રેખ્તા ગુજરાતી ઉત્સવ - 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો
રજિસ્ટ્રેશન કરોચારે કોરે ડુંગર ડુંગર ને ડુંગર ને તેની વચમાં હતું નાનકડું ગામ. ગામમાં થોડાંક ઝૂંપડાં ને ગામ બહાર એક ઝરણું ખળખળ વહે. ઝરણે જઈને ગામલોકો નહાય-ધૂવે ને પીવાનું પાણી ભરે.
એ ગામમાં એક ઝૂંપડામાં ગરીબ મા-દીકરી રહેતાં હતાં. દસ વરસની દીકરી ખૂબ ડાહી હતી, કંઈ ને કંઈ ઘરકામ કરતી જ હોય. માને એ બહુ જ વહાલી હતી.
મા પાસે એક બહુ જ કીમતી ચીજ હતી – હીરાનો હાર. માએ તે દીકરીને આપ્યો. દીકરી હારને બહુ સાચવતી ને પહેરતી.
દીકરી રોજ સવારે ઝરણા પાસે જાય. ઘડામાં પાણી ભરે ને ઘેર આવે. ઝરણામાં પોતાનો હાર પડી ન જાય એટલા માટે હાર કિનારે મૂકીને પછી જ ઝરણામાં પગ મૂકે. પછી ઘડામાં પાણી ભરીને એ કેડે મૂકે. બહાર આવીને કિનારા પરનો હાર સાચવીને પાછો પહેરી લે.
એક વાર રોજની જેમ એ સવારે ઝરણા પાસે આવી. હાર કિનારે મૂક્યો. ઝરણામાં પગ મૂક્યો. ઘડામાં પાણી ભર્યું. ઘડો કેડે મૂક્યો. બહાર આવી; ત્યાં તો પડખેના ડુંગરામાંથી એક ભિખારી બહાર આવ્યો – કાળાં કપડાં, જિંથરા વાળ. ટૂંકી દાઢી ને લાંબી મૂછ! દીકરી તો ડરીને ઘર તરફ ભાગી. કિનારા પરનો હાર લેવાનું ભુલાઈ ગયું; ઘેર પહોંચી આવી ત્યારે તેને હાર સાંભર્યો; હાર લેવા એ પાછી ઝરણા પાસે ગઈ.
ઝરણા પાસે પેલો ભિખારી વાટ જોતો ઊભો જ હતો. બીજું કોઈ હતું નહિ. જેવી દીકરી ઝરણા નજીક પહોંચી કે તેને પાછળથી પકડીને ઝટપટ કોથળામાં પૂરી દીધી ને કોથળાનું મોં સીવી દીધું. કોથળો ખભે મૂકીને એ તો ડુંગરા પાર કરીને બીજે ગામ આવી ગયો.
હવે એણે ભીખ માગવાની રીત બદલાવી નાખી; ઘરોઘર માગવાનું બંધ. હવે ગામના ચોકમાં ઊભીને રાડો નાખે; ‘જોવા આવો જાદુ! ગીત ગાતો કોથળો! ગીત સાંભળો ને કંજૂસ થયા વગર પૈસા ફેંકો!’ ટોળું બરાબર જામે એટલે ભિખારી હાથમાં સોટી લઈને હવામાં વીંઝે. એવા જોરથી સોટી વીંઝે કે અવાજ આવે : સૂ...ઉ...ઉ...ઉ...! પછી ભિખારી કોથળા તરફ જોઈને જોરથી બોલે :
‘ગા કોથળા ગા, નકર સોટી સબસબ ખા,
ગા કોથળા ગા, નકર સોટી સબસબ ખા!’
પછી કોથળામાંની દીકરી બીકની મારી ગીત ગાય. ગીત તો રડવું આવી જાય એવું ગાય, પણ કોઈને ખબર ન પડે કે કોથળામાં નાનકી છોકરી છે! લોકો ગીત સાંભળીને કોથળા તરફ પૈસા ફેંકે : ખનનન... ખનનન...
આમ ગામેગામ ફરીને ભિખારીએ ખૂબ પૈસા ભેગા કર્યા. પોતે ખૂબ મેવા-મીઠાઈ ઝાપટે અને છોકરીને રોટલાના ટાઢા ટુકડા જ આપે. થોડી વાર પછી છોકરીને પાછી કોથળામાં પૂરી દે ને ઊપડે બીજે ગામ.
એક વાર તો ભિખારી છોકરીની મા રહેતી હતી એ ગામમાં આવી ચડ્યો. ગામના ચોકમાં ઊભા રહીને રાડો નાખી : ‘જોવા આવો જાદુ! ગીત ગાતો કોથળો! ગીત સાંભળો ને કંજૂસ થયા વગર પૈસા ફેંકો!’
