Raju rangalo - Children Stories | RekhtaGujarati

રેખ્તા ગુજરાતી ઉત્સવ - 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો

રજિસ્ટ્રેશન કરો

રાજુ રંગારો

Raju rangalo

ઉદયન ઠક્કર ઉદયન ઠક્કર
રાજુ રંગારો
ઉદયન ઠક્કર

    રોજ સવારે આઠ વાગ્યે રાજુ રંગારો ખાખી ચડ્ડીમાં ઘૂસે. પછી ભૂરું ખમ્મીસ પહેરે. જાત જાતનાં પીંછાં લે અને નીકળી પડે રંગ લગાડવા. દિવસભર મકાનો રંગે અને થાકીપાકીને રાત્રે ઘર ભેગો થાય.

    આખો વખત બ્રશ ઘસી ઘસીને રાજ કંટાળી જાય. કામથી તોબા તોબા પોકારી જાય. પણ હા, રાજુનો એક નિયમ. અગિયાર મહિના કમ્મરતોડ કામ કરે. પછી એક મહિનાની છુટ્ટી! વૅકેશનમાં એ રંગના ડબ્બા અને પીંછાં લઈને રખડવા નીકળી પડે. મન ફાવે ત્યાં જાય. મન ફાવે ત્યાં તેને રંગ ચોપડે.

    આ વખતે વૅકેશન પડ્યું ત્યારે રાજુને થયું કે ‘ચાલ જીવ, જંગલમાં જઈએ.’ ચાલતાં-ચાલતાં જંગલ આવ્યું. સામેથી નીકળ્યું એક હરણ. રાજુએ હરણને પૂછ્યું,

    “કેમ, શો ધંધો છે તારો? હું તો છું રાજુ રંગારો!”

    “એમ? સાચ્ચેસાચ તને રંગ લગાડતાં આવડે છે?” હરણ કહેવા લાગ્યું, “તો મારાં શિંગડાં સોનેરી રંગી નાખ ને... મારે રામ-સીતાના સોનેરી હરણ જેવું દેખાવું છે.”

    રાજુએ તો પીંછું કાઢ્યું અને બોલ્યો,

    “એમાં શું, ભઈ, એમાં શું?

    સોન-શિંગડાં, મંતર છૂ!”

    અને ખરેખર, હરણનાં શિંગડાં સોનેરી ચમકતાં થઈ ગયાં. હરણ ખુશ-ખુશ નાચતું-ગાતું ચાલી ગયું.

    આસપાસનાં ઝાડ પરથી ચકલીઓ આ બધું જોતી હતી.

    એક ઘરડી ચકલી કૂદીને નીચે આવી અને કહેવા લાગી, “નમસ્તે રાજુભાઈ, હું ચકલી છું.” રાજુ બોલ્યો,

    “નમસ્તે ચકલીબેન, નમસ્તે! તમે ક્યાંથી આ રસ્તે?”

    “શું વાત કરું, ભાઈ. અમે ચકલીઓ તો એકદમ દુઃખી છીએ.”

    ઘરડી ચકલીએ રાજુને ફરિયાદ કરી કે જંગલમાંના દુષ્ટ રણકાગડાઓ ચકલીઓને ચાંચ મારે, ખાતી હોય તો કોળિયો ઝૂંટવી લે, માળો તોડી નાખે.

    આ સાંભળીને રાજુ વિચારમાં પડી ગયો. ત્યાં તો એને એક યુક્તિ સૂઝી. એણે ચકલીઓને નીચે બોલાવી. પોતાની નાની પીંછીથી, હળવે-હળવે, દરેક ચકલીને રાતો રંગ લગાડવા માંડ્યો. ચકલીઓ લાલ-ભડક દેખાવા લાગી. ખબર જ ન પડે કે માળું આ ક્યું પક્ષી છે! અરે, જોઈને જ ડર લાગે. રાજુ ગેલમાં આવીને બોલ્યો,

“બધી ચકલીઓ લાલમ્લાલ!
ક્યા કાગડાની છે મજાલ?”

    ચકલીઓ હવે બિનધાસ્ત થઈ ગઈ. એ બધી હસતી હસતી ફરરર ફરરર ઊડી ગઈ.

