Dikro Dahyo - Children Stories | RekhtaGujarati

રેખ્તા ગુજરાતી ઉત્સવ - 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો

રજિસ્ટ્રેશન કરો

દીકરો ડાહ્યો

Dikro Dahyo

રક્ષા દવે રક્ષા દવે
દીકરો ડાહ્યો
રક્ષા દવે

    એક હતો બાબો. તેનું નામ મનન. તેને કજિયો કરવાની બહુ ટેવ. એક વાર કહે. ‘મારે ખાંડ ખાવી છે.’ મમ્મીએ એક ચપટી ખાંડ આપીને કહ્યું, ‘બહુ ખાંડ ખાઈએને તો શરદી થાય.’ મનને ચપટી ખાંડ ખાઈ લીધી અને ફરીથી ખાંડ માગી. મમ્મીએ બહુ સમજાવ્યો, તો મનને રડવાનું શરૂ કર્યું. પણ મનનની મમ્મી બહુ ડાહી હોં! તેણે બીજો ભાગ આપવાની લાલચ આપી પણ મનનને તો ખાંડ જ ખાવી હતી. મમ્મીએ રમકડાં આપ્યાં, પણ મનને તો રડવાનું ચાલુ જ રાખ્યું. રમે એ બીજા. મમ્મીએ વાર્તા કહેવાનું શરૂ કર્યું, પણ સાંભળે તે બીજા. મમ્મીએ તેને તેડીને આંટા મારવા શરૂ કર્યા, તો મનન પાટા મારવા લાગ્યો, તોફાન કરવા લાગ્યો. મમ્મી કહે, ‘કાલે ખાંડ ફરીથી આપીશ.’ મનન કહે, ‘ના, આજે જ આપ, આજે જ આપ, અં-અં-અં...’ મમ્મી કહે, ‘સાંજે આપીશ હોં, મારો દીકરો બહુ ડાહ્યો. છાનો રહી જા હવે.’ મનન કહે, ‘ના અત્યારે જ આપ.’ પણ મમ્મી બહુ સારી હોં! તેણે મનનને માર્યું નહીં. ધીમેથી બેસાડીને કહે, ‘તારે જેટલું રડવું હોય તેટલું રડ. હું ખાંડ તને નહીં જ આપું. આપવા જેવું આપીશ. નહીં આપવા જેવું તો તું હઠ કરીશ તોય નહીં આપું.’ તેણે મનનને માર્યું નહીં.

    બંટીની મમ્મી તો બહુ ખરાબ. ‘ચૂપ થા, ચૂપ થા’ – કરતી મારતી જાય. પણ લાકડી વાગતી હોય પછી બંટી મૂંગો કેવી રીતે રહે? પણ મનનની મમ્મીએ એવું ન કર્યું. તે તો મનનને રડતો મૂકીને કામ કરવા લાગી.

    મનનની મમ્મી રોજ જમતી વખતે કાગડાને રોટલી આપતી હતી. તે કાગડાએ જોયું કે મનન રડે છે, એટલે એણે યુક્તિ અજમાવી. વીજળીના થાંભલાના તારમાં તથા ઝાડની ડાળીઓમાં બે-ત્રણ પતંગ ભરાઈ ગયા હતા. કાગડો બારી ઉપર બેસી કો-કો-કો કરવા લાગ્યો, તેથી મનનનું ધ્યાન ત્યાં ખેંચાયું. એટલે કાગડો ઊડીને તાર પર બેઠો અને પતંગ ખેંચવા લાગ્યો. પતંગ કાંઈ નીકળે? તેથી કાગડાએ પતંગનો કાગળ ફાડી નાખવાનું શરૂ કર્યું. થોડો કાગળ ફાડે અને બારી ઉપર બેસી મોઢું ખોલે અને કાગળ પડતો મૂકે. તેથી કાગળનો રંગીન ટુકડો ઊડતો-ઊડતો નીચે પડે. બારીની અંદર બેઠેલા મનન ઉપર પણ થોડાક ટુકડા પડ્યા. મનનને તો જોવાની બહુ મજા પડી.

    આમ, કાગડાએ જે બે-ત્રણ પતંગો ટીંગાતા હતા, તે બધા ફાડી ફાડીને તેના ટુકડા લાવી બારી ઉપર બેસીને ઉડાડી-ઉડાડી મનનને ખુશ-ખુશ કરી દીધો. ઘણા બધા ટુકડા ઘરમાં પડ્યા. મનનની મમ્મીએ હમણાં જ સંજવારી કાઢી હતી. પણ મનનની મમ્મી ચિડાણી નહીં હોં! તેણે તો બધા ટુકડા હાથમાં લઈ મનનને બારી પાસે ઊભો રાખી કહ્યું કે ‘આ બધા ટુકડા ઉડાડ એટલે જોવાની મજા આવશે.’ મનને ખોબો ભરીને બધા ટુકડા ઉડાડ્યા, એટલે આકાશમાં લાલ-પીળા-લીલા રંગો ઊડવા લાગ્યા. મનન બોલવા લાગ્યો,

‘પતંગિયાં અહીંયાં ઊડે,
તહીંયાં ઊડે,
અહીંયાં ઊડે,
તહીંયાં ઊડે,
ઊડે-ઊડે-ઊડે.’

    કાગળના આ રંગીન ટુકડાઓ તો ઊડતા-ઊડતા નીચે પડ્યા. નીચે બગીચો હતો, બગીચામાં ફૂલો.

    મનન કહે, ‘મમ્મી, પતંગિયાં પૂલોને મળવા ગયાં.’

    મમ્મી કહે, ‘ફૂલોના કાનમાં વાતો કરવા ગયાં કે મનન દીકરો બહુ ડાહ્યો છે.’

    પછી તો મમ્મીએ બજારમાંથી એક નાનકડી કાતર મનનભાઈને અપાવી અતે થોડા મીણિયા રંગો અપાવ્યા. મનનભાઈ કાંઈક કજિયો કરવાના થાય ત્યારે મમ્મી કોરા કાગળ ઉપર રંગો ઘસવાનું કામ શરૂ કરે. મનનભાઈ તે કામમાં પરોવાઈ જાય, ત્યારે મમ્મી પોતાનું કામ કરી નાખે.

    ફરી વળી મનનભાઈ કજિયો કરવાનું કશું કારણ શોધી કાઢે, ત્યારે મમ્મી ગાવા લાગે :

‘હાલોને કાગળિયા કાપીએ.
મનનની નાની-નાની કાતર લઈને પછી
કટરપટર કાપા મૂકીએ.’

    અને પછી મનનભાઈ રંગીન કાગળિયાં કાપીકાપીને ટુકડા કરતા જાય અને હવામાં ઉડાડતા જાય.

    મનનભાઈ અને તેમની મમ્મીનું આ લાડકું ગીત હતું :

‘કાળા કાળા કાગળનો કાગડો રે કરીએ ને
ધોળાને બગલો બનાવીએ,
- હાલોને, કાગળિયાં કાપીએ.
લાલ લાલ કાગળના ગોળ-ગોળ ચાંદલા ને
ભૂરાનાં કબૂડાં બનાવીએ,
- હાલોને, કાગળિયાં કાપીએ.
પીળા-પીળા કાગળનાં કરીએ પતંગિયાં ને
લીલાના પોપટ બનાવીએ.
- હાલોને, કાગળિયાં. કાપીએ.

સ્રોત

  • પુસ્તક : રક્ષાબહેન દવેની શ્રેષ્ઠ બાળવાર્તાઓ (પૃષ્ઠ ક્રમાંક 43)
  • સંપાદક : યશવન્ત મહેતા, શ્રદ્ધા ત્રિવેદી
  • પ્રકાશક : ગૂર્જર ગ્રંથરત્ન કાર્યાલય
  • વર્ષ : 2023