Sachaboli Gaay - Children Stories | RekhtaGujarati

રેખ્તા ગુજરાતી ઉત્સવ - 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો

રજિસ્ટ્રેશન કરો

સાચાબોલી ગાય

Sachaboli Gaay

ઉમાશંકર જોશી ઉમાશંકર જોશી
સાચાબોલી ગાય
ઉમાશંકર જોશી

           ઊંચો ઊંચો એક ડુંગર હતો. ગામની સીમમાં ચરી ગાયો ક્યારેક ડુંગરની ખીણમાં ચાલી જતી. ત્યાં ચારો ચરતી અને ઝરણાંનું મીઠું પાણી પીતી. સાંજ પડ્યે ગોવાળ ધણને ગામમાં પાછું વાળી લાવતો.

           એક દિવસ એક ગાય પાછળ રહી ગઈ. સૂરજ ડૂબી ગયો હતો. અંધારું પડવા માંડ્યું હતું. ગાયને થયું, : “હું પણ કેવી! મારું વાછરડું બીચારું રાહ જોતું હશે!”

           ડોક લંબાવીને ગાય તો ઊભી પૂંછડીએ દોડી. ત્યાં ડુંગરની ખીણમાંથી છલાંગ મારીને એક વાઘ ગાયની સામે આવીને ઊભો. ગાય થંભી ગઈ. વાઘ કહે, “તને ખાઉં.”

           ગાય કહે, “ભાઈ, ઘેર મારું વછરડું મારી વાટ જોતું હશે. તે બિચારું ભૂખ્યું થયું હશે.” 

           વાઘ કહે, “મારું બચ્ચું પણ બહુખૂ થયું છે. એને માટે હું ખાવાનું શોધું છું. તું ઠીક લાગમાં આવી છે. હવે તને છોડું કે?”

           ગાય કહે, “ભલે, પણ ભાઈ, હું ઘેર જઈ મારા વાછરડાને ધવરાવી આવું. પછી તું મને મારજે.”

           વાઘ કહે, “ખરી છે તું પણ! મને છેતરવો છે, કેમ? હાથમાં આવેલો શિકાર જવા દઉં તો હું વાઘ શાનો?”

           ગાય કહે, “ભાઈ, તને તારું બચ્ચું બહાલું છે તેમ મને પણ મારું વાછરું વહાલું છે. એને ધવરાવી આવું. એક વાર એનું મોઢું જોઈ આવું. વાછરડાને મળીને હમણાં પાછી આવીશ.”

           વાઘ જરા ઢીલો થયો.

           તે કહે, “ભલે, તો જઈ આવ. પણ મોડું ન કરીશ, સમજી?”

           ગાય તો દોડતી હાંફતી ઘેર પહોંચી. વાછરડું દોડતુંક ને એને વળગી પડ્યું અને ધાવવા લાગ્યું. પેટ ભરીને વાછરડું ધાવી રહ્યું એટલે ગાય એને ડિલ પર, કપાળ પર ને લમણા પર ચાટવા લાગી. વાછરડું તો માનું હેત જોઈને રાજી રાજી થઈ ગયું. ડોક ઊંચી કરીને એણે માની સામે જોયું. જુએ છે તો માની આંખોમાંથી આંસુની ધારા ચાલી જતી હતી.

           વાછરું કહે, “મા, મા, રડે છે કેમ?’

           ગાય કહે, “કાંઈ નહિ, બેટા.”

           વાછરું કહે, “ના પણ મને કહે.”

           ગાય કહે, “બેટા, હું થોડીક મોડી આવી ને તારે એટલી વાર ભૂખ્યા રહેવું પડ્યું. મને થયું, કોઈ વાર હું ન જ આવું તો તારી શી વલે થાય?”

           વાછરું કહે, “પણ તું ન શું કામ આવે? તું તો આવે જ ને? મારા વગર તને બીજે ગમે જ નહિ.”

           સાંભળીને ગાય તો વધુ રડી પડી.

           વાછરું કહે, “મા, મા, શું થયું છે? મને સાચું કહે.”

           ગાય એને ચાટતી ગઈ મને બધી વાત કહેતી ગઈ. ગાય રડતી રડતી બોલી, “બેટા, હવે હું જાઉં.”

           વાછરું કહે, “તો હું પણ આવું.”

           ગાયે ઘણી ના પાડી પણ વાછરડું તો એની પાછળ પાછળ જંગલમાં ગયું. વાઘે દૂરથી ગાયને આવતી જોઈ. પાછળ પાછળ વાછરડાંને જોઈને વાઘને થયું, “ગાયની વાત તો સાચી.”

           ગાય પાસે આવીને કહે, “ભાઈ, હવે મને મારી નાખ.”

           વાઘ તો ગળગળો થઈ ગયો, “બહેન, તું કેવી સાચાબોલી છે! મરવા માટે તે કોઈ આમ પાછું આવતું હશે? અને તું તો બચ્ચા સાથે આવી છે! તમને મારીને હું ક્યાં જાઉં? તારા જેવી સાચાબોલીને હેરાન કરી તે માટે મને તું માફ કરજે!” એમ કહી વાઘ તો છલાંગ મારતો ચાલ્યો ગયો.

           ગાય વાછરડા સાથે ઘેર આવી.

સ્રોત

  • પુસ્તક : અમર બાલકથાઓ (પૃષ્ઠ ક્રમાંક 238)
  • સંપાદક : શ્રદ્ધા ત્રિવેદી
  • પ્રકાશક : આર.આર. શેઠ ઍન્ડ કંપની પ્રા. લિ.
  • વર્ષ : 2020