Mitha Laduna Mota Sapna - Children Stories | RekhtaGujarati

રેખ્તા ગુજરાતી ઉત્સવ - 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો

રજિસ્ટ્રેશન કરો

મીઠા લાડુનાં મોટાં સપનાં

Mitha Laduna Mota Sapna

યશવંત મહેતા યશવંત મહેતા
મીઠા લાડુનાં મોટાં સપનાં
યશવંત મહેતા

    કોઈ એક ગામમાં એક ડોસાજી અને એક ડોસીમા રહેતાં હતાં.

    એક દહાડો ડોસાજી કહે, “ડોસીમા, ડોસીમા! આજ તો લાડુ ખાવાનું મન થયું છે. લચપચતા ઘી ને કોલ્હાપુરી ગોળનો મીઠો મઘમઘતો લાડુ બનાવો.”

    એટલે ડોસીમાએ તો ભાલના મોટા કાઠા ઘઉં દળ્યા. ઝાઝું મોણ નાખીને મૂઠિયાં વાળ્યાં. ભગરી ભેંસના ઘીમાં એ મૂઠિયાં તળ્યાં. પછી કોલ્હાપુરી ગોળ અને લચપચતું ઘી નાખીને લાડુ બનાવ્યા.

    કુલ ત્રણ લાડુ વળ્યા. એક લાડુ ડોસાજીએ ખાધો. એક લાડુ ડોસીમાએ ખાધો. ત્રીજો લાડુ વાડકામાં મૂક્યો. કહે કે સાંજે આ લાડુ વહેંચીને ખાઈશું.

    પછી ડોસીમા લૂગડાં સાંધવા બેઠાં. ડોસાજીએ છાપું લીધું. છાપું વાંચતા જાય ને ડોસીમાને સમાચાર કહેતા જાય.

    એવા એક સમાચાર સાંભળીને લાડુ ચમકી ગયો. ડોસાજી કહેતા હતા : “દિલ્હી શહેરમાં વડા પ્રધાન અવસાન પામ્યા છે. નવા વડા પ્રધાનની શોધ ચાલે છે. કહે છે કે લોકોને મીઠો-મધુરો વડો પ્રધાન જોઈએ છે.”

    લાડુને તો વડો પ્રધાન બનવાનું મન થઈ આવ્યું. મનમાં કહે : ‘મારા જેવું મીઠું-મધુરું જગમાં બીજું કોણ છે!’

    એણે તો વાડકામાં ડોલવા માંડ્યું. નાચવા માંડ્યું. વાડકો પડ્યો આડો અને લાડુ તો દડદડ કરતો બહાર નીકળી ગયો. રસોડું છોડ્યું, રૂમ છોડ્યો, છાપું વાંચતા ડોસા છોડ્યા, લૂગડાં સાંધતાં ડોસી છોડ્યાં... ગામ છોડીને લાડુ દોડવા લાગ્યો. વહેલું આવે દિલ્હી.

    થોડુંક ચાલતાં વન આવ્યું. વનમાં ઊંચાં ઝાડ આવ્યાં. એમાં વચ્ચે નાનાંમોટાં જાનવર વસે. પહેલાં તો એક સસલો સામે મળ્યો. લચપચતો લાડુ જોઈને સસલાના મોંમાં પાણી આવી ગયું. એ કહે, “લાડુ લાડુ! તને ખાઉં!”

    લાડુ કહે, “પહેલાં મને એક ગીત ગાઈ લેવા દે. પછી મને ખાજે.”

    એણે તો ગાવા માંડ્યું.

કાઠા મોટા ઘઉં લીધા
ને મીઠો લીધો ગોળ,
ભગરી ભેંસનું ઘી ઉમેરી
કીધી ચોળાચોળ.
એમ કરીને લાડુ વાળ્યો
પૂરા ગોળમટોળ;
હું તો ચાલ્યો દિલ્હી, સસ્સા,
ઊભો આંખો ચોળ!

    આમ બોલતાં જ લાડુએ ગડગડતી દોટ મૂકી. સસલો બિચારો આંખો ચોળતો રહી ગયો.

    લાડુ તો ક્યાં... ય દૂર નીકળી ગયો. એટલામાં એને એક વરુ મળ્યો. લચપચતો લાડવો જોઈને વરુના મોંમાં પાણી આવી ગયું. એ કહે, “લાડુ, લાડુ! હું તને ખાઉં!’

