જીભ ખૂલી :

કાબરી : ‘બેન, હવેથી આપણે આપસમાં ઝધડીશું નહિ.’

કાળી : ‘અને કદાચ ઝઘડો થાય તો તેનો નિકાલ પણ આપસમાં કરી લઈશું.’

કાબરી : ‘બરાબર છે. આપણે એમ નહિ કરીએ તો લૂંટાઈ જઈશું.’

કાળી : ‘બેન, આપણે જેમ મોંઘો પાઠ ભણ્યાં તેમ વાંદરાભાઈને પણ મોંઘો અને સાચો પાઠ ભણાવવો જોઈએ એમ તને નથી લાગતું?’

કાબરી : ‘બહુ સરસ વિચાર છે. ખોટો ન્યાય કરનારને અને બીજાની ચીજ પચાવી જનારને પાઠ તો ભણાવવો જોઈએ સજા થવી જોઈએ.’

કાળી : ‘એવી તો કડક સજા થવી જોઈએ કે ન્યાય કરવાનું છોડી દે!’

કાબરી : ‘પણ માટે કરવું શું?’

કાળી : ‘મને એક યોજના સૂઝે છે. એના વિશે વધુ વિચાર અને તપાસ કરીને સાંજે તને બરાબર સમજાવી દઈશ. મને ભીખુ શેઠના ઘરમાં મળજે.’

સાંજે ઘરમાં બેઉ મળ્યાં. કાળીએ કાબરીને આખી યોજના બરાબર સમજાવી દીધી. બીજે દિવસે સવારે વાંદરાભાઈ રહેતા હતા તે ઝાડ નીચે આવીને એમણે નાટક શરૂ કર્યું :

કાળી : ‘તારાથી તો હું ભારી ત્રાસી ગઈ છું; હવેથી મારી સાથે તારે આવવું નહિ અને રહેવુંયે નહિ.’

કાબરી : ‘હું ગુલામ થઈને તારી સાથે રહેવા પણ ઇચ્છતી નથી.’

કાળી : ‘તને ગુલામ બનાવીને મેં તારો શું ગરાસ લૂંટી લીધો તો કહે?’

કાબરી : ‘જો તું ગરાસ લૂંટતી ના હોય તો જવાબ આપ : પેલા મધપૂડાના મધ પર કોનો હક્ક થાય?’

કાળી : ‘મારો હક્ક થાય.’

કાબરી : ‘કઈ રીતે?’

કાળી : ‘કારણ કે ઘરમાં હું વરસોથી રહું છું.’

કાબરી : ‘એ ખરું પણ એમાંનો મધપૂડો તો મેં તને બતાવેલો ને?’

કાળી : ‘એ ખરું, પણ ભીખુ શેઠે ધુમાડા કરીને એમાંથી મધમાખી ઉડાડી મેલી છે અને સાંજે તો તેઓ મધપૂડો ઉતારી લેનાર છે બાતમી તો મેં મેળવેલી ને?’

કાબરી : ‘સો વાતની એક વાત. મધપૂડાનું મધ તો હું ખાઈશ.’

કાળી : ‘તો હું તને પીંખી નાખીશ.’

બસ, પછી તો બંને ડોળા કઢીને એકમેકને ઘૂરકવા લાગી. બંનેની પૂંછડીઓ ઊભી થઈ. પીઠ ઊંચી થઈ. પંજાના નહોરથી જમીન ખોતરવા લાગી. હવે તો ત્રાટકવાની તૈયારી હતી.

ત્યાં તો ત્રાજવાધારી વાંદરાબાઈ નીચે આવી પહોંચ્યા : ‘અરે... અરે... શાંત થાઓ, કેટલું ખરાબ! ઝઘડવાથી કદી કંઈ વળતું નથી. સારા સંબંધો વણસે છે. મીઠાશ રહેતી નથી. શાંત થાઓ!’

કાબરી : ‘મનમાં આગ હોય ત્યાં વળી શાંતિ કેવી?’

વાંદરાભાઈ : ‘બહેનો, મેં તમારી બધી વાત સાંભળી છે. છતાં મને વિગતવાર સમજાવો. હું તમારો ઝઘડો પતાવી આપીશ.’

કાળી : ‘ભાઈ, શું વાત કરું. કાબરી તો ડગલે ને પગલે મારી ભાગીદાર થાય છે; હું તો એનાથી ત્રાસી.’

કાબરી : ‘એ મારા હક્કને ડુબાડીને મને ગુલામ બનાવવા માગે છે. ગુલામી દૂર કરવા તો મરી ફીટવું જોઈએ ને?’

કાળી : ‘કાબરી, તને વળી હક્ક શાનો?’

કાબરી : ‘હું તારી જોડે વાત કરવા ઇચ્છતી નથી.’

વાંદરાભાઈ : ‘તમે એકબીજા સામે ના બોલો. મને તમારી વાત કહો.’

કાળી : ‘વાંદરાભાઈ, હું જે ઘરમાં રહું છું તે ઘરના મોભ પર મધપૂડો બંધાયો છે અને ગઈ કાલે સાંજે મકાનમાલિકે ધુમાડો કરીને એમાંની મધમાખીઓ ઉડાડી મેલી છે.’

વાંદરાભાઈ : ‘તમે ક્યાં રહો છો?’

કાળી : ‘મંદિરની પડખે આવેલા ભીખુ શેઠના ઘરમાં.’

કાબરી : ‘કાળી, તો કહે કે ઘરમાંનો મધપૂડો તને બતાવ્યો કોણે?’

કાળી : ‘હું તારી જોડે વાત કરવા ઇચ્છતી નથી.’

