રેખ્તા ગુજરાતી ઉત્સવ - 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો
રજિસ્ટ્રેશન કરોએક હતું ફૂલ.
કળીમાંથી તાજું જ ખીલેલું એ ફૂલ સાવ બચૂકડું અને નમણું હતું.
ફૂલની પાંખડીઓ તો કોમળ અને મખમલ જેવી લિસ્સી હતી.
વાયરાની લહેરે ફૂલ તો મજાનું ડાળી પર ઝૂલવા માંડ્યું.
ડાળી આમ તેમ ઝૂલે, ને ફૂલને બહુ મજા પડે.
ફૂલની નજર સૂરજ પર પડી ગઈ. એ હરખનું માર્યું બોલી ઊઠ્યું :
‘સૂરજદાદા, સૂરજદાદા! મારે તમારી પાસે આવવું છે?’
સૂરજદાદા હસવા લાગ્યા. બોલ્યા નહિ.
ફૂલ કહે : ના દાદા, મારે તો આવવું જ છે!
સૂરજ કહે : મારી પાસે ના અવાય, તું તારે ડાળી પર હીંચ્યા કર ને!
ફૂલ તો હઠે ચડ્યું, એ કહે : દાદા, હું તો તમારી પાસે આવીશ! થોડી વારમાં જ સૂરજદાદા વાદળ પાછળ સંતાઈ ગયા.
મોટા પહાડ જેવડું ધોળું વાદળ, ને એની પાછળ સૂરજદાદા સંતાઈ ગયા! ફૂલનું મોઢું તો ચઢી ગયું. એ બોલ્યું. :
–જાઓ, મારે તમારી પાસે આવવું ય નથી ને બોલવું ય નથી!
ફરી થોડી વાર થઈ ત્યાં એક પતંગિયું ઊડી આવ્યું.
પતંગિયાની મજાની પાંખ જોઈને ફૂલની આંખો ચમકી ઊઠી. એ બોલ્યું : પતંગિયાભાઈ! મને તમારી આ રંગબેરંગી પાંખો આપો ને!
પતંગિયું કહે : કેમ ભાઈ, તમારે વળી મારી પાંખોની શી જરૂર પડી?
ફૂલ કહે : મારે ઊંચે ઊંચે આકાશમાં ઊડવું છે!
પતંગિયું હસવા લાગ્યું : બહુ ઊચે ઊડવાથી તો મારી આ પાંખો થાકી જાય, અરે! બહુ વાયરો હોય તો વળી તૂટી ય જાય... હું તમને મારી પાંખો નહિ આપું!
ફૂલ તો એકદમ રોવા જેવું થઈ ગયું.
પતંગિયું કહે : ફૂલભાઈ, તમે રડશો નહિ. જુઓ, એમ કરો, તમે સમડીબહેનની પાંખો લઈ લ્યો, એ બહુ ઊંચે ઊડી શકે છે!
ફૂલ બોલ્યું : વારું, હું સમડીબહેનને મળું છું!
ફૂલે સાદ પાડ્યો, ને સમડીબહેન આવી પહોંચ્યાં. એ બોલ્યાં : નાના ટબૂકડા ફૂલભાઈ, બોલો શું કામ પડ્યું અમારું!
ફૂલ કહે : સમડીબહેન, તમારી પાંખો મને આપશો?
સમડી વિચારમાં પડી ગઈ. એ બોલી : પાંખોનું તમારે વળી શું કામ છે?
ફૂલ કહે : અમારે ઊંચે ઊંચે આભલામાં ઊડવું છે!
સમડીને ભારે અચંબો થયો, એ કહે : આભે જઈને શું કરશો? ફૂલ હસતું-હસતું બોલ્યું, ‘સૂરજદાદાને મળવા જવું છે મારે!’ સમડી તો આ સાંભળીને ખૂબ હસી, એ બોલી, ‘ફૂલભાઈ, તમે તો મૂરખ છો, સૂરજદાદા પાસે તો વળી જવાતું હશે! એં... એમનો તાપ તો બાળી નાખે એવો છે, હા!...’
સમડીના બોલ સાંભળીને ફૂલનું મોં પડી ગયું. એ તો રડવા લાગ્યું.
ફૂલને રડતું જોઈને સમડી બોલી :
‘ફૂલભાઈ, તમે ચાંદામામા પાસે જાઓ, એ ખૂબ મજાના છે.’
ફૂલ કહે પણ મારી પાસે પાંખો ક્યાં છે?
સમડી કહે : ‘ફૂલભાઈ, મારી પાંખોથી છેક ચાંદામામા પાસે તો ક્યાંથી પહોંચાય? તમે એમ કરો, રોકેટ લઈને ઊપડી જાઓ.’ ફૂલને તો સમડીની વાતમાં કંઈ ઝાઝી ગતાગમ પડી નહિ. સમડી ઊડી ગઈ. અને એ ઊંચે આકાશ ભણી તાકી રહ્યું. સૂરજદાદા તો હજુય વાદળો પાછળ સંતાકૂકડી રમી રહ્યા હતા. ઘડીકમાં દેખાય, ને ઘડીકમાં વાદળ પાછળ છુપાઈ જાય.
ફૂલની નજર ચાંદામામા પર પડી ગઈ. ધોળા દહાડે ઝાંખા દેખાતા ચાંદામામા તો ચાંદીના ઘસાઈ ગયેલા સિક્કા જેવા સાવ ફિક્કા ફિક્કા લાગતા હતા. એમને જોઈને ફૂલ હસી પડ્યું. ને બોલ્યું :
ફૂલ કહે : મારે તમારી પાસે આવવું છે.ચાંદામામા કહે : અહીં ના અવાય ફૂલ દીકરા!
ફૂલ કહે : કેમ ના અવાય મામા?
ચાંદામામા કહે : અહીં તો હવાય નથી... કે કંઈ કહેતાં કૈં ખાવા-પીવાય નથી!...
ફૂલ કહે : તો તમે આટલા રૂપાળા-રૂપાળા શાથી લાગો છો?
ચાંદામામા કહે : અમે સૂરજના પ્રકાશને લીધે આટલા રૂપાળા લાગીએ છીએ.
થોડી વારમાં ચાંદામામા ય વાદળની પાછળ સંતાઈ ગયા.
ફૂલ તો પાછું રડવા જેવું થઈ ગયું.
થોડીક વાર પછી એક નાની બચૂકડી છોકરી આવી. છોકરી તો ફૂલની સામે ટગર-ટગર કરતી જોઈ રહી હતી.
ફૂલ બોલ્યું : કેમ છે? સારું છે?
છોકરી રોફમાં બોલી : શું ધૂળ સારું છે. જ્યારે જુઓ ત્યારે મમ્મી હોમવર્ક કરવાનું કહ્યા કરે છે! પપ્પા ટી.વી. જોવા દેતા નથી...
ફૂલ હસી પડ્યું.
છોકરીનું મોં તો હજુય ફુલાઈ ગયેલું દેખાતું હતું.
ફૂલ કહે : બેબી, તને હવામાં ઊડતાં આવડે છે?
છોકરી તો પગ પછાડતી, મોં મચકોડતી ઘરમાં દોડી ગાઈ.
ફૂલ ફરી પાછું રોવા જેવું બની ગયું. એણે ઊંચે જોયું તો સૂરજદાદાની આગળથી વાદળો ખસી ગયાં હતાં.
સૂરજદાદાની લાંબી મૂછો, મોટી મોટી આંખો, અને મજાનું રાતું-પીળું મોં મરક-મરક હસી રહ્યુ હતું. એ બોલ્યા :
એય, બચૂકડા ફૂલ તારું નામ શું છે?
ફૂલ તો સૂરજદાદાનો સવાલ સાંભળીને વિચારમાં પડી ગયું.
–એય ટિનકુડા ફૂલ, કેમ ચૂપ થઈ ગયું?
ફૂલ શો જવાબ આપે? ને એને તો પોતાનું નામ જ યાદ નહોતું. હવે? ફૂલે તો આજુબાજુની ડાળીઓ સામે જોયું. એક-બે ફૂલ કાન દઈને સાંભળતાં હોય તેમ એની સામે જોઈ રહ્યાં હતાં. શું એમનેય પોતપોતાનાં નામ યાદ નહિ હોય?
ફૂલે બીજાં ફૂલોને પૂછ્યું : લ્યા, તમને તમારું નામ યાદ છે?
બધાંય ફૂલો બાઘા જેવું મોં કરી એની સામે જોઈ રહ્યાં. એ શો જવાબ આપે?
ફૂલ તો રોવા લાગ્યું.
મોટાં મોટાં ઝાકળનાં બિદુ જેવડા આંસુડાં એની આંખોમાં આવી ગયાં.
સૂરજદાદા એને રોતું જોઈને હસી પડ્યા, એ કહે :
–બસ, તને તારું નામ ય યાદ નથી?
ફૂલ કહે : ના, દાદા!
સૂરજદાદા કહે : એમ કામ કર!
ફૂલ બોલ્યું : બોલો, શું કરું દાદા!
સૂરજદાદા કહે : જો, પેલો નાનકડો હોજ છે. હોજમાં પાણી છે. તું જા, ને એ પાણીમાં તારું મોં જોઈ આવ!
ફૂલને અચરજ થયું, એ મનમાં બોલ્યું : સૂરજદાદોય ગાંડો છે... મારે વળી પાણીમાં મોં જોવાની શી જરૂર છે?
સૂરજદાદાએ ટહુકે કર્યો હોય તેમ વહાલથી કહ્યું :
‘એય, મજાના બચૂકડા ફૂલ, જા, અને પાણીમાં તારું મોં તો જો જરા!
ફૂલ કહે : દાદા, આ હમણાં જ જઈને હોજમાં મારું મોં જોઉં છું, બસ! અને ફૂલ તો ઊપડ્યું – હોજની પાસે.
હોજના ચોખ્ખા અને શાંત જળમાં ફૂલભાઈએ પોતાનું મોં જોયું. ફૂલભાઈને ભારે અચંબો થયો, એ બોલ્યું :
‘ઓત્તારી, મારું મોં તો અદ્દલ સૂરજદાદાના મોં જેવું છે! વાહ ભૈ વાહ!’ સૂરજદાદા હસ્યા. એમની લાંબી મૂછો ફરફર કરતી હલી ઊઠી. ફૂલ તો સૂરજદાદા સામે એકીટસે જોઈ રહ્યું. જોતું જ રહ્યું.
સૂરજદાદા સવાર-બપોર અને સાંજે જેમજેમ ખસતા જાય તેમ તેમ ફૂલ તો એમને જોયા જ કરે. જોયા કરે. સૂરજદાદાએ છેક સાંજે પાછું ફરી પૂછ્યું : ફૂલ તારું નામ?’
ફૂલ આ વખતે રોયું નહિ. એ તો મરક-મરક હસવા લાગ્યું.
સૂરજદાદાએ કહ્યું : ‘દીકરા, તારે મારે પાસે આવવાની જરૂર નથી. હું જ તને મળવા રોજ સવારે આવી પહોંચીશ હોં!’
ફૂલ બોલ્યું : પણ દાદા, મારું નામ તો કહો? ‘તારું નામ સૂરજમુખી!’ બસ એ આમ કહેતા સૂરજદાદા આથમણી દિશામાં છૂ થઈ ગયા.
સ્રોત
- પુસ્તક : રમેશ ત્રિવેદીની શ્રેષ્ઠ બાળવાર્તાઓ (પૃષ્ઠ ક્રમાંક 121)
- સંપાદક : યશવન્ત મહેતા, શ્રદ્ધા ત્રિવેદી
- પ્રકાશક : ગૂર્જર ગ્રંથરત્ન કાર્યાલય
- વર્ષ : 2014