    લાડુ કહે, “ઘડીક ખમી જા, વીરા! હું એક ગીત ગાઉં.”

    એણે તો ગાવા માંડ્યું :

કાઠા મોટા ઘઉં લીધા
ને મીઠો લીધો ગોળ,
ભગરી ભેંસનું ઘી ઉમેરી
કીધી ચોળાચોળ.
એમ કરીને લાડુ વાળ્યો
પૂરો ગોળમટોળ;
હું તો ચાલ્યો દિલ્હી,
વરુ, ઊભો આંખો ચોળ!

    આમ બોલતાં જ લાડુએ ગડગડતી દોટ મૂકી. વરુ બિચારો આંખો ચોળતો રહી ગયો.

    વળી, પાછો લાડુ તો દૂરદૂર નીકળી ગયો. રસ્તામાં એને રીંછ મળ્યું, વાઘ મળ્યો, સિંહ મળ્યો. બધાંયને એણે ગીતને બહાને ઉલ્લુ બનાવ્યાં. બધાંયને આંખો ચોળતાં રાખ્યાં અને પોતે નાસી છૂટ્યો.

    વનનો છેડો હવે હાથવેંતમાં હતો. આટલાં બધાં જાનવરોને લાડુએ મૂરખ બનાવ્યાં હતાં. એના અભિમાનનો પાર નહોતો. એને લાગ્યું કે મારા જેવો મીઠાબોલો જગતમાં કોઈ નહિ હોય. દિલ્હીનો વડા પ્રધાન તો હું જ બનીશ!

    લાડુ તો વડા પ્રધાનપદનાં સપનાં જુએ છે ને દડબડ-દડબડ દોડ્યે જાય છે. ત્યાં શકરો શિયાળ સામો મળ્યો. શકરાએ કહ્યું, લાડુ, “લાડુ, હું તને ખાઉં!”

    લાડુ કહે, “ઘડીક ખમી જા, વીરા! હું એક મીઠુંમીઠું ગીત ગાઈ લઉં.”

    અને એણે પોતાનું ગીત ગાવા માંડ્યું :

કાઠા મોટા ઘઉં લીધા
ને મીઠો લીધો ગોળ,
ભગરી ભેંસનું ઘી ઉમેરી
કીધી ચોળાચોળ.
એમ કરીને લાડુ વાળ્યો
પૂરો ગોળમટોળ;
હું તો ચાલ્યો, દિલ્હી,
શિયાળ, ઊભો આંખો ચોળ!

    ત્યાં તો શિયાળે આંખોને બદલે કાન આમળવા માંડ્યા. એ બોલ્યો, “ભાઈ લાડુ! ઘડપણને કારણે મારા કાન જરા કાચા થઈ ગયા છે. તારો અવાજ તો ભારે મીઠો લાગે છે. પણ તેં શું ગાયું એ મને સંભળાયું નહિ જરાક મારા કાનની નજીક આવીને ગીત ગા.”

    લાડુ રાજી થઈ ગયો. ચતુર શિયાળ પણ મારા અવાજને વખાણે છે. વાહ, વાહ! આવા મીઠા અવાજથી હું જરૂર વડો પ્રધાન થઈશ. લાવ, બાપડા શિયાળને મારા ગીતનો ફરી વાર લાભ આપું.

    આમ વિચારીને લાડુ નજીક સરક્યો. શિયાળના કાનની નજીક જઈને ગીત ગાવા લાગ્યો.

    પણ આ વખતે એનું ગીત પૂરું ન થયું. બે લીટી ગાઈ હશે ત્યાં જ શિયાળે ઝડપ મારીને એને ઝાલી લીધો. પેટમાં પધરાવી દીધો.

    લાડુભાઈની દિલ્હી-જાતરા અહીં જ પૂરી થઈ ગઈ! વડો પ્રધાન બનવાનાં સપનાં પણ રોળાઈ ગયાં!

સ્રોત

  • પુસ્તક : યશવન્ત મહેતાની શ્રેષ્ઠ બાળવાર્તાઓ (પૃષ્ઠ ક્રમાંક 105)
  • સંપાદક : યશવન્ત મહેતા, શ્રદ્ધા ત્રિવેદી
  • પ્રકાશક : ગૂર્જર ગ્રંથરત્ન કાર્યાલય
  • વર્ષ : 2024