Chalak Haran - Children Stories | RekhtaGujarati

રેખ્તા ગુજરાતી ઉત્સવ - 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો

રજિસ્ટ્રેશન કરો

ચાલાક હરણ

Chalak Haran

અરુણિકા દરૂ અરુણિકા દરૂ
ચાલાક હરણ
અરુણિકા દરૂ

    એક વાર હીરુ હરણને જંગલમાં ભાગતાં ભાગતાં એક મોટા ખડકની ધાર વાગી ગઈ. અને સખત ચોટ લાગતાં એ તો એક પગે લંગડું થઈ ગયું. હવે પગની આ તકલીફને કારણે તે પોતાના રહેઠાણની નજીકમાંનું ઘાસ ખાઈને સૂઈ રહેતું.

    એમ કરતાં બેચાર દિવસ થયા. એક દિવસ કંટાળીને તે થોડે દૂર સુધી ચરવા ગયું. ચરતાં ચરતાં તેનું ધ્યાન ન હતું તેવે વખતે, એક શિયાળ લપાતુંછુપાતું, તેની એકદમ નજદીક આવી ગયું. અચાનક એ તરફથી પવનની લહરી આવતાં હીરુ હરણે શિયાળની ગંધ પારખી. શિયાળ ઘણું નજદીક હતું અને પોતે પગે લંગડાતું હતું. હવે સીધી રીતે ભાગી જવાનું શક્ય જ ન હતું. કોઈ યુક્તિ કરે તો જ છટકી શકાય. અચાનક જ એને એક વિચાર આવ્યો અને તે તો “ઓ બાપ રે! શકરો સિંહ આવ્યો!” એમ ચીસો પાડ્યું શિયાળની જ દિશામાં ભાગ્યું.

    અચાનક જ હરણને પોતાની દિશામાં ભાગી આવતું જોઈને, શિયાળ ચમક્યું અને સિંહનું નામ પડતાં જ હીરુ હરણનો શિકાર કરવાનું છોડીને ભાગ્યું. આગળ શિયાળ ભાગે અને તેની પાછળ હરણ ભાગે. એમ કરતાં હરણ તો થોડું આડું ફંટાઈને સિફતથી પોતાના રહેઠાણે પહોંચી ગયું.

    થોડે દૂર પહોંચ્યા પછી શિયાળ અટક્યું. જરૂર હવે તો શકરા સિંહે, હીરુ હરણનો શિકાર કરી જ નાખ્યો હશે માનીને પાછું ફરીને જોયું, તો ન મળે શકરો સિંહ કે ન મળે હીરુ હરણ. હરણે સિંહનું નામ દઈ પોતાને છેતર્યું અને પોતે આટલું ચાલાક હોવા છતાં, હાથમાં આવેલો શિકાર ગુમાવ્યો એનો એને અફસોસ થયો અને ગમે તે રીતે તે લંગડા હરણને મારી નાખી, ખાઈ જવાનો તેણે નિશ્ચય કર્યો.