    થોડા દિવસ પસાર થયા. ભાત ભાતનાં ફળ ખાતો રાજુ આગળ વધતો હતો. ત્યાં તો ઝીણો રડવાનો અવાજ સંભળાયો. આજુબાજુ જોયું તો કોઈ નહીં! ત્યાં તો પાછું ડૂસકું સંભળાયું. અચ્છા, તો આ ઝાડ જ ઊભું ઊભું રડે છે... રાજુએ ઝાડને થપથપાવ્યું, “ભઇલા, એવી તે શી મુશ્કેલી છે તને? વાત તો કર...”

    ઝાડ ધીમે ધીમે કહેવા લાગ્યું. આગલા દિવસે જ એનો પવન સાથે ઝઘડો થઈ ગયેલો. રાત પડી, ત્યારે ગુસ્સે ભરાયેલા પવન ફૂંક મારી મારીને ઝાડનાં બધાં પાંદડાં પાડી નાખ્યાં. ઝાડ બિચારું બાંડું થઈ ગયું! પાંદડાં વગર ટાલકું થઈ ગયું!

    રાજુ હિંમત આપતાં બોલ્યો,

“ભલે પવનનો બચ્ચો
ફાવે તેમ કરે તોફાન!
હમણાં ઊગશે પાછાં
તારી ડાળે ડાળે પાન... “

    –એમ કહીને એણે તો લીલા રંગનો ડબ્બો ખોલ્યો. જોતજોતામાં ઝાડની ડાળી પર લીલુડાં પાંદડાં ચીતરી દીધાં. થોડાં ગુલાબી ફૂલો પણ ચીતર્યાં. આવાં ફૂલ-પાંદડાંને પવન હવે કેવી રીતે તોડે? ડિંગો! પવન તો ચાટ પડીને જોતો જ રહી ગયો.

    આગળ રસ્તામાં રાજુ રંગારાએ બીજીય જાત જાતની મજાઓ કરી. એક ડુક્કરને સર્કસમાં કામ કરવું હતું. તો એને પીળા-કાળા ચટાપટા દોરી આપ્યા. બધાં એને જોઈને છક્ક થઈ જતાં, ને પૂછતાં કે વાઘ આવો કાંદાની ગૂણી જેવો જાડિયો કેમ લાગે છે! એક નાનું શહેર આવ્યું. ત્યાં રસ્તા પર બત્તીના થાંભલાઓ જોઈ રાજુને એક તુક્કો સૂઝ્યો. એણે થાંભલાઓ પર મોઢાં ચીતરવા માંડ્યાં. નાક દોર્યું. હસતા હોઠ દોર્યા. પીળા-કેસરી વાળ દોર્યા. ગોળમટોળ આંખો દોરી. થાંભલો સાવ માણસ જેવો લાગે. બીજો થાંભલો વળી નવી રીતે ચીતર્યો. એમાં કોઈ બીજા જ માણસનું મોઢું ચીતર્યું. રાજુને ચીતરકામ કરતો જોવા શહેરના માણસો ટોળે વળવા લાગ્યા.

    એમ કરતાં કરતાં રાજુનું વૅકેશન પૂરું થયું. છેલ્લી રાત્રે એ એક મંદિરની દીવાલ પાસે સૂતો હતો. એણે દીવાલ પર ચીતર્યું, “ભગવાન, કાલથી હું ફરી પાછો અગિયાર મહિના મકાન રંગવા જઈશ; પણ એ કામ મને બિલકુલ ગમતું નથી. મને મદદ કરો.”

    સવારના એ ઊઠ્યો ત્યારે શહેરના માણસો આજુબાજુ ઊભા હતા. એ બધાં કહેવા લાગ્યા, “ભઈ રાજુ રંગારા! તું અહીં જ રહે. તારા હસતા-રમતા બત્તીના થાંભલાઓ વડે અમારું શહેર કેવું રૂપાળું દેખાય છે!...

    તું વધારે ને વધારે થાંભલાઓ ચીતર, અને અમે તને પગાર આપીશું.”

    રાજુ રંગારો રાજી-રાજી થઈ ગયો! એને પોતાનું મનગમતું કામ મળી ગયું હતું.

    દોસ્ત, તમને તમારું મનગમતું કામ મળી ગયું છે?

સ્રોત

  • પુસ્તક : ઉદયન ઠક્કરની મનપસંદ બાળવાર્તાઓ (પૃષ્ઠ ક્રમાંક 54)
  • સંપાદક : સાંકળચંદ પટેલ
  • પ્રકાશક : રન્નાદે પ્રકાશન
  • વર્ષ : 2012