
બીજે દિવસે નિશાળનો સમય થયાં સહુ પ્રાણીઓ આવી પહોંચ્યાં અને કપિરાજે શીખવવાનું શરૂ કર્યું : “જંગલમાં રહેનાર દરેક પ્રાણીએ પોતાનો ખોરાક જાતે શોધવાનો હોય છે. ખોરાકની શોધમાં નીકળનાર આવાં પ્રાણીઓ, ક્યારેક મોટાં હિંસક પ્રાણીઓનો શિકાર થઈ પડતાં હોય છે. એટલે જ્યારે પણ તમારામાંથી કોઈ આવી રીતે અન્ય જંગલી પ્રાણીનો શિકાર થઈ પડે ત્યારે સહુ પ્રથમ ભયને દૂર કરવો. મરવાનું તો બધાએ એક વખત છે જ. કોઈએ આજે તો કોઈએ કાલે. તેથી મરવાનો ભય મનમાં રાખવો નહીં. ભય દૂર કરીને, મનને સ્વસ્થ રાખીને, ખૂબ શાંતિથી, ધીરજથી વિચારવું. જે શાંતિ રાખે છે તે સંકટને પાર કરી શકે છે, કારણ કે દરેક મુશ્કેલીનો કોઈ ને કોઈ ઉપાય છે. મનને શાંત રાખીએ તો મુશ્કેલી દૂર કરવાનો ઉપાય જરૂર મળી રહે. માટે પાઠ મોઢે કરી લાવજો. આટલું કહીને કપિરાજે વર્ગ છોડી મૂક્યો.
મસ્તરામ સસલો પાઠ ગોખતો-ગોખતો ઘર તરફ વળ્યો : ‘દરેક મુશ્કેલીનો ઉપાય છે તે માટે મનને શાંત રાખવું જરૂરી છે.’ ગોખતાં ગોખતાં તે બેધ્યાનપણે જતો હતો. ત્યાં આજે પાછો પેલા સિંહના બચ્ચાનો ભેટો થઈ ગયો.
ગઈકાલે મસ્તરામના ગયા પછી શિકાર કરીને સિંહણ પાછી ફરી ત્યારે બચ્ચાએ તેની માતાને સઘળી વાત કહી. તેની માતાએ તેને સમજાવતાં કહ્યું, “આપણે તો વનના રાજા કહેવાઈએ. આપણે સહુથી બળવાન છીએ એટલે આપણે કોઈથી ડરવાનું નહીં. હવે જો તને એ સસલો દેખાય તો તારે એના પર તરાપ મારી એને પકડી લેવાનો. એને ભાગી જવા દેવાય નહીં. એ આપણી પાસેથી ભાગી જાય તો તેમાં આપણી શોભા નહીં.”
સિંહના બચ્ચાએ તેની માતાએ આપેલી શિખામણ બરાબર યાદ રાખેલી. એટલે આજે તેણે મસ્તરામ સસલાને જોયો તેવો જ પકડી લીધો. બિચારો મસ્તરામ! સિંહના બચ્ચાના હાથમાં જડપાઈ ગયો. ત્યાં જ તેને ગુરુજીએ શીખવેલો બીજો બોધપાઠ યાદ આપ્યો : ‘મુશ્કેલી આવે ત્યારે મનને શાંત રાખવું અને દરેક મુશ્કેલીનો ઉપાય છે.’ તેણે વિચારવા માંડ્યું કે આ મુસીબતમાંથી છૂટવાનો શો ઉપાય હોઈ શકે? એટલામાં તો સિંહનું બચ્ચું બોલ્યું, “કાલે તો તું મારી પાસે જૂઠું બોલ્યો. તું અલ્યા આવડો અમથો અને સરદાર ક્યાંથી થઈ ગયો? સરદાર તો અમે છીએ. સાવજ, વનના રાજ. તું તો છે આટલોક અમસ્તો ટેણિયો.”
“શું હું ટેણિયો છું?” મસ્તરામે જાણી-જોઈને વાત લંબાવવાના ઇરાદાથી પૂછ્યું.
“હા, હા ટેણિયો. સસલો ટેણિયો.”
“હું શું તમને નાનો લાગું છું?” શાણા સસલા મસ્તરામે પૂછ્યું,
“હાસ્તો, નાનાને નાનો જ કહેવાય.”
“કેવડો નાનો, જરા કહેશો?” સસલાએ સિંહબાળને પૂછ્યું.
“જો આટલો,” કહી સિંહે પોતાના આગલા બન્ને પગ પહોળા કરીને બતાવ્યું. એટલે મસ્તરામ તો પગ નીચેથી છટકીને આઘો બેઠો. સિંહના પંજામાંથી તો છૂટ્યો પણ હજુ ત્યાંથી ભાગવું સહેલું ન હતું. ફરીથી સિંહબાળ તરાપ મારી તેને પકડી શકે તેમ હતો. એટલે તેણે બુદ્ધિ દોડાવી કહ્યું, “હું જો તમને આવડોક લાગું છું, તો મારું બચ્ચું તો તમને ઘણું નાનું લાગશે, નહીં?” સસલાએ પૂછ્યું.
“અલ્યા! તારું બચ્ચું?” સિહંબાળ હસી પડ્યો.
“કેમ હસો છો?”
“અલ્યા! તું જ મને તો બાળક જેવો લાગે છે અને તું તારા બચ્ચાની વાત કરે છે?”
“તમે મારા બચ્ચાને નથી જોયું? ઊભા રહો, હું લઈ આવું,” કહી મસ્તરામ ભાગ્યો. જતાંજતાં બોલ્યો, “અહીં જ રહેજો. હમણાં બચ્ચાને લઈને આવું છું.”
કહી હસતો-હસતો મસ્તરામ ઘરભેગો થયો.
ગુરુજીએ શીખવેલો બીજો બોધપાઠ પણ તેને બરાબર આવડી ગયો. એટલે તે ખૂબ ખુશ થયો. સિંહબાળે મસ્તરામના પાછા ફરવાની ખૂબ રાહ જોઈ. પછી તે નદીએ પાણી પીવા ચાલ્યો ગયો.



સ્રોત
- પુસ્તક : અરુણિકા દરૂની શ્રેષ્ઠ બાળવાર્તાઓ (પૃષ્ઠ ક્રમાંક 150)
- સંપાદક : યશવન્ત મહેતા, શ્રદ્ધા ત્રિવેદી
- પ્રકાશક : ગૂર્જર ગ્રંથરત્ન કાર્યાલય
- વર્ષ : 2013