જાદુ
Jadu
અનિલ જોશી
Anil Joshi

જગતપુરના જંગલમાં જાંબુડીનું એક ઝાડ હતું. એ ઝાડમાં જલારામ નામે એક સફેદ પોપટ રહેતો હતો અને જમાલ નામે એક સફેદ કાગડો રહેતો હતો. જલારામ અને જમાલની સફેદ દૂધ જેવી જોડી જામતી હતી. જુવારના સફેદ દાણા ખાઈને જમાલ અને જલારામ જલસા કરતા હતા.
એક દિવસ જલારામ કહે : “મને જુવારનું જમણ નથી ગમતું.” જમાલ કહે : “ચાલ, કાંઈક બીજું ખાઈએ!”
જમાલ અને જલારામ તો ઊડ્યા, ઊડતાં ઊડતાં આખા જંગલમાં ફર્યા. જમાલને એવી ભૂખ લાગી કે જાંબુડીના ઝાડ ઉપર બેસી જાંબુ ખાવા લાગ્યો અને જલારામ મરચું ખાવા લાગ્યો. જમાલને જાંબુ બહુ ભાવ્યાં અને જલારામને મરચાં ખૂબ ભાવ્યાં. આમ જાંબુ ને મરચાંનાં જમણ જમીને જમાલ કાગડો અને જલારામ પોપટ ઊડ્યા. ત્યારે જાદુ થયો. જમાલ કાગડો જાંબુ ખાઈને કાળો થઈ ગયો અને જલારામ પોપટ મરચાં ખાઈને લીલો થઈ ગયો.



સ્રોત
- પુસ્તક : અમર બાલકથાઓ (પૃષ્ઠ ક્રમાંક 406)
- સંપાદક : શ્રદ્ધા ત્રિવેદી
- પ્રકાશક : આર.આર. શેઠ ઍન્ડ કંપની પ્રા. લિ.
- વર્ષ : 2020