કાબરી : ‘વાંદરાભાઈ, મેં એને મધપૂડો બતાવેલો.’

વાંદરાભાઈ : ‘એ ઘરમાં મધપૂડો કઈ જગાએ છે?’

કાબરી : ‘ઘરના મોભને ડાબે છેડે. છાપરા પરથી બાજુનું છેલ્લું નળિયું ઉપાડો કે તરત મધપૂડાનું મધ મોંમાં આવે એમ છે.’

કાળી : ‘એ તો ભીખુ શેઠે ધુમાડો કરીને એમાંની મધમાખીઓને ઉડાડી મેલી છે એટલે મોંમાં મધ આવે તેમ છે; નહિતર તો ખબર પડે. તને ઠીક મધલાળ વળગી છે.’

કાબરી : ‘મધલાળ ખરેખર કોને વળગી છે તો હમણાં ખબર પડી જશે. વાંદરાભાઈ, અમને ન્યાય આપો.’

વાંદરાભાઈ : ‘તમારી વાતો ભારે અટપટી છે. મને વિચારવા દો.’

કાળી : ‘ભાઈ, જલદી વિચાર કરીને ન્યાય આપો. સાંજે તો મધપૂડો ઉતારી લેવાશે.’

વાંદરાભાઈ વિચાર કરવા લાગ્યા : ‘આ બિલાડીઓ ખરેખર મૂરખ છે. એક વાર છેતરાઈ જવા છતાં ફરી છેતરાવા આવી છે! ભરપેટ મીઠું-મધુરું મધ પીવાનો આનાથી વધારે સારો મોકો ક્યાં મળવાનો છે? વળી, સાંજે તો મધપૂડો ઉતારી લેવાશે. પહેલાં અત્યારે મારે મધની મિજબાની ઉડાવી લેવી જોઈએ.’

કાળી : ‘ભાઈ, કોઈનીય શેહ-શરમ રાખ્યા વગર તમને જે સાચું લાગે તે મહેરબાની કરીને તરત કહો.’

કાબરી : ‘ભાઈ, મને અમારા પર જરાય ભરોસો નથી. પણ બંનેને તમારી બુદ્ધિ પર પૂરો ભરોસો છે. તમે જે કહેશો તે કબૂલ-મંજૂર છે.’

કાળી : ‘મને પણ કબૂલ-મંજૂર છે.’

વાંદરાભાઈ : ‘બહેનો, તમે મારામાં ફરી વિશ્વાસ મૂક્યો છે તે માટે તમારો આભાર માનું છું.’

કાળી : ‘તમારા પર ભરોસો કેમ મૂકીએ? પેલી રોટલીના કકડા ખાઈ જઈને તમે અમારો કેટલો સરસ મન-મેળ કરાવી દીધો!’

વાંદરાભાઈ : ‘આ વખતે પણ તમે મારો ફેંસલો સ્વીકારશો એની મને ખાતરી છે; પણ એક ન્યાયાધીશ તરીકે મારી ફરજ છે કે મારે તમારી વિગત ચકાસી લેવી જોઈએ. બોલો, તમારી માંગણીને મજબૂત કરે તેવા કોઈ તમારા ટેકેદાર કે સાક્ષી મળશે ખરા?’

કાબરી : ‘એ તો ક્યાંથી મળે, ભાઈ?’

વાંદરાભાઈ : ‘એટલે મારું કામ અઘરું થયું ને ને, બેન! તેથી હું ભીખું શેઠને છાપરે જઈને બધી વાત ચકાસી આવું ત્યાં સુધી તમે અહીં રહેજો.’

વાંદરાભાઈ તો મધમાખી વગરનો મધભરેલો મધપૂડો મોંમાં મૂકવા હરખાઈને હૂ...પ હૂ...પ કરતા કરતા ભીખું શેઠના ઘરને છાપરે પહોંચી ગયા. મોભની ડાબી બાજુનું છેલ્લું નળિયું ઉપાડ્યું. મધપૂડો બહાર આવી ગયો.

વાંદરાભાઈ ઉતાવળે એને મોં તરફ જતા હતા ત્યાં તો એમાંની મધમાખીઓએ વાંદરાભાઈના આખા ડિલ પર ડંખ મારવા શરૂ કર્યા અને પછીનું તો પૂછશો મા!

વાંદરાભાઈએ ચીસાચીસ કરી મેલી. ફળિયામાં એમનાં નાચ-ગાન જોવા તાળીઓ પાડતાં ટાબરિયાં ભેગાં થઈ ગયાં. પેલી બિલાડીઓ પણ તમાશો જોવા આવી પહોંચી હતી. હવે વાંદરાભાઈથી ડંખ સહેવાયા નહિ તેથી તો છાપરાં કૂદતા જાય ભાગ્યા!

એક ગલૂડિયું પણ કાળી બિલાડીને પડખે તમાશો જોતું ઊભેલું. એણે પૂછ્યું : ‘મીનીમાસી, વાંદરાકાકા આમ ભાગે કાં?’

કાળીએ જવાબ આપ્યો, ‘ભઈલા, એને મધ કડવું લાગ્યું ને તેથી!’

સ્રોત

  • પુસ્તક : ઈશ્વર પરમારની શ્રેષ્ઠ બાળવાર્તાઓ (પૃષ્ઠ ક્રમાંક 108)
  • સંપાદક : યશવન્ત મહેતા, શ્રદ્ધા ત્રિવેદી
  • પ્રકાશક : ગૂર્જર ગ્રંથરત્ન કાર્યાલય
  • વર્ષ : 2022