    આ બનાવ પછી બે દિવસ તો હીરુ હરણ બહુ બહાર ન નીકળ્યું પણ પછી શિયાળનો ભય છોડી, એ તો છોડે દૂર સુધી ચરવા ગયું. હજુ એના પગે દુખાવો થતો હતો એટલે એ દુખતો પગ જમીન પર ટેકવ્યા સિવાય, કેવળ ત્રણ પગની મદદથી જ લંગડાતું ચાલતું હતું. તે દિવસે તે શિયાળના આગમન વિશે પૂરેપૂરું સાવધાન થઈને ચરતું હતું. શિયાળે જોયું કે હીરુ એકલું જ એક સ્થળે ચરે છે. હજુ એનો એક પગ એ જમીન પર ટેકવી શકતું નથી, તેથી એને ધરપત થઈ કે આજે હવે હીરુ ભાગી શકશે નહીં. એણે તો પૂરી સ્વસ્થતાથી હરણ પર તરાપ મારી. પણ હીરુ હરણ તો પૂરું સાવધ જ હતું. શિયાળે જેવી છલાંગ મારી કે હીરુ ત્રણ પગે દોડતું ભાગ્યું. શિયાળ તો બરાબર હરણ ઊભેલું એ સ્થળે જ પડ્યું. તે સ્થળે  લાલ મોટી કીડીઓનો રાફડો હતો. હરણ તો પગે લંગડાતું હોવાથી પગ ઊંચો રાખીને ઊભું હતું એટલે એને કીડીઓથી કંઈ તકલીફ ન થઈ, પણ શિયાળનો આગલો પગ બરાબર ત્યાં જ પડ્યો એટલે રાફડામાંની કીડીઓ તેને પગે વળગીને ચટકા ભરવા માંડી. શિયાળ અકળાયું. પગ ખંખેરીને કીડીઓ દૂર કરવા રોકાયું. તે દરમિયાન રહેઠાણ પર પહોંચવા માટે પૂરતો સમય હીરુ હરણને મળ્યો. તે લંગડાતું હોવા છતાં આબાદ બચી ગયું. આમ બીજી વાર પણ હીરુ હરણ શિયાળને હંફાવી ગયું.

    ઉપરની ઘટનાને ચારપાંચ દિવસ માંડ થયા હશે. હજુ હરણનો પગ પૂરેપૂરો સાજો થયો ન હતો છતાં હવે તેને ખાસ તકલીફ થતી ન હતી. હવે  ચારે પગે ચાલી શકતું હતું. બપોરનો સમય હતો. હરણ તો તરસ્યું થયું એટલે નદીકિનારે પાણી પીવા ગયું. નદી સાંકડી હતી અને તેનો કિનારો નિર્જન હતો. કોઈ પશુ કે પંખી નદીકિનારે ન હતાં.

    હીરુ તો ત્યાં જઈ પાણી પીવા લાગ્યું ત્યાં અચાનક પાછળથી શિયાળ ટપકી પડ્યું. થયું એવું કે બે વખતે હીરુએ ચાલાક શિયાળને છેતર્યું હતું તેથી શિયાળ છેલ્લા ચારેક દિવસથી તેની બધી હિલચાલ છૂપી રીતે જોયા કરતું હતું. તેને એકલું નદીકિનારે જોઈને તેણે પાણી પીતાં પાછળથી તરાપ મારી. એમ કરતાં હરણની નાની પૂંછડી શિયાળના મોંમાં આવી ગઈ. શિયાળ ખુશ થયું. હવે ભાઈસાબ કેવી રીતે છટકી જશે?

    ત્યાં જ અકળાયેલું હરણ જીવ પર આવીને મરણિયું થઈને ચારે પગે કૂદ્યું. કૂદતાંની સાથે પાછલા પગની લાત શિયાળને મોં પર લાગી અને શિયાળનું મોં ખૂલી જતાં મોંમાં પકડેલી હરણની પૂંછડી બહાર નીકળી ગઈ અને હરણ તો જાય ભાગ્યું. લાત લાગેલું શિયાળ હજુ સ્વસ્થ થાય ત્યાં તો હરણ, સાંકડી નદીનો પટ કુદાવીને પેલે પાર પહોંચીને અદૃશ્ય થઈ ગયું.

    બિચારું શિયાળ! પોતાની જાતને અતિ ચાલાક માનતું હતું પણ હીરુ હરણે એને ત્રણ-ત્રણ વાર થાપ આપી.

સ્રોત

  • પુસ્તક : અરુણિકા દરૂની શ્રેષ્ઠ બાળવાર્તાઓ (પૃષ્ઠ ક્રમાંક 75)
  • સંપાદક : યશવન્ત મહેતા, શ્રદ્ધા ત્રિવેદી
  • પ્રકાશક : ગૂર્જર ગ્રંથરત્ન કાર્યાલય
  • વર્ષ : 2013