ટોળું બરાબર જામ્યું એટલે ભિખારીએ હાથમાં સોટી લઈને હવામાં વીંઝી : ‘સૂ...ઉ...ઉ...ઉ...!’ પછી ભિખારી કોથળા તરફ જોઈને જોરથી બોલ્યો :
‘ગા કોથળા ગા, નકર સોટી સબસબ ખા,
ગા કોથળા ગા, નકર સોટી સબસબ ખા!’
પછી છોકરીએ બીકના માર્યા ગીત ગાયું. ગીત તો રડવું આવે એવું હતું, પણ કોઈને ખબર ન પડી કે કોથળામાં તો ગામની જ છોકરી છે! હા, છોકરીની મા પોતાની દીકરીનો અવાજ ઓળખી ગઈ.
માએ પેલા ભિખારીને નોતરું આપ્યું : ‘ભાઈ, આજે મારી ઝૂંપડીએ આરામ કરજો. થાક્યા હશો.’ પૈસા ભેગા કરીને અને ખભે કોથળો મૂકીને ભિખારી પેલી ઝૂંપડીએ ગયો.
માએ તો ભિખારીને ખૂબ ખવડાવ્યું એને ખૂબ ઊંઘ આવવા માંડી. ઝટ ખાટલો પાથરી દીધો. એના પર ધબ્ પડતોકને એ તો માંડ્યો ઘોરવા : ઘરરરર... ઘરરરર... ઘરરર...ઘરરરર...
હવે માએ કોથળો છોડીને દીકરીને બહાર કાઢી. એને ગરમાગરમ રસોઈ જમાડી; ને એ પછી એનેય સુવડાવી દીધી.
પછી માએ પોતે પાળેલ એક કૂતરો ને એક બિલાડીને કોથળામાં મૂકીને કોથળો જેમ હતો તેમ સીવીને મૂકી દીધો.
સવાર પડી. હજુ તો અંધારું હતું. ભિખારી તો આવજો કે આભાર બોલ્યા વગર ખભે કોથળો મૂકીને રવાના થઈ ગયો.
બીજે ગામ આવીને ચોકમાં રાડ નાખી : ‘જોવા આવો જાદુ! ગીત ગાતો કોથળો! ગીત સાંભળો ને કંજૂસ થયા વગર પૈસા ફેંકો!’ ટોળું બરાબર જામ્યું એટલે ભિખારીએ હાથમાં સોટી લઈને હવામાં વીંઝી : સૂ...ઉ...ઉ...! પછી ભિખારી કોથળા તરફ જોઈને જોરથી બોલ્યો :
‘ગા કોથળા ગા, નકર સોટી સબસબ ખા,
ગા કોથળા ગા, નકર સોટી સબસબ ખા!’
–પણ કોથળો ચૂપ! ભિખારી ચિડાયો. બીજી વાર જોરથી બોલ્યો :
ગા કોથળા ગા, નકર સોટી સબસબ ખા,
ગા કોથળા ગા, નકર સોટી સબસબ ખા!’
–પણ કોથળો ચૂપ! ભિખારીએ ખિજાઈને કોથળા પર સબોસબ સોટી ફટકારવા માંડી ને અંદરથી આવ્યો અવાજ! ભૌ ભૌ... મ્યાઉં... મ્યાઉં... ભૌ...ભૌ...મ્યાઉં...મ્યાઉં...!’
ભેગા થયેલા માણસો તો હસવા માંડ્યા, વાહ! આ તો બહુ મજાનું ગીત! ભિખારી તો હવે પેલી છોકરીને બરાબર ફટકારવા માગતો હતો. રડવું આવે એવું ગીત ગાવાને બદલે ભૌ-મ્યાઉં કરાય?
ભિખારીએ તરત કોથળો ખોલ્યો ને એમાંથી નીકળ્યાં : કૂતરો ને બિલાડી! કૂતરો તો કૂદીને ભિખારીને પગે વળગ્યો ને બિલાડી કૂદીને ખભે! ભિખારી તો બેયથી માંડ છૂટીને વોય વોય કરતો જાય ભાગ્યો!
કૂતરો-બિલાડી તો પાછાં પોતાને ગામ આવીને ઝૂંપડે હાજર થઈ ગયાં. માને થયું : પેલો હીરાનો હાર ભલે પાછો ન મળ્યો પણ હીરા જેવી દીકરી તો પાછી મળી ગઈ! હવે તો ઝૂંપડું આખ્ખું ખુશમ્ ખુશ!
સ્રોત
- પુસ્તક : ઈશ્વર પરમારની શ્રેષ્ઠ બાળવાર્તાઓ (પૃષ્ઠ ક્રમાંક 69)
- સંપાદક : યશવન્ત મહેતા, શ્રદ્ધા ત્રિવેદી
- પ્રકાશક : ગૂર્જર ગ્રંથરત્ન કાર્યાલય
- વર્ષ : 2022