golabhaina hath-pag - Children Stories | RekhtaGujarati

રેખ્તા ગુજરાતી ઉત્સવ - 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો

રજિસ્ટ્રેશન કરો

ગોળાભાઈના હાથ-પગ

golabhaina hath-pag

હર્ષદ ત્રિવેદી હર્ષદ ત્રિવેદી
ગોળાભાઈના હાથ-પગ
હર્ષદ ત્રિવેદી

    ગોળાભાઈને હાથ-પગ કશું જ નહીં. બિચારા જ્યાં બેસાડો ત્યાં બેસી રહે. પોતાના પેટમાં ઠંડું પાણી સંઘરી રાખે. તરસ્યાને પ્રેમથી પાણી પાય. એમનામાં કોઈ જાતનો ભેદભાવ નહીં. ક્યારેય કોઈને ના ન કહે. બેઠા બેઠા સહુની તરસ છિપાવે. પાણી પીને કોઈ ‘હાશ’ એમ કહે ત્યારે ગોળાભાઈને ખૂબ આનંદ થતો. આમ તો ગોળાભાઈ સદાય રાજી રહે પણ એમને એક વાતનું દુઃખ. પોતાને જો હાથ-પગ હોત તો કેવું સારું થાત! ગમે ત્યારે બહાર ફરવા જઈ શકાય, કૂદી શકાય અને થન્ થન્ન્ થન્ નાચી શકાય. ગોળાભાઈને તો બસ હાથ-પગની જ ખોટ સાલ્યા કરે. બહાર મદારી આવે ત્યારે ખેલ જોવાનું બહુ મન થાય. પણ બહાર જઈ ન શકાય એટલે ડુગડુગીના તાલે ડોલ્યા કરે. શેરીમાં છોકરાંઓ સાથે રમવાની પણ ઇચ્છા થાય. પણ કરે શું? એમને થતું કે મારે જો હાથ-પગ હોત તો હું આખી દુનિયા ફરવા જાત!

    એક દિવસ ગોળાભાઈને વિચાર આવ્યો. એમણે ભગવાનને ખૂબ પ્રાર્થના કરી. સાચા દિલથી પ્રાર્થના કરીએ તો ભગવાન સાંભળે જ ને? ભગવાન ગોળાભાઈ ઉપર પ્રસન્ન થયા. એ તો ગોળાભાઈની બરાબર સામે આવીને ઊભા રહ્યા. પછી કહે, ‘હે ગોળા! માગ, માગ. તું જે માગે તે આપું!’ ગોળાભાઈ કહે, ‘મારે રૂપિયા ન જોઈએ, બંગલો ન જોઈએ. પરંતુ હું જે માગું તે સાચ્ચે જ આપવાના હો તો મને બે હાથ ને બે પગ આપો. જેથી હું મારી મરજી પ્રમાણે જ્યાં જવું હોય ત્યાં ફરવા જઈ શકું. આ એક જ જગ્યાએ એકલા બેઠાં બેઠાં ગમતું નથી.’ તરત જ ભગવાને આંખો બંધ કરી અને ગોળાભાઈ ઉપર હાથ મૂક્યો. ત્યાં તો કેવો ચમત્કાર થયો! ગોળાભાઈને સરસ મજાના નાના નાના બે-બે હાથ-પગ ઊગી નીકળ્યા. ગોળાભાઈના આનંદનો પાર નહીં. એ તો મંડ્યા હાથ-પગ હલાવવા. થોડા સમયમાં તો ગોળાભાઈ ચાલતાંય શીખી ગયા. ઘડીમાં ઓસરીમાં તો ઘડીમાં ઓરડામાં, ચારેબાજુ આંટાફેરા કરવા લાગ્યા. ગોળાભાઈને બરાબર ચાલતાં ફાવી ગયું એટલે તો દૂર સુધી ફરવા પણ જવા લાગ્યા.

    આ રીતે ફરતાં ફરતાં ગોળાભાઈ જંગલમાં પહોંચી ગયા. જંગલમાં તો કેટલાં બધાં ઝાડ હોય! દરેક ઝાડ ઉપર કાગડા, ચકલી, મોર, પોપટ, કોયલ, લક્કડખોદ કેટલાં બધાં પક્ષીઓ હોય! એ બધાં જ ગોળાભાઈનાં ભાઈબંધ થઈ ગયાં. પછી તો રોજ ગોળાભાઈ જંગલમાં ફરવા જાય. નાચે-કૂદે ને તોફાન-મસ્તી કર્યા કરે. હવે એમને ભાઈબંધોનો પાર નહોતો. વાઘ, સિંહ, વરુ, હાથી અને હરણ જેવાં કેટલાંય પ્રાણીઓ એમના ભાઈબંધ બની ગયાં. કોઈ એમને હેરાન કરે નહીં, બધાં પક્ષીઓ-પ્રાણીઓ તરસ્યાં થાય ત્યારે ગોળાભાઈના પેટમાંથી પાણી પીએ. સહુ પૂછતાં જાય, ‘કાં ગોળાભાઈ કેમ છો? મજામાં ને?’ ગોળાભાઈ હસતાં હસતાં જવાબ આપે, ‘તમે બધાં મારા ભાઈબંધો હો પછી હું મજામાં જ હોઉં ને!’

    જંગલમાં એક મોટો રાક્ષસ પણ રહેતો હતો. એક દિવસ એ દોડતો દોડતો આવી પહોંચ્યો. મોટા મોટા અવાજો કરવા લાગ્યો. ઝાડ-પાન પણ ધ્રૂજવા લાગ્યાં. હાથી, વાઘ, સિંહ બધાં જ પ્રાણીઓ ઝડપથી પોતપોતાની જગ્યાએ દોડી ગયાં. પક્ષીઓ બધાં પાંખો ફફડાવીને ઝાડ ઉપર માળામાં સંતાઈ ગયાં. બાકી રહી ગયા એકલા ગોળાભાઈ. એમના નાના હાથ-પગ તે ઝાડ ઉપર શી રીતે ચઢી શકાય? એમને થયું કે ભગવાન પાસે પાંખો પણ માગી લીધી હોત તો સારું થાત. એ તો બિચારા એક ઝાડ નીચે આંખો બંધ કરીને બેસી ગયા. રાક્ષસે ચારે તરફ મોટા મોટા ડોળાવાળી આંખો ફેરવી. ક્યાંય કશું ન દેખાયું એટલે પેલા ઝાડ પાસે આવ્યો. આવીને જુએ તો ગોળાભાઈ ધ્રૂજતા બેઠા છે. રાક્ષસે એના મોટા હાથ વડે ગોળાભાઈને ઊંચક્યા અને કહે તને ખાઈ જાઉં! ગોળાભાઈ તો રડવા લાગ્યા. રડતા રડતા વિનંતી કરી. મને ખાઈ ન જશો. મારા વિના બધાંને પાણી કોણ પાશે? પણ રાક્ષસ બહુ ભયંકર હતો, એ તો ગોળાભાઈનું બધું પાણી પી ગયો. અને જતાં જતાં ગોળાભાઈના હાથ-પગ કાપતો ગયો. ગોળાભાઈ પાછા હતા એવા, હાથ-પગ વિનાના થઈ ગયા.

    હાથ-પગ વગર ગોળાભાઈ પાછા ઘેર પણ શી રીતે આવી શકે? જંગલમાં ઝાડ નીચે જ પડ્યા પડ્યા રડતા રહેતા. બે-ત્રણ દિવસ પછી એક માણસ ત્યાંથી પસાર થયો. એણે ગોળાભાઈને જોયા. એટલે હાથમાં પકડીને પોતાને ઘેર લઈ ગયો. ગોળાભાઈને પાણિયારામાં બેસાડ્યા ને એમના પેટમાં પાણી ભર્યું. જ્યારે તરસ લાગે ત્યારે પાણી પીએ.

    બિચારા ગોળાભાઈને રાક્ષસની હજીયે બીક લાગે છે. એમને જંગલ અને ભાઈબંધો ખૂબ યાદ આવે છે. પણ ત્યાં જઈ શકતા નથી એટલે ઉદાસ રહ્યા કરે છે.

સ્રોત

  • પુસ્તક : પાણીકલર (પૃષ્ઠ ક્રમાંક 9)
  • સર્જક : હર્ષદ ત્રિવેદી
  • પ્રકાશક : ડિવાઇન પબ્લિકેશન્સ
  • વર્ષ : 2017
  • આવૃત્તિ : ત્રીજી સંવર્ધિત આવૃત્તિ