રેખ્તા ગુજરાતી ઉત્સવ - 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો
રજિસ્ટ્રેશન કરોએક વેપારી હતો. એનું મકાન બહુ મોટું અને પૈસોય પુષ્કળ. એટલે એને મકાનમાં ચોરી થવાનો ડર લાગે. એણે એક ચોકીદાર રાખવાનો વિચાર કર્યો. પણ ચોકીદારને મહિને બે હજાર આપવા પડે તે એને છાતીએ વાગ્યા. એક વરસના પચીસ હજાર અંદાજે થઈ જાય. ચોકીદાર રાખવાનો વિચાર તેણે માંડી જ વાળ્યો.
એક દિવસ એ દુકાને બેઠો હતો. એવામાં કોઈક માણસ એના પાળેલા કૂતરા સાથે જતો તેણે જોયો. એ જોતાં જ એને વિચાર આવ્યો કે કૂતરો પાળ્યો હોય તો સસ્તો પડે. એ દિવસ-રાત ચોકી કર્યા કરે.
એટલે એણે એક હજાર રૂપિયામાં કૂતરો ખરીદ કર્યો અને ઘરના ઓટલા પર બાંધી રાખ્યો. કૂતરો ભસ્યા કરે. દિવસેય ભસે અને રાતેય ભસે. એટલે વેપારી રાજીરાજી થઈ ગયો. ચોર આવે કે તરત કૂતરો ભસવા માંડે. એટલે ચોર મકાન પાસે આવવાની હિંમત જ કરે નહિ.
પણ કૂતરાને તો આખો વખત, દિવસ ને રાત ભસ્યા કરવાની ટેવ પડી ગઈ. રાતે એ ભસ્યા કરે એટલે પડોશીઓની ઊઁઘ બગડવા માંડી. એમણે વેપારીને મળીને ફરિયાદ કરી કે તમારો કૂતરો રાતે ભસ્યા કરે છે એટલે અમારી ઊંઘમાં ખલેલ પડે છે.
વેપારી કહે : ‘કૂતરો છે તે ભસે તો ખરો જ ને? કૂતરો નહિ ભસે તો આપણે ભસવાના છીએ? અને કૂતરો ભસતો રહેશે તો ચોર નહિ આવે.’
પડોશીઓએ કહ્યું : ‘ચોર આવે કે ના આવે, પણ કૂતરાનો ઉપાય કરો.’
વેપારીએ ઉડાઉ જવાબ દીધો : ‘કૂતરાનો શો ઉપાય કરું? એને ભસતો કેવી રીતે બંધ કરું? એને મોઢે કંઈ તાળું થોડું વસાય છે?’
પડોશીઓ બરાબર ખિજાયા. એમને થયું કે વેપારી સીધી રીતે નહિ માને. એને જરા પરચો બતાવવો પડશે. પડોશીમાં એક ઉસ્તાદ હતો. તેણે કહ્યું : ‘તમે હવે મારા પર ભરોસો રાખો. હું એ વેપારીને પાઠ ભણાવીશ.’
એ પડોશી એક કુંભાર પાસે ગયો. કુંભારને કહે : ‘તારો ગધેડો થોડા દિવસ માટે ભાડે આપીશ?’
કુંભાર કહે : ‘ગધેડો ભાડે લેવો છે?’ રેતી ને ઈંટો લાવવી છે? મને જ કામ સોંપી દો. બધું હેમખેમ પાર પાડી દઈશ.’
પેલા પડોશીએ કહ્યું : ‘એવું કામ નથી. અમારે ગધેડાનું કામ છે. પણ આખો વખત હોંચી હોંચી કરે તેવો ગધેડો જોઈએ.’
કુંભાર કહે : ‘આ કાબરાને લઈ જાવ. એને ભેજામાં વારે ને ઘડીએ ભૂંકવાની ચળ ઊપડે છે. એ થોડી થોડી વારે ભૂંક્યા જ કરે છે?
પડોશીએ ગધેડો ભાડે લીધો. કુંભારે કહ્યું : ‘એના કાનમાં જરા સળેખડું ખોસજો. એટલે એ ભૂંક્યા જ કરશે.’
પડોશીએ તો પોતાને આંગણે ગધેડો લાવીને બાંધ્યો. ગધેડાને એણે રાતે કાનમાં સળેખડું ખોસ્યું. એટલે ગધેડાનું હોંચી હોંચીનું સંગીત ચાલુ થઈ ગયું. ગધેડાને જોરદાર સંગીતના સૂર છેડતો જોઈને કૂતરોય દંગ થઈ ગયો. શરૂઆતમાં તો એ ગધેડાની સામે ભસતો રહ્યો પણ પછી એ થાકી ગયો. ગધેડાના હોંચી હોંચી આગળ એ શરમાઈ ગયો ને ભસતો બંધ થઈ ગયો.
ગધેડો રોજ રાતે મોટે મોટેથી ભૂંકવા માંડે. વેપારી ત્રાસી ગયો. પેલા પડોશીને એ મળ્યો : ‘ગધેડો તમારો છે?’
‘હા, કેમ? મેં ગધેડો પાળ્યો છે. મને ચોરી થવાની બીક લાગે છે. એટલે.’
વેપારી કહે : ‘પણ કેટલું જોરથી હોંચી હોંચી કરે છે?’
પડોશી કહે : ‘ગધેડો છે તે હોંચી હોંચી કરે જ ને? એ હોંચી હોંચી નહિ કરે તો આપણે હોંચી હોંચી કરવામાં છીએ?’
વેપારી સમજી ગયો કે પડોશી માથાના મળ્યા. એણે કૂતરો વેચી માર્યો. એટલે પડોશીએ પણ ગધેડો પાછો કુંભારને સોંપી દીધો.
સ્રોત
- પુસ્તક : મધુસૂદન પારેખની શ્રેષ્ઠ બાળવાર્તાઓ (પૃષ્ઠ ક્રમાંક 147)
- સંપાદક : યશવન્ત મહેતા, શ્રદ્ધા ત્રિવેદી
- પ્રકાશક : ગૂર્જર ગ્રંથરત્ન કાર્યાલય
- વર્ષ